પ્રેમ સમાધિ
પ્રકરણ-11
વિજય ટંડેલ મદહોશીમાં હતો... બગડેલો મૂડ ફરીથી બનાવવા રોઝી સાથે ફરીથી પેગ બનાવી પી રહેલો ત્યાં એનો સેટેલાઇટ ફોન રણક્યો. એને થોડી ચીડ આવી પણ બેડ ઉપરથી ઉતરી ગયો અને ફોન લઇને એની કેબીનનો દરવાજો ખોલી બહાર ડેક પર આવી ગયો. એણે ફોન રીસીવ કર્યો.
"બોસ તમે પેલાનાં મળતીયાનેજ કામ સોંપ્યું ? કંઇ ગરબડ નહીં થાય ને ? એને જો તમારો ડર હોત તો એ પેલાં મધુ ટંડેલનું કામ લેત ? બોસ તમે....”
વિજયે કહ્યું "તો ફોન કેમ કર્યો ? તને કેવી રીતે ખબર પડી કે મેં યુનુસનેજ કામ સોંપ્યું છે ? તું શીપ પર જ છે ને નાયકા ? એમાં મારે તને સમજવવાની જરૂર છે ? એ આપણી ગેંગમાં કામ કરે છે પેટ ભરીને રૂપિયા ખાય છે હું આપું છું પોષું છું આમાં એક મોટો ફાયદો છે એ આપણને કેટલો વફાદાર છે એનો એસીડ ટેસ્ટ થઇ જશે...”
"સારી વાત એ છે કે એણે તને... ના ઇબ્રાહીમે તને કહી દીધુ.... ઇબ્રાહીમ તો આપણને વફાદાર પુરુવાર થઇજ ગયો હવે યુનુસનો વારો છે પણ મધુટંડેલ પાસે આટલાં પૈસા આવ્યાં ક્યાંથી ? એ સોપારી આપે એવી એની હેસીયત છે ? આમાં ગરબડ શું છે ? મધુ પાસે પૈસાનો એવો કયો સોર્સ છે ?”
"આપણાં પૈસાથી તો એ લહેર કરે છે એજ કામ કરે છે એનો બદલો એને મળે છે પણ તો તપાસ કરવાની વાત છે.”
“ટંડેલ.... રાજુ તું એક કામ કર... કઈ નહીં હમણાં તારી પાસે બીજાં ઘણાં કામ છે તું એમાં ધ્યાન રાખ. હું બધુ નિપટાવું છું મારે મારાં ભૂદેવને સતર્ક કરવા પડશે.. હવે મુંબઇ પહોચવામાં વાર નથી પછી વાત કરીશું.” એમ કહી ફોન કાપ્યો.
વિજયનો ચહેરો અચાનક નિખર્યો... એણે પોતાનાં ખીસામાંથી સીગરેટ અને લાઇટર કાઢ્યા... સીગરેટ બે હોઠ વચ્ચે મૂકી.. કંઇક વિચારમાં લાઇટર ને હાથમાં રમાડતો રહ્યો. પછી સીગરેટ પકડેલાં હોઠ મરકાયાં.. એણે સીગરેટ સળગાવી બે ત્રણ ફૂંક લઈ દમ માર્યા અને પછી ફોન થી ડાયલ કર્યું. સામેથી ફોન રીસીવ કરવાની રાહ જોઇ...ત્યાં સામેથી ફોન ઊંચકાયો.....
*****************
શંકરનાથ ફેમીલી રીક્ષામાં જુનાગઢના પ્રખ્યાત ખાખી ભાજીપાંઉ વાળાની રેકડી પર પહોચી ગયાં. બધાની નાકમાં ભાજીપાઉની સોડમ પ્રસરી ગઈ કલરવે કહ્યું "પાપા શું મસ્ત સુગંધ આવે છે મારાં તો મોઢામાં પાણી આવી ગયું...” નાનકી બોલી “પાપા મને તો ભાજીપાંઉ બહુ ભાવે હું તો એકસ્ત્રા પાંઉ પણ મંગાવીશ ખૂબ ખાઇશ.”
શંકરનાથે ઉમાબેન સામે હસતાં જોઇ કહ્યું "જેને જેટલું ખાવું હોય એ ખાજો પેટ ભરીને ખાજો.. પણ ભીડ કેટલી બધી છે. ચાલો પહેલાં હું ઓર્ડર આપી દઊં.” એમ કહીને રેંકડીની નજીક ગયાં અને ભાજીપાઉવાળાને ચાર ભાજીપાંઉ બટરમાં બનાવવા ઓર્ડર આપ્યો.
ભાજીપાંઉવાળો જાણે ઓળખી ગયો હોય એમ બોલ્યો "માસ્તર સાહેબ આવો આવો... હું સ્પેશીયલ બનાવી આપીશ આંગળા ચાટતાં રહી જશો”. શંકરનાથે કહ્યું “ભાઇ સાચેજ ખૂબ સ્વાદિષ્ટ હોય છે પણ તું મને ઓળખે છે ?”
ભાજીપાંઉવાળાએ કહ્યું "અરે સર હું વારંવાર આવું છું મની ઓર્ડર કરવા અને પૈસા ભરવા.. હું તમને ઘણીવાર જોઉં છું ચાલો તમે અહીં પાછળ આ બાંકડા પર બધા આવી જાવ. હમણાં ગરમા ગરમ ભાજીપાંઉ ખવરાવું છું.”
શંકરનાથ હસતા હસતાં બધાને લઇને પાછળ બતાવ્યો એ બાંકડા પર જઇને બેઠાં. ભાજીપાંઉવાળાએ એવું કહ્યું “હું તમને ઓળખું છું.” એ સાંભળી કલરવ આનંદીત થયો મનમાં વિચાર્યું જુનાગઢમાં પાપાને બધાં ઓળખે અને ત્યાં ચાર પ્લેટ ભાજીપાંઉ આવી ગયાં.
બધાં મૌન થઇ ગયાં... ગરમા ગરમ તેલ-મસાલાથી ભરપુર ભાજી ખાવામાં પડ્યાં. પાંઉભાજી એવાં સરસ માખણમાં કે બધાં વાહ કહેતાં કહેતાં ખાઇ રહ્યાં હતાં.
કલરવે ખાતાં ખાતાં કહ્યું "પાપા મૌજ આવી ગઇ આવાં ભાજીપાંઉ મુંબઇમાં પણ નહીં મળતાં હોય.”. શંકરનાથ ખાતાં ખાતાં બોલ્યાં “સાચી વાત છે બધાં પેટ ભરીને ખાજો બીજા મંગાવવા હોય તોય મંગાવજો આજે આજ જમવાનું છે”.
બધાં ખાઈ રહેલાં ત્યાં શંકરનાથનો મોબાઇલ વાગ્યો. કલરવ ચમક્યો કે પાપાનાં ખીસામાં ફોન છે.
પાપાએ ક્યારે લીધો ? બધાને આશ્ચર્ય થયું ઉમાબહેન કહે “તમારાં ખીસામાંથી અવાજ આવે છે શું વાગે છે ?” શંકરનાથે પ્લેટ બાંકડા પર મૂકી અને બધાને ચૂપ રહેવાનો ઇશારો કરતાં ભીડની બહાર નીકળ્યાં અને ખીસામાંથી મોબાઇલ કાઢી તરતજ વાત ચાલુ કરી.... એ સાંભળી રહેલાં કંઇજ બોલ્યા નહીં વચ્ચે વચ્ચે હોંકારો દેતાં પછી વાત પુરી થતાં કહ્યું “થેંક્યુ દોસ્ત. પણ હવે મારે વિચારવાનો સમય પાકી ગયો હું પછી વાત કરીશ ફેમીલી સાથે બહાર આવ્યો છું. ઓકે” કહી ફોન બંધ કરી ખીસ્સામાં પાછો મૂકી દીધો.
શંકરનાથ વાત કરી પોતાની ફેમીલી પાસે આ આવ્યાં બધાનાં ચહેરાં પર આશ્ચર્ય હતું... શંકરનાથ બધી વાત સમજી ગયાં બોલ્યાં "હાં એ મોબાઇલ ફોન છે અમારી ઓફીસમાંથી આપ્યો છે કોઇ અરજન્ટ કામ હોય કે કઈ પાર્સલમાં ગરબડ થાય એની ઇમરજન્સી માટે કામ લાગે. ચલો ખાઇલો બીજી મંગાવવી હોય તો મંગાવો હું મારી પુરી કરું..” એમનો ચહેરો વિચારોમાં પડી ગયેલો.
ઉમાબેનને સમજતાં વાર ના લાગી.. બધાએ ખાઇ લીધું પછી શંકરનાથે કહ્યું “ચાલો આગળ તળાવ પાસે સરસ કુલ્ફી - આઇસ્ક્રીમ બધુ મળે છે. ખાઇને.”. પછી મનોમન બબડયા... પછી અહી હવે ખાવાશે કે કેમ ?
ઉમાબહેને કહ્યું "છોકરાઓને ખવરાવો મારે તો નથી ખાવી કુલ્ફી..”. શંકરનાથે કહ્યું "કેમ નથી ખાવી ? તને તો ખૂબ ભાવે છે... પણ ક્યાં વારે વારે ખાવા આવીએ છીએ ? ખાઇ લે.. પછી હી.”. પછી આગળનાં શબ્દો ગળી ગયાં.
શંકરનાથ બધાને ચાલતાં તળાવ પાસે કુલ્ફી આઇસ્ક્રીમવાળાને ત્યાં લઇ આવ્યાં અને પીસ્તા-રાજભોગ કુલ્ફી આઇસ્ક્રીમનો ઓર્ડર આપ્યો. પેલાએ બધાને પડીયામાં આપી. અને કહ્યું “સાહેબજી એકવાર ખાશો વારે વારે આવશો”.
શંકરનાથ એવું સાંભળી હસ્યાં.. બધાએ કુલ્ફીને ન્યાય આપ્યો અને રીક્ષામાં ઘરે આવવા નીકળ્યાં.
ઘરે પહોંચી શંકરનાથે ઉમાબહેનને કહ્યું “છોકરા સૂઇ જાય પછી મારે તને અગત્યની વાત કરવી છે. હું કાલે સવારે બહારગામ જવાનો છું.... “
વધુ આવતા અંકે ---- પ્રકરણ-12