મળવા આવતી રેહજે..! Dr Hiral Brahmkshatriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મળવા આવતી રેહજે..!

હું વિચારોમાં ખોવાયેલી બારી પાસે ચાનો કપ પકડીને ઉભી હતી..બહાર ચાલતો પવન અને મારા અંદર ચાલતા વિચારો બન્નેની સ્થિતી લગભગ સરખી હતી..ફંગોળાયેલી...એટલામાં રૂમનો દરવાજો ખટક્યો અને હું વિચારોના વમળમાંથી બહાર આવી..બહાર માધવ ઊભો હતો એ..તૈયાર થઈને એ મારી રાહ જોઈ રહ્યો હતો અને મને અચાનક ભાન થયુ કે આજે મારે મારા ભુતકાળ પાસે જવાનું હતુ કેમ કે આવતા અઠવાડિયે એક નવા વર્તમાન તરફ પ્રભુતાના પગલા પાડવાના હતા એ વર્તમાન એટલે માધવ.

માધવ ટોલ, ડ્રાક અને હેન્ડસમની વ્યાખ્યાઓથી બહુ દુર હતો..તેનું શરીર બહુ આકર્ષક ન હતું પણ એની આત્મા કોઈને પણ મોહી લે એવી હતી.. એ નાની મોટી દરેક વાતમાંથી હકાર અને વિધાયકતા એ શોધી જ લેતો..એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજરની પોસ્ટ પર તે કામ કરતો..અને દિલ્હી શહેરના એક 2BHK ફલેટમાં રહેતો..એક રુમ તેનો અને એક રુમ પરિવારમાંથી ક્યારેક ગામડેથી આવતા તેના માતા પિતાનો..બહુ સરળ અને સહજ જીવન જીવતો..સોમ થી શનિ ઓફિસ અને રવિવારે મોડે સુધીની ઊંઘ, મેટ્રોની મુસાફરીમાં કોઇ નાની બાળકીનું સ્મિત, આજે દિવસ સારો રહ્યો કહીને બાકડો વધાવતો પેલો વડાપાઉંવાળો આ બધુ તેને સ્પર્શી જતુ..આવી જ કોઈ એક સ્પર્શની ઘટનાથી જ તો અમે મળ્યા હતા.

મને ખોવાયેલી જોઈને મારા ખભા પર પોતાના બન્ને હાથો પરોવીને માધવ મારી ખુબ નજીક આવ્યો..આંખોથી કંઈક કહ્યુ અને પછી મને ચીડવતા બોલ્યો કે..” હનીમુન પર જવાને હજુ વાર છે..ને શિખા તું તો અત્યારથી જ..!” એણે માહોલ હળવો કરવાનો પ્રયત્ન કર્યો... તું નીચે જા હું તૈયાર થઈને જલ્દી જ આવું..તેના ગાલ પર હળવુ ચુંબન કરતા હું બોલી.

બ્લુકલરની કોટનની સાડી અને મેંચીગ બ્લાઉઝ પહેરીને, કાનમાં ઓક્સોડાઇઝના નાના ઝુમખા નાખીને.. વાળમાં ક્લીપ લગાવતા લગાવતા હું હોલમાં આવી.. માધવ શુની લેસ બાંધતો હતો.. અને તેની નજીક જઈને ઉભી રહી તો એકીટશે..મને જોઈ રહ્યો જાણે મેળામાં કોઈ બાળક ફરતા ચકડોળને જોઈ રહ્યો હોય...મેં તેનુ ધ્યાન તોડતા કહ્યુ, “ તો જઈએ ? “

“જવુ જ પડશે ? “  એ રમુજમાં બોલ્યો...

ઘરને લોક કરીને હું અને માધવ લિફ્ટમાં નીચે ઉતર્યા માધવનું ઘર છઠ્ઠા માળ પર હતુ .. પાર્કિગમાંથી ગાડી કાઢી હું અને માધવ એક ભુંસાયેલા ભુતકાળ તરફ જવા નીકળી પડયા..થોડે દુર પહોંચ્યાને માધવનો ફોન રણકયો સ્ક્રીન પર ઓફિસ લખાયેલુ આવ્યો.. માધવે બ્લુટુથ ઓન કરીને ફોન રિસીવ કર્યો.. ફોનની વાતચીત  પરથી લાગતુ હતુ કે કઈંક ઇમરજન્સી છે..ફોન કટ કર્યો અને માધવ બોલ્યો..” શિખા..યાર સોરી પણ મારે અડધી કલાક માટે ઓફિસ જવું પડશે..” માધવને હું છેલ્લા  ૮ મહિનાથી ઓળખતી હતી એટલે જાણતી હતી કે તેને અગત્યતા સમજાય છે એ કામની હોય કે પછી વ્યક્તિ કે સંબંધની..એનો હાથ મારા હાથમાં લઇને મેં કહ્યુ કે “કોઇ વાંધો નહિ તું તારો કામ પતાવી લે હું કેફેમાં રાહ જોઉં છું.”

અમારી સાંજનું સરનામું એવુ ‘અપના અડ્ડા’ કેફેમાં ડ્રોપ કરીને માધવ ઓફિસ ગયો..એની ઓફિસ કેફેથી નજીક જ હતી..કેફેના એક ખુણામાં જઇને હું બેસી અને અતિતના એક ખુણામાં સરી પડી..એ અતિતમાં હતો આરવ અને એનો લખલુટ પ્રેમ..વેઈટર તેની આદત મુજબ ઓર્ડર લેવા આવ્યો અને મેં તેને જ્યુસનો ઓર્ડર આપી દીધો..કદાચ જીવનમાં આપણી પસંદગીની ઘટનાઓને નક્કી કરવાનો, તેનો ઓર્ડર કરવાનો કોઇ મોકો મળતો હોત તો કેટલુ સારુ હોત..જ્યુસ આવ્યુ અને એના ઘુટડે ઘુટડે ફરી એ યાદોમાં સરી પડી કે જ્યાં મારી સાથે આરવ હતો..ડાન્સ બારમાં મળ્યા હતા અમે પહેલીવાર હું સ્ટેજ પર હતી અને તે તેના મિત્રો સાથે...આમ તો રોજ હજારો પુરુષની નજર પડતી મારા પર પણ આરવની નજર કઇંક જુદી લાગી હતી મને..બારની અંદર તે દિવસે સોર્ટસર્કિટ થયો ચકમક્તી લાઇટોની પાછળ નાચતી હું આ વાતથી અજાણ હતી..સિરિઝનો એક ભાગ હું પકડવાની જ હતી કે ત્યાં આરવે મારો હાથ પકડી લીધો.આરવ અને મારી નજર પ્રથમવાર મળી હતી..તેના હાથમાં હુંફ હતી કે જે પહેલીવાર કોઇ પુરુષમાંથી મહેસુસ કરી હતી..આરવ જાણે પ્રથમ નજરે જ મને મારો લાગવા લાગ્યો.. પણ પછી હોશમાં આવી કે મારા જેવી બારડાન્સરોને પ્રેમ, ઘર કે વરની ઇચ્છા કરવી અયોગ્ય છે..પણ મારી સાથે આરવના મનમાં પણ કઈંક ઉગી નીકળ્યુ હતુ..તેનો બારમાં આવવાનો ક્રમ વધતો ગયો અને અમારી વાચાળ નજરો વધુ બોલતી થઈ ગઈ એક રાત્રે બારમાંથી છૂટ્ટીને ઘરે જતી હતી ત્યારે મેં આરવને જોયો તે છેલ્લી એક કલાકથી બહાર ઉભો હતો..હું ઉભી રહી મારી નજીક આવ્યો અને મળવા માટે સ્થળ, સમય અને તારીખ લખેલી એક ચિઠ્ઠી મારા હાથમાં મુકીને જતો રહ્યો મેં મુઠી બંધ કરી અને ઘર તરફ પ્રયાણ કર્યુ.. ઘર એટલે પૈસાની લાલચ અને દારુનો આદિ બનેલો બાપ અને ખાટલે પડેલી બિમાર માં..કપડાં બદલીને મારી પથારીમાં પડી આરવે આપેલી ચિઠ્ઠી વાંચી..નક્કી થયેલ જગ્યા પર અમે મળ્યા આરવે સફેદ શર્ટ અને ડેનિમનું જિન્સ પહેર્યુ હતુ.. આછી દાઢીમાં એ ખુબ દેખાવડો લાગતો હતો.. આરવ મને પસંદ કરતો હતો એ વાત માટે એને શબ્દોની જરુર ન હતી એની આંખો એની ચાડી ખાતી હતી.. પણ મને ખબર હતી કે મને આ સપનાં જોવાનો કોઇ હક ન્હોતો..પણ આરવ માને એમ ક્યાં હતો !

અમારી મુલાકાતો વધતી ગઈ અને પ્રેમ શરુ થયો અગાઉ ઘણી વાર મેં સમજાવ્યુ હતું કે આરવ આપણે એક નહિ થઈ શકીએ તારો ઉચ્ચ વર્ગ મને ક્યારેય નહિ અપનાવે પણ આરવ સાંભળતો જ ન્હોતો..ખાટલે પડેલી માં એક દિવસ દુનિયા છોડીને જતી રહી..બાપનો ત્રાસ વધતો ગયો પોતાના પૈસાની ભુખ માટે તે મારુ શરીર વેચવા પણ તૈયાર થઇ ગયો આ બધાની વચ્ચે આરવ હમેંશા મારી સાથે રહ્યો.. તેના માતા પિતા મારી હકીકત જાણયા પછી મને અપનાવવા તૈયાર ન હતા. તેમ છતાં આરવે ઉપરવટ્ટ થઇને લગ્ન કર્યા..હું આરવના ઘરમાં હતી માત્ર તેની પત્ની બનીને ઘરની વહુ તો હું ક્યારેય બની જ નહિ..હું અને આરવ ઘરના ઉપરના ભાગમાં રહેતા હતા.. ઘરની પુજાપાઠ કે બીજી કોઇ વિધિમાંથી મારે મારી બાદબાકી કરી નાખવાની...નવુ ઘર મળે ત્યારે એક છોકરી નવી આશાઓ બાંધતી હોય છે એના સપનાંમાં હવે બે-બે માવતર આવવા લાગે છે અને તે અઢળક પ્રેમની અપેક્ષા એ ગૃહપ્રવેશ કરતી હોય છે...શિખાનું જીવન આ બાબતે કોરુ જ રહ્યુ, દિવસો વિત્યા અને પણ સ્થિતિ એની એ જ, આરવ પણ જાણે એના માતાપિતાથી દુર જતો હતો..આ વાત શિખા માટે અસહ્ય હતી.. આરવના જન્મદિવસે તે આરવને રિક્વેસ્ટ કરે છે કે મમ્મી પપ્પા સાથે નાનુ સેલીબ્રેશન કરે..પોતાની તબિયત ઠીક નથી કહીને શિખા ઘરે જ રહી..ત્રણેય હોટલમાં જમીને ઘરે આવ્યા.. આરવને યાદ આવ્યુ કે શિખા માટે લીધેલ પેસ્ટ્રી એ હોટલમાં જ ભુલી ગયો હતો તે લેવા જાય મોડે સુધી તે આવ્યો જ નહિ પણ એક ફોન આવ્યો જેમાં પેસ્ટ્રીની મિઠાશ નહિ પણ કડવાશ હતી..ફોન હોસ્પિટલમાંથી હતો...શિખા ત્યાં પહોંચે છે અને જોવે છે કે આરવનું નિર્જીવ શરીર ઠંડુ પડયુ હતુ..શિખા સુન્ન થઈ ગઇ.

ઘરમાં માતમ હતો જવાન દિકરાને ગુમાવાની ચીસો આખા ઘરને કોરી ખાતી હતી..શિખા એટલી લાચાર હતી કે એ હાથ લંબાવીને રડતા મા-બાપને ટેકો પણ આપી શકે તેમ ન હતી..જો એમ કરત તો પણ કદાચ તેઓ મને અછુતની જેમ જ માનત..જેમ અત્યાર સુધી માનતા આવ્યા છે..થોડા સમયમાં શિખા ઘર છોડીને જતી રહે છે..જતી વખતે તેને એક આશ હતી કે કદાચ સ્નેહભર્યો હાથ મારા પર પડશે પણ એ ક્યારેય ન બન્યુ.. શિખાએ પોતાની આવડત વિક્સાવી ડાન્સકલાસ શરુ કર્યા બીજા થોડા ઓનલાઈન કામ શરુ કર્યા અને દર મહીને આરવની ઓફિસથી આવે છે એવી ગોઠવણ કરીને આરવના માં-બાપને પૈસા મોકલતી રહી..શિખાનું આરવ વિનાનું જીવન કલ્પવુ પણ કપરુ હતુ પણ આજે તેને ૪ વર્ષ થઈ ગયા હતા..અને આજે તેના જીવનમાં માધવ હતો જે શિખાના જીવનનું સ્ટ્રેસબ્રસ્ટર હતો...માધવના ૩૦ જેટલા પ્રપોઝલ પછી શિખા આજે માધવ સાથે લગ્ન કરવા તૈયાર થઈ છે અને તેનું આમત્રંણ આપવા જ તો આરવના ઘરે તેઓ જઈ રહ્યા હોય છે.

આખા ભુતકાળને વાગોળ્યા પછી શિખા જ્યુસનો ગ્લાસ ટેબલ પર મુકીને સજાગ થઈ અને જુએ છે કે તેનું ભવિષ્ય તેની સામે ઊભુ હતુ.. માધવ શિખાને જોઈને હમેંશની જેમ ખુશ થઈ જાય છે અને પોતાના રમુજી અંદાજમાં કહે છે કે, “બહુત દેર તો નહિ કરદી.. મેહરબા આતે આતે ?”

એનો મારા તરફ જુકેલો હાથ પક્ડીને હું ઊભી થઈ અને કહ્યું,  “ નહિ જનાબ, બિલકુલ નહિ “

સ્ત્રીઓ કેટલી સરળતાથી પોતાની અંદર ચાલતા યુધ્ધને છુપાવી લેતી હોય છે ને !

બંને કેફેની બહાર નીકળે છે અને ગાડી આરવના ઘરની બહાર જઇને ઉભી રહે છે..ઘરની અંદર શિખા પ્રેવેશે છે..આરવની માતા તેને કઈં જ બોલ્યા વગર સજળ નજરથી તેને જોઈ રહે છે..આરવના ગયા પછી ચાર વર્ષે પહેલીવાર આજે તે આ ઘરમાં પાછી આવી હતી..આરવના પિતાએ ઇશારાથી તે બંન્નેને બેસવાનું કહ્યું..

શિખા : " આ માધવ છે હું આવતા અઠવાડિયે તેની સાથે લગ્ન કરી રહી છું આ કંકોત્રી આપવા આવી હતી."

આરવના પિતા એક નજર માધવ તરફ અને એક નજર કંકોત્રી તરફ કરી..અને પછી પોતાના હાથમાં પકડી લીધી..અને પછી
આરવના પિતા કહે છે કે , “શિખા આરવની ઓફિસનું સરનામું હવે બદલાઈ ગયુ છે ”
શિખા જ દર મહિને પૈસા મોકલતી હતી એ ચોરી પકડાઇ ગઇ હતી..બંન્ને હાથ જોડીને આરવના પિતા લાચાર નજરે મારી માફી માંગી રહ્યા હતા..
મમ્મી રસોડામાંથી સાકર લઈ આવ્યા અને બધાનું મોં મીઠું કરાવ્યુ..મારી નજીક આવ્યા મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, “ શિખા બેટા, લગ્ન પછી મળવા આવતી રેહેજે “

શિખા એમને પહેલીવાર વળગી પડી અને ઘરેથી જતા જતા તેને એમ લાગ્યુ કે તે જાણે પિયરથી સાસરીમાં જાય છે..આખા રસ્તે માધવ ઘણી બધી વાતો કરી રહયો હતો પણ શિખાને માત્ર એક જ વાક્ય વારંવાર સંભળાતુ હતું...” મળવા આવતી રેહજે..!”