સંધ્યા - 6 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા - 6

સુનીલને ધ્યાન ગયું કે, સંધ્યા એને જોઈ રહી છે. એણે નેણના ઈશારે કહ્યું કે, ત્યાં જો! સંધ્યાએ સહેજ નજર ફેરવીને જોયું કે, સૂરજની સાથે એની નજર મળી! બંને એકબીજાને જોઈ જ રહ્યા હતા. સંધ્યાના ધબકાર એકદમ વધી ગયા હતા. આમ અચાનક એને રૂબરૂ થશે એ સંધ્યાને માટે ખુબ જ રોમાંચક હતું. બંન્ને સામસામે વિરુદ્ધ દિશા તરફ જઈ રહ્યા હતા. આથી થોડી જ ક્ષણ એ બંને એકબીજાની આંખમાં આંખ મિલાવી નિહાળી શક્યા! સંધ્યા તો વળીને પણ એને જ જોઈ રહી હતી. સૂરજ પણ સંધ્યાને સાઈડ મિરરથી એ પોતાને જ જોઈ રહી છે એ ખાતરી કરી ચુક્યો હતો.

સુનીલે કોલેજના ગેટ પાસે બ્રેક મારી ત્યારે સંધ્યા તંદ્રા માંથી બહાર આવી હતી. સહેજ માથું પણ સુનીલ સાથે ભટકાઈ જ ગયું. સહસ્મિત બોલવા લાગી, "અરે રે! વાગ્યું તો નથી ને?"

"તને નથી વાગ્યું ને? શું આટલું નીરખીને જોતી હતી સૂરજને? એમ લાગ્યું કે, હમણાં તારી આંખની કીકી પણ બહાર આવી જશે! મજાક ઉડાવતા સુનીલ બોલ્યો હતો.

"તને તો કાયમ મજાક જ સુજે! તે જોયું ને એ પણ મને એક નજરે જોઈ જ રહ્યો હતો. આજની મારી મોર્નિંગ તો ખરેખર ગુડ જ થઈ ગઈ! એક ઊંડો હાશકારાનો શ્વાસ લેતા સંધ્યા બોલી ઉઠી. મને માન્યમાં નથી આવતું કે, અમારી નજર મળી! ઓહ ગોડ! ટુડે આઈ એમ સો હેપી."

સુનીલે એક હળવેકથી ટપલી સંધ્યાને મારી અને કહ્યું, "જા હવે નહી તો પ્રિન્સિપાલ તને અહીં બોલવા આવશે!"

બંને હસતા હસતા છુટા પડ્યા હતા.

સંધ્યા પોતાના કલાસમાં પ્રવેશી એવું તરત જ સંધ્યાનું ગ્રુપ એને જોઈ રહ્યું. સંધ્યાના આજના હાવભાવ એ વાતનું એંધાણ આપી રહ્યા હતા કે, એ અતિ ખુશ છે.

આખું ગ્રુપ એક સાથે બોલી ઉઠ્યું, આવ આવ સંધ્યા! તારી જ રાહ જોતા હતા.

આખો ક્લાસ એકદમ અવાચક થઈ ગયો, ખુદ સંધ્યા પણ! આમ અચાનક આખું ગ્રુપ એકસાથે બોલે એવી કલ્પના સંધ્યાને બિલકુલ ન હતી. એ શરમાઈ ને પાણી પાણી થઈ ગઈ, સીધી પોતાની સીટ પાસે નીચું મોઢું રાખી જતી રહી! આખો ક્લાસ પણ એ લોકોના ગ્રુપને જ જોતો રહ્યો!

એજ ક્ષણે સર લેક્ચર લેવા આવ્યા, એ પણ ઘડીક વિચારમાં પડ્યા, આજે કલાસમાં આટલી શાંતિ કેમ છે? સર આવી ગયા આથી બધા નોર્મલ રહી ક્લાસમાં ધ્યાન આપવા લાગ્યા હતા. અને સંધ્યા... સંધ્યાનું મન તો પતંગિયું બનીને ક્યારનું હળવું બની ક્લાસની બહાર ઉડીને સૂરજની સમીપ પહોંચી ગયું હતું. એ અહેસાસ કેટલો રમણીય એ ફક્ત સંધ્યા જ જાણતી હતી.

સર જેવા લેક્ચર લઈને ગયા કે તરત જ રાજ બોલ્યો, "બોલ સંધ્યા આજ શું સ્વપ્ન આવ્યું?"

"તું એ વાતને છોડને! હું એક મસ્ત વાત કહું, આજે કોલેજ આવતી વખતે હું અને સૂરજ એકબીજાની સામેથી પસાર થયા અને એની તથા મારી નજર પણ મળી! આંખના પલકારા માર્યા વગર અમે બંને અમુક ક્ષણ એક બીજાને જોતા જ રહ્યા. યાર! આ અમુક ક્ષણમાં જાણે મને મારુ જીવન મળી ગયું." એકદમ હરખાતા ખુશી છલકાવતાં સંધ્યા બોલી રહી હતી.

"જા.. જા.. આવું તો અમે કેટલીયે વાર જીવ્યા હસુ, સ્ટેચ્યુ વારી રમત રમીએ ને ત્યારે.. કેમ અનિમેષ સાચું ને?"

"હા, હો.. સાચુ. તેરી જલક અશફીઁ શ્રીવલ્લી... જેમ તારી જલક જરાય ન જામી." ચીડવવા માટે અનિમેષે ઉમેર્યું.

"વિપુલા આ બંનેને આજે મેથીપાક ચખાડીએ તો કેવું?" હાથની બંગડી ચડાવતા જલ્પા બોલી.

"તું આટલી કેમ ગરમ થાય છે? આ સંધ્યા જો એની દુનિયામાં જ મસ્ત છે." સંધ્યા સામે હાથ ચીંધતા અનિમેષ બોલ્યો હતો.

"તમે બંને ચૂપ થાવ ને! કેટલી મસ્ત એ વાત કરતી હતી એ સાંભળવા દે ને!" સંધ્યાની વાત સાંભળવાની ઇચ્છાએ ચેતના બોલી.

"શું કહું હું? બસ, એટલું જ કે કાશ એ મને રૂબરૂ જલ્દી મળે!"

"એ ઊડતી પતંગ ને જરા ઓછી ઢીલ દે, ક્યાંક તારી પતંગ કપાઈ જશે!" ફરી મજાક કરતા રાજ બોલ્યો હતો.

"તું કોલેજ મરચું ખાઈ ને આવ્યો છે? જલ્પા ગુસ્સે થતા બોલી.

"પણ જો ને એ કેવું કરે છે? સૂરજના વિચારોમાં આપણને તો ભૂલી જ ગઈ!" ચોખવટ કરતા રાજ બોલ્યો.

"જોયું હું કહેતી હતી ને કે, તું સંધ્યાની ઈર્ષા કરે છે. આ એ જ વાત આવીને તારે મોઢે!" નેણ ઉંચા કરીને નખરાળા મોઢા કરતા પોતે સાચી હતી એની ખુશી વ્યક્ત કરતા જલ્પા બોલી.

"અરે રાજ! સોરી બકા. હું પૂરું ધ્યાન રાખીશ તમારા માંથી કોઈને પણ એમ ન લાગે કે, હું તમને ઇગ્નોર કરું છું." એવું કહેતા સંધ્યા રાજ પાસે જઈને ભેટી પડી.

"હા હવે ચાપલી સોરીની જરૂર નહીં!"

"ઓકે ચંપુ તો સોરી પાછું લીધું બસ... ખુશ ને?"

આખું ગ્રુપ એ બંન્નેની વાતો સાંભળીને હસી પડ્યું. અને બીજા લેક્ચર માટે સર આવ્યા આથી બધા ફરી ક્લાસમાં ધ્યાન આપવા લાગ્યા હતા.

સંધ્યાએ આજનો આખો દિવસ એમના મિત્રોને જ ખુશ રાખવા ધ્યાન આપવામાં વિતાવ્યો હતો. સંધ્યા પોતાના મિત્રોની લાગણી જોઈ ખુબ ખુશ હતી.

સંધ્યા કોલેજથી ઘરે આવી એટલે મમ્મીએ તરત પૂછ્યું, "બેટા તને અત્યારે કેમ છે? સવારે તું કંઈ જ બોલી નહીં પણ હું એટલું તો સમજી શકી કે, તું કોઈક વાતથી દુઃખી હતી."

"અરે મારી ડાર્લિગ મોમ! મને કોઈ જ દુઃખ નથી. હું ઠીક જ છું."

"સાવ ખોટી! તને જોઈને એટલું તો હું સમજી શકું, ન કહેવું હોય તો રેવા દે! બાકી ખોટું ન બોલ." સંધ્યાનું જુઠ્ઠાણું પકડતા દક્ષાબેન બોલ્યા હતા.

"સોરી મમ્મી! પણ એવી કોઈ ખાસ વાત નથી. તમે ખોટી ચિંતા કરો છો. મને જલ્દી નાસ્તો આપો બહુ જ ભૂખ લાગી છે." વાત બદલાવતા સંધ્યા બોલી હતી.

"મેં તારી પસંદના ઢોકળા બનાવ્યા છે. ચાલ તૈયાર જ છે."

"હું ફ્રેશ થઈને આવું બસ બે જ મિનિટ..."

સંધ્યા નાસ્તો પતાવી અને પોતાની ફેવરિટ જગ્યા બાલ્કનીમાં ગોઠવાઈ ગઈ હતી. સંધ્યા બેઠી બેઠી સૂરજની રાહ જ જોઈ રહી હતી. સંધ્યાને અચાનક સૂરજ સાથે જે મુલાકાત સવારે થઈ એ યાદ આવી ગઈ, મનમાં જ પોતાના વિચારોને ગણગણવા લાગી હતી.

આગમન તારું અચાનક ધબકારને વધારી જાય છે,
તારી નજરથી થતો સ્પર્શ મારા મનને અડકી જાય છે,
અજાણ્યું લાગતું છતાં પોતીકું બનાવી જાય છે,
તારી એક ઝલક પણ અફીણી નશો અર્પી જાય છે,
મન બાવરું બની તુજ સમીપ પહોંચી જાય છે,
હોઠ ભલે રહ્યા મૌન નયન બધું કહી જાય છે,
દોસ્ત! અસ્તિત્વ મારુ તુજને સમર્પિત થતું જાય છે.

સંધ્યા એમ માની ને રાહ જોવા લાગી કે સુરજ રોજ જોગિંગ કરતો જ હશે! પણ આજે સંધ્યા ટાણું એમ જ પસાર થઈ ગયું. સૂરજની કિરણોએ આકાશમાં ખુબ સરસ રંગોળી કરી હોય એવી ભાત ઉપજાવી હતી. ખુબ જ સુંદર સંધ્યા ખીલી હતી. પણ આપણી સંધ્યાનો ચહેરો ઉદાસ થઈ ગયો હતો. મનમાં ઉઠેલી આશા આજે પુરી ન થતા એ દુઃખી થઈ ઉઠી હતી. સંધ્યા ટાણું અને સંધ્યા બંને આજે વિરોધી અવસ્થામાં હતા. ત્યાં જ ડોરબેલ વાગી. દક્ષાબેન ભગવાનને ધૂપદીપ કરી રહ્યા હતા. આથી સંધ્યા જ દરવાજો ખોલવા ગઈ. એણે દરવાજો ખોલ્યો. આજે એના પપ્પા વહેલા આવી ગયા હતા.

"અરે પપ્પા! આજે વહેલા આવી ગયા?"

"હા, બેટા! આજે થોડી તબિયત ઠીક નહોતી." એમ બોલતા એના પપ્પા જેવા આગળ આવ્યા કે પાછળ ઉભેલી વ્યક્તિને સંધ્યા જોઈ જ રહી. એ વ્યક્તિની નજર પણ સંધ્યા પર અટકી તે અટકી જ રહી.

કોણ હશે એ વ્યક્તિ જે ઘર આંગણે પંકજભાઈ સાથે આવ્યું?
સંધ્યા પર એ વ્યક્તિની નજર અટકી તે અટકી જ રહી તો એ શું સંધ્યાને જાણતું હશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻