દરિયા નું મીઠું પાણી - 18 - સાચુ સ્વરૂપ Binal Jay Thumbar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરિયા નું મીઠું પાણી - 18 - સાચુ સ્વરૂપ

સાંજ વિદાય લેતી હતી. એનો પાલવ પકડીને રાત પૃથ્વી પર પા પા પગલી માંડવા ઊતરી રહી હતી. શહેરથી બહાર, ભીડથી દૂર બે યુવાનો પ્રેમી હૈયાઓ શબ્દોની દોરી પર સપનાંના આસોપાલવ બાંધી રહ્યાં હતાં.

‘શ્રાવણ, આજે આપણે છાનાં-છપનાં છેલ્લી વાર મળી રહ્યાં છીએ. આવતીકાલે તો અમે તારા ઘરે આવીશું. મારાં પપ્પા-મમ્મી અને તારાં પપ્પા-મમ્મી એકબીજાને પહેલીવાર મળશે. આપણને ઓફિશિયલી જોશે, ચકાસશે અને પછી ફેંસલો કરશે કે આપણે યોગ્ય છીએ કે નહીં. શ્રાવણ, સાચું કહું? મને તો ડર લાગે છે.’ બાવીસ વર્ષનો સોહામણો શ્રાવણ વૃક્ષના થડને અઢેલીને બેઠેલો હતો અને વીસ વર્ષની અનુપમ સૌંદર્યવતી એની પ્રેમિકા સફર એની સામે બેસીને ભયભીત મૃગલીની જેમ વિસ્ફારિત નયને પૂછી રહી હતી.

શ્રાવણે પ્રેમિકાને પોતાની પાસે ખેંચી લીધી. એના સ્નિગ્ધ, ગોરા ગાલ પર હળવી ટપલી મારીને કહ્યું, ‘કોનો ભય લાગે છે તને? મારો ભય લાગવાનો તો સવાલ જ ઊભો નથી થતો. મારા પપ્પા તો ખૂબ જ ઓછા બોલા છે. કોઇને ખખડાવવા માટેય મોં ખોલતા નથી. બાકી વધી મમ્મી. તો મારી મમ્મીનો ભય રાખવાની તારે જરાય જરૂર નથી.’
‘કેમ? એ પણ ઓછું બોલનારાં છે?’ સફરે પૂછી લીધું.

‘સ્ત્રીઓ ક્યારેય ઓછાબોલી હોઇ શકે ખરી? તારો જ દાખલો લે ને? એમાં આમ રિસાઇ જવાની જરૂર નથી. મજાક કરું છું. હા, હું એમ કહેતો હતો કે મારી મમ્મી બોલે છે તો બહુ પણ સાંભળનારને ગમે એવું બોલે છે. એમાં પણ તને જોવા માટે તો એ અડધી-અડધી થઇ રહી છે. મેં એની આગળ તારા રૂપનાં અને સ્વભાવનાં એવાં-એવાં વખાણ કર્યાં છે કે એ તો તને મળીને વહાલની વાદળી બની જવાની છે. સો યુ પ્લીઝ ગેટ આઉટ ઓફ ધીસ ટેન્શન એન્ડ જસ્ટ રિલેકસ, બેબી.’ સફર થોડી નિર્ભર બની ગઇ, રોમેન્ટિક અંદાજમાં પૂછી રહી, ‘તેં એમની આગળ મારા રૂપનાં વખાણ કર્યા? શું શું કહ્યું તેં મમ્મીને?’

‘એ તો સમય આવે ત્યારે થોડુંક અસત્ય બોલવું પણ પડે. મમ્મીને ઇમ્પ્રેસ કરવા માટે ખોટા વખાણ કરી નાખ્યા. હવે એકનું એક અસત્ય ‘રિપીટ’ કરવાનો શો ફાયદો?’ શ્રાવણની મજાક સાંભળીને સફર એને વળગી પડી. પ્રેમીના હોઠો પર ભીનો-ભીનો વરસાદ થઇને વરસી પડી. મિલનની મર્યાદા ખતમ થઇ એટલે શ્રાવણ-સફર ઊભાં થયાં અને ઘર ભણી ચાલી નીકળ્યાં. આજની રાત કતલની રાત હતી, કાલની સાંજ ચુકાદાની સાંજ બનીને આવવાની હતી.

બીજે દિવસે બરોબર છના ટકોરે જમનભાઇ અને જશુમતી દીકરીને લઇને શ્રાવણના બંગલે આવી પહોંચ્યાં. શ્રાવણ, એના પપ્પા મોહનલાલ અને માતા મધુબહેન પ્રવેશદ્વારમાં જ એમને આવકારવા માટે ઊભાં હતાં. છોકરીનો બાપ મનોમન વિચારી રહ્યો હતો, ‘બંગલો સારો છે. મારા બંગલા કરતાંયે મોટો. પાર્કિંગ પ્લોટમાં ચચ્ચાર ગાડીઓ પડી છે. બધી જ મોંઘીદાટ છે. દીકરીનો સંબંધ આ ઘર સાથે જોડવામાં હરક્ત જેવું નથી. સુખી થવાની સો ટકા ગેરન્ટી લાગે છે.’

બારણામાં ઊભેલા મોહનલાલ પણ પોતાની રીતે સમીકરણો જોખી રહ્યા હતા: ‘કન્યા છે તો અત્યંત દેખાવડી. અપ્સરા જેવી લાગે છે. મારા શ્રાવણની બાજુમાં શોભી ઊઠે તેવી. આવી વહુની કૂખે મારી ભાવિ પેઢી જન્મશે તો…’ આ બધી તો મનની માયાજાળો હતી. સંભળાય નહીં, માત્ર સમજાય તેવી. બાહ્ય રીતે તો ‘આવો… આવો…! પધારો…! પધારો…!’ની ઔપચારિકતા જ ચાલુ થઇ ગઇ હતી.

શ્રાવણે મમ્મી વિશે જે ધારણા સેવી હતી તે અક્ષરશ: સાચી પડી. મધુબહેને તો સફરને પોતાના બાહુપાશમાં જ જકડી લીધી. એના કાન પાસે પોતાના હોઠો લઇ જઇને ધીમેથી બબડ્યાં પણ ખરાં, ‘મેં તો તેને આજથી જ મારી વહુ તરીકે સ્વીકારી લીધી છે. હવે સગાઇ ને લગ્ન ભલે ને જ્યારે થવાના હોય ત્યારે થાય. આવ બેટા, તને આપણો બંગલો બતાવું.’ આટલું બોલીને મધુબહેન સફરને પોતાના પડખામાં દબાવીને અંદર ખેંચી ગયાં.

‘મધુબહેનનો સ્વભાવ ખૂબ પ્રેમાળ લાગે છે.’ જશુબહેન બોલ્યાં.

‘હા, અમારે દીકરી નથી ને!’ મોહનભાઇએ કારણ રજૂ કર્યું, ‘વર્ષોથી એ બાપડી દીકરી ઉપર વરસવા માટે તરસતી હતી, આજે સફરનાં રૂપમાં એને…’ વાતાવરણ ‘ઇમોશનલ’ બની ગયું. થોડી વારમાં ‘મા-દીકરી’ બંગલો ખૂંદીને આવી ગયાં. હવે દુનિયાદારીની રીતે વાતો ચાલી રહી.
‘બેટા, તને મીઠાઇમાં શું ભાવે છે?’ મધુબહેને ભાવિ પુત્રવધૂને પૂછ્યું.
‘જે હશે તે ચાલશે.’ સફર હજુ પણ સહેજ-સહેજ સંકોચાઇ રહી હતી.

‘એવું નહીં રાખવાનું મારી દીકરી. આ ઘરમાં પગ મૂક્યા પછી તારે ‘ચાલશે, ફાવશે, અનુકૂળ કરી લઇશ, રોડવી લઇશ’ આવા શબ્દો તો ભૂલી જ જવાના છે. આ વાત આજના દિવસ માટે નથી કહેતી, બેટા! જીવનભરને માટે આ બંગલામાં તારા મુખેથી નીકળેલો શબ્દ એટલે ભગવાનનો આદેશ સમજીને એનું પાલન કરવામાં આવશે. બોલ, તારે શું ખાવું છે?’ મધુબહેનની વાણી સાકરની ચાસણી જેવી બની ગઇ હતી.પહેલાં ફરસાણની કતાર લાગી ગઇ, પછી મીઠાઇઓનો વરઘોડો નીકળ્યો. સફર દબાતા સ્વરમાં આટલું બોલી ગઇ, ‘બસ, હવે મને આગ્રહ ન કરશો, પ્લીઝ! આ બધાને ન્યાય આપવા માટે તો અઠવાડિયું પણ ઓછું પડે.’

‘તો રોકાઇ જા ને, દીકરી! એક અઠવાડિયા પછી અહીંથી જજે.’ મધુબહેન પાસે હર એક મુશ્કેલીનો ઇલાજ હાજર હતો. એમનો જવાબ સાંભળીને સફર સહિતના સૌ હસી પડ્યાં. હવે ચા-કોફીનો સમય થયો હતો. મધુબહેનનો ઇશારો થયો, કિચનમાંથી બે નોકરાણીઓ આવીને નાસ્તાની ડિશો લઇ ગઇ. એક બાઇ ચા-કોફીની ટ્રે લઇને આવી ગઇ. દરેકને પૂછતી રહી: ‘તમે શું લેશો? તમને શું ફાવશે?’ જેને ચા ફાવતી હતી એમને ચા અને જેને કોફી પસંદ હતી એના હાથમાં કોફીનો મગ પકડાવતી ગઇ. એમ કરતાં કરતાં છેલ્લે હાઉસ-મેઇડ ઘરનાં શેઠાણી મધુબહેન બેઠાં હતાં તે તરફ ફરી, પણ ત્યાં જ પગમાં કાર્પેટ ભરાઇ ગઇ હશે એના કારણે બાઇએ સમતુલા ગુમાવી દીધી. જોકે એ ખુદ પડી જતાં બચી ગઇ, હાથમાંની ટ્રેને પણ એણે જાળવી લીધી, પણ ગરમ-ગરમ ચાનો કપ ઉછળીને મધુબહેનના ખોળામાં જઇ પડ્યો.

મધુબહેન સ્વયં તો દાઝી ન ગયાં, પણ એમની કીમતી સાડી પર ચાના ડાઘ પડી ગયા. એના કરતાં પણ વધુ ખરાબ એ થયું કે એમનો ખીલેલો મૂડ બગડી ગયો. આ સાથે જ મધુબહેનના મગજનો એટમબોમ્બ ફાટ્યો. ઘરકામ કરતી બાઇ ઉપર એ આગ બનીને તૂટી પડ્યાં, ‘હરામખોર! નાલાયક! તારા હાથ ભાંગી ગયા છે? એક ચાની ટ્રે પકડતાંયે નથી આવડતું તને? કે પછી જાણીજોઇને આમ કર્યું છે? હું તારી બદમાશી બરાબર જાણું છું. ઘરમાં ખુશીનો પ્રસંગ હોય ત્યારે જ તું અપશુકન કરવા માટે…’

મહેમાનો સ્તબ્ધ હતા. શ્રાવણ અને એના પપ્પા ક્ષોભ અનુભવી રહ્યા હતા. બાઇ રડી રહી હતી અને માફી માંગી રહી હતી, પણ મધુબહેન ગુસ્સાની આગમાં સાન-ભાન ગુમાવી બેઠાં હતાં, ‘આ વખતે તો હું તને માફ કરવાની જ નથી. હલકટ, નીકળી જા મારા ઘરમાંથી બહાર. અત્યારે જ ચાલી જા. પગાર લેવા માટેય તારું મોં ન બતાવીશ…’

વાતાવરણ બગડી ગયું હતું. જેમ-તેમ મામલો થાળે પડ્યો. ચા-કોફી પતાવીને સફર અને એનાં મમ્મી-પપ્પા ચાલ્યાં ગયાં. બીજા દિવસે શ્રાવણે પ્રેમિકાને મળવા માટેનો કાર્યક્રમ બનાવ્યો, પણ સફર ન આવી. એને બદલે એનો ફોન આવ્યો. સફરના અવાજમાં દર્દ હતું, ગમગીની હતી, ખેદ હતો, પણ હિચકિચાટ ન હતો. એના નિર્ણયમાં સ્પષ્ટતા હતી અને મક્કમતા હતી: ‘સોરી, શ્રાવણ! હું તારી સાથે લગ્ન નહીં કરું. હું તારી પત્ની તો બની શકું છું, પણ તારી મમ્મીની પુત્રવધૂ નહીં બની શકું. તું એમનો એકમાત્ર દીકરો છે, માટે તને એમનાથી અલગ કરવાનું પણ મને નહીં ગમે. મારે તો મોટાભાગનો સમય સાસુમા જોડે જ પસાર કરવો પડશે, આવી તામસી સ્વભાવની સાસુ મને કોઇ કાળેય મંજૂર નથી.’ શ્રાવણ કરગરી રહ્યો, ‘આવું ન કર, સફર, પ્લીઝ, તું હ્યુમેન સાઇકોલોજી સમજ. અચાનક મમ્મીના શરીર પર ચા પડી એટલે એ ગુસ્સે થઇ ઊઠે તે…’

‘ના, એ સહજ નથી, શ્રાવણ! માણસો મોટી-મોટી વાતમાં કેવું વર્તન દાખવે છે એના પરથી એની પ્રકૃતિનો પુરાવો નથી મળતો, પણ નાની-નાની વાતોમાં કેવું વર્તન આચરી બેસે છે એના પરથી એના સ્વભાવનો પરિચય મળી જાય છે. તારાં મમ્મી મારી ઉપર જે વહાલ વરસાવતાં હતાં એ આડંબર હતો, અભિનય હતો. પણ ચાના ફેંકાવાની સાથે જ એમની અંદરથી જે બહાર આવી ગયું તે એમનો મૂળ સ્વભાવ હતો. શ્રાવણ, હું તને જીવનભર યાદ કરતી રહીશ, પણ… સોરી! મને લાગે છે કે તું મને સમજી શકીશ.’‘