Dariya nu mithu paani - 17 books and stories free download online pdf in Gujarati

દરિયા નું મીઠું પાણી - 17 - દિકરી દિવાળી


દિવાળીના અવસરે નિલેષભાઈ પોતાની કારમાં મીઠાઈ અને કપડાં લઈને પોતાની સોસાયટી પાછળ આવેલ પચ્ચીસેક કુટુંબની ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારના નાકે આવીને ઉભા રહ્યા.ડીકી ખોલીને સામાન બહાર કાઢી રહ્યા હતા ત્યાં સુધીમાં તો ઝૂંપડપટ્ટીમાંથી નિકળીને ઝડપભેર આવી પહોંચેલ ખાસ્સાં એવાં બાળકોનો ગાડીની ચારેબાજુ જમાવડો થઈ ગયો. થોડીવાર પછી કેટલીક સ્ત્રીઓ પણ આવી પહોંચી.
મેલાંઘેલાં કપડાં પહેરેલ સ્ત્રીઓ અને અર્ધનગ્ન બાળકોના અતિ કોલાહલ ભર્યાં અવાજો વચ્ચે ઘડીકવારમાં તો કપડાં અને મીઠાઈનું વિતરણ પણ થઈ ગયું.ઝુંપડપટ્ટીનાં લગભગ બધાં જ કુટુંબોને કપડાં અને મીઠાઈ અપાઈ ચુકી હતી છતાંય અવાજો આવ્યે જતા હતા.... 'એ ભઈ!આ બેનને મીઠાઈ રઈ જઈ છે.એ સાયેબ! આ સોકરાને એક જરસી હોય તો આલો ને! ઓ મોટાભઈ!આ સોડીને માવતર નથી,એને એક વધારે લુઘડું હોય તો આલો ને!
કોલાહલ વચ્ચે નિલેષભાઈએ સૌને પ્રેમથી જવાબ આપ્યો, "ફરી કોઈક વાર આવીશ ત્યારે આપીશ.હાલ તો જે કંઈ લાવ્યો હતો એ બધું ખલાસ થઈ ગયું છે."ધીરેધીરે ભેગું થયેલ ટોળું વિખેરાઈ ગયું.
નિલેશભાઈએ ડીક્કી બંધ કરીને કાર વળતી કરી.કાર ચલાવીને નિલેષભાઈ માંડ વીસેક મિટર આગળ વધ્યા હશે ત્યાં એમની નજર ખાટલી પર પલાંઠી વાળીને બેઠેલ એક નાનકડી દીકરી પર પડી.એમણે કાર થોભાવી દીધી.નાનકડી દીકરી હાથમાં પુસ્તક પકડીને પ્રાર્થના ગણગણી રહી હતી.બારેક વર્ષની આસપાસની ઉંમર હશે એની.એના નાનકડા મોંઢેથી સુરીલો સ્વર વહી રહ્યો હતો,

"ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ.
ગુણ તારા નિત ગાઈએ થાય અમારાં કામ.
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ.
ભૂલ કદી કરીએ અમે,તો પ્રભુ કરજે માફ......"

સુરીલો સ્વર સાંભળીને કુતૂહલવશ નિલેષભાઈ કારમાંથી નીચે ઉતર્યા.એમને એટલો ખ્યાલ તો આવ્યો કે આ દીકરી મીઠાઈ લેવા તો નથી જ આવી.તેઓ ઉતરીને દીકરી પાસે ગયા અને પુછ્યું."બેટા!તું સરસ ગાય છે.મને ખુબ ગમ્યું.અરે હા દીકરી! તું મીઠાઈ લેવા કેમ ના આવી?"
દીકરીએ હસીને જવાબ આપ્યો,"બાપુજીએ ના પાડી છે સાહેબ! અહીં તો બે ત્રણ દિવસથી કેટલાય લોકો ચીજ, વસ્તુઓ આપવા આવે છે પરંતુ બાપુજીએ કહ્યું છે કે, મહેનત વગરની કોઈ ચીજ વસ્તુ ના લેવાય."
દીકરીનો જવાબ સાંભળીને નિલેષભાઈ ચોંકી ગયા.તેઓ આ ભલી ભોળી દીકરીને ઘડીભર એકીટશે ઘડીભર જોઈ જ રહ્યા.'મહેનત વગરની ચીજ વસ્તુ ના લેવાય.'- વાક્ય તેમના હૈયા સોંસરવું ઉતરી ગયું.દીકરીના સંસ્કારોને વંદન કરવાનું મન થઈ ગયું.નિલેષભાઈ વિચારમાં પડી ગયા.દીકરીની શુધ્ધ ભાષા એટલી તો સાક્ષી પુરતી જ હતી કે તે કોઈ વ્યવસ્થિત માબાપનું સંતાન છે.તો ઈંટો અને માટીની દિવાલ ને પતરાંના છાપરાવાળું નાનકડું ઘર અને બાજુમાં ઉભેલ હાથલારી ગરીબીની ચાડી ખાતાં હતાં.
નિલેષભાઈએ દીકરીના માથે હાથ મુકીને વાત્સલ્યસભર ભાવથી પુછ્યું, "બેટા તારુ નામ શું છે?"
દીકરી ઘડીભર પહેલાં આમેય ગાયકીમાં મસ્ત હતી એટલે એણે એ જ ધૂનમાં વિસ્મયપ્રેરક જવાબ આપ્યો,"સાહેબ! એક ઝાડ... ઝાડને બાર ડાળી....દરેક ડાળીએ ત્રીસ ત્રીસ પાન..... છેલ્લી ડાળીનું છેલ્લું પાન.... એ જ મારુ નામ......."
દીકરીનું સુકલકડી શરીર, શરીર પર સાવ સાદાં કપડાં ને છતાંય "સુખ કી ભૂખ ના દુઃખ કી ચિંતા"-સાક્ષી ભરતો રૂઆબભર્યો ચહેરો, ને એમાંય નામ પુછતાં મળેલો અજીબ જવાબ! નિલેષભાઈને નવાઈ લાગી.નિલેષભાઈનું મોં ઘડીભર સિવાઈ ગયું.તેઓ અતિશય ભાવવિભોર બની ગયા.
નિલેશભાઈની આંખમાં લાગણીના અશ્રુબિંદુનો ટશીયો ફૂટ્યો.તેઓ દીકરીની બાજુમાં જ બેસી ગયા અને એના માથા પર હાથ મુકીને કહ્યું, બેટા! "તું મારો સાહેબ ને હું તારો વિદ્યાર્થી બસ! પણ તારુ નામ પુછતાં તેં જે જવાબ આપ્યો એ મને સમજાવ."
દીકરી ખિલખિલાટ હસી પડી ને પછી બોલી,"અરે સાહેબ! આટલુંય ના સમજ્યા?સાવ સહેલું છે સાહેબ.એક ઝાડ એટલે એક વર્ષ.... બાર ડાળી એટલે બાર મહિના.... એનાં ત્રીસ પાન એટલે મહિનાના ત્રીસ દિવસ..... છેલ્લી ડાળીનું છેલ્લું પાન એટલે છેલ્લા આસો મહિનાનો છેલ્લો દિવસ આસો વદ અમાસ, એટલે કે દિવાળી.....મારુ નામ દિવાળી છે.હવે સમજ્યા સાહેબ! મારો જન્મ દિવાળીના દિવસે થયો હતો એટલે મારી માસીએ મારું નામ દિવાળી પાડી દીધું હતું સાહેબ."
આલંકારિક લાંબાલચક એક જ વાક્યમાં જવાબ આપનાર અને તની ઉપર દિવાળી પર્વનો સંબંધ સ્થાપિત કરનાર આ બાળાને ફરીવાર ઘડીભર એકીટશે જોઈ જ રહ્યા નિલેષભાઈ.સાચ્ચે જ એક ગરીબ ઘરમાં સાચે સાચી દિવાળી જોઈ રહ્યા હતા નિલેષભાઈ.
એમણે મીઠાશભર્યા સ્વરે દીકરીને કહ્યું,"બેટા,તારાં માબાપ ક્યાં છે?"
આ પ્રશ્ન સાંભળીને દીકરીનો ચહેરો થોડો વિલાયો.એ થોડીવાર રહીને બોલી, "માને લકવો થયેલ છે.એ છેલ્લા ત્રણ મહિનાથી ખાટલામાં છે.એની દવા ચાલું છે.હવે થોડું સારુ છે સાહેબ!આજે બાપુ એને દવાખાને ડોક્ટરને બતાડવા માટે લઈને ગયા છે.નાનો ભૈલો પણ સાથે ગયો છે." દીકરીના પ્રત્યુતરથી નિલેષભાઈ ઢીલા થઈ ગયા છતાંય પુછ્યા વગર ના રહી શક્યા, "બેટા! તું ભણે છે?"
દીકરીએ હકારમાં માથુ હલાવીને જવાબ આપ્યો,"હા સાહેબ, હું સરકારી પ્રાથમિક શાળામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરું છું ને ભૈલો પાંચમામાં.મારે તો ભણીગણીને સ્કુલમાં બેન બનવાનું છે ને ભૈલાને મોટો સાહેબ બનાવવાનો છે. હમણાં જ પુરી થયેલી સત્રાંત પરીક્ષામાં હું વર્ગમાં પ્રથમ નંબરે પાસ થઈ છું ને ભૈલો પણ એના વર્ગમાં પ્રથમ નંબરે રહ્યો છે. અમે બન્ને ભાઈ બહેન ભણવામાં હોશિયાર હતાં એટલે તો મારા બાપુજી અમને ગામડેથી ત્રણ વરસ પહેલાં શહેરમાં લઈને આવ્યા છે.ગામડામાં બાપુજીને મજુરીકામમાં વધારે પૈસા નહોતા મળતા.અહીં તો બાપુજી દરરોજના ત્રણસો ચારસો રૂપિયા કમાઈ લે છે.મારી મા પણ ત્રણ ઘરનાં કામ કરીને મહિને છ હજારનો ટેકો કરતી હતી પરંતુ ત્રણ મહિનાથી લકવો થતાં એ ખાટલામાં છે."
દીકરીનું આટલું વિશાળ જ્ઞાન જોઈને નિલેષભાઈ રીતસરના ઢીલા થઈ ગયા.કેટલી સમજણ!કેટલા સંસ્કાર છે દીકરીમાં! નિલેશભાઈ દીકરીને મનોમન વંદન કરી ઉઠ્યા.તેઓ થોડીવાર ઉંડા વિચારોમાં ગરકાવ થઈ ગયા.અચાનક કંઈક યાદ આવતાં જ મનોજભાઈએ મોબાઈલમાં સમય જોયો.બપોરના સાડાબાર થવા આવ્યા હતા એટલે એમનાથી અનાયાસે પુછાઈ ગયું,"બેટા તેં કંઈ ખાધું છે?"
દીકરીએ સાહજિકતાથી જવાબ આપ્યો,"ના સાહેબ, ક્યાંથી ખાધું હોય!સરકારી દવાખાને વહેલો નંબર આવે એટલે બાપુજી તો માને લઈને દિવસ ઉગ્યે નિકળી ગયા.એમને હજી પણ આવતાં વાર લાગશે.આવીને પછી બાપુજી ખાવાનું બનાવશે ને પછી અમે ખાઈશુંં.હજી મને ભુખ નથી લાગી હો સાહેબ!"
નિલેષભાઈ ગદગદીત થઈ ગયા.દીકરીના માથા પર ફરીથી હાથ મૂકીને તેઓ આંસુઓને છુપાવતા નીચું જોઈને નિકળી ગયા કારણ કે દીકરીને વધારે કંઈ કહેવાની તેમનામાં હવે હિંમત નહોતી.એમણે ગાડી ચાલું કરીને સડસડાટ મારી મુકી. તેમના મગજ પર આજે બરાબરની દિવાળી છવાઈ ગઈ હતી.આજે એમણે સંસ્કાર,સમજણ અને સ્વમાનથી પ્રજ્વલિત દિવાળી નજરોનજર જોઈ હતી.તેઓ ઘેર આવ્યા ત્યાં સુધી સતત દીકરી દિવાળીના વિચારોમાં જ ખોવાયેલા રહ્યા.
નિલેશભાઈ ઘેર આવીને પણ ઘડીભર સોફામાં સૂનમુન બેસી રહ્યા.પતિને વિચારમગ્ન અવસ્થામાં જોઈને પત્નિ કૃપાબેને એમને પાણી આપ્યું અને પછી પુછ્યું, "કેમ સાવ ઢીલા દેખાઓ છો?"
નિલેષભાઈએ પત્ની સામે જોઈને કહ્યું,"લાગણીવશ હું તો ઢીલો થયો જ છું કૃપા! પરંતુ હકીકત જાણીને તુંય ભાવવિભોર થઈ જઈશ.મેં આજે નજરોનજર દિવાળી જોઈ છે.
નિલેષભાઈએ પાણી પીને કૃપાબેનને બધી હકીકત કહી સંભળાવી.વાત સાંભળીને કૃપાબેન ખરેખર ભાવવિભોર બની ગયાં.નિલેષભાઈએ થોડીવાર રહીને પોતાના અંતરમાં ઉઠેલ વિચારને અર્ધાંગિની આગળ રજૂ કર્યો.પરગજુ સ્વભાવનાં કૃપાબેને પતિના વિચારને વિના વિલંબે સમર્થન આપ્યું.પતિ પત્નીએ કંઈક નક્કી કરી લીધું.
નિલેષભાઈ અને કૃપાબેન બન્ને એક જ કોલેજમાં પ્રોફેસર છે.પતિ પત્ની બન્ને સંતોષી,ઉદાર મતવાદી અને પરગજુ સ્વભાવનાં છે.જોકે આ પ્રભુપરાયણ દંપતિને કુદરતે હજી સંતાનસુખ આપ્યું નથી.
સાંજે જમીને નિલેષભાઈ અને કૃપાબેન બન્ને જણ, નિકળ્યાં એ જ ઝૂંપડપટ્ટીએ જવા માટે .....
નિલેષભાઈએ દિવાળીના ઘર પાસે ગાડી થોભાવી.ગાડી જોઈને ઝૂંપડપટ્ટીમાં થોડી હલચલ થઈ પરંતુ નિલેષભાઈ અને કૃપાબેન ગાડીમાંથી ઉતરીને સીધાં દિવાળીના ઘેર પહોંચી ગયાં.
કેરોસીનના દિવડાના અજવાળામાં દિવાળી નિલેષભાઈને ઓળખી ગઈ એટલે એણે એના બાપુજીને કહ્યું,"બાપુજી!સવારે અહીં આ સાહેબ મીઠાઈ અને કપડાં આપવા આવ્યા હતા.સવારે એમણે મારી પાસે બેસીને મારા માથા પર હાથ ફેરવીને મારુ નામ પુછ્યું હતું."
નિલેશભાઈ અને કૃપાબેનને દિવાળીનાં માબાપે સપ્રેમ આવકાર આપ્યો.નાનકડી ખાટલીમાં નિલેષભાઈ અને કૃપાબેન બેઠાં. દિવાળીએ નિલેષભાઈ અને કૃપાબેનને પાણી આપ્યું.
થોડીવાર પછી નિલેષભાઈએ સવારની હકીકત દિવાળીના બાપુજીને કહી સંભળાવી અને પછી ઉમેર્યું,"તમારી દીકરી દિવાળીના સંસ્કાર,સમજણ અને સ્વામાને અમને અત્યારે અહીં ખેંચી લાવ્યાં છે."
દીકરીનાં વખાણ સાંભળીને દિવાળીના પિતાજી શીવરામભાઈએ પોતાના પરિવારની બધી હકીકત નિલેષભાઈને ટુંકમાં કહી સંભળાવી.નિલેષભાઈએ પણ પોતાનો સંપૂર્ણ પરિચય આપ્યો.
નિલેષભાઈએ એ વાત જાણી લીધી હતી કે,મા કાર્ડની સહાયથી દિવાળીની મા ભગવતીબેનની દવા થઈ રહી છે. દિવાળીના બાપુ હાથલારી પર માલસામાનની હેરફેર કરીને કુટુંબનો જીવનગુજારો કરી રહ્યા છે ને બન્ને બાળકોને સરકારી શાળામાં ભણાવી રહ્યા છે.
નિલેષભાઈએ બીજું નિરીક્ષણ એ પણ કર્યું કે સાવ નાનકડા ઘરમાં ગરીબ પરિસ્થિતિમાંય ભગવાનના ફોટા પાસે દિવો ઝળહળી રહ્યો છે ને બાજુમાં શ્રીમદ્ ભાગવત ગીતાજી ગ્રંથ પડેલ છે.બાકી તો દિવાળીનાં માબાપ સાથેની વાતચીતમાં જ નિલેષભાઈ પામી ગયા કે ખરેખર આ ઝુંપડામાં સંતોષ અને સંસ્કાર સાહ્યબીની ઝગમગતી દિવાળી છે.
બન્ને પરિવારો વચ્ચેની વાતચીત પુરી થતાં જ કૃપાબેને પોતાના પર્સમાંથી રાખડી કાઢીને નિલેષભાઈને આપી. નિલેષભાઈ રાખડી લઈને ભગવતીબેનના ખાટલા પાસે ગયા. દિવાળીનાં માબાપ તો નિલેષભાઈ શું કરવા માગે છે એ જોઈ જ રહ્યાં!
નિલેષભાઈ ભગવતીબેનના હાથમાં રાખડી પકડાવીને બોલ્યા,"આજથી તમે મારાં બહેન!બાંધો રાખડી."એટલું બોલીને નિલેશભાઈએ હાથ લાંબો કર્યો.
ભગવતીબેને દિવાળીના પિતા શીવરામભાઈ તરફ નજર કરી.શીવરામભાઈ હસીને એ મૂક સંમતિ આપી.
વાતાવરણ લાગણીમય બની ગયું.થોડીવાર રહીને કૃપાબેને ભગવતીબેનને કહ્યું, "ભગવતીબેન! કાલથી તમારે અમારે ત્યાં રહેવા માટે આવી જવાનું છે.અમારા ઘર પાસેના અમારા બગીચામાં ઓરડી ખાલી જ છે.તમારે વગર ભાડે કાલથી ત્યાંજ રહેવાનું છે.તમે સંપૂર્ણ સાજાં થઈ જાઓ એના પછી અમારા ઘરનું કામ કાજ સંભાળી લેજો.ત્યાં રહીને દિવાળીના બાપુ એમની મરજી મુજબનો ધંધો કરી શકે છે.બન્ને બાળકોનો અભ્યાસ પુરો થાય ત્યાં સુધીની જવાબદારી આજથી અમારી. બાળકોનો અભ્યાસ પુરો થાય ત્યાં સુધી તમારે અમારે ત્યાં જ રહેવાનું છે.એના પછી અમારી જવાબદારી પુરી........"
દિવાળીના પિતાજી શીવરામભાઈ અને માતા ભગવતીબેન ભાવવિભોર થઈ ગયાં.એમની આંખો લાગણીના અશ્રુબિંદુઓથી ઉભરાઈ ગઈ.શીવરામભાઈથી બોલ્યા વગર ના રહેવાયું."તમે તો આજે અમારા આંગણે ભગવાન બનીને પધાર્યા છો.અમારામાં હવે ના કહેવાની પણ હિંમત નથી."- કહીને શીવરામભાઈ નિલેષભાઈને પગે પડે એના પહેલાં તો નિલેષભાઈએ એમને બાથમાં લઈ લીધા.
બીજા દિવસે સવારે જ દિવાળીનો પરિવાર નિલેષભાઈને ત્યાં રહેવા આવી ગયો.
એક જ અઠવાડિયામાં તો દિવાળી નિલેષભાઈ અને કૃપાબેનથી એવી હળતી ભળતી થઈ ગઈ કે જાણે એમની સગી દીકરી ના હોય!એકાદ મહિનાનો સમય પસાર થઈ ગયો.સવાર સવારમાં જ નિલેશભાઈના આંગણામાં ગૃહકાર્ય કરી રહેલ દિવાળીએ કૃપાબેનને મધમીઠી વાણીમાં કહ્યું,"મામી! અમારા ઘેર ભૈલો છે તો તમારે ઘેર કેમ નથી? મામા અને તમે તો અમારાં ભગવાન છો.તમે અમારા માટે આટલું બધું કર્યું છે તો હવે ઉપરવાળો ભગવાન મારી પ્રાર્થના જરૂર સાંભળશે.અરે હા, મામી! પ્રાર્થનામાં તો અજબ શક્તિ હોય છે.ખરા દિલથી કરેલ પ્રાર્થના ભગવાન અવશ્ય સાંભળે છે ને માનવીની ઈચ્છા પુરી કરે છે. હું કાલથી જ ભગવાનની છબી આગળ સવાર સાંજ દિવો પ્રગટાવીને ભૈલા માટે પ્રાર્થના કરીશ.હું જોઉં છું કે ભગવાન મારી પ્રાર્થના ક્યાં સુધી નથી સાંભળતા?"
કૃપાબેન પાસે કોઈ પ્રત્યુત્તર નહોતો.તેઓ દિવાળીને એકીટશે જોઈ જ રહ્યાં.એમની આંખમાંથી દડદડ આંસું વહી પડ્યાં.સંતાન સુખને કર્મને આધિન સમજતાં કૃપાબેન દિવાળીના ભાવાવેશને મન ભરીને ઘડીભર પીતાં રહ્યાં.પાંચેક મિનિટ સુધી તેમના અશ્રુપ્રવાહમાં સતત વધારો થતો રહ્યો.નાનકડી દિવાળીએ તેના દુપટ્ટાથી મામીનાં આંસુઓને લુંછી નાખ્યાં.
દિવાળી સવાર સાંજ ભગવાનની છબી આગળ દીપ પ્રગટાવીને વલવલતી હતી એ દ્રશ્ય તો કવિઓની કલ્પનાશક્તિથી પણ ઉપરવટ હતું.જેમ કરમાંબાઈએ ભગવાન શ્રીકૃષ્ણને ખીચડો ખવડાવવાની હઠ પકડી હતી એવું જ કંઈક દ્રશ્ય સવાર સાંજ પ્રતિપાદિત થતું હતું.એ દ્રશ્યને માણવા તો અઠવાડિયામાં એક બે વખત નિલેષભાઈ અને કૃપાબેન બગીચાની ઓરડીએ અવશ્ય આવી ચડતાં.
જોતજોતામાં એક વર્ષ વીતી ગયું.આજે દિવાળી છે. નિલેષભાઈ અને દિવાળી સહિત એનો પરિવાર હોસ્પિટલમાં આમથી તેમ આંટા મારી રહ્યો છે.સૌના મોં પર ઈંતેજારીના ભાવ લપેટાયા છે. ત્યાં તો હસતા મોંઢે નર્સે બહાર આવીને મીઠો ટહુકાર કર્યો."કૃપાબેને બાબાને જન્મ આપ્યો છે.કૃપાબેનની તબિયત સારી છે ને બાબો પણ એકદમ તંદુરસ્ત છે."
"ભૈલો આવ્યો!ભૈલો આવ્યો!મને જલ્દી જલ્દી ભૈલા પાસે લઈ જાઓ."-કહીને વધાઈ આપનાર નર્સનો હાથ પકડીને દિવાળી એને ખેંચવા લાગી.નર્સે એક મિનિટનોય વિલંબ કર્યા વગર દિવાળીની ઈચ્છા પુરી કરી.
ધીમા અવાજે"આ તારી પ્રાર્થનાનું જ ફળ છે બેટા.ભૈલાને ધરાઈને જોઈલે."- કહીને કૃપાબેને દિવાળીના ગાલ પર ટપલી મારી.
દિવાળીની પાછળ પાછળ આવેલ નિલેષભાઈએ તો દિવાળીને રીતસરની ઉંચકી જ લીધી.ખરેખર નિલેષભાઈને આંગણે આજ ખરા અર્થમાં દિવાળી છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED