કમલીને ભણવું 'તું પણ બિચારી શું કરે! નિશાળ તેના ઘરથી ખાસી હાઘી હતી અને કમલીને કોઈને હથવારોય નહોતો. ઘરવાળા એકલી જવા ન'તા દેતા. એમને મન એવું હતું કે, વગડા વસેથી કમલી એકલી કેમની જઈ હકે? કોકનો હથવારો મળી જાય તે વળી કોક થઈ શકે. પણ કમલીના ભાગ્યમાં કદાચ ભણવાનું નઇ લખ્યું હોય. કમલીનેય ઘણીવાર વિચાર આવતો કે, છોકરીયુંને ભણવા હાટું ભાગ્યનું વળી હું કોમ હશે?
એક દી તો કમલીએ બાપાને જઈને કઈ પણ દીધું કે, બાપા અમાર ભણવા માટે ભાગ્યની રાહ કેમની જોવાની? અમે હું ગનો કર્યો હે? અમને આ બાયુનો અવતાર મળ્યો એજ અમારો ગનો એમને? અન બાપા એવું ચ્યો લખી આલ્યું હે કે, બાયુંને ભણાય નઇ?
કમલીના બાપા મુળશી પાસે આનો કોઈ જવાબ નહોતો. અને હોય પણ ક્યાથી કમલી આજે જગ આખા બાયુની વાત કરી દીધી હતી. મુળશી બોલે તો બોલે પણ હુ? તોય થોડી હેમત કરીને મુળશી બોલ્યો કે, જો કમી આ બધી વાત તને હમજમાં નો આવે. તું બાયુ માણહ કેવાય તારે ભણીને ચ્યો જવું સે કે?
આવા જવાબ હોભળીલ હોભળીને કમલી થાકી ગઈ તી. કમલીને ભણતર છોડ્યે આજે ત્રેણ વરહ થઈ જ્યા સે પણ તોય કમલી ભણવા જવાની હોડ લઈને બેઠી સે કે, હમણા કોઈકનો હથવારો મળશે અને હું નેહાળે જઈશ.
આખો દાડી ઘરના કોમમાં કમલી પરોવાયે રેતી. ઘર ખેતરે હતું કે, એટલે તેની હારે કોઈ ઘરઘરતા રમે એવું પણ કોઈ હતું નહીં. પણ કમલીય જબરી હતી, એ એકલી ઘરઘરતા રમતી અને ઘરઘરતામાં એ રોજ નેહાળે જતી. પણ તોય એકલી હતી. કમલીનું ભણતર પેલા એકલવ્ય જેવું હતું. ભણાવતું કોઈ નહોતું પણ તોય કમલી ભણતી 'તી. કમલીનું આ રોજનું હતું કેમ કે, આવી રીતે જ તેની નેહાળ અને ભણવાનું ઘરેના ઘેર જ હોતું. ઘણીવાર તો ઘરવાળાય વિસાર કરતા કે, કમલી હારે આપણે ખોટૂં કરીએ છીએ.
એક દાડો મુળશીએ કમલીની માને કીધું કે, "હે કમલીની બઈ! તન નથ લાગયું કે, આપણે કમલી હારે હારુ નહીં કરતા! એને બિસારીને ભણવાનો હોડ સે અન હથવારાના લીધે એ નેહાળે નથ જઈ હકતી."
કમલીની બઈએ કીધું કે, તમે આવું કોઈને કેતા નઈ! બાયુ માણહને ભણીને ચ્યો જવું સે? મુય ચાર સોપડી ભણી 'તી. અન હવે આ જોવો ઘેર ભેસના પોદલા અને વાસેડામાં ભરાઈ જીસું. એના કરતા એને ઘરના બે કોમ વધારે સિખવા દો તો, હામે ઘરે જાય ત્યા કોમના ટોણે નેશું ના ઘાલવું પડે. ત્યા તમને કોઈ કે'વા ની આવે. એના હાહરીયા એમ જ કેસે કે, તારી માયે કોય સિખવાડ્યું સે કે નહી!
આ વાત હોભળીને મુળશી તો હાવ જાણે મુંગો થઈ ગયો હોય એમ ચુપચાપ કોય બોલ્યા વગર ખેતર ભણી ગયો. પણ તોય મુળશી જ્યારે કમલીને જોતો ત્યારે વિસાર કર્યા કરતો અને એનો જીવ બળી જાતો. પણ કમલીના બઈ આગળનું કોય હેડે એમ નહોતું. કમલીની બઈ તો બસ કમલીને ઘરના કોમનાં પારંગત કરવી હતી. જેથી પોતાને મેણા ના હાંભળવા પડે. પછી ભલેને એના માટે કમલીના ભણતરની હોળી કરવી પડે. જોકે, કમલીના ભણતરની તો રોજ હોળી થતી જ હતી.
તેર વરહની કમલી કક્કો, બારખડી અને એકડી તો પાંચ હુધી ભણી ત્યારે જ સીખી ગઈ હતી પણ આગળ હવે વાંચતા લખતા કેમ સિખવું એની મુળશીને ચિંતા હતી. મુળશી જ્યારે પણ ગામમાં જતો ત્યારે નેહાળે એક આંટો અચુક મારી આવતો. એક દી' મુળશીને હમાસાર મળ્યા કે, નેહાળમાં નવા માસ્તર આવ્યા છે. એટલે મુળશી ખેતરના કામ પડતા મુકીને નેહાળે જવા હાલી નીકળ્યો.
નેહાળે જતા જ, નવા માસ્તરને મળવા માટે રાહ જોવા લાગ્યો. માસ્તર જેવા જ નવારા થયા કે, મુળશી મળવા માટે દોડી ગયો. ભગા માસ્તરને કીધું કે, માસ્તર મારેય એક સોડી છે અન એને ભણવું સે પણ નેહાળ આઘી પડે છે અને એકલી આઈ હકતી નથી. તમે કોક કરો અન એનું ભણતર સાલું કરાવો! તો હું તમારી ભગવાન માની પૂજા કરીશ! માસ્તર પણ મુળશીની આંખમાં પોતાની દીકરી માટે ભણતરની ચાહ જોઈ ગયા.
ભગા માસ્તરને આ ગમ્યુ અને મુળશીને કીધું કે, "હુ તમારે ત્યા રવિવારે આવીને તમારી દીકરીને ભણાવીશ." આટલું હાંભળતા જ મુળશીની આંખમાંથી આંસુ સરી પડ્યા. કેમ કે, આ પેલા મુળશી કોઈ હો વખત નેહાળે આવ્યો હશે પણ કોઈએ એની વાતમાં આટલું ધ્યાન નહોતું આપ્યું.
આજે મુળશી ખુબ જ આનંદીત હતો. ઘેર જતા જ મુળશી કમલીને બોલીને કીધું કે, કમલી હવે તારે ભણવાનું સે! ભગા માસ્તર તને રવિવારે ભણાવા આવશે. આટલું હાંભળતા તો કમલી મુળશીને વળગી પડી. કમલી આટલી ખુશ કોઈ દી નથ દેખાણી. મુળશીને લાગ્યું કે, મે કદાચ કમલીને દૂનિયાની સૌથી મોટી ભેટ આપી દીધી છે. તેને પોતાના પિતૃત્વ પર ગર્વ થવા લાગ્યો.
આ ખુશીનો પ્રસંગ કદાચ કમલીની બાઈથી જોયો નતો જતો. એટલે તેણે મુળશી અને કમલીને ઘસીને ના પાડી દીધી કે, મે તમને ના પાડી તીને કે, કમલીને ભણવાની કોઈ જરૂર નથી.
ત્યા મુળશી પણ ટાડૂકીને બોલ્યો કે, 'તું હવે બંધ રે તો હારી વાત કમલીની બઈ!' મારે મારી સોડીને ભણાવી સે અને તે ભણસે! ઘરના કોમ નહીં આવડે તો, એ ની કરે. ઘરના કોમ હાટે આ ભવ નથ હાલતો! અને તું તો ચાર સોપડી ભણી પણ સે, તનેય એટલીય ખબર કેમ નથ પડતી. સોડીયું તે તો કોય રમકડું સે કે, આપણે જેમ કહીએ એમ નાસ્યા કરે?
કમલી ઊભી આ હાંભળતી હતી. તેને પોતાના બાપ આજે જે માન હતું એ વધી ગયું હતું. અને જે દીકરીનો બાપ એની હારે હોય તો, કેની તાકાત છે કે, તેનું કઈ બગાડી હકે. કમલીને આજે એ વાત પણ હમજાઈ ગઈ કે, બધાય બાપ સેઢાના સાપ નથી હોતા.
આજે મુળશીના સાહસે બાપની વ્યાખ્યા બદલી નાખી હો. દરેક દીકરી પોતાને બાપાનો પડછાયો થવા માંગતી હોય છે. અને આતો સમાજે દીકરીને સાસરે મુકવાનું પ્રથા પાડી છે બાકી, કયો બાપ પોતાની દીકરીને, પોતાના કાળજાના કટકાને પોતાનાથી ખહતો કરે! ખરેખર મુળશી જેવો બાપ હોય તો, કમલી જેવી ઘણીય છોકરીઓ ભણી હકે હો બાપ!