જવાન Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

જવાન

જવાન

- રાકેશ ઠક્કર

એક્શન, રોમાન્સ, મનોરંજન, દમદાર સંવાદ, ભવ્ય ગીતો, ઇમોશન, કલાકારોનો અભિનય વગેરે બધું જ ફિલ્મ જવાન ને જોવાલાયક બનાવે છે. થિયેટરને સ્ટેડિયમમાં બદલવા માટે જરૂરી બધું જ એમાં મળે છે. બેટે કો હાથ લગાને સે પહલે બાપ સે બાત કર, જબ મેં વિલન બનતા હૂંના તો કોઈ ભી હીરો મેરે સામને ટીક નહીં સકતા વગેરે તાળીમાર અને સીટીમાર સંવાદોની ભરમાર છે.

શાહરૂખ ખાનની ‘જવાન’ એની જ ‘પઠાણ’ અને સનીની ‘ગદર 2’ ના અનેક બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી ચૂકી છે ત્યારે વાતની ખાસ નોંધ લેવી પડશે કે એના માટેનો ક્રેઝ દક્ષિણની ફિલ્મો જેવો રહ્યો છે. પહેલી વખત દક્ષિણ સિવાયના વિસ્તારોમાં બોલિવૂડના કોઈ હીરો શાહરૂખના કટઆઉટ લાગ્યા હતા. એટલું જ નહીં એનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. દક્ષિણના નિર્દેશક એટલી કુમાર સાથેના શાહરૂખ ખાનના આયોજનને કારણે જ આ શક્ય બન્યું છે.

શાહરૂખે પિતા અને પુત્રની બંને ભૂમિકાઓમાં સીટીમાર એન્ટ્રી સાથી જબરદસ્ત કામ કર્યું છે. વધારે નોંધવા જેવી વાત એ છે કે અભિનયમાં શાહરૂખના બંને પિતા- પુત્રના પાત્રો પોતાની અલગ બૉડી લેંગ્વેજ સાથે એકબીજાને ટક્કર આપતા દેખાય છે! કયું પાત્ર વધુ ગમ્યું એનો નિર્ણય એના ચાહક કરી શકે એમ નથી. આમ તો ટાલિયા સાથે બીજા સાત રૂપમાં દેખાયો છે. તે પોતાની ‘પઠાણ’ ની ભૂમિકાને જ નહીં બોક્સ ઓફિસ કલેક્શનને પણ પાછળ મૂકી દે છે. શાહરૂખનો જમાનો પાછો ફર્યો છે.

ફિલ્મની વાર્તા એક એવા જવાનની છે જેની જિંદગી સિસ્ટમને કારણે ખરાબ થઈ હોય છે. એ પછી એનો છોકરો એ જ સિસ્ટમનો ઉપયોગ કરીને એમાં સુધારો કરે છે. એમાં ગરીબોના હકની સાથે સરકારી ભ્રષ્ટાચાર વિરુધ્ધની અનેક વાત છે અને સિસ્ટમ પર પ્રહાર કરવામાં આવ્યા છે. વાર્તામાં નવું કંઇ નથી પણ એને કહેવાની રીત અલગ છે.

ફિલ્મમાં દક્ષિણ અને બોલિવૂડની ફ્લેવર સરખા ભાગે ઉમેરવામાં આવી છે. શાહરૂખે દક્ષિણના કલાકારોની સાથે ત્યાં વધુ પ્રચાર કર્યો હતો. કોઈ ફિલ્મમાં ઉત્તર- દક્ષિણનો આવો સંયુક્ત મેળ જોવા મળ્યો નથી. દર્શકોએ દક્ષિણની હિન્દી રીમેક ઘણી જોઈ છે. એમાં હીરો રૉબિનહૂડ જેવો હોય કે ડબલ રોલમાં હોય એ નવી વાત નથી.

નિર્દેશક એટલીએ એક ડગલું આગળ વધીને શાહરૂખને દક્ષિણની સ્ટાઇલમાં રજૂ કરવાનો સફળ પ્રયોગ કર્યો છે. તેથી ફિલ્મે દક્ષિણમાં ‘પઠાણ’ થી વધુ કમાણી કરી છે. પહેલા દિવસે હિન્દીમાં રૂ.65 કરોડ અને દક્ષિણની ભાષાઓમાં રૂ.10 કરોડથી વધુની કમાણી કરી હતી. આજ સુધી કોઈ હિન્દી ફિલ્મ એક દિવસમાં આટલી કમાણી કરી શકી નથી.

આમ તો ‘પઠાણ’ ને તમિલ અને તેલુગુમાં રજૂ કરવામાં આવી જ હતી પણ ‘જવાન’ દક્ષિણમાં ડબ થઈ હોવા છતાં પેન ઈન્ડિયા ફિલ્મ ગણી શકાય એમ છે. આ અત્યાર સુધીની સૌથી વધુ મસાલેદાર અને મનોરંજક ફિલ્મ ગણાઈ છે. એક ટિકિટમાં બે શાહરૂખ મળતા હોય ત્યારે પબ્લિકને પૈસા વસૂલ થયા હોવાનું લાગે છે.

‘જવાન’ ને બોક્સ ઓફિસ પર પૈસા કમાવવા માટે બનાવવામાં આવી હોવા છતાં એમાં ઉઠાવવામાં આવેલા દેશના સામાજિક અને રાજકીય મુદ્દાની નોંધ લેવામાં આવી રહી છે. શાહરૂખ પોતાના અસલ જીવનમાં જે કરતો નથી એ ‘જવાન’ માં કર્યું છે. બીજી એક વાત નોંધાઈ તે એ છે કે શાહરૂખે જે પ્રયોગાત્મક ફિલ્મો કરવાની હતી એ 2014 થી 2019 દરમ્યાન કરી લીધી છે. હવે 2023 થી દર્શકોને જે પસંદ છે એ આપી રહ્યો છે.

લોકોએ ફિલ્મથી માત્ર મનોરંજન મેળવ્યું નથી. એના ભ્રષ્ટાચાર, ખેડૂતોની આત્મહત્યા વગેરે મુદ્દા સાથે જોડાયા પણ છે. માસ સિનેમા સાથે વાસ્તવિક્તાને જોડવાનું મુશ્કેલ કામ નિર્દેશકે કર્યું છે.

એવું નથી કે ફિલ્મમાં કોઈ ખામી નથી. એટલી કુમારની ‘જવાન’ ની એ યાદી પણ એટલી જ લાંબી છે. ફિલ્મમાં આમ તો છ મહત્વના મહિલા પાત્રો છે. એમાં નયનતારા અને દીપિકા ઊભરી આવી છે. એના દ્વારા નારીશક્તિનો પરિચય મળે છે. બાકીની હીરોઈનોની ભૂમિકા સાવ ટૂંકી છે. ‘જવાન’ ની થીમ સહિતનું અનિરુધ્ધનું બેકગ્રાઉન્ડ સંગીત સારું છે ત્યારે ગીતોમાં ‘ચલેયા’ સિવાય કોઈમાં દમ નથી. ‘જિંદા બંદા’ માત્ર મોટા પડદા પર જોવા જેવું છે. કેટલાક ગીતો ફિલ્મની ગતિને થોડી ધીમી કરે છે. હિન્દી ભાષી દર્શકોને એમ જરૂર લાગશે કે દક્ષિણના અનિરુધ્ધને બદલે બોલિવૂડના સંગીતકારને લીધા હોત તો ગીત-સંગીત સાથે વધુ જોડાઈ શક્યા હોત.

બે ફિલ્મ સ્ટારને મહેમાન તરીકે વેડફવામાં આવ્યા છે. ફિલ્મની ત્રણ કલાકની લંબાઈ વધુ કહી શકાય. જોકે, આભાર માનીએ કે કિસાનની આત્મહત્યા, ઓક્સિજનની કમી વગેરે અનેક દ્રશ્યોને ઝડપથી બતાવ્યા છે. નહીંતર લંબાઈ હજુ વધી ગઈ હોત. કેટલાકને ફિલ્મના અંત પર વધારે મહેનત કરવાની જરૂર લાગશે. એમ પણ થશે કે રૂંવાડા ઊભા કરી દે એવો ઈન્ટરવલ પોઈન્ટ આનાથી વધુ સારો હતો. એનો ઈન્ટરવલ હિન્દી સિનેમામાં વર્ષો સુધી યાદ રહે એવો ઐતિહાસિક ગણાયો છે. વાર્તા માટે બહુ દિમાગ લગાવવામાં આવ્યું નથી. હોલિવૂડ જેવી જેલમાં જેલર મહિલાઓ સાથે નાચી શકે છે.

ફિલ્મના નેગેટિવ પોઈન્ટસ જાણ્યા પછી પણ દર્શકો એને જોવા ગયા હતા અને એમને એ વાતનો સંતોષ રહ્યો કે ફિલ્મે જે મનોરંજનનો વાયદો કર્યો હતો એનાથી વધુ આપ્યું છે એ જ શાહરૂખની સફળતા છે. શાહરરૂખ ખાને 57 વર્ષની ઉંમરે સાબિત કરી દીધું છે કે અભી તો મેં ‘જવાન’ હૂં! એટલું જ નહીં તહેવારોમાં ફિલ્મ રજૂ કરવા બોલિવૂડમાં પડાપડી થાય છે ત્યારે ‘જવાન’ બોક્સ ઓફિસ પર એક તહેવાર જેવી બની ગઈ હતી!

દીપિકા પાદુકોણ ‘પઠાણ’ ની જેમ જ શાહરૂખ સાથે જામે છે. દક્ષિણથી બોલિવૂડમાં ડેબ્યુ કરનારી નયનતારા પણ એક્શન અને રોમાન્સ બંનેમાં ફાયર છે. તેણે સાબિત કર્યું છે કે જે હીરો કરી શકે એ હીરોઈન પણ કરી શકે છે. ‘વિક્રમ વેધા’ પછી વિજય નકારાત્મક ભૂમિકામાં ફરીથી પણ વધુ જામે છે. તેણે સાબિત કર્યું છે કે રોલ લાંબો નહીં મોટો હોવો જોઈએ. ખરેખર તો એના કાલી ના પાત્રને હજુ ઉભારવાની જરૂર હતી. સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી વગેરે નાની ભૂમિકાઓમાં પ્રભાવિત કરે છે.

નિર્દેશક એટલી કુમારે એક્શન અને ઇમોશન સાથે એક સંદેશ આપવાનું મુશ્કેલ કામ જવાન માં કરી બતાવ્યું છે. એક રોચક વાર્તામાં દેશના સળગતા મુદ્દાઓ મનોરંજન સાથે રજૂ કરવામાં લેખક અને નિર્દેશકે સફળતા મેળવી છે.

****