શિખર - 16 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિખર - 16

પ્રકરણ - ૧૬

પલ્લવી, નીરવ, શિખર અને તુલસીના જીવનમાં ઘાત આવી અને ગઈ. પહેલાં તો કોરોના નામની ઘાત આવી અને પછી નીરવની નોકરી જતી રહી અને એ જ સમય દરમિયાન આ વાઈરસે પલ્લવીને પણ પોતાના હોવાનું સબૂત આપ્યું. પલ્લવી એનો ભોગ બની.

પણ ધીમે ધીમે બધું જ ગોઠવાઈ ગયું હતું નીરવને એની નોકરી પાછી મળી ગઈ અને શિખરની શાળા પણ ચાલુ થઈ ગઈ.

શિખર ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. ભણવું એને ગમતું પણ હતું અને એ ખૂબ મહેનતુ પણ હતો. પરંતુ ધીમે ધીમે એની આ હોશિયારીને કારણે એની પાસેથી ઘરના બધાં જ સદસ્યોની અપેક્ષાઓ ખૂબ જ વધવા લાગી હતી. જેનું પરિણામ આગળ જતાં ગંભીર પણ આવી શકવાનું હતું.

અત્યારે આપણને હાલ જે નથી સમજાતું એ સમય જતાં ઘણું ખરું આપણને સમજાઈ જતું હોય છે.

શિખર હવે પાંચમા ધોરણમાં આવી ગયો હતો. થોડાં જ દિવસમાં એનો બર્થ ડે પણ આવવાનો હતો. જીવનના દસ વર્ષ પૂરાં કરીને એ અગિયારમાં વર્ષમાં પ્રવેશવાનો હતો. એટલે આ વખતના પોતાના બર્થ ડે ના સેલિબ્રેશન માટે ખૂબ જ વધુ પડતો ઉત્સાહી હતો. શિખરની સાથે સાથે એના માતા પિતા પણ એના બર્થ ડે માટે ખૂબ જ ઉત્સાહી હતા.

અને તુલસીની ખુશીની તો વાત જ શું પૂછવી? એનો તો હરખ જ સમાતો ન હતો. શિખરના બર્થ ડે ને હજુ પંદર દિવસની વાર હતી પરંતુ અત્યારથી જ એની તૈયારીઓ બધાં જ કરવા લાગ્યા હતા.

શિખર શાળાએથી ઘરે આવ્યો ત્યારે એણે એના મમ્મી પપ્પાને વાત કરતા સાંભળ્યા. પલ્લવી બોલી રહી હતી કે, "નીરવ! મને લાગે છે કે, આપણે આ વખતે શિખરના મિત્રોની સાથે સાથે એના બર્થ ડે માં આપણે આપણા આખા પરિવારને પણ બોલાવીએ."

"હા, તું ઠીક કહે છે. મને પણ એ જ લાગે છે."

"પણ શિખરને ગમશે?"

"હા! હા. મને બિલકુલ ગમશે. કેમ નહિ ગમે પપ્પા?" નીરવ અને પલ્લવીની વાતચીત સાંભળી રહેલા શિખરે કહ્યું.

"અરે! શિખર! તું ક્યારે આવ્યો દીકરા? મારુ તો ધ્યાન જ ન હતું કે તું ઘરે આવી ગયો છે."

"બસ હમણાં જ આવ્યો પપ્પા! અને હા હમણાં બે દિવસ પછી મહિનો પૂરો થાય છે એટલે સ્કૂલની ફી પણ ભરવાની છે એવું કહ્યું છે ટીચરે. ભૂલતાં નહિ."

"હા, હા ભરી દઈશ."

હજુ આ બધાં વાતો જ કરી રહ્યાં હતાં ત્યાં જ તુલસી પણ શાક લઈને ઘરે આવી પહોંચી.

તુલસી આવી એટલે શિખર એની દાદીને જોઈને એકદમ જ એને વળગી પડ્યો અને બોલ્યો, "દાદી! તમને યાદ છે ને કે પંદર દિવસ પછી મારો બર્થ ડે છે તો તમે કંઈ તૈયારી નથી કરી?"

"અરે! બિલકુલ તૈયારી થઈ ગઈ છે."

હજુ તો તુલસી આટલું જ બોલી રહી ત્યાં જ નીરવનો ફોન રણક્યો. એણે ફોન ઉપાડ્યો અને થોડીવાર વાત કરીને ફોન મૂક્યો. વાતચીત દરમિયાન એના ચહેરા પર ખુશીના ભાવ છલકી રહ્યાં હતાં એ તુલસી અને પલ્લવીથી છાનું ન રહ્યું.

જેવો નીરવે ફોન મૂક્યો કે, એણે ખુશીનાં આવેશમાં ને આવેશમાં શિખરને એકદમ જ તેડી લીધો અને બોલી ઉઠ્યો, "મમ્મી! પલ્લવી! શિખરે જે સાયન્સ પ્રોજેક્ટ બનાવ્યો હતો એમાં એનો પ્રથમ નંબર આવ્યો છે અને એણે પંદર દિવસ પછી આગળના પ્રોજેક્ટ માટે સ્ટેટ લેવલ પર જવાનું છે."

"અરે! વાહ! આ તો ખૂબ જ સારા સમાચાર છે. ચાલો હું તમને મીઠું મોઢું કરાવું." એમ બોલતી ખુશ થતી થતી પલ્લવી રસોડામાં ગઈ અને આજે સવારે એણે જે ગાજરનો હલવો બનાવ્યો હતો એ લઈને આવી અને બધાનું મોઢું મીઠું કરાવ્યું.

બધાંએ મોઢું મીઠું કર્યું. એ પછી થોડીવાર રહીને શિખર બોલ્યો, "પંદર દિવસ પછી....? પણ ત્યારે તો મારો બર્થ ડે છે ને તો એનું સેલિબ્રેશન નહીં થાય??

"અરે હા! ખુશીમાં ને ખુશીમાં એ તો આપણે વિચાર્યું જ નહીં." પલ્લવી બોલી.

શિખરનું પડેલું મોઢું જોઈને પલ્લવીએ એને સમજાવતા કહ્યું, "જો દીકરા! બર્થ ડે તો તારો દર વર્ષે આવશે. પરંતુ આવી તક વારંવાર નહીં આવે એટલે તારે બર્થ ડે ના સેલિબ્રેશન કરતા પણ આ પ્રોજેક્ટ ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. તારો બર્થ ડે તો આપણે આવતાં વર્ષે ઉજવી લઈશું એમાં શું છે?"

"હા, તારી મમ્મી ઠીક કહે છે બેટા! આવી તક જીવનમાં વારંવાર નથી મળતી. આપણે એક નાનકડા એવાં બર્થ ડે માટે તો ગુમાવવી ન જ જોઈએ. તું આટલો બધો હોશિયાર છો તો તારી આ હોશિયારીને આગળ ધપાવ." તુલસી બોલી.

"પણ દાદી....."

"પણ બણ કંઈ નહી દીકરા! તારે ત્યાં જવાનું જ છે. તારી દાદી ઠીક કહે છે. આવો સરસ મોકો બધાં બાળકોને નથી મળતો. તને મળ્યો છે તો તારે એ ચૂકવો ન જ જોઈએ. અમે તો તારા સારા માટે કહીએ છીએ. તું આગળ વધીશ તો આગળ જતા તને જ એનો ફાયદો થવાનો છે ને? અમારો એમાં શું સ્વાર્થ છે?" નીરવે શિખરને સમજાવવાની કોશિશ કરી.

"પણ પપ્પા...!"

"બસ! શિખર! તારે જવાનું જ છે. હવે વધુ કોઈ ચર્ચા ન જોઈએ. આ મેં તને કહી દીધું. સમજ્યો!" નીરવ હવે ગુસ્સે થઈ રહ્યો હતો.

હવે શિખર વધુ કંઈ નીરવની સામે બોલી શકે એમ ન હતો એટલે એ નીચું મોઢું કરીને ચૂપચાપ પોતાના રૂમમાં જતો રહ્યો.

રૂમમાં જઈને એણે પોતાનું ટેબ્લેટ કાઢ્યું અને રેકોર્ડ કર્યું, "આજે હું મારા બર્થ ડે માટે ખૂબ જ એક્સાઈટેડ હતો. પરંતુ આજે જ સ્કૂલમાંથી ફોન આવ્યો કે, મારા સાયન્સ પ્રોજેક્ટનું સ્ટેટ લેવલ પર સિલેક્શન થઈ ગયું છે અને મારે મારા બર્થ ડે ના દિવસે જ ગાંધીનગર જવાનું છે. પ્રોજેક્ટનું સિલેક્શન થયું એટલે હું ખુશ છું પણ મારે મારો બર્થ ડે પણ મનાવવો છે. આજે હું ખુશ હોવા છતાં ખુશી નથી અનુભવી રહ્યો પરંતુ પણ ઘરમાં કોઈ મારી વાત સમજતું જ નથી એનું દુઃખ થઈ રહ્યું છે."

આટલું રેકોર્ડ કરીને એણે એ રેકોર્ડિંગ સેવ કર્યું અને ટેબલેટ ફરી એની જ્ગ્યાએ મૂક્યું અને પોતાનું હોમવર્ક કરવા લાગી ગયો.

(ક્રમશ:)