૫. નાનો ઝગડો, મોટી ચાલ... !
બપોરે જમ્યા પછી દિલીપ આરામથી ખુરશી પર બેસીને સગારેટનાં કશ ખેંચતો હતો.
જ્યારે સામેની સોફાચર પર બેઠેલો ગણપત આશાભરી નજરે તેની સામે તાકી રહ્યો હતો. પોતે જાણે દિલીપને નહીં, પણ પચીસ લાખ ડૉલરનાં ઢગલાને જોતો હોય, એવા હાવભાવ એનાં ચહેરા પર ફરકતા હતા.
‘મારા પ્રસ્તાવ વિશે તે કંઈ વિચાર્યું શંકર ?' છેવટે હિંમત કરીને એણે પૂછ્યું.
‘હા, વિચાર્યું... ઘણું વિચાર્યું છે મિસ્ટર ગણપત.' દિલીપ સહમતિ સૂચક ઢબે હલાવતાં બોલ્યો.
‘તો પછી તારો શું નિર્ણય છે?'
‘નિર્ણય જણાવતાં પહેલાં હું મારા મગજમાં ઉદ્ભવેલા અમુક સવાલોના જવાબ જાણવા માંગુ છું.'
‘કેવા સવાલ ?’
દિલીપનો દેહ ખુરશી પર ટટ્ટાર થયો.
‘તમારા કહેવા મુજબ મારે બેલાપુરની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પ્રભાત રાઠોડ નામના કેદીને ત્યાંથી સહી સલામત ફરાર કરાવવાનો છે ખરું ને? તમે એમ જ ઇચ્છો છો ને?'
‘હા...’ ગણપતે હકારમાં માથું હલાવ્યું, ‘હું એમ જ ઇચ્છું છું.' બરાબર છે, પરંતુ આ કામ માટે મારે બેલાપુરની જેલમાં પહોંચવું પડશે, એ હું કેવી રીતે પહોંચીશ ?’
‘એ તો સાવ સહેલું છે.’ ગણપત ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘અત્યારે સમગ્ર વિશાળગઢની પોલીસ તારી પાછળ છે. તેઓ શહેરના ખૂણે ખૂણામાં શિકારી કૂતરાંની જેમ તને શોધે છે. આ સંજોગોમાં હું પોલીસને એક ફોન કરીશ એટલી જ વાર લાગશે. પોલીસ અહીં આવીને તને પકડી લેશે અને પછી બેલાપુરની જેલમાં પૂરી દેશે. આ રીતે તું ખૂબ જ સહેલાઈથી બેલાપુરની જેલમાં પહોંચી જઈશ.'
'તમારી વાત મુદ્દાની છે મિસ્ટર ગણપત.' દિલીપ તરત જ બોલી ઊઠ્યો, ‘ગિરફતાર કર્યા પછી પોલીસ મને બેલાપુરની જેલમાં જ મોકલશે એમ માની લેવાની જરૂર નથી. વિશાળગઢ તથા તેની આજુબાજુમાં પણ અનેક જેલો છે. તેઓ મને બીજી કોઈ જેલમાં નહીં મોકલે, એ વાતની શી ખાતરી છે?'
'ગુડ ક્વેશ્ચન. તારો સવાલ એકદમ વ્યાજબી છે શંકર.’ ગણપતે પ્રશંસાભરી નજરે એની સામે તાકી રહેતાં કહ્યું, ‘તને બેલાપુરની જેલમાં જ મોકલવામાં આવશે એની મને પૂરી ખાતરી છે.'
‘આ વાત તમે આટલી ખાતરીથી કેવી રીતે કહો છો ?' દિલીપના અવાજમાં ઉત્સુકતા હતી.
‘મારી ખાતરીનું કારણ પણ છે અને તારા સવાલની માફક વ્યાજબી પણ છે.' ગણપત બોલ્યો, ‘તું તિહાડની જેલમાંથી નાસી છૂટેલો કેદી છો, એવું તે મને ગઈ કાલે કહ્યું હતું. તિહાડ જેલ ભારતની ખ્યાતનામ જેલો માંહેની એક છે. ચાર્લ્સ શોભરાજ જેવા આંતર રાષ્ટ્રીય ગુનેગારને પણ ત્યાં રાખવામાં આવ્યો હતો. હવે એ વાત અલગ છે કે ચાર્લ્સની જેમ તું પણ તિહાડ જેલ તોડીને નાસી છૂટ્યો છે. ચાર્લ્સે પૈસાના જોરે આ કામ પાર પાડ્યું હતું, તો તે તારી બુદ્ધિમત્તાનાં જોરે, ચાર્લ્સ પાસે ‘મની પાવર’ હતો તો તારી પાસે ‘બ્રેઇન પાવર’ તારી ખૂંખારતા તથા અસીમ બુદ્ધિમત્તાને ધ્યાનમાં લઈને તને ચોક્કસ બેલાપુરની જ જેલમાં રાખવામાં આવશે. બેલાપુરની જેલને બાદ કરતાં વિશાળગઢ કે તેની આજુબાજુમાં બીજી કોઈ મજબૂત જેલ નથી.
તું તિહાડ જેલમાંથી પણ નાસી છૂટ્યો છે એટલે તને કોઈ સાધારણ જેલમાં રાખવાની હિંમત દાખવે, એટલ મૂરખ તો વિશાળગઢની પોલીસ બિલકુલ નથી.'
‘તેમ છતાં ય ઘડીભર માટે માની લો કે વિશાળગઢની પોલીસ આવી હિંમત દાખવશે તો ?' દિલીપે સિગારેટની રાખ એશ ટ્રેમાં ખંખેરતા પૂછ્યું.
‘પોલીસ આવું મૂર્ખાઈભર્યું પગલું ભરશે એવું મને નથી લાગતું.’ ગણપતે કહ્યું.
‘નવ્વાણું ટકા તો મને બેલાપુરની જેલમાં જ મોકલાશે, એ હું સ્વીકારું છું.' દિલીપ બોલ્યો, ‘પરંતુ એક ટકો માની લો કે મને કોઈક બીજી જેલમાં મોકલવામાં આવશે તો શું થશે ? એ સંજોગોમાં તો એક ઝાટકે મિશનનું સત્યાનાશ નીકળી જશે. કારણ કે પ્રભાત ક્યાંક હશે ને હું ક્યાંક હોઈશ ?'
‘ના...’ ગણપત નકારમાં માથું ધુણાવતાં દેઢ અવાજે બોલ્યો,
‘એવું નહીં બને. હું એવું નહીં થવા દઉં. કોઈ હિંમતે નહી. તારે જો જેલમાં જવાનો વખત આવશે તો તું બેલાપુરની જેલમાં જ જઈશ.' ‘બરાબર છે.’ દિલીપે સિગારેટનો લાંબો કશ ખેંચીને મોંમાંથી ધુમાડાનો ઢગલો કાઢતાં કહ્યું, 'પણ તેમ છતાંય એક ટકો શક્યતા ધ્યાનમાં રાખીને જવાબ આપો કે જો વિશાળગઢની પોલીસ મને પકડીને કોઈક બીજી જેલમાં મોકલવાની ગોઠવણ કરશે તો શું થશે ?
'આ સંજોગોમાં તમે શું કરશો?’
‘તું હજુ આ ગણપતને નથી ઓળખતો શંકર…… !' ગણપત એકાએક ઝેરી સાપનાં ફૂંફાડા જેવા અવાજે બોલ્યો, ‘ચોપાટી પર આખો દિવસ ટાંટિયા તોડ કરીને નાળિયેર પાણી વેચનારો આ ગણપત પાટિલ પાણી વેંચતા વેંચતા કંઈ એમ ને એમ જ વિશાળગઢનો ‘ડ્રગ્સ કિંગ’ નથી બની ગયો. મારી પહોંચ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છેક ઉપર સુધી છે. અહીંના મામૂલી કૉન્સ્ટેબલથી માંડીને કમિશ્વર દરજ્જાનાં ઑફિસરોને મારા તરફથી દર મહિને નિયમિત તેમનાં હોદ્દા પ્રમાણેનાં હપ્તા પહોંચે છે. તેઓ નોકરી ભલે સરકારની કરતા હોય, પણ પોતાની વર્દી તથા અધિકારોની આડમાં સેવા મારા જેવા લોકોની કરે છે. તેઓ વર્દીનાં નહીં, પણ મારા જેવાં લોકોના ગુલામ છે. જો તને બેલાપુર સિવાય અન્ય કોઈ જેલમાં મોકલવાનો વખત આવશે, તો એ સંજોગોમાં હું મારી વગનો ઉપયોગ કરીશ. મારી તાકાતનો ઉપયોગ કરીશ. મારા હપ્તા ખાઈને બેસી રહેલા ઉચ્ચઅધિકારીઓને હુકમ આપીશ કે તને વાસ્તવમાં કઈ જેલમાં પૂરવો જોઈએ ! શંકર... તને બેલાપુર સિવાય બીજી કોઈ જેલમાં નહીં મોકલવામાં આવે, એની તું ખાતરી રાખ. આ મારું તને વચન છે.
'આનો અર્થ એ થયો કે જો હું આ કામ હાથ પર લઉં, તો મને બેલાપુરની જેલમાં જ પહોંચાડવામાં આવશે, એ વાત નક્કી છે ખરું ને?'
‘હા, બિલકુલ નક્કી.' ગણપતનો અવાજ મક્કમ હતો, ‘તને માત્ર બેલાપુરની જેલમાં જ નહીં, બલ્કે જેલની જે બૅરેકમાં પ્રભાત રાઠોડ કેદ છે, એ જ બૅરેકમાં પણ પહોંચાડવામાં આવશે, આ વાત પણ નક્કી જ છે.' ‘જેલનું તો જાણે સમજ્યા... પણ બૅરેકમાં કેવીરીતે પહોંચાડશો ?' દિલીપે અચરજભર્યા અવાજે પૂછ્યું. ‘બેલાપુરની જેલમાં વોર્ડન તરીકે ફરજ બજાવતો પીતાંબર નામનો કર્મચારી મારો મળતીયો છે.' ગણપતે જવાબ આપતાં કહ્યું, ‘તે પહેલાં વિશાળગઢની એક અન્ય જેલમાં હતો, ત્યારે મારી પાસેથી પડીકીઓ ખરીદીને જેલના નશાખોર કેદીઓને ઊંચા ભાવે વેચતો હતો. ત્યારથી એને મારી સાથે ઓળખાણ છે. પાછળથી બેલાપુરની જેલમાં તેની બદલી થતાં એનો પડીકીનો ગેરકાયદેસર ચાલતો ધંધો - બંધ થઈ ગયો. કારણ કે બેલાપુરની જેલના નિયમો ખૂબ જ કડક છે. પોલીસ વિભાગ સાથે સંકળાયેલો કોઈ શખ્સ ત્યાં આ જાતનો ગેરકાયદેસર ધંધો કરી શકે તેમ નથી. પીતાંબરે બેલાપુરની જેલમાં થતી પોતાની બદલી અટકાવવા માટે ઘણા ધમપછાડા માર્યા હતા, પણ એને સફળતા ન મળી. આ રીતે તેની મહિને હજારો રૂપિયાની આવક બંધ થઈ ગઈ. પીતાંબર હજુ પણ ક્યારેક ક્યારેક મને મળતો રહે છે. તે બેલાપુરની જેલમાં વૉર્ડન છે એટલે તને પ્રભાતની બૅરેકમાં જ પૂરવાનું કામ એ આરામથી પાર પાડી શકે તેમ છે. ‘ગુડ...’ દિલીપ સ્મિત સહ બોલ્યો, ‘તો બેલાપુરની જેલમાં આ પીતાંબર મને ખૂબ જ મદદરૂપ થઈ શકે તેમ છે ખરું ને?' ખૂબ તો નહીં, પણ થોડી-ઘણી મદદ તો જરૂર કરી શકે તેમ છે.’ ગણપતે કહ્યું, ‘બેલાપુરની જેલમાં કડક ચેકિંગ હોવાથી પીતાંબર ઇચ્છા હશે તો પણ તને બહુ મદદ નહીં કરી શકે.'
‘ઓહ…….’
‘રૂમમાં થોડી પળો માટે ચૂપકીદી છવાઈ ગઈ.’
‘હવે મારા મગજમાં એક છેલ્લો સવાલ બાકી રહે છે.' છેવટે દિલીપે ચૂપકીદીનો ભંગ કરતાં કહ્યું. ‘એ પણ કહી નાખ.'
‘ઘડી ભર માટે માની લો તે તમારી બાતમીથી પોલીસ મને પકડી,આરોપનામું ઘડીને મને કૉર્ટમાં રજૂ કરશે. હું અનેક ખૂનો કરી ચૂક્યો છું, એ તો તમે જાણો જ છો.' દિલીપ સિગારેટનો કશ ખેંચતા બોલ્યો, ‘આ ઉપરાંત તિહાડ જેલ તોડવાનો આરોપ પણ મારા પર ગાજે છે. તેમ જ અહીં વિશાળગઢમાં પણ મેં ઘણાં લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.’
‘તું કહેવા શું માંગે છે?' ગણપતે મૂંઝવણભરી નજરે એની સામે જોતાં પૂછ્યું.
'હું એમ કહેવા માંગુ છું મિસ્ટર ગણપત કે...' દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘આવા ખતરનાક અપરાધસર કોર્ટ મને ફાંસીની સજા ફરમાવશે અને મને તરત જ કોઈક કાળ કોટડીમાં પૂરી દેવામાં આવશે તો શું થશે? આવું થશે તો પણ આપણી બાજી ઊંધી વળી જશે. એ સંજોગોમાં પ્રભાતને બેલાપુરની જેલમાંથી ફરાર કરાવવાની વાત તો એક તરફ રહી, ઉલ્ટું મારો જીવ પણ જોખમમાં મૂકાઈ જશે.' કહ્યું.
'હું તને ફાંસીની સજા નહીં થવા દઉં.' ગણપતે મક્કમ અવાજે
'તમે મને ફાંસીની સજા થતી કેવી રીતે અટકાવશો ? મારા નામે કેટલા ગુનાઓ કાયદાના ચોપડે બોલે છે, એની તમને ખબર જ છે. હું તો એમ જ માનું છું કે કૉર્ટ મને ફાંસીની જ સજા ફરમાવશે.’
'તારે માટે હું બાહોશ વકીલોની ફોજ રોકીશ. એ લોકો તને કોઈ સંજોગોમાં ફાંસીની સજા નહીં થવા દે.’
‘પણ તેમ છતાંય તેઓ હારી જશે અને મને ફાંસીની સજા ફરમાવવામાં આવશે તો ?'
'એવું નહીં બને. ભલે મારે ચુકાદો આપનાર જજ કે અદાલતને ખરીદવી પડે. પણ હું તને ફાંસીની સજા નહીં થવા દઉં! આ મારું તને વચન છે શંકર. એક વાત યાદ રાખ.'
‘શું ?’
‘તને બેલાપુર જેલની પ્રભાત રાઠોડની બૅરેક સુધી પહોંચાડવાનું કામ મારું છે. તને એ બૅરેક સુધી પહોંચાડવામાં જે કંઈ મુશ્કેલી ઊભી થશે, એ બધીનો સામનો કરવાની મારી પૂરી તૈયારી છે. પછી ત્યાંથી પ્રભાતને બહાર લાવવાનું કામ તારું છે. એટલે તું માત્ર બૅરેકમાં પહોંચ્યા પછી ત્યાંથી પ્રભાતને કેવી રીતે બહાર કાઢવો, એનો જ વિચાર કર.'
‘ઠીક છે.’ દિલીપ સિગારેટના ઠૂંઠાને એશ ટ્રેમાં પધરાવતાં બોલ્યો.
‘તો હવે તારો શું જવાબ છે ?' ગણપતે આશાભરી નજરે એની સામે તાકી રહેતાં પૂછ્યું. ‘મને સાંજ સુધી વિચારવાનો સમય આપો.'
‘તારે હજુ પણ કંઈ વિચારવાનું બાકી છે?'
‘હા...’ દિલીપ ગંભીરતાથી માથું હલાવતાં બોલ્યો, ‘મારી એક ખાસિયતની તમને કદાચ ખબર નહીં હોય.' હું કાં તો કોઈ કામ હાથ પર નથી લેતો અને લઉં છું તો પછી પૂરું કરીને જ જંપુ છું. મારા મોંમાંથી નીકળેલાં શબ્દો પથ્થરની લકીર સમાન હોય છે. એક વાર કોઈ કામ હાથમાં લીધાં પછી અધવચ્ચેથી જ પડતું મૂકી દેવાનું મારા સ્વભાવની વિરુદ્ધ છે. હું કોઈ પણ નિર્ણય બરાબર સમજ્યા-વિચાર્યા પછી જ લઉં છું.'
‘ઠીક છે...’ ગણપતે એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું, ‘હું તને સાંજ સુધીનો સમય આપું છું. સાંજે તું તારો નિર્ણય મને જણાવી દેજે.’
ત્યાર બાદ દિલીપ તેનું અભિવાદન કરીને પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો.
દિલીપની વાતોથી ગણપત બિલકુલ નિરાશ નહોતો થયો. ઉલટું એ તેનાથી પ્રભાવિત થયો હતો.
આ ખતરનાક મિશન પાર પાડવા માટે પોતાને શંકર જેવો દિલેર અને અત્યંત બુદ્ધિશાળી ગુનેગાર મળ્યો છે, એ વાત પર તે મનોમન ગર્વ અનુભવતો હતો. એનાં કલ્પના ચક્ષુઓ સમક્ષ પચીસ લાખ ડૉલરની નોટો તરવરતી હતી.
એણે તરત જ ફોન પર અનવરનો સંપર્ક સાધ્યો.
‘બોસ.’ સામે છેડેથી અનવરનો અવાજ સંભળાતાં જ તે ઉત્સાહભેર બોલ્યો, મારે થોડી વાર પહેલાં જ શંકર સાથે વાત થઈ છે.'
‘શું કહે છે એ ?' સામે છેડેથી અનવરે ઉત્સુક અવાજે પૂછ્યું. ‘કહ્યું તો કશું જ નથી.'
‘તો ?’
એ મને ખોદી ખોદીને પૂછપરછ કરતો હતો. સાચું કહું તો મને હવે પૂરી ખાતરી થઈ ગઈ છે કે શંકર જ બેલાપુરની જેલને તોડી શકે તેમ છે. તે એક એક પાસાં પર પૂરી ગંભીરતાથી વિચારે છે. સવાલ-જવાબ દરમિયાન એણે દર્શાવેલી ઉણપ જોઈને મારા મગજમાં પણ એક વાત ગુંજી છે અને એટલા માટે જ મારે અત્યારે તમને ફોન કરવો પડ્યો છે.'
તારા મગજમાં વળી કઈ વાત ગુંજી છે?'
'બૉસ. ઘડી ભર માટે માની લો કે પ્રભાતને જેલમાંથી ફરાર કરાવવામાં આપણને સફળતા મળી જાય છે.' ગણપત ગંભીર અવાજે બોલ્યો, ‘પરંતુ ફરાર થયા પછી પ્રભાત તમને લોકોને એટલે કે પાકિસ્તાનને સાથ આપવાનો નનૈયો ભણી દેશે તો બધી મહેનત પાણીમાં જશે. એને છોડાવવાનો કોઈ લાભ નહીં મળે.'
‘ના...' સામે છેડેથી ગુંજતા અનવરનાં અવાજમાં ભરપૂર આત્મ વિશ્વાસ હતો, ‘તે ઇનકાર નહીં કરે.’
'તે ઇનકાર નહીં જ કરે, એ વાતની શી ખાતરી છે? જે માણસ પોતાનાં દેશ સાથે... પોતાની માતૃભૂમિ સાથે દગાબાજી કરી શકતો હોય, એ સહેલાઇથી બીજા કોઈને સાથ આપવા શા માટે તૈયાર થશે?'
‘તારી વાત મુદ્દાની છે ગણપત. પરંતુ પૈસા એક એવી વસ્તુ છે કે જે ભલભલાનાં ઇમાનને ડગમગાવી મૂકે છે. પ્રભાત અત્યારે પૈસાનો ભૂખ્યો છે. આપણે તેને એટલા બધા પૈસા આપીશું કે તે કોઈ સંજોગોમાં આપણને સાથ આપવાનો ઇનકાર નહીં કરી શકે.'
‘ઓહ...'
'ખેર, તું આ બધી વાતોમાં નાહક જ તારો સમય ન વેડફ.’ એ અમારા માથાનો દુખાવો છે. તું માત્ર તને સોંપવામાં આવેલું કામ પૂરું કરે. બેલાપુરની જેલમાંથી ફરાર થયા પછી પ્રભાતને કેવી રીતે હૅન્ડલ કરવો, એ વિચારવાનું કામ અમારું છે. ‘ઓ.કે. બૉસ...’ કહીને ગણપતે ધીમેથી રિસીવર મૂકી દીધું.
ત્યાર બાદ તે એક સિગારેટ પેટાવીને ધીમે ધીમે તેના કશ ખેંચવા લાગ્યો. સાંજે ફરીથી ગણપત તથા દિલીપ વચ્ચે વાતચીત થઈ.
દિલીપે ગણપતને પોતાના રૂમમાં જ બોલાવી લીધો હતો.
‘તે કંઈ નિર્ણય કર્યો ?’ ગણપતે પલંગ પાસે પડેલી એક ખુરશી પર બેસતાં બોલ્યો. નિર્ણયની ઘડી આવી પહોંચી છે, એવા વિચારથી જ તેના ધબકારા એકદમ વધી ગયા હતા.
દિલીપે આરામથી એક સિગારેટ પેટાવી અને પછી કહ્યું, 'આખા મિશન વિશે ગંભીરતાથી વિચાર કર્યો છે અને વિચાર્યા પછી હું એવા પરિણામ પર આવ્યો છું કે બેલાપુરની જેલમાંથી પ્રભાત રાઠોડને ફરાર કરાવવાનું કામ સહેલું નથી. આ કામ લોઢાનાં ચણા ચાવવા જેટલું કપરું છે. આ કામમાં મારા જીવનું પણ જોખમ છે.’
‘તો પછી ?’ ગણપતનો અવાજ ધ્રુજી ઊઠ્યો. એનાં હોઠ સૂકાવા લાગ્યા.
‘મિસ્ટર ગણપત.’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘જીવનું આ જોખમ ખેડવા માટે હું તૈયાર છું. અગાઉ આવું જોખમી કામ મેં હાથમાં નથી લીધું પણ આ કામ લઉં છું. પડકાર રૂપ કામ મને ગમે છે. પરંતુ આમાં મારી એક શરત છે.'
‘દેવી શરત?'
‘આ કામના બદલામાં મારે પચાસ પેટી જોઈશે. ‘પ...પચાસ પેટી.’ ગણપતનાં મોંમાંથી સિસકારો નીકળી ગયો, ‘અર્થાત્ પચાસ લાખ રૂપિયા ?'
‘હા, પચાસ લાખ રૂપિયા.' દિલીપ ભાવહીન અવાજે બોલ્યો, ‘મારા જીવની કિંમત માત્ર વીસ લાખ નથી.' વીસ લાખ તો હું દસ જણને મોતને ઘાટ ઉતારીને પણ કમાઈ લઉં છું. તમે મને જે કામ સોંપવા માંગો છો, તે ખૂબ જ ખતરનાક અને અત્યંત જોખમી છે એટલે મારે કમ સે કમ પચાસ લાખ તો જોઈશે જ. જો તમને મંજૂર હોય તો ઠીક છે. નહીં તો હું મારા રસ્તે ને તમે તમારા રસ્તે. ગણપતે પળભર વિચાર્યું.
દિલીપને પચાસ લાખ આપ્યાં પછી પણ એનાં હાથમાં બાર કરોડ બચતા હતા. પચાસ લાખ આપતાં આટલી રકમ બચતી હોય તો આ સોદો બિલકુલ ખોટો નહોતો.
‘મને મંજૂર છે.' એ તરત જ બોલી ઊઠ્યો.
કામ પૂરું થતાં જ મને પચાસ લાખ મળી જવા જોઈએ.' પચાસ લાખની સામે જ હું પ્રભાતને તમારે હવાલે કરીશ એટલું યાદ રાખજો. વાંધો નહીં... તારી આ શરત પણ મંજૂર છે.' ઠીક છે...' દિલીપે સિગારેટનો ઊંડો કશ ખેંચીને બેફિકરાઈથી કહ્યું, ‘તો પછી મને બેલાપુરની જેલમાં પહોંચાડવા માટે તમારે જે કંઈ વ્યવસ્થા કરવી હોય, તે કરી લો.' ગણપત આનંદથી ઉછળીને ઊભો થઈ ગયો. આનંદના અતિરેકથી તે નાચવા નહોતો માંડ્યો એટલું સારું હતું.
ત્યાર બાદ તે ખૂબ જ વ્યસ્ત થઈ ગયો. સૌથી પહેલાં તો એણે ખુશાલીમાં પોતાના હાથેથી શેમ્પેનનો એક પૅગ તૈયાર કરીને દિલીપને પીવડાવ્યો અને પોતે પણ પીધો. પછી એણે બેલાપુર જેલના વોર્ડન પીતાંબરને ઘેર ફોન કરીને તેને ટૂંકમાં બધી વિગતો જણાવી દીધી.
ત્યાર પછી એણે ફોન પર જ અનેક પોલીસ અધિકારીઓ સાથે વાત કરી. એટલું જ નહીં, દિલીપને ખબર ન પડે એ રીતે અનવરને પણ ફોનથી આ શુભ સમાચાર આપી દીધા. આખી રાત એણે દોડાદોડી કરીને દિલીપની ધરપકડની યોજના બનાવી..
રાત્રે દિલીપે પોતાનાં રૂમમાં પૂરાઈને ફરીથી એક વાર ટ્રાન્સમીટર પર નાગપાલનો સંપર્ક સાધ્યો.
‘શું રિપોર્ટ છે પુત્તર ?' નાગપાલનો વ્યાકુળ અવાજ તેને સંભળાયો.
‘હું યોજનાનું સૌથી અગત્યનું ચરણ પૂરું કરી ચૂકયો છું અંકલ.' દિલીપ એકદમ ધીમા પણ સ્પષ્ટ અવાજે બોલ્યો, ‘મેં ગણપતને બેલાપુરની જેલ તોડવા માટે હા પાડી દીધી છે. એટલું જ નહીં, બધું વાસ્તવિક લાગે એટલા માટે આ કામના બદલામાં ગણપત પાસે પચાસ લાખ રૂપિયાની માંગણી પણ કરી છે.’
'ગુડ... હવે ગણપતની શું પોઝિશન છે?’
'એકદમ ફર્સ્ટ ક્લાસ. એકદમ ખુશ. જાણે કુબેરનો ખજાનો મળી ગયો હોય, એટલો આનંદ એના ચહેરા પર મારો હકારાત્મક જવાબ સાંભળીને છવાઈ ગયો હતો. અત્યારે તે મારી ધરપકડની ગોઠવણીમાં રોકાયેલો છે. અંકલ, વિશાળગઢની પોલીસના કેટલાય ઉચ્ચાધિકારીઓ એનાં મળતિયા છે. આવતી કાલે કોઈ પણ સમયે પોલીસ દ્વાર મારી ધરપકડ થઈ જશે, એવું મને લાગે છે.'
‘સરસ... તો ગણપત ઝપાટાબંધ કામે લાગી ગયો છે એમને ? ‘હા. અંકલ, હું એક બીજી વાત પણ કહેવા માંગુ છું.' ‘બોલ...’
‘મને બેલાપુરની જેલમાં જ પહોંચાડવામાં આવે, એ બાબતમાં તમારે કોઈ પગલાં ભરવાની જરૂર નથી.'
‘કેમ ?’
એટલા માટે કે આ કામ પણ ગણપત જ પાર પાડવાનો છે. વિશાળગઢનાં પોલીસ બેડામાં એની વગ જોતાં તે આ કામ ચોક્કસ પાર પાડશે એની મને પૂરી ખાતરી છે એટલે આ મામલામાં સી.આઈ.ડી. માથું ન મારે,એ વધુ યોગ્ય રહેશે.'
‘ઓ.કે. જો એમ જ હોય તો હું સી.આઈ.ડી. તરફથી પોલીસને કોઈ આદેશ નહીં આપું.'
‘એક બીજી વાત...'
‘બોલ...’
પરિસ્થિતિ એવી છે કે બેલાપુરની જેલમાંથી પણ હવે મારે મારા કાંડાના જોરે ફરાર થવું પડશે. જેલમાંથી ફરાર થવા માટે કાયદાની કોઈ મદદ હું નહીં લઈ શકું..'
‘આ... આ તું શું કહે છે દિલીપ ?' આ વખતે સામે છેડેથી ગુંજેલા નાગપાલનાં અવાજમાં અચરજનો પાર નહોતો, ‘પણ શા માટે ?' તું શા માટે કાયદાની મદદ લેવાની ના પાડે છે?'
'હું મદદ લેવાની ના નથી પાડતો અંકલ... પણ મને એક વાતનો ભય લાગે છે.'
‘કઈ વાતનો?’
‘વિશાળગઢના પોલીસ ખાતામાં કામ કરતા કેટલાય ઉચ્ચ ઓફિસો ગણપતનાં ચમચા છે. આ વાતને નજર સામે રાખતા જો તમે બેલાપુરની જેલમાંથી ફરાર થવા માટે તમે મને વિશાળગઢ પોલીસની મદદ અપાવવાનો પ્રયાસ કરશો તો આ સમાચાર તરત જ ગણપતનાં કાન સુધી પહોંચી શકે તેમ છે. એ સંજોગોમાં આપણી અત્યાર સુધીની મહેનત નકામી જશે, આપણું મિશન ફેઈલ જશે. હું કાયદાનો કોઈક જાસૂસ છું અને એટલા માટે જ જેલમાંથી ફરાર થવા માટે પોલીસ મને મદદરૂપ થાય છે, એ વાત ગણપત આંખનાં પલકારામાં જ સમજી જશે. એ કાગડા જેવો ચાલાક અને શિયાળ જેવો લુચ્ચો છે.'
સામે છેડે થોડી પળો માટે ભારે ભરખમ સન્નાટો છવાઈ ગયો. ‘અંકલ.’ છેવટે દિલીપે જ સન્નાટાનો ભંગ કર્યો, ‘ગણપત બલ્કે પ્રભાતને પણ મારી અસલિયતની ખબર ન પડે અને તેઓ મને શંકર જ માનતા રહે, ત્યારે જ આપણું મિશન સફળ થઈ શકે તેમ છે. હું સી.આઈ.ડી. નો. ઍજન્ટ છું, એની કોઈને પણ ખબર પડશે, એ પળે જ બાજી આપણા હાથમાંથી નીકળી જશે ! આપણે જીતેલી બાજી હારી જઈશું.'
‘તારી વાત મુદ્દાની છે પુત્તર, પણ...'
‘પણ શું?’
‘માત્ર કાંડાનાં જોરે બેલાપુરની જેલમાંથી ફરાર થવાનું કામ બિલકુલ અશક્ય છે.'
‘આ એક અશક્ય કામ છે, એ હુ સમજું છું અંકલ.' દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં ગંભીર અવાજે બોલ્યો, પરંતુ જો આપણે પરમાણુ બૉબ વિશેની ફાઈલ તથા પેઇન્ટિંગ મેળવવા હોય તો મારે આ અશક્ય કામને શક્ય કરી બતાવવું પડશે. બેલાપુરની જેલમાંથી પણ ફરાર થઈ શકાય છે, એ વાત મારે સાબિત કરી દેવી પડશે.
'પુત્તર..’ સામેથી ગુંજતા નાગપાલનાં અવાજમાં ભરપૂર આશ્ચર્ય હતું, ‘આ ચમત્કાર તું કેવી રીતે સર્જી બતાવીશ? આજ સુધી બેલાપુરની જેલને કોઈ નથી તોડી શક્યું.' બરાબર છે, પણ આપણા દેશ ખાતર મારે આ ચમત્કાર સર્જી બતાવવી પડશે અંકલ.'
'કેવી રીતે? તું કેવી રીત આ કામ પાર પાડીશ ?'
‘કામ કેવી રીતે પાર પડશે, એ તો હું પણ અત્યારે નથી જાણતો. પરંતુ બેલાપુરની જેલમાંથી ફરાર થવાની કોઈક ને કોઈક યોજના હું જરૂર બનાવી લઈશ એવી મને પૂરી ખાતરી છે.'
‘આ તારો ભ્રમ છે... તું સપનું જુએ છે.'
‘ક્યારેક ક્યારેક ભ્રમ પણ સાચો પડે છે અને સપનું પણ સાકાર થાય છે અંકલ ! અને આ વાત તમે પોતે જ મને શિખવાડી છે.’
‘બરાબર છે... પરંતુ કાયદાની મદદ વગર બેલાપુરની જેલમાંથી ફરાર થવાનો પ્રયાસ કરવો, એ હાથે કરીને મોતનાં જડબામાં માથું નાંખવા જેવી વાત છે.’
‘અંકલ, આ મારે માટે કોઈ નવી વાત નથી. હું અગાઉ પણ કેટલીયે વાર મોતનાં જડબામાં માથું નાંખી ચૂક્યો છું અને દરેક વખતે મોતને પરાજીત કરીને સહી સલામત બહાર નીકળ્યો છું, એ વાતનો ઇતિહાસ સાક્ષી છે. એ જ ઇતિહાસનું વધુ એક વાર પુનરાવર્તન થશે. તમે જોઈ લેજો ! તમારો આ દિલીપ ફરીથી એક વાર મોતને હાથતાળી આપીને સફળતા સાથે પાછો ફરશે !'
'ઓ.કે. મારી બલકે સમગ્ર ભારતવાસીઓની શુભેચ્છા તારી સાથે છે.'
'થેંક યૂ અંકલ.’ દિલીપે ટ્રાન્સમીટર ઓફ કરીને યથા સ્થાને મૂકી દીધું.
બીજો દિવસ ખૂબ જ ધમાચકડીભર્યો હતો. બપોરે બાર વાગ્યે એકાએક પોલીસે ચારે તરફથી ગણપતના બંગલાને ઘેરી લીધો. પછી શરૂ થયું ગણપત તથા પોલીસના અમુક ચુનંદા ઓફિસરોનું નાટક.
ઑફિસર પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર જોર જોરથી શંકરને આત્મ સમર્પણ કરવા માટે કહેવા લાગ્યા. જોત જોતમાં જ બંગલાની ચારે તરફ લોકોની ભીડ જામવા લાગી.
અમુક તો પોલીસના કર્મચારીઓને પણ શું નાટક ભજવાય છે, એની ખબર નહોતી.
ઑફિસર કેટલીયે વાર સુધી બૂમો પાડી પાડીને શંકરને આત્મ સમર્પણ માટે ગર્જતા રહ્યા.પરંતુ કંઈ જવાબ ન મળ્યો.
છેવટે ચાર ઑફિસરો મશીનગમાંથી ગોળીઓ વરસાવતા
ગણપતનાં બંગલામાં ઘૂસી ગયા.
ત્યાર બાદ બંગલામાં દસેર મિનિટ સુધી ગોળીઓની રમઝટ બોલી. ઑફિસરો તથા શંકર વચ્ચે જબરદસ્ત લડાઈ ચાલતી હોય એવું લાગ્યું. અમુક સિપાહીઓએ બંગલામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો તો બહાર ઊભેલાં એક ઑફિસરે તેમને અટકાવી દીધાં.
થોડી વાર પછી ચારેય ઑફિસરો વચ્ચે ઘેરાઈને દિલીપ આત્મસમર્પણની મુદ્રામાં બંગલામાંથી બહાર નીકળ્યો. આ રીતે નાટકિય ઢબે દિલીપ ગિરફતાર થઈ ગયો.
એ દિવસે સાંજના તમામ અખબારોમાં ‘શંકર'ની ધરપકડના સમાચાર છપાયા. સમાચાર મુજબ શંકરે પનામા બારમાં જમશેદનાં ખૂનનાં નિષ્ફળ પ્રયાસ પછી ગણપતના બંગલામાં પહોંચીને ગણપત તથા તેનાં નોકર પીટરને બાનમાં લઈને આશરો મેળવ્યો હતો. પરંતુ ગણપતને કોઈ પણ રીતે પોલીસને જાણ કરવામાં સફળતા મળી ગઈ હતી. ત્યાર બાદ ચાર ઑફિસરોએ જીવ જોખમમાં મૂકીને, ગણપતના બંગલામાં પ્રવેશીને શંકરને ગિરફતાર કરી લીધો હતો. તમામ અખબારોએ ગણપત તથા શંકરને પકડનાર ચારેય ઑફિસરોની બહાદુરીનાં ભરપેટ વખાણ પણ કર્યા હતા કારણ કે એમને કારણે જ શંકર જેવો ખતરનાક અપરાધી પકડાયો હતો. વિશાળગઢના પોલીસ કમિશ્નરે પણ શંકર માટે ઇનામ તરીકે જાહેર કરેલ પચાસ હજાર રૂપિયા ગણપતને આપવાની ઘોષણા કરી હતી. ત્યાર પછીની કાર્યવાહી ઝડપભેર કરવામાં આવી.
દિલીપે એક રાત પોલીસ કસ્ટડીમાં જ વિતાવી.
ત્યાર બાદ એક ઇન્સ્પેક્ટરે ચાર્જશીટ બનાવીને બીજે દિવસે દિલીપને કૉર્ટમાં રજૂ કર્યો. જ્યાં તેની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો, દસ દિવસ પછી કેસની તારીખ પડી ગઈ અને યોજના દિલીપને બેલાપુરની જેલમાં મોકલી અપાયો.
અહીં સુધી તો બધું બરાબર ચાલ્યું. પણ ત્યાર પછી ગરબડ થઈ.
દિલીપને બે નંબરની બેરેકમાં રાખવામાં આવ્યો હતો, જ્યારે પ્રભાત પાંચ નંબરની બૅરેકમાં કેદ હતો. 'ક્યાં, શું ગરબડ થઈ છે, એ દિલીપને ન સમજાયું.
અત્યારે તે કેદીની વર્દીમાં હતો અન તેની પાસે કોઈ જાતનું હથિયાર નહોતું. અલબત્ત, પોલીસની નજરથી છૂપાવીને ટ્રાન્સમીટર સાથે લઈ જવામાં તેને જરૂર સફળતા મળી હતી. સમયાંતરે નાગપાલને રિપોર્ટ આપવા માટે તેની પાસે ટ્રાન્સમીટર હોવું ખૂબ જ જરૂરી હતું.
બે નંબરની બૅરેકમાં પૂરાયા પછી થોડા કલાકો બાદ જેલનો વૉર્ડન પીતાંબર તેને મળવા આવ્યો.
પીતાંબરની ઉંમર આશરે ચાલીસેક વર્ષ હતી. એનાં માથાં ૫૨ શાહુડીના પીછાં જેવા વાળ હતા. ચહેરા પર શીતળાનાં ચાઠાં હતાં. એનો દેહ સુકલકડી હતો. પરંતુ એની મૂંછો કોઈક પહેલવાન જેવી હતી. એની ગરદન લાંબી હતી.
આવતાવેંત તે દિલીપને ઊભો કરીને બૅરેકનાં એક ખાલી રૂમમાં લઈ ગયો. ‘તું કોણ છો અને મને અહીં શા માટે લાવ્યો છો ?' દિલીપે આશ્ચર્યથી એની સામે જોતાં પૂછ્યું.
‘મારું નામ પીતાંબર છે.' એણે પોતાની મૂંછ પર હાથ ફેરવતાં ધીમા અવાજે કહ્યું, ‘ગણપત સાહેબ પાસેથી તને મારો પરિચય મળી જ ગયો હશે.’
‘ઓહ.’ દિલીપની આંખોમાં એક જાતની વિશેષ ચમક ફરી વળી, ‘તો તું પીતાંબર છો એમ ને? ગણપત સાહેબ તારા ખૂબ જ વખાણ કરતા હતા પણ...
‘પણ, શું' દિલીપને અટકી ગયેલો જોઈને પીતાંબરે પૂછ્યું.
એના જમણા હાથની પહેલી બે આંગળી ફરીથી તેની મૂંછ પર પહોંચી ગઈ હતી.
‘ગણપત સાહેબ તો એમ કહેતાં હતા કે મને પ્રભાત રાઠોડની બેરેકમાં પહોંચાડવાનું કામ એમણે તને સોંપ્યું હતું.' દિલીપ પણ ધીમા અવાજે બોલ્યો, ‘પરંતુ અહીં બધું ગૂંચવાઈ ગયું છે. પ્રભાત પાંચ નબરની બૅરેકમાં છે. જ્યારે મને બે નંબરની બૅરેકમાં રાખવામાં આવ્યો છે.'
‘આ ગરબડ પેલા બદમાશ જેલરને કારણે થઈ છે.’ પીતાંબરે ઘૂરકતાં અવાજે કહ્યું. ‘તને બે નંબરની બૅરેકમાં રાખવાનો આદેશ એણે જ આપ્યો છે.'
‘કેમ ?’
‘એ તો હું પણ નથી જાણતો.' એને મારી યોજના પર કંઈ શંકા તો નથી ઉપજી ને ?'
‘ના...’ પીતાંબરે નકારમાં પોતાની ઊંટ જેવી ગરદન હલાવી, એવી કોઈ વાત નથી. જો તેને રજમાત્ર પણ શંકા ઉપજી હોત તો એ તને બેલાપુરની જેલમાં પગ પણ ન મૂકવા દેત. જેલની બહાર જ તારા પોસ્ટમોર્ટમની વ્યવસ્થા કરી નાંખત.'
‘હવે શું કરવું ? મારે પાંચ નંબરની બેરેકમાં કેવી રીતે પહોંચવું ?’ દિલીપે મૂંઝવણથી પૂછ્યું.
‘ગભરાવવાની જરૂર નથી. એ બધી વ્યવસ્થા હું કરી આપીશ.' પીતાંબર પોતાની થોભીયા વાળી મૂંછ પર હાથ ફેરવતાં બોલ્યો, ‘એ જેલર છે તો હું પણ એનો પણ બાપ છું. મારું નામ પીતાંબર છે પીતાંબર.'
‘એ તો છે જ પણ તું કરીશ શું ?' દિલીપની મૂંઝવણ હજુ પણ ઓછી નહોતી થઈ.
‘હું શું કરવાનો છું, એની પણ તને હમણાં જ ખબર પડી જશે. મારા જેવો તિકડમબાજ આ જેલમાં હોય અને એ તને પાંચ નબરની બૅરેકમાં ન પહોંચાડે, એવું બને જ નહીં.' દિલીપને એની વાતની કંઈ ધડ-માથું ન સમજાયું.
‘તું અહીં જ ઊભો રહે.' પીતાંબર બોલ્યો, ‘હું એક મિનિટમાં આવું છું.' વાત પૂરી કર્યા બાદ જેટલી સ્ફૂર્તિથી દિલીપને આ એકાંત રૂમમાં લાવ્યો હતો, એટલી જ સ્ફૂર્તિથી રૂમમાંથી બહાર નીકળી ગયો.
પીતાંબર શું કરવા માંગે છે, એ દિલીપ હજુ પણ નહોતો સમજી શક્યો. અત્યાર સુધી એને પીતાંબર જેલનો વૉર્ડન ઓછો ને સરકસનો કોઈક જોકર વધુ લાગતો હતો. એની ચાલ પણ જોકર જેવી જ હતી.
એકાદ મિનિટમાં જ પીતાંબર એક અત્યંત ભીમકાય માનવીને લઈને ત્યાં પાછો ફર્યો. એ પણ કોઈક કેદી જ હતો કારણ કે એણે કેદીઓ જેવાં વસ્ત્રો પહેર્યા હતા. એ ભીમકાય શખસની ઊંચાઈ લગભગ સાડા છ ફૂટ જેટલી હતી. દેખાવ પરથી તે ખૂબ જ શક્તિશાળી લાગતો હતો. ‘આને મળ.' પીતાંબર આવતાવેંત બોલ્યો, 'આ પહાડસિંહ છે.'
દિલીપે અચરજભરી નજરે પગથી માથા સુધી પહાડસિંહનું નિરીક્ષણ કર્યું. અને પછી તેની સાથે હાથ મિલાવ્યા. એનો હાથ પણ હથોડા જેવો હતો.
‘હું હમણાં જ અહીંથી ચાલ્યો જઈશ.' પીતાંબરે દિલીપ સામે જોતાં કહ્યું, ‘હુ વિદાય થઉં કે તરત જ તું આ પહાડસિંહની ધોલાઈ શરૂ કરી દેજે.’
‘ધ...ધોલાઈ?' દિલીપે નર્યા અચરજથી પૂછ્યું.
‘હા...’
અને એ પણ આની?' દિલીપે પુનઃ પગથી માથા સુધી પહાડસિંહને નિરખતાં પૂછ્યું.
‘હા...' પીતાંબરે હકારમાં માથું હલાવ્યું
‘પીતાંબર... !’ દિલીપ ગભરાટભર્યા અવાજે બોલ્યો, મને પાંચ નબરની બૅરેકનાં બદલે હૉસ્પિટલમાં પહોંચાડવાનો તારો ઇરાદો છે કે શું?'
‘કેમ ?’
‘એટલા માટે આ પહાડ પૂરી તાકાતથી મને એક તમાચો પણ મારશે તો હું પાંચ નંબરની બૅરેકનાં બદલે સીધો જ બે-ચાર મહિના માટે કોઈક હૉસ્પિટલમાં જઈને પડીશ. કદાચ મારું ‘રામ નામ સત્ય' થઈ જાય તો પણ નવાઈ નહીં.'
‘કેમ, ભાઈ.’
પીતાંબર પહાડસિંહને ઉદેશીને કર્કશ અવાજે બોલ્યો, ‘તું આને મારીશ ?'
‘ના...’ પહાડસિંહે તરત જ નાના બાળકની જેમ નકારમાં માથું હલાવતાં કહ્યું.
‘તું આને હાથ પણ લગાવીશ ?’
‘ના.'
‘જોયું...’ પીતાંબરે ખુશ થઈને પહાડસિંહની પીઠ થપથપાવી,
‘આ સાવ નાના બાળક જેવો ભલો-ભોળો છે. ભગવાન જાણે કેવી રીતે ગેરકાયદેસર બખેડામાં ફસાઈ ગયો. હું કહું એમ જ તે કરે છે. ક્યારેય ના નથી પાડતો.'
દિલીપ હજુ પણ નર્યા અચરજથી ક્યારેક પહાડસિંહ સામે તો ક્યારેક પીતાંબર સામે જોતો હતો.
આવા નમૂના એણે આજ સુધીમાં ક્યારેય નહોતાં જોયા. ‘મારા જતાવેંત તારે આનું ધોલાઈ અભિયાન શરૂ કરી દેવાનું છે.'
‘એની ધોલાઈ કરવાથી શુ વળશે ?'
‘એની ધોલાઈથી રિઝલ્ટ આવશે રિઝલ્ટ.' પીતાંબર પોતાની પૂળા જેવી મૂંછ પર હાથ ફેરવતાં સ્મિતસહ બોલ્યો. ‘રિઝલ્ટ ?’દિલીપે ચમકીને પૂછ્યું.
‘હા...'
‘કેવું રિઝલ્ટ ?’
‘તને બે નંબરની બૅરેકમાંથી કાઢીને પાંચ નંબરની બૅરેકમાં પહોંચાડી દેવાશે.'
‘કેવી રીતે ?’
એ બધું મારા પર છોડીને તને કહ્યું, એટલું જ તું કર.' હું અહીંથી બહાર જઉં કે તરત જ ધોલાઈ અભિયાન શરૂ કરી દેજે. બરાબર છે?'
‘ઠીક છે...' દિલીપે સહમતિ સૂચક ઢબે માથું હલાવ્યું. પીતાંબર વારા ફરતી એ બંને સામે જોઈને હસ્યો. ત્યાર બાદ તે જોકરની જેમ છલાંગો મારતો બે નંબરની બૅરેકમાંથી બહાર નીકળી ગયો. એની વિદાય પછી થોડી પળોમાં જ દિલીપ શરૂ થઈ ગયો. તે પહાડસિંહનો કાંઠલો પકડીને ઘસડતો ઘસડતો તેને લાવ્યો અને પૂરી તાકાતથી એની બંને ગાલ પર પોતાના રાઠોડી હાથની કેટીયે ઝાપટો ઝીંકી દીધી. પહાડસિંહ જેવો ભીમકાય દેહ ધરાવતો માનવી પણ ખળભળી ઊઠ્યો. એનાં મોંમાંથી ચીસો નીકળી ગઈ. દિલીપે હવે લાત-મુક્કાથી એની ધોલાઈનું અભિયાન શરૂ કરી દીધું હતું.
બૅરેકમાં પહાડસિંહની પીડાસભર ચીસો ગુંજવા લાગી. જોત જોતામાં જ તેમની આજુબાજુમાં કેદીઓ એકઠા થવા લાગ્યા. પરંતુ પહાડસિંહને દિલીપના હાથે માર ખાતો બચાવવાની
હિંમત તેમનામાંથી કોઈનીયે નહોતી ચાલતી. દિલીપનું ધોલાઈ અભિયાન ચાલુ જ હતું. બૅરેકનાં એક છેડાથી બીજા છેડા સુધી પહાડસિંહની ચીસો ગુંજતી હતી.
તે માર ખાઈ ખાઈને તે અધમૂઓ થઈ ગયો હતો.
એ જ વખતે નાટકીય ઢબે બૅરેકનો દરવાજો ઉઘડ્યો અને પછી પીતાંબર કેટલાય કૉન્સ્ટેબલો સાથે દોડીને એ બંને પાસે આવ્યો. લીધો. ત્રણ-ચાર કૉન્સ્ટેબલોએ તરત જ મજબૂતીથી દિલીપને પકડી દિલીપ ક્રોધથી ધૂંઆપૂંઆ થતો તેમની પકડમાંથી પોતાની જાતને છોડાવવાનો પ્રયાસ કરવા લાગ્યો.
‘છોડી દો મને.’ એ જોરથી બરાડ્યો, ‘આજે હું આ નાલાયકને જીવતો નહીં મૂકું.'
‘પણ એણે કર્યું શું છે ?' પીતાંબરે દિલીપનો કાંઠલો પકડતાં ગુસ્સાભર્યા અવાજે પૂછ્યું, ‘તું એને શા માટે મારઝૂડ કરે છે ?'
‘આ પાજી મારી સાથે અથડાઈને ચાલે છે.' શંકર સાથે ભટકાઈને ચાલે છે.' દિલીપ પૂર્વવત્ અવાજે બરાડ્યો, ‘અને ઉપરથી એમ કહે છે કે મને દેખાતું નથી. મને છોડી દો. આજે હું આ હરામખોરને બતાવી આપીશ કે કોણ આંધળો છે.' પહાડસિંહ બે-ચાર ડગલાં દૂર પણ ઊભો ઊભો વેદનાથી ચિત્કાર કરતો હતો.
‘રામલાલ.' પીતાંબરે જોરથી બૂમ પાડી. ‘યસ સર' તરત જ એક કૉન્સ્ટેબલ આગળ આવ્યો.
‘શંકરને તાબડતોબ અહીંથી પાંચ નંબરની બૅરેકમાં લઈ જાઓ.’ પીતાંબરનાં અવાજમાં આદેશનો સૂર હતો, ‘જો આ પાજી અહીં રહેશે તો ફરીથી પહાડસિંહને મારકૂટ કરશે.' ‘ઓ.કે. સર.’
સિપાહીઓ દિલીપને ઘસડીને ત્યાંથી લઈ જવા લાગ્યા.
‘મને છોડી દો...’ દિલીપ હજુ પણ બૂમો પાડતો હતો, ‘મને આ બૅરેકમાં જ રહેવા દો. હું આ પહાડસિંહ નામનાં પહાડને ખોદી નાંખવા માંગુ છું.’
'એની બૂમો પ્રત્યેક પળે બે નંબરની બૅરેકથી દૂર થતી જતી હતી.
આ રીતે પીતાંબરે સિફતપૂર્વક દિલીપને પાંચ નંબરની બેરેકમાં પહોંચાડી દીધો. એક મામૂલી ઝગડાની આડમાં કેટલી મોટી ચાલબાજી રમાઈ ગઈ છે, એની કોઈને ગંધ સુધ્ધાં ન આવી. પાંચ નંબરની બૅરેકમાં પહોંચીને દિલીપે રાહતનો શ્વાસ લીધો. હવે એ પોતાનાં નિર્ધારિત સ્થળે આવી ગયો હતો.
અહીંથી જ તેને આ જેલ તોડવાની પોતાની યોજના આગળ ધપાવવાની હતી.
પાંચ નંબરની બૅરેકમાં પ્રભાત રાઠોડને શોધવામાં પણ એને મુશ્કેલી ન પડી. થોડી વારમાં જ પ્રભાત એની નજરે ચડી ગયો. તે પોતાના દેહ ફરતે ધાબળો વિંટાળીને એક ખૂણામાં બેઠો બેઠો જાણે પોતાનું ભાવિ જાણવાનો પ્રયાસ કરતો હોય, એ રીતે પોતાની હથેળી સામે જોતો હતો.
એનો ફૌજી જેવો દેખાવ હજુ યથાવત હતો. અલબત્ત એનાં ચહેરા પર દાઢી વધી ગઈ હતી. દિલીપ તેનાંથી થોડે દૂર જઈને બેસી ગયો.
ત્યાર પછીના બે કલાક એણે પ્રભાતની હિલચાલ જોવામાં વિતાવી. આ દરમિયાન એણે એક ખાસ વાતની નોંધ એ લીધી કે પ્રભાત બહુ ઓછાં લોકો સાથે બોલતો હતો. મોટે ભાગે એ પોતાની જાતમાં જ ખોવાયેલો રહેતો હતો.
સાંજે જ્યારે બૅરેકમાં જમવા માટે કેદીઓની લાઈન થઈ, ત્યારે દિલીપ પણ પ્રભાતની પાછળ ઊભો રહી ગયો.
મેસનો માણસ ટીનની પ્લેટમાં ખીચડી પીરસતો હતો. પ્રભાત પોતાની પ્લેટ ભરાવીને બૅરેકના એક ચબૂતરા પર જઈ બેઠો.
દિલીપે પણ મેસનાં કર્મચારી પાસેથી પ્લેટ લીધી અને પ્રભાતની નજીક એ જ ચબૂતરા પર બેસી ગયો. બંને જમવા લાગ્યા.
‘મિસ્ટર પ્રભાત.’ દિલીપે જમતાં જમતાં જ ધીમેથી પ્રભાતને સંબોધ્યો.
પ્રભાત પોતાનું નામ સાંભળીને એકદમ ચમકી ગયો.
‘તમે મને કંઈ કહ્યું ?' ‘એણે આશ્રર્ય સહ દિલીપ સામે તાકી રહેતાં પૂછ્યું.
‘હા.’ દિલીપ એની સામે જોયાં વગર જમવાનું ચાલું રાખતાં બોલ્યો, ‘હું તમને જ કહું છું.'
‘પણ... પણ, તમે મારું નામ કેવી રીતે જાણો છો?
‘હું તમારે વિશે ઘણું બધું જાણું છું મિસ્ટર પ્રભાત.' દિલીપે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘તમે ભારતની સર્વોચ્ચ જાસૂસી સંસ્થા રૉનાં ઍજન્ટ છો અને અત્યારે દેશ દ્રોહના આરોપસર આ જેલમાં આજીવન કેદની સજા ભોગવો છો, એની પણ મને ખબર છે.'
પ્રભાત જમવાનું પણ ભૂલી ગયો. એના ચહેરા પર દુનિયાભરનું અચરજ ઉતરી આવ્યું.
‘તમે... તમે કોણ છો ?' એણે હેબતભરી નજરે દિલીપ સામે જોતાં પૂછ્યું.
‘હું તમને બધું કહીશ.' દિલીપ ભાવહીન અવાજે બોલ્યો, ‘પણ આમ મારી સામે ન જુઓ અને જમવાનું ચાલુ જ રાખો.'
‘૫...પણ….'
‘હું કહું છું એમ કરો.’ આ વખતે દિલીપના અવાજમાં સહેજ કઠોરતા આવી, ‘આપણે વાતો કરીએ છીએ, એવી કોઈને પણ શંકા ન ઉપજવી જોઈએ.' પ્રભાત વિમાસણમાં મૂકાઈ ગયો. પછી તે દિલીપના આદેશ મુજબ ચૂપચાપ જમવા લાગ્યો.
‘હાલ તુરત તમે મને તમારો મિત્ર જ માનો.' દિલીપ ધીમેથી બોલ્યો, ‘તમને આ જેલમાંથી ફરાર કરાવવા માટે જ મને ખાસ અહીં મોકલવામાં આવ્યો છે.'
દિલીપનાં આ શબ્દો પ્રભાતનાં દિલો-દિમાગ ૫૨ જાણે કે વીજળી બનીને ત્રાટક્યા.
આશ્ચર્યથી સ્તબ્ધ બનીને તે ફરીથી જમવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે દિલીપ સામે જોવાં લાગ્યો.
'જમવાનું ચાલુ રાખો.' દિલીપે ફરીથી તેને ટોક્યો. ‘પણ...' પ્રભાતે પુનઃ જમવાનું શરૂ કરતાં આશ્ચર્ય સહ પૂછ્યું, તમને અહીં કોણે મોકલ્યા છે?'
‘ગણપતે...’
‘કોણ ગણપત ?’
‘ગણપત પાટિલ.' તે આજની તારીખમાં વિશાળગઢનો ‘ડ્રગ્સકિંગ છે.’
‘દિલીપનું કથન સાંભળીને પહેલી વાર પ્રભાત ધીમેથી હસ્યો.
‘તું હસે છે શા માટે ?’
‘ગણપત વિશે સાંભળીને મને હસવું આવે છે.’
'કેમ ?'
એટલા માટે કે ચોક્કસ એ પણ મારી પાસેથી પેઇન્ટિંગ તથા ફાઈલ મેળવવા માંગતો હશે.'
‘પેઇન્ટિંગ ? ફાઈલ ?’– દિલીપે કૃત્રિમ આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, ‘આ પેઇન્ટિંગ અને ફાઈલનો વળી શું બખેડો છે?'
‘ગણપતે તમને આ બાબતમાં કંઈ જણાવ્યું નથી?'
‘ના... એણે જણાવ્યું નથી ને મેં પૂછ્યું નથી.' મારે કંઈ પૂછવાની જરૂર પણ નહોતી.
કેમ?'
ગણપતે તને શા માટે જેલમાંથી ફરાર કરાવે છે, એ વાત સાથે મારે કંઈ લેવા-દેવા નથી.’ આ વખતે દિલીપે તેને એક વચનમાં સંબોધતાં કહ્યું, ‘મારે તો ફક્ત તને અહીંથી ફરાર કરાવ્યા બાદ ગણપત તરફથી મને મળનારા રૂપિયા સાથે જ નિસ્બત છે.'
‘સપનું બહુ સારું છે.’ પ્રભાત ઉપેક્ષાભર્યું હાસ્ય કરતાં બોલ્યો,
‘ખેર, નામ શું છે તમારું ?'
‘શંકર.’ દિલીપે કહ્યું.
ત્યાર બાદ મેસના માણસને પોતાની તરફ આવતો જોઈને એ ચૂપ થઈ ગયો.
***