સૈલાબ - 3 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

સૈલાબ - 3

૩. શિકાર અને શિકારી

દિલીપ જોર જોરથી બંગલાનો દરવાજો ખટખટાવતો હતો. સાથે જ તે ઊંચા અવાજે દરવાજો ઉઘાડવા માટે બૂમો પણ પાડતો હતો.

વળતી જ પળે દરવાજો ઊઘડ્યો. દરવાજો ઉઘાડનાર બીજું કોઈ નહીં, પણ ગણપત પાટિલ જ હતો... !

‘કોણ છો તું... ?’ એણે કર્કશ અવાજે પૂછ્યું, આટલી મોડી રાત્રે શા માટે...’

એની વાત અધૂરી રહી ગઈ.

‘મારું નામ શંકર છે શંકર... !' કહેતાં કહેતાં દિલીપે સ્ફૂર્તિથી રિવૉલ્વર કાઢીને તેની નળી ગણપતની છાતી પર ગોઠવી અને પછી તેને હડસેલીને અંદર લઈ ગયો.

અંદર પ્રવેશ્યા પછી એ દરવાજો બંધ કરીને સ્ટોપર ચડાવવાનું નહોતો ભૂલ્યો.

‘શ...શંકર... !' ગણપતનો અવાજ તરડાઈ ગયો, ‘તું... તું શંકર છો...?'

‘હા...’ દિલીપ કઠોર અવાજે બોલ્યો, ‘અત્યારે પોલીસ મારી પાછળ પડી છે. એ મને શોધતી શોધતી અહીં પણ આવી શકે છે.’

‘તું શું ઇચ્છે છે...?'

‘હું અહીં આશ્રય મેળવવા માગુ છું. પણ એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લે...'

'પણ...?'

'જો તું મારે વિશે પોલીસને કશું ય જણાવીશ તો...' કહેતાં કહેતાં અચાનક દિલીપનાં અવાજમાં ધમકીનો સૂર આવી ગયો, ‘કાલે અહીં પંખા પર તારી લાશ જ લટકતી હશે.’

ગણપત પાટિલ હવે સ્વસ્થ થઈ ગયો હતો. પછી અચાનક તે ખડખડાટ હસી પડ્યો.

‘તું હસે છે શા માટે ?'

‘મારા નસીબ પર હસું છું... ! નસીબ પણ કેવા કેવા રંગ બતાવે છે, એ જોઉં છું.'

‘કેમ... ?’ તારા નસીબે તને વળી એવો તે કયો રંગ બતાવ્યો છે... ?' દિલીપે પૂછ્યું.

‘એ તને નહીં સમજાય શંકર... ! અત્યારે તો તું એટલું જ સમજી લે કે ભગવાને તને બિલકુલ સાચી જગ્યાએ જ આશ્રય લેવા માટે મોકલ્યો છે. મારે તારી કેટલી તલાશ હતી, એની તને ખબર નહીં હોય...! તને શોધવા માટે તો મેં મારો કામ-ધંધો પડતો મૂકીને આખા વિશાળગઢમાં મારા માણસોને કામે લગાડ્યા છે.'

‘મને શોધવા માટે... ?' દિલીપે કૃત્રિમ આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું.

‘હા...’

‘કેમ...? શા માટે ?'

‘સાંભળ, મારું નામ ગણપત પાટિલ છે. હું વિશાળગઢનો ‘ડ્રગ્સકિંગ છું... ! અને...'

ગણપતની બાકીની વાત મોંમાં જ રહી ગઈ.

એ જ વખતે અચાનક કોઈકે જોર જોરથી દરવાજો ખટખટાવ્યો. ‘પોલીસ આવી લાગે છે... !’ ગણપત ડઘાઈને બોલ્યો, ‘તું જલ્દી છૂપાઈ જા !' ચાલ, હું તને જગ્યા બતાવું છું.'

ગણપત લાંબી લાંબી ડાફો ભરતો સ્વીચ બોર્ડ પાસે પહોંચ્યો. એણે બોર્ડ પરનું એક બટન દબાવતાં જ સ્વીચ બોર્ડની બાજુમાં રહેલું આદમકદનું એક પેઇન્ટિંગ સ્લાઈડિંગ ડૉરની માફક એક તરફ સરકી ગયું અને તેની પાછળ નીચેનાં ભાગમાં પહોંચતી સીડીનાં પગથિયાં દેખાવા લાગ્યા.

‘જા...’ ગણપત વ્યાકુળ અવાજે બોલ્યો, ‘તું જઈને નીચે ભૂગર્ભમાં છૂપાઈ જા... !'

દિલીપે શંકાના હાવભાવ સાથે ગણપત સામે જોયું. ‘તું આ રીતે મારી સામે શું જુએ છે...?' મને પોલીસનાં હવાલે કરી દેવાનો તો તારો ઇરાદો નથી...?'

‘તારું માથું ભમી ગયું છે… ?' ગણપત કર્કશ અવાજે બોલ્યો,

‘તું માંડ માંડ મને મળ્યો છે...! હું કંઈ ગાંડો નથી થઈ ગયો કે તને પોલીસનાં હવાલે કરીને મારા જ પગ પર કુહાડો મારું... !' ગણપત સાચું કહે છે, એ વાત દિલીપ બરાબર સમજતો હતો, પરંતુ તેમ છતાં ય ગણપતને પૂરેપૂરો શીશામાં ઉતારવા માટે થોડું નાટક કરવું જરૂરી હતું.

‘બરાબર છે. પણ મારે તારા પર કેવી રીતે ભરોસો કરવો...?' ‘અત્યારે તો મારી જબાન જ મારી ગેરંટી છે.' ગણપત પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘ઉપરાંત હાલ તુરત મારી વાત પર ભરોસો કરવા

સિવાય તારી પાસે બીજો કોઈ ઉપાય છે પણ નહીં.' દિલીપ વિચારમાં પડી ગયો. બલ્કે વિચારવાનું નાટક કરવા લાગ્યો.

ગણપતને રજમાત્ર પણ શંકા ઉપજે એમ તે નહોતો ઇચ્છતો. દરવાજો હવે પહેલાં કરતાં પણ વધુ જોરથી ખટખટાવવામાં આવતો હતો.

‘તારે જે કંઈ નિર્ણય લેવો હોય, તે જલ્દી લઈ લે... !' ગણપત ઉતાવળા અવાજે બોલ્યો, ‘વાર લાગશે તો બહાર મોજૂદ પોલીસ નાહક જ વહેમાશે !’

‘ઠીક છે... !' દિલીપે નિર્ણાયક અવાજે કહ્યું, ‘હું ભૂગર્ભમાં ચાલ્યો જઉં છું.'

વળતી જ પળે તે પગથિયાં ઉતરવા લાગ્યો. ગણપતે એક અન્ય બટન દબાવતાં જ પેઈન્ટિંગ યથા સ્થાને આવી ગયું.

દિલીપ બિલ્લી પગે પગથિયાં ચડી, પેઇન્ટિંગ પાસે આવીને ઊભો રહી ગયો હતો.

બહાર થતો કોઈ પણ અવાજ ઝીલવા માટે એનાં કાન સરવા થઈ ગયા હતા.

દરવાજો હજુ પણ જોર જોરથી ખટખટાવવામાં આવતો હતો. પછી પહેલાં સ્ટોપર ઉઘડવાનો અને ત્યાર બાદ વજનદાર બૂટનાં પગલાંનો અવાજ ગુંજ્યો.

પોલીસ કદાચ રૂમમાં આવી ગઈ છે એવું અનુમાન દિલીપે કર્યું.

પરંતુ એનું અનુમાન ખોટું પડ્યું કારણ કે વળતી જ પળે ગણપતનો અચરજભર્યો અવાજ ગુંજી ઊઠ્યો, 'થેંક ગોડ... ! મુરલીધર તુ છો એમ ને..? મને તો એમ કે ખરેખર સાચી પોલીસ જ આવી છે.'

‘બૉસ... !' બહારથી કથિત મુરલીધરનો અવાજ દિલીપનાં કાને અથડાયો, ‘શંકરને પકડવા માટે જ અમે આ પોલીસનું નાટક ભજવ્યું હતું. અત્યારે એ નંગ ક્યાં છે...? અમે એને આપનાં બંગલામાં જ ઘૂસતો જોયો હતો.'

‘એ અહીં જ છે... !' હાલ તુરત તો મેં તેને નીચે ભૂગર્ભમાં છૂપાવી દીધો છે !' ‘ગુડ... !' મુરલીધરનો પ્રસન્નતામાં ડૂબેલો અવાજ ગુંજ્યો, ‘આનો અર્થ એ થયો કે અમારી મહેનત લેખે લાગી. અમે એ નંગને આપના સુધી પહોંચાડવામાં સફળ થઈ જ ગયા. બાકી થોડી વાર પહેલાં જ્યારે શંકર ‘પનામા બાર'માંથી નાસી છૂટ્યો ત્યારે થોડી વાર તો અમને પણ એમ જ લાગતું હતું કે તે અમારા હાથમાંથી નીકળી ગયો છે અને હવે એનો પડછાયો પણ અમારા હાથમાં નહીં આવે. પરંતુ નસીબની બલિહારી જુઓ... ! એની હાલત ‘ઉલમાંથી નીકળીને ચૂલ'માં પડવા જેવી થઈ. અમારા હાથમાંથી બચવા માટે એ આશરો લેવા આવ્યો તો પણ બીજાં કોઈના નહીં, ને આપના બંગલામાં……?'

‘આ બધા નસીબના ખેલ છે મુરલી !' ગણપતના અવાજમાંથી પાર વગરનો આનંદ નિતરતો હતો, ‘પચીસ લાખ ડૉલર ટૂંક સમયમાં જ મારી તિજોરીમાં આવી જશે એવું મને લાગે છે.'

‘એક વાત કહું બૉસ...?’

‘બોલ...’

‘શંકર નામનો આ નંગ જંગલી વાઘ જેવો ખૂંખાર અને ખતરનાક છે. આપ એનાથી એકદમ સાવચેત રહેજો. નહીં તો તક મળતા તે આપનાં પર પણ વાઘની જેમ તૂટી પડશે... !’

‘તું બિલકુલ બેફિકર રહે…… !' ગણપતના અવાજમાં અભિમાનનો સૂર હતો, ‘આવા જંગલી વાઘને, પાંજરામાં પૂરીને સરકસનો વાઘ બનાવતાં મને બહુ સારી રીતે આવડે છે. તમારું કામ પૂરું થઈ ગયું છે. હવે તમે જઈ શકો છો... !'

‘ઓ.કે. બૉસ...’

ત્યાર બાદ પગલાંનો અવાજ દરવાજા તરફ પાછો જતો સંભળાયો.

ગણપતને કોઈ જાતની શંકા ન ઉપજે એટલા માટે દિલીપ બિલ્લી પગે પગથિયાં ઉતરીને નીચે ચાલ્યો ગયો. થોડી પળો બાદ પેઈન્ટિંગ એક તરફ સરકી ગયું. ‘ઉપર આવી જા શંકર... !' ગણપતે જોરથી બૂમ પાડી, ‘પોલીસ વિદાય થઈ ગઈ છે.' દિલીપ પગથિયાં ચડીને ઉપરનાં રૂમમાં પહોંચી ગયો. ગણપતે ફરીથી બટન દબાવતાં પેઇન્ટિંગ પુનઃ યથા સ્થાને સરકી ગયું. ‘થેંક્યું, મિસ્ટર ગણપત... !' દિલીપ આભારવશ અવાજે બોલ્યો, 'તમે મને પોલીસથી બચાવીને મારા પર જે ઉપકાર કર્યો, એ હું જિંદગીભર નહીં ભૂલું.'

‘એમાં ઉપકાર શેનો શંકર...?' ગણપતે લુચ્ચું સ્મિત ફરકાવતાં કહ્યું, ‘આ તો બિઝનેસ છે બિઝનેસ... !'

‘બિઝનેસ... ?' દિલીપે ચમકવાનો શાનદાર અભિનય કર્યો,

'હું કંઈ સમજ્યો નહીં...?'

'ટૂંક સમયમાં જ તને બધું સમજાઈ જશે. હાલ તુરત તો હું માત્ર એટલું જ કહીશ કે મને તારી ખૂબ જ જરૂર હતી. એક રીતે અહીં આવીને તે પોતે મારા પર જ બહુ મોટો ઉપકાર કર્યો છે... !'

‘તમે શું કહો છો, એ જ મને તો કંઈ નથી સમજાતું મિસ્ટર ગણપત... !' દિલીપ બોલ્યો, ‘હવે મને રજા આપો.' કહીને તે દરવાજા તરફ આગળ વધ્યો.

‘ના...’ ગણપત તરત જ દીવાલની જેમ દિલીપની સામે ઊભો રહી ગયો, 'તારે હવે ક્યાંય નથી જવાનું. હું તારી સાથે અમુક જરૂરી વાતો કરવા માંગુ છું.'

‘કેવી વાતો...?’

‘એ પણ કહીશ... !' હાલ તુરત તો તું નિરાંતે બેસ... ! આમેય અહીંથી બહાર નીકળવામાં તારે માટે પૂરેપૂરું જોખમ છે. શહેરની પોલીસ શિકારી કૂતરાંની જેમ તને ચારે તરફ શોધે છે.' દિલીપ મૂંઝવણભરી નજરે ગણપત સામે જોવા લાગ્યો.

‘એક વાતની તું પૂરેપૂરી ખાતરી રાખજે શંકર... !' ગણપત એનો ખભો થપથપાવતાં બોલ્યો, ‘હું તારો દુશ્મન નહીં, પણ દોસ્ત છું... તારો હમદર્દ છું !'

દિલીપ જાણે વાસ્તવિકતાને પારખવાનો પ્રયાસ કરતો હોય એમ થોડી પળો સુધી પૂર્વવત્ નજરે ગણપત સામે તાકી રહ્યો. પછી એનાં હોઠ પર હળવું સ્મિત ફરકી ગયું.

અત્યાર સુધી દિલીપ એક વાત સમજી ચૂક્યો હતો કે ગણપત આ બંગલામાં એકલો જ રહેતો હતો કારણ કે એની, પત્ની, બાળક કે અન્ય કોઈ સગાંની હાજરી એણે નહોતી જોઈ.

‘તું બેસ... !’ ગણપત આત્મિયતાભર્યા અવાજે બોલ્યો, ‘હું તારે માટે ડ્રિંક બનાવી લાવું છું.'

‘ઓ.કે...’ કહીને દિલીપ ત્યાં જ પડેલી એક સોફાચર પર બેસી ગયો. જ્યારે ગણપત થોડે દૂર ખૂણામાં આવેલ બાર કાઉન્ટર તરફ આગળ વધી ગયો. એક પળે દિલીપનાં ગજવામાં મીની ટ્રાન્સમીટરમાં ધ્રુજારી થવા લાગી.

'ટૉયલેટ ક્યાં છે... ? એણે તરત જ ખુરશી પરથી ઊભા થતાં વ્યાકુળ અવાજે પૂછ્યું. ‘રૂમમાંથી બહાર નીકળતાં જ જમણી તરફ છે... !' ગણપતે જવાબ આપ્યો.

દિલીપ સ્ફૂર્તિથી દરવાજા તરફ આગળ વધી ગયો.

ટૉયલેટમાં પહોંચ્યા પછી એણે દરવાજો બંધ કરીને સ્ફૂર્તિથી

ટ્રાન્સમીટર બહાર કાઢ્યું.

‘હલ્લો...’ એ ટ્રાન્સમીટર ચાલુ કરીને ધીમેથી બોલ્યો, ‘દિલીપ સ્પીકિંગ... !' ‘હું નાગપાલ બોલું છું પુત્તર…… !' સામેથી નાગપાલનો પરિચિત સ્વર એના કાને સંભળાયો.

‘યસ, અંકલ... !'

‘તે યોજના મુજબ વિશાળગઢ પોલીસની વર્દીમાં જ જે ઍજન્ટોને તૈયાર કર્યા હતા, તેઓ અત્યારે મારી સામે બેઠા છે પુત્તર... !' સામે છેડેથી આવતા નાગપાલના અવાજમાં ચિંતાનો સૂર હતો, ‘તેઓ કહે છે કે તારી યોજના નિષ્ફળ ગઈ છે. કારણ કે તેઓની પહેલાં જ ‘પનામાબાર’માં અસલી પોલીસ પહોંચી ગઈ હતી એમણે તને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો.'

‘ના, અંકલ... !’ દિલીપે બેહદ સાવચેત અવાજે કહ્યું, 'એ બધા તો નકલી પોલીસ કર્મચારીઓ હતા. શરૂઆતમાં તો હું પણ તેમને અસલી માની બેઠો હતો.'

'તો પછી તેઓ કોણ હતા... ?' સામે છેડેથી નાગપાલનો ચમકતો અવાજ ગુંજ્યો.

'એ બધાં ગણપતના માણસો હતા અંકલ... ! આ સમગ્ર મિશનમાં અનાયાસે જ સરસ મજાનો જોગાનુજંગ બની ગયો છે. જે રીતે આપણે નકલી પોલીસ બનીને ગણપત સુધી પહોંચવાની યોજના તૈયાર કરી હતી, એ જ રીતે ગણપતનાં માણસોએ પણ પોલીસનો વેશ ધારણ કરીને મને ગણપત સુધી પહોંચાડવાનો પ્લાન બનાવ્યો હતો.'

‘શું...? તો બંને ગ્રુપની યોજના એકસરખી જ હતી એમ ..?'

'હા...'

‘પરિણામ શું આવ્યું ?'

‘બહુ સારું... એકદમ ઉત્તમ... ! દિલીપ સ્મિતસહ બોલ્યો, બંનેની યોજના સફળ થઈ છે. અત્યારે હું ગણપતના બંગલાનાં ટૉયલેટમાંથી જ તમારી સાથે વાત કરું છું.'

'ઓહ... તો આનો અર્થ એ થયો કે ગણપત તને મળી ગયો છે ખરું ને...?'

‘હા, મળી ગયો છે એટલું જ નહીં, મારે એની સાથે સારી એવી ઓળખાણ પણ થઈ ગઈ છે.'

‘ગુડ... વેરી ગુડ... !' નાગપાલના અવાજમાં પ્રસન્નતાનો સૂર હતો, ‘આપણા મિશનનું પહેલું ચરણ સફળતાપૂર્વક પાર પડી ગયું છે. ખેર, ગણપતે તારી સાથે બેલાપુરની જેલ વિશે કંઈ વાતચીત કરી છે ખરી...?'

‘હજુ સુધી તો નથી કરી... પણ ટૂંક સમયમાં જ કરશે એવું મને લાગે છે !'

‘તું ધીરજ રાખીને કામ કરજે પુત્તર... ! ખોટી ઉતાવળ કરીશ નહિ!'

‘તમે બિલકુલ બેફિકર રહો અંકલ... !'

‘એક વાત ખાસ મગજમાં રાખજે.’

‘શું ?’

‘તું સી.આઈ.ડી.નો જાસૂસ છો, એ વાતની ગણપત કે અનવર હુસેનને ગંધ સુધ્ધાં ન આવવી જોઈએ... !'

'આવી કોઈ શંકા હું તેમનાં મગજમાં નહીં આવવા દઉં અંકલ... ! હું જે કોઈ પગલું ભરીશ, તે બરાબર સમજી-વિચારીને જ ભરીશ !'

‘ગુડ... ! તારી આ સફળતાથી મને ખૂબ જ આનંદ થયો છે પુત્તર... !'

‘અંકલ... !’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘જે દિવસે ૫૨માણુ બૉંબ વિશેની ફાઈલ તથા પેઇન્ટિંગ આપણાં હાથમાં આવી જશે... તે દિવસે આપણે ખુલ્લેઆમ પાકિસ્તાનના નાપાક ઇરાદાને દુનિયા સમક્ષ પુરાવાઓ સાથે ઉજાગર કરીશું, એ દિવસ જ આપણા માટે સૌથી વધુ આનંદનો દિવસ હશે... !'

‘તું સાચું કહે છે દિલીપ ! મને એ દિવસ હવે બહુ દૂર નથી દેખાતો... ! ઓ.કે. વિશ યુ ઓલ ધ બેસ્ટ... !'

‘થેંક્યૂ...' દિલીપે ટ્રાન્સમીટર બંધ કરીને યથા સ્થાને મૂકી દીધું.

બીજી તરફ દિલીપ ટૉયલેટમાં પ્રવેશ્યો કે તરત જ ગણપત પૅગ બનાવવાનું પડતું મૂકીને છલાંગો મારતો ટેલિફોન પાસે પહોંચી ગયો અને રિસીવર ઊંચકીને જલ્દી જલ્દી નંબર ડાયલ કરવા લાગ્યો.

‘હલ્લો...' વળતી જ પળે સામે છેડેથી એક પરિચિત સ્વર એના કાને અથડાયો, ‘અનવર સ્પીકિંગ... !' ‘બૉસ... !' ગણપતે ઉત્સાહભર્યા અવાજે કહ્યું, ‘હું ગણપત

બોલું છું.' ‘બોલ ગણપત, શું સમાચાર છે... ?'

‘બહુ સારા સમાચાર છે બૉસ... ! એમ માની લો કે પહેલું તીર આબાદ નિશાન પર ચોંટી ગયું છે.’

‘એટલે... !’

‘એટલે એમ કે શિકારી પોતે જ શિકાર બનીને મારી જાળમાં ભેરવાઈ ગયો છે. અત્યારે શંકર મારા બંગલામાં જ છે અને હું એને માટે ડ્રિંક તૈયાર કરું છું.'

‘શું વાત કરે છે... ?’ સામે છેડેથી અનવર હુસેનનો ચમકતો અવાજ ગુંજ્યો.

‘હું સાચું જ કહું છું બૉસ... !'

'તે એની સાથે પ્રભાત ફરાર કરાવવાની બાબતમાં કંઈ વાત કરી છે?'

‘ના, હજુ સુધી તો નથી કરી. હું અનુકૂળ તકની રાહ જોઉં છું. પણ તે તૈયાર થઈ જશે એની મને પૂરી ખાતરી છે બૉસ... !' ભલે, તો એની સાથે વાત થઈ ગયા પછી અહીં આવીને મને રૂબરૂ મળી જજે.'

‘ઓ.કે.બૉસ... ! હવે હું રિસીવર મૂકું છું. અત્યારે એ ટૉઇલેટમાં છે... ગમે ત્યારે બહાર આવી શકે છે!'

‘ઓ.કે...’

ગણપત રિસીવર મૂકીને ઉતાવળા પગલે બાર કાઉન્ટર તરફ આગળ વધી ગયો.

'કેવી અદ્ભુત વાત હતી... ?

બંને ચાલબાજી રમ્યા હતા... !

બંનેનો દાવ સરખો જ હતો... !

બંનેની ચાલ સફળ નિવડી હતી.

– બંને એમ જ માનતા હતા કે તેઓએ મિશનનું પહેલું ચરણ સફળતાપૂર્વક પાર પાડ્યું છે.

પરંતુ વાસ્તવમાં કોણ સફળ થયું હતું, એ રહસ્ય પરથી તો અંતમાં જ પડદો ઉંચકાવાનો હતો.

હાલ તુરંત તો આપણે પણ તેમને નડ્યા વગર કે અટકાવ્યા વગર તેઓ જ્યાં જવા માંગતા હોય, ત્યાં દઈએ.

થોડી વાર પછી દિલીપ અને ગણપત સામ-સામે બેસીને શરાબનાં ઘૂંટડા વચ્ચે વાતો કરતા હતા.

સામે ટી.વી. ચાલુ હતું અને તેમાં સમાચાર પ્રસારિત થતા હતા.

એક વાતનો જવાબ આપ... !' સાહસા ગણપત બોલ્યો, ‘તારું નામ હાલમાં જ અને એ પણ અચાનક જ વિશાળગઢમાં ગુંજતું થયું છે. તો પછી આ પહેલાં તું ક્યાં હતો... ?’ કેમ, આવો અઘરો સવાલ પૂછો છો...?' દિલીપે જવાબ આપવાને બદલે સ્મિતસહ સામો સવાલ કર્યો.

‘અમસ્તો જ... તારે વિશે જાણવાની ઉત્કંઠા સંતોષવા માટે પૂછું છું.' ગણપતે કહ્યું.

દિલીપે પગમાંથી એક ઘૂંટડો ગળે ઊતાર્યો અને પછી શૂન્યમાં તાકી રહેતાં બોલ્યો, ‘આજથી છ એક વર્ષ પહેલાં હું મધ્યપ્રદેશમાં સક્રિય હતો. ત્યાં મેં સોપારી લઈને અનેક રાજકીય નેતાઓ, બદમાશો તથા વેપારીઓને મોતને ઘાટ ઊતાર્યા. હું ક્યારેય કોઈ એક શહેરમાં નહોતો વસતો. મારું કાર્યક્ષેત્ર અનેક જીલ્લાઓમાં વિસ્તરેલું હતું એટલે મારા દુશ્મનો પણ આખા રાજ્યમાં હતા, છે.

‘પછી.. ?' પછી શું થયું ?' ગણપતે ઉત્સુક નજરે એની સામે જોતાં પૂછ્યું.

‘ખાસ કંઈ નહોતું થયું... !' જાણે કોઈકે પરાણે કડવી દવા પીવડાવી દીધી હોય, એમ દિલીપ મોં કટાણું કરતાં બોલ્યો, ‘અચાનક રાજ્યમાં ચૂંટણી થતાં સરકાર બદલાઈ ગઈ. જે નવી પાર્ટી શાસક બની, એનાં કેટલાંય નેતાઓને હું સોપારી લઈને યમપુરીમાં મોકલી ચૂક્યો હતો એટલે શાસન હાથમાં આવતાં જ પાર્ટીનાં શાસકો મારી પાછળ પડી ગયા. મેં રાજ્યમાંથી ઉચાળા ભરવાનો પ્રયાસ કર્યો પણ રાજ્યમાંથી બહાર ન નીકળી શક્યો. છેવટની ઘડીએ પોલીસે મને ગિરફતાર કરી લીધો.

‘પછી… ? ગણપતની ઉત્કંઠા વધતી જતી હતી. દિલીપની વાતમાં તેને એટલો રસ પડ્યો હતો કે તે શરાબ પીવાનું પણ ભૂલી ગયો હતો.

‘પછી શું... ? દિલીપ બેદરકારીથી ખભા ઉછાળતાં બોલ્યો, ‘એ જ રૂટિન કોર્ટ-કચેરીનાં ચક્કર... ! શાસક પક્ષ મને ફાંસીની સજા થાય એમ ઇચ્છતો હતો. મને ફાંસીના માંચડે લટકાવવા માટે મુખ્ય મંત્રીએ આકાશ-પાતાળ એક કરી નાંખ્યા. પણ ચુકાદો આપનાર જજ મારો ઓળખીતો નીકળ્યો... ! મારો ભગત નીકળ્યો !'

'તારો ઓળખીતો...? તારો ભગત...?' ગણપતે ચમકીને પૂછ્યું.

‘હા...' કહેતાં કહેતાં દિલીપનાં હોઠ પર રમતિયાળ સ્મિત ફરકી ઊઠ્યું, 'એ જજે બાપ-દાદાની મિલકતના એકલા જ વારસદાર બનવા માટે એક જમાનામાં મને પોતાનાં બે ભાઈઓના ખૂન માટે સોપારી આપી હતી. અને મેં એના બંને ભાઈઓને સ્વધામ પહોંચાડી દીધા હતા.

‘ઓહ...’ ગણપત બબડ્યો. અંદરખાનેથી દિલીપની વાત સાંભળીને એનાં દેહમાં ધ્રુજારી ફરી વળી હતી.

'એ જજ તો મને સજા ફટકાર્યા વગર જ નિર્દોષ છોડી મૂકવા માંગતો હતો. મને સજા ફરમાવવાની એની બિલકુલ ઇચ્છા નહોતી. જો પોતે સજા ફરમાવશે તો હું ક્રોધે ભરાઈને તેનાં કરતૂતનો ભાંડો ફોડી નાંખીશ, એવો ભય એને લાગતો હતો. પરંતુ મુખ્યમંત્રીનું દબાણ એટલું બધું હતું કે ન છૂટકે એણે મને વીસ વર્ષ જેલની સજા ફરમાવી.'

‘વીસ વર્ષ...?’ ગણપતનું મેં નર્યા અચરજથી પહોળું થઈ ગયું.

'તે...'

‘તો પછી તું છૂટ્યો કેવી રીતે...?' કહેતાં કહેતાં દિલીપે ગ્લાસમાં બચેલો શરાબ એક શ્વાસે ખાલી કરી નાંખ્યો, ‘મને તો તિહાર જેલમાં મોકલવામાં આવ્યો હતો. છ વર્ષ તો મેં ચૂપચાપ મફતમાં જેલનાં રોટલાં ખાધા. પછી એક દિવસ તક મળતાં જ હું જેલ તોડીને નાસી છૂટ્યો અને સીધો વિશાળગઢ આવી, ધોબીઘાટમાં વસી ગયો. નસીબ જુઓ... અહીં મને એક પછી એક સોપારીઓ મળવા લાગી.’ દિલીપનું કથન સાંભળીને ગણપતની આંખોમાં તીવ્ર ચમક ફરી વળી હતી.

આ માણસ ખરેખર ખૂબ જ ઉપયોગી અને હુકમનો એક્કો પુરવાર થશે એવું તેને લાગતું હતું.

એ જ વખતે ટી.વી. પર સમાચાર શરૂ થઈ ગયા. ઍનાઉન્સરે હાથ જોડીને અભિવાદન કર્યા બાદ સમાચાર વાંચવા શરૂ કર્યા. આજે પણ મુખ્ય સમાચાર એ જ હતા.

વિશાળગઢમાં આજકાલ ‘શંકર’ નામનાં એક ખૂનીની ખૂબ જ દહેશત વ્યાપેલી છે. કાલે એક જ દિવસમાં શંકરે અલગ અલગ સ્થળે પાંચ ખૂન કરી નાંખ્યા હતા અને સહીસલામત નાસી છૂટ્યો. આ તમામ ખૂન એણે મોટી રકમની સોપારી લઈને કર્યા છે, એમ કહેવાય છે. સોપારી આપનાર કોણ છે, એ હજુ સુધી નથી જાણી શકાયું.

હમણાં થોડી વાર પહેલાં પણ શંકરે વિશાળગઢના ખ્યાતનામ ‘પનામા બાર’માં જઈને જમશેદ નામના એક ચાકુબાજને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો. પરંતુ અણીનાં સમયે પોલીસના પહોંચી જવાથી જમશેદ બચી ગયો. વિશાળગઢની પોલીસ, અણીના સમયે પનામા બારમાં પહોંચેલાં આ પોલીસ કર્મચારીઓ માટે પણ શંકાની પરિધિમાં છે. અત્યારે તો શંકરને પકડવા માટે જોર શોરથી પ્રયાસો ચાલુ છે. શહેરનાં બધાં પોલીસ સ્ટેશનો તથા મોબાઈલ વાનોને સાવધ કરી દેવામાં આવી છે. પોલીસે શહેરની જનતાને પણ, જો શંકર ક્યાંય નજરે ચડે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવાની વિનંતી કરી છે.'

ત્યાર બાદ રાજકારણના સમાચાર પ્રસારિત થવા લાગ્યા.

ગણપતે ઊભા થઈને ટી.વી. બંધ કરી દીધું. સમાચાર સાંભળ્યા પછી દિલીપના ચહેરા પર હવે પાર વગરનો ગભરાટ દેખાતો હતો. કહેવાની જરૂર નથી કે આ તેને અભિનય માત્ર જ હતો. એણે જલ્દી જલ્દી ગજવામાંથી રૂમાલ કાઢીને પરસેવો ન વળ્યો હોવા છતાંય કપાળ પર ફેરવ્યો અને પછી ખુરશી પરથી ઊભો થઈને ચિંતાતુર ચહેરે આમથી તેમ આંટા મારવા લાગ્યો.

‘તું ખરેખર ફસાઈ ગયો છે શંકર... !' ગણપત બોલ્યો, ‘તું અહીંથી બહાર નીકળીશ તો સીધો જ જેલનાં સળિયા પાછળ પહોંચી જઈશ... !'

‘મને કોઈની પરવાહ નથી... !' એકાએક દિલીપે છંછેડાયેલાં

નાગનાં ફૂંફાડા જેવા અવાજે કહ્યું, ‘હું અત્યારે જ બહાર જઈશ... !'

‘બેવકૂફી રહેવા દે... !' ગણપતે આગળ વધીને એનો ખભો પકડી લીધો, બહાર ડગલે ને પગલે પોલીસ છે.'

‘મને કોઈ પોલીસની પરવાહ નથી... !' દિલીપ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘એ લોકો બહુ બહુ તો શું કરશે...? મને પકડીને જેલમાં પૂરી દેશે એટલું જ ને...? ભલે પૂરી દે...! એ જ તો મારી જિંદગી છે... !'

‘જો શંકર... !’ ગણપતે એનો ખભો થપથપાવ્યો, ‘તું સાચું કહે છે કે એ જ તારી જિંદગી છે...! તારા જેવો બહાદુર અને સાહસિક માણસ જ આવી વાત ઉચ્ચારી શકે. પરંતુ અત્યારે તું પોલીસની ચુંગલમાં આવે એમ હું નથી ઇચ્છતો.’ પ્રેમ...?'

‘એટલા માટે કે મારે તારું એક ખૂબ જરૂરી કામ છે અને આ કામ માત્ર તું જ કરી શકે તેમ છો... !' ગણપત એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘લક્ષ્મીનો એક મોટો ભંડાર તારી રાહ જુએ છે, એની તને કદાચ ખબર નહીં હોય... ! તે અગાઉ ક્યારેય નહીં લીધા હોય કે કલ્પના પણ નહીં કરી હોય, એટલી મોટી રકમ હું તને આપવાનો છું. આ એક કામ પાર પાડ્યા પછી તું તારું બાકીનું જીવન આરામથી વિતાવી શકીશ... !'

'બરાબર છે, પણ મારે શું કરવું પડશે...?' દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું.

'અત્યારે તારું મગજ ઠેકાણે નથી.' ગણપત બોલ્યો, ‘તું ઉશ્કેરાટમાં છો... ! આમેય રાત ઘણી વીતી ગઈ છે એટલે હવે તું આરામ કર... ! સવારે નિરાંતે વાત કરીશું ત્યારે તને બધું સમજાઈ જશે. ચાલ, હું તને તારો રૂમ બતાવી દઉં... !'

દિલીપ થોડી પળો સુધી સ્થિર નજરે ગણપતના ચહેરા સામે તાકી રહ્યો.

પછી તે એની સાથે અંદરના ભાગ તરફ આગળ વધી ગયો.

******