શિખર - 12 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિખર - 12

પ્રકરણ - ૧૨

શિખરની ઉંમર પણ હવે જોતજોતામાં વધવા લાગી હતી. સમય કેટલો ઝડપથી પસાર થઈ જતો હોય છે નહીં! સમયની ગતિ પણ ઘડિયાળન સેકંડ કાંટાની જેમ જ કદાચ ખૂબ તેજ હોય છે. શિખર પણ તેજ ગતિથી વૃદ્ધિ પામવા લાગ્યો હતો.

શિખર હવે ત્રણ વર્ષનો થઈ ગયો હતો એટલે આજે પલ્લવી અને નીરવ બંને એનું શાળામાં એડમિશન લેવા માટે જવાના હતા. પોતાનો દીકરો આજે પહેલીવાર શાળાએ જશે એ વાતની ખુશી એ બંને માતા-પિતાના ચહેરા પર ખૂબ જ છલકી રહી હતી. પોતાના બાળકને પહેલીવાર શાળાએ મોકલવાનો આનંદ તો દરેક માતાપિતાને અનેરો આવતો જ હોય છે. નીરવ અને પલ્લવી પણ એમાંથી બાકાત તો નહોતા જ.

સામે બાળકનો ઉત્સાહ પણ એવો જ હોય છે. શિખર પણ શાળાએ જવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. પલ્લવી, નીરવ અને તુલસી એ ત્રણેય જણાએ શિખરને એ રીતે તૈયાર કર્યો હતો કે, એને શાળાએ જવાનું ખૂબ જ મન થાય.

એ જ્યારે નાનો હતો ત્યારે ઘરની બાલ્કનીમાંથી જ્યારે સ્કૂલે આવતા જતા છોકરાઓ દેખાય ત્યારે પલ્લવી અને તુલસી બંને એને સ્કૂલ શું છે એ વિશેની સમજણ આપતા રહેતા અને કહેતા, "શિખર! જો આ બધાં બાળકો સ્કૂલે જઈ રહ્યા છે. તને ખબર છે બેટા! ત્યાં ભણવાનું પણ હોય અને રમવાનું પણ હોય. નવા નવા મિત્રો પણ બને. તું પણ જ્યારે શાળાએ જઈશ ને ત્યારે તને પણ નવા નવા મિત્રો મળશે. સ્કૂલમાં શિક્ષકો તને રોજ નવું નવું ભણાવશે. અલગ અલગ બધું શીખવાડશે એટલે તને ત્યાં ખૂબ જ મજા આવશે. એટલે એ જોઈને અને એની મમ્મી અને દાદીની વાતો સાંભળીને શિખરને શાળાએ જવાનું ખૂબ જ મન થતું."

પોતાની દાદી અને મમ્મીની આવી બધી વાતો સાંભળીને શિખરને ખૂબ જ મન થતું કે, જલ્દીથી હું સ્કૂલે ક્યારે જઈશ?

અંતે આજે આખરે એ દિવસ આવી જ ગયો હતો કે જ્યારે એને સ્કૂલે જવાનો વારો આવ્યો.

પલ્લવી અને નીરવ સ્કૂલે પહોંચ્યા. ત્યાં શિખર જેવા અનેક નાના બાળકો એડમિશન માટે આવ્યા હતા. ખૂબ સરસ મજાનું સ્કૂલનું ગાર્ડન હતું જેમાં બાળકોને આનંદ થાય એ હેતુથી સાયકલ, ટ્રાઈસિકલ, સ્લાઈડ વગેરે બધું રાખેલું હતું. જેથી બાળકોને શાળાએ જવાનું મન થાય અને એમને ખૂબ મજા આવે. બાળક શાળાથી ભાગે નહીં એ માટે સ્કૂલે આ એક અનોખી પદ્ધતિ અપનાવી હતી.

સ્કૂલમાં બધાં બાળકોને એડમિશન આપી રહ્યા હતા. એક પછી એક જેમ બાળકનું નામ બોલાતું જાય એ રીતે એડમિશન આપી રહ્યા હતા. શિખરનો હવે વારો આવ્યો એટલે એ ત્રણેય જણા પ્રિન્સિપાલની ઓફિસમાં ગયા.

પ્રિન્સિપલની ઓફિસમાં ગયા એટલે તરત જ એમણે શિખરને પૂછ્યું, "વોટ ઈઝ યોર નેમ બેટા?"

શિખર બોલ્યો, "માય નેમ ઈઝ શિખર!"

"ડુ યુ વોન્ટ ટુ કમ ટુ સ્કૂલ?"

"યસ! આઈ લવ ટુ પ્લે ઈન સ્કૂલ."

"વેરી ગુડ બેટા! યોર ઈંગ્લીશ ઈઝ વેરી નાઈસ. હું ટોટ યુ?"

"મમ્મી!" શિખરે કહ્યું.

પલ્લવીએ શિખરને શાળાએ મોકલતાં પહેલાં એને ખૂબ જ સારી રીતે ટ્રેઈન કર્યો હતો અને એમાં તુલસીએ પણ એને મદદ કરી હતી. શિખર પલ્લવી અને તુલસી બંનેનો ખૂબ જ લાડલો હતો.

શિખર જોડે થોડો વાર્તાલાપ કર્યા પછી શાળાના આચાર્યએ તેમને ફીની વિગતો તેમજ શાળા વિશેની બાકીની બધી માહિતી આપી. અને ત્રણ મહિના પછી સ્કૂલ શરૂ થશે એમ જણાવ્યું. તેમણે એમ પણ જણાવ્યું કે, અમે એક whatsapp ગ્રુપ બનાવીશું અને એની અંદર જે કંઈ પણ અપડેટ હશે એ અમે તમને જણાવીશું. યુનિફોર્મ, બુક્સ વગેરે... એ બધાં વિશેની માહિતી અમે એ whatsapp ગ્રુપમાં જ તમને જણાવીશું.

"ઓકે! થેંક્યુ સર." એટલું કહી અને શિખરને લઈને પલ્લવી અને નીરવ બહાર નીકળ્યા.

થોડા દિવસ પછી નીરવ શિખરની શાળામાં ફી પણ ભરી આવ્યો.

શાળા શરૂ થવાને હવે માત્ર એક જ મહિનાની વાર હતી. શિખર તો હવે હું ક્યારેય શાળાએ જઈશ એની રાહ જોઈને જ બેઠો હતો. રોજ એની મમ્મીને પૂછતો, "મમ્મી! હવે કેટલા દિવસની વાર છે? હવે કેટલા દિવસ પછી મારે સ્કૂલે જવાનું છે?" પરંતુ મનુષ્ય ધારે છે શું અને કુદરત કરે છે શું એ કોઈ સમજી શક્યું નથી.

શિખરના જીવનમાં પણ આવી જ કોઈક અણધારી ઘટના બનવાની હતી.

(ક્રમશ:)