સપ્ત-કોણ...? - 8 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપ્ત-કોણ...? - 8

ભાગ -૮

"ઈશ્વા નથી મળી રહી.. ન તો એ રૂમમાં છે અને ન અહીંયા નીચે."

"શું......? ઈશ્વા ગાયબ છે..?" ઉર્મિએ હોટેલના કોરિડોરની ભીંત પકડી લીધી.

"ઈ......શુ....." મમ્મી મારી ઈશુ બરાબર તો હશે ને? એ મને કીધા વગર ક્યાંય જતી નથી તો આજે અચાનક એ ક્યાં જતી રહી?" વ્યોમનો અવાજ તરડાઈ ગયો.

"ચિંતા નહીં કર દીકરા, આપણી ઈશ્વા જ્યાં હશે ત્યાં હેમખેમ જ હશે. જલ્દી જ મળી જશે. હું આકાશ પાતાળ એક કરી દઈશ, જરૂર પડ્યે પોલીસ કમિશનરને પણ બોલાવી લઈશું. સૌ સારાવાનાં થઈ જશે બેટા."

"પણ... મમ્મી, મારી ઈશુને કાઈ થઈ ગયું તો...?"

"માતાજી પર શ્રધ્ધા રાખ બેટા, આપણે એમની શરણમાં છીએ, માતાજી એની રક્ષા જરૂર કરશે." વ્યોમને હિંમત આપતા કલ્યાણીદેવી સ્વયં અંદરખાને ભીતિ અનુભવી રહ્યા હતા. એમના મગજમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું હતું. ઈશ્વના એહસાસના આભાસનો અણસાર પણ વર્તાતો નહોતો.

"મમ્મીજી, અમે આસપાસના વિસ્તારમાં જોઈ આવીએ? કદાચ ઈશ્વાનો ફોન બંધ હોય, નેટવર્ક પ્રોબ્લેમ પણ હોઈ શકે." ઉર્મિનો જીવ પણ ઉંચોનીચો થઈ રહ્યો હતો.

"મમ્મા.... મમ્મા.... શું થયું? ઈશ્વા આમ અચાનક ક્યાં જતી રહી. કોઈએ એને કિડનેપ તો નથી કરી ને? હોટેલના સીસી ટીવી ફૂટેજ ચેક કરાવ્યા? એમાંથી કદાચ કોઈ કલુ મળી જાય, " અર્પિતા દોડીને વ્યોમને વળગી પડી.

"હા મમ્મીજી, એકવાર ચેક કરી લઈએ પછી આગળ વિચારીએ" ઉર્મિએ અર્પિતાની વાતમાં હામી ભરી અને બધા હોટેલના રિસેપ્શન તરફ વધ્યા.

"અર્પિતા, તને કેવી રીતે ખબર પડી કે ઈશ્વા ગાયબ થઈ ગઈ છે? " કલ્યાણીદેવીએ અર્પિતાની આંખમાં આંખ નાખી પ્રશ્ન કર્યો.

"મમ્મી, તું અને વ્યોમ જયારે વાત કરી રહ્યા હતા ત્યારે હું ઉપર બાલ્કનીમાં ઉભી હતી એટલે સાંભળીને તરત નીચે આવી. શું તને તારી દીકરી પર વિશ્વાસ નથી?"

"ઠીક છે. . ચાલ આપણે છોટુભાઈને કહી સીસીટીવી ફૂટેજ ચેક કરાવીએ"

@@@@

"કાકા, હવે ચ્યમનું છે તમને? આજે તો તમારો ચહેરો જરીક હારો લાગે છે. હાલો, તમને ઘડીક બહાર આંટો મારવા લઈ જાઉં." સંતુએ રઘુકાકાનો હાથ ઝાલી ઉભા કર્યા.

"સંતુ, હમણાંનું તને ઘણું કામ રે'તું હશે નહીં? આ મારી તબિયતને લીધે તારા માથે બમણા કામની જવાબદારી આવી ગઈ છે. જીવાને તો હું બરાબર ઓળખું છું, એ તને લગીરેય મદદ નહીં કરતો હોય. હવેલીનું કામ ને ઉપરથી મનેય સાચવવો.." રઘુકાકાની આંખમાં ઝળઝળીયાં આવી ગયા.

"તમેય ખરા છો કાકા, એકબાજુ મને દીકરી કહો છો ને પાછી પારકીય ગણો છો. લગીર અહીં બેસો હું હમણાં આવું." રઘુકાકાને બેન્ચ પર બેસાડી સંતુ હવેલીમાં ગઈ.

'ભગવાન જાણે ક્યા જનમની લેણાદેણી છે આ સંતુ જોડે? ક્યા ભવનું પુણ અટાણે કામે આવી રહ્યું છે. માતાજી એને લાંબી ઉમર દેજો ને એના હંધાય કામ પાર પાડજો.' રઘુકાકા બે હાથ જોડી આકાશમાં જોઈ રહ્યા.

"આ લ્યો કાકા, તમારા માટે ગરમાગરમ ભજિયા લાવી છું. તમને બહુ ભાવે છે ને? ઘણા દિવસથી નથી ખાધાને તમે એટલે આજ બનાવ્યા. એય ને તમતમારે નિરાંતે બેસીને ખાઓ." ભજિયાની ડીશ રઘુકાકા પાસે મુકી સંતુ નીચે ઘાસ પર બેસી ગઈ, "ને હારે મરચાય તળ્યા છે. મજ્જા આવી જશે."

સંતુના માથે પ્રેમથી હાથ પસવારતા રઘુકાકા ગરમ ભજિયાનો સ્વાદ માણી રહ્યા.

@@@@

"ડોક્ટર સાહેબ.... ડોક્ટર સાહેબ...." ડો. ઉર્વીશના કંસલ્ટીંગ રૂમની બહાર ઉભો રહી વોર્ડબોય વાલજી દરવાજાને નોક કરી રહ્યો હતો.

"શું થયું વાલજી?" તંદ્રામાંથી જાગતા હોય એમ ડો. ઉર્વીશ સફાળા બેઠા થઈને વાલજી સામે તાકવા લાગ્યા.

"આજે ઘણા દર્દીઓ છે સાહેબ, તમે કયો તો પહેલાં તમારી માટે ચા મંગાવી લઉં પછી દર્દીઓને મોકલું."

"ના વાલજી, તું વારાફરતી દર્દીઓ મોકલ, જરૂર જણાશે તો વચ્ચે હું ચા માટે તને કહીશ." ડો. ઉર્વીશે ટેબલ પર મુકેલું સ્ટેથોસ્કોપ ગળે ભેરવ્યું.

"જી સાહેબ," વાલજી દરવાજાની બહાર મુકેલા ટેબલ પર બેસી નંબર પ્રમાણે દર્દીઓ મોકલવા લાગ્યો.

આશીર્વાદ હેલ્થ કેર એટલે ડો. ઉર્વીશ ઉપાધ્યાયનું સાકાર થયેલું શમણું. જામનગરની ખ્યાતનામ હોસ્પિટલોમાંની એક. હોસ્પીટલ કાયમ દર્દીઓથી ભરેલી રહેતી. ક્યારેક ક્યારેક તો ડો. ઉર્વીશને હોસ્પિટલમાં જ સુવું પડતું એવી પરિસ્થિતિ રહેતી. એમનું કામ જ એમના નામનો પડઘો પાડતું હતું. એમના હાથમાં રહેલી જશરેખા દર્દીઓને એમની પાસે ખેંચી લાવતી. નીલાક્ષીને પૂરતો સમય ન આપી શકવાનો વસવસો એમને કાયમ રહેતો પણ નીલાક્ષીએ ક્યારેય એ ફરિયાદ હોઠો પર નહોતી આવવા દીધી. આશીર્વાદ હેલ્થ કેર વાસ્તવમાં જામનગરના લોકો માટે આશિષરૂપ હતું. ડો. ઉર્વીશ ઉપાધ્યાય દર્દીઓ માટે ઈશ્વરનું બીજું નામ હતા.

'રાતના સપનાએ મારી નીંદર વેરણ કરી નાખી છે. મનના ખૂણે હજીય ફ્ફડાટ છે. મારી ઈશ્વા હેમખેમ તો હશે ને..?' દર્દીઓની તપાસ સાથે ડો. ઉર્વીશનું મન ઈશ્વાના વિચારોથી ઘેરાયેલું હતું. 'બપોરે ફોન કરી એની જોડે વાત જ કરી લઈશ'

@@@@

"છોટુભાઈ, કેમ તમારા સીસીટીવી ફૂટેજમાં કાઈ દેખાતું નથી? ઈશ્વા રૂમની બહાર નીકળીને જમણી તરફ વળી તો છે પણ એની સાથે કોઈ નથી. આટલી મોડી રાતે એકલી એ ક્યાં ગઈ હશે?" કૌશલે બે થી ત્રણ વાર ફૂટેજ ચેક કર્યા પણ ઈશ્વાના બહાર નીકળ્યા પછી થી સવાર સુધીનું કોઈપણ રેકોર્ડિંગ કે કલુ મળ્યું નહીં એટલે નિરાશ થઈ પાછા બધા હોટેલની બહાર નીકળ્યા.

"મોહન.... મોહન.... ક્યાં છે તું ભાઈ?" દિલીપે મોહનને ફોન કરી બંને ગાડીઓની ચાવી લઈ આવવા કહ્યું.

"હું, અર્પિતા અને મમ્મીજી એક તરફ જઈએ અને કૌશલભાઈ, તમે ઉર્મિભાભી અને વ્યોમ મંદિર તરફ જાઓ. પાર્થિવ અને કૃતિને અમારી સાથે લઈ જઈએ છીએ." મોહનના હાથમાંથી ચાવી લઈ દિલીપે એક ચાવી કૌશલના હાથમાં સોંપી, "અને મોહન, તું અહીં જ રહે, જેવી ઈશ્વા દેખાય કે એના કોઈ સગડ-સમાચાર મળે એટલે તરત અમને જાણ કરજે." દિલીપે મોહનને ગયા ગયેલી ઘટનાથી ટૂંકમાં વાકેફ કર્યો અને એ કૌશલ સાથે હોટેલના ગેટની બહાર નીકળ્યો.

@@@@

ઈશ્વાને જયારે ભાન આવ્યું અને એણે આંખો ખોલી ત્યારે જોયું તો એક નાનકડી ઝૂંપડી જેવી જગ્યામાં ખાટલીમાં પડી હતી અને એની આજુબાજુ દસ-બાર વ્યક્તિઓ ઘેરો ઘાલી ઉભા હતા.

"બીજુ. ... બીજુ. .. તું હાજી સો ને..?" એક આધેડ વયના પુરુષે આગળ આવી એના માથે હાથ ફેરવ્યો.

"હો મામા, હું સાવ હાજીનરવી સઉં." વર્ષોથી ઓળખતી હોય એમ ઈશ્વા એ અજનબી સાથે વાત કરી રહી હતી.

દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી, મંદ મંદ વાતો વાયરો, નદીના વહેતા પાણીનો ખળખળ અવાજ, વચ્ચે વચ્ચે પંખીઓના ટહુકા... ઈશ્વા જાણે સદીઓથી અહીં રહેતી હોય એમ ઉભી થઈ ગઈ ને ઝૂંપડીની બહાર નીકળી. એને પોતાનામાં અણધાર્યો બદલાવ લાગ્યો. એણે એક નજર પોતાના પહેરવેશ પર નાખી અને આજુબાજુ નજર ફેરવી તો ત્યાં રહેલી સ્ત્રીઓ અને પોતાના પહેરવેશમાં એને ફરક લાગ્યો.

'હું આવા લૂગડામાં ચ્યાંથી?' મનોમન વિચારતી એ બીજી સ્ત્રો તરફ જોવા લાગી. બ્લાઉઝ વિનાના જમણા ખભા પરથી લઈને ઘૂંટણથી થોડી નીચે સુધી કમરે વીટળાયેલી સાડી, ડાબી બાજુએ કાળા દોરામાં બાંધેલું માદળિયું, બંને હાથમાં ચાંદીની બંગડીઓ, પગમાં પાયલ, લગભગ બધી સ્ત્રીઓએ ઘેરા મરૂન અને સફેદ ડિઝાઇનવાળી સાડીઓ વીટી હતી. પુરુષો પણ લગભગ એક્સરખા કપડામાં હતા, ટૂંકું ધોતિયું, કફની અને ખભે નાનકડો ગમછો. નદીની બંને તરફ બાંધેલા કાચા ઘરોમાં વસતા પરિવારો.

ઈશ્વા અત્યારે પહોંચી ગઈ હતી પંદરમી સદીના ઉત્તરાર્ધમાં. ..શું હતું એનું રહસ્ય? શું સંબંધ હતો ઈશ્વાનો એ સદીના લોકો સાથે...?

ક્રમશ: