મોરપંખ કે કૃષ્ણપંખ? Dr. Sweta Jha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

મોરપંખ કે કૃષ્ણપંખ?

મોરપંખ કે કૃષ્ણપંખ
"દાદીમાં હું બેસું કે?"પાંચ વર્ષનો વિહાંગ હજી રશ્મિકાબેન કંઈ જવાબ આપે કે તેમની તુલસીની માળા નીચે મૂકે એ પહેલા ધબ દઈને એમના ખોળામાં બેસી ગયો. વિહાંગ રશ્મિકાબેનના હાથમાંથી તુલસીની માળા ખેંચતા બોલ્યો, " બા, આ લાલાએ દૂધ પી લીધું? ખાવાનું ખાઈ લીધું?" રશ્મિકાબેન હસીને બોલ્યા," હા. લાલાએ કાનુડાએ દૂધ પણ પી લીધું ને પ્રસાદ પણ ખાઈ લીધો, તો હવે એ અમારા લાલાને આપવાનો ને!" વિહાંગે હસીને ચાંદીની કટોરીમાંથી ગોળનો ગાંગડો તુલસીના પત્તા સાથે મોઢામાં મૂકી દીધો.પછી ચાંદીની નાની વાટકી ઉપાડી દૂધ ગટગટાવી દીધુ. રશ્મિકાબેન બોલ્યા,"કેમ બેટા? બાએ શું કહ્યું છે તને? પહેલા શું કરવાનું?" " ભૂલી જ ગયો, બા! પહેલા હાથ જોડીને લાલાને કહેવાનું કે મને ડાહ્યો બનાવજે. અને શ્રીકૃષ્ણ શરણમ મમ: બોલવાનું."આમ કહી વિહાંગે કનૈયાની મનોહર મૂર્તિ સામે હાથ જોડ્યા. અને મંદિરમાં બીજા ભગવાનના ફોટા અને મૂર્તિ સામે હાથ જોડ્યા. પછી તે રશ્મિકાબેન સામે જોઈ રહ્યો એટલે હસીને રશ્મિકાબેન બોલ્યા,"સારુ મારા લાલા. હવે તું જા અને મને સ્તુતિ વાંચવા દે." "ના..બા. હજુ કંઈક બાકી છે.હું એ લઉ?" "શું લાલા?" રશ્મિકાબેન અજાણ્યા બનવાનો ડોળ કરીને બોલ્યા. "બા, તમને ખબર છે ને! મોરપીંછ.... તમારા કાન્હાનું કૃષ્ણપંખ!"એટલે હસીને રશ્મિકાબેને કાન્હાની મૂર્તિની બાજુમાં મુકેલ મોરપંખ લઈને વિહાંગને આપ્યું. વિહાંગે તેને હાથમાં પકડી રાખ્યું અને પછી થોડીવાર રહીને પાછું આપી દીધુ. આ તેનો નિત્યક્રમ હતો. રોજ સવારે રશ્મિકાબેન પૂજા ઘરમાં પૂજા કરવા બેઠા હોય ત્યારે નાનકડો વિહાંગ તેમના પૂજાખંડમાં પહોંચી જતો. પછી તે હકથી બાની પૂજામાં ભંગ પડાવતો કે કહો બ્રેક પડાવતો અને બાએ કાન્હાને ધરાવેલો પ્રસાદ આરોગતો. પણ પ્રસાદ કરતાં પણ તેને વિશેષ આકર્ષણ કાન્હાના મોરપંખનુ હતું. બાની પરવાનગી લઈ તે મોરપંખ હાથમાં લેતો પછી તેના સુંદર ચમકતા વાદળી-લીલા રંગોને જોવામાં તલ્લીન થઈ જતો. પહેલા તો તે જીદ કરી કાન્હાની મૂર્તિના મુગટ પરથી મોરપંખ લેવડાવતો એટલે તેના માટે થઈને રશ્મિકાબેને ખાસ અલગ મોરપંખ લીધું હતું. જે તે કાન્હાની મૂર્તિની બાજુમાં મૂકી રાખતા. ઘણીવાર વિહાંગ કાનાના મુગટ પર લગાવેલું મોરપંખ લેવાની જીદ કરતો ત્યારે તેના માટે ખાસ લાવેલું મોરપંખ તેને આપી રશ્મિકાબેન તેને પટાવીને કહેતા, "જો બેટા, આ મોરપંખ છે ને એ ખાસ કાના એ તારા માટે મોકલાવ્યું છે. તે જાદુઈ મોરપંખ છે." નાનકડો વિહાંગ ભોળા ભાવે પૂછતો ,"બા, તો પછી જો એ જાદુઈ છે અને કાન્હાએ એને આપ્યું છે તો એને તો કાન્હાનું કૃષ્ણપંખ કહેવાય ને!" "હા. એને કૃષ્ણપંખ કહેવાય. મારા વિહાંગનું કૃષ્ણપંખ." રશ્મિકાબેન કહેતાં. "તો પછી એ શું જાદુ કરે છે? બા." વિહાંગ પૂછ્તો. રશ્મિકાબેન એને સમજાય એવી ભાષામાં કહેતા, "એ તો બધાને મદદ કરે. જે રડતા હોય એને ચૂપ કરી દે." નાનો વિહાંગ પોતાના દાદીમાની વાત ધ્યાનથી સાંભળી રહેતો. એને એ દિવસથી પોતાની દાદીની વાત પર અને જાદુઈ પંખ પર ખૂબ જ શ્રદ્ધા બેસી ગઈ. પછી તો એ દિવસે એણે ઘરમાં બધા જ સભ્યો- પોતાના દાદા, પપ્પા અને મમ્મીને પૂછી લીધું. "તમારે હેલ્પની જરૂર છે? મારી પાસે મોરપંખ છે. એ કાન્હાએ ખાસ મારી માટે મોકલાવ્યું છે." પછી તો વિહાંગ સાંજે રમવા ગયો તો એના બધા મિત્રોને પણ પોતાને માટે ખાસ કાન્હાએ મોકલાવેલા મોરપંખની જ વાતો કરી. તેના બધા મિત્રોને તેણે કીધું કે કોઈને પણ હેલ્પની જરૂર હોય કે પ્રોબ્લેમ હોય તો બધાએ વિહાંગ પાસે આવવું. વિહાંગ તેના મોરપંખથી બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. પછીના ચાર-પાંચ દિવસ તો પોતાની સ્કૂલમાં, ક્લાસમાં, આડોશ- પાડોશમાં અને જે મળે એ બધાને વિહાંગ પોતાના મેજિકલ મોરપંખની જ વાત કર્યા કરતો. વિહાંગની મમ્મી વેદિકાએ વિહાંગના પપ્પા અનંગને કહ્યું," અનંગ, તને નથી લાગતું કે મમ્મીએ વિહાંગને મોરપંખ વિશે કંઈક વધારે પડતું જ કહી દીધું છે? અને એ એને કેટલું સાચુ માની રહ્યો છે!" અનંગ બોલ્યો," વેદિકા, તુ મમ્મીની વાત સમજ. વિહાંગને એ સીધું કાન્હાની મૂર્તિ પરનું મોરપીંછ આપવાની ના પાડે તો એ એની જ જીદ કરત અને રડ્યા કરત. એટલે મમ્મીએ એને આ રીતે પટાવી આ બીજું મોરપંખ આપ્યું." વેદિકા તરત બોલી," અનંગ, પણ આપણે બાળકને આવી રીતે ખોટું કહીને એને ભ્રમમાં રાખીએ અને પછી એનો ભ્રમ તૂટે ત્યારે એને કેટલું દુઃખ થાય! ત્યારે પણ એ રડે જ ." અનંગ કંઈ પણ બોલ્યા વગર વેદિકાની વાત સાંભળી રહ્યો. પછી ત્રણ- ચાર દિવસ રહીને વિહાંગને તાવ આવ્યો અને માથું દુખવા માંડ્યું .એટલે વેદિકા એને ડોક્ટર પાસે લઈ ગઈ, અને દવા લઈને પાછી આવી. દવાથી વિહાંગનો તાવ તો બે કલાકમાં ઉતરી ગયો પણ માથું દુખતું બંધ ન થયું. અચાનક વિહાંગને યાદ આવ્યું અને તેણે વેદિકાને કીધું," મમ્મા,પ્લીઝ તું મને બા પાસેથી મારું મેજિકલ મોરપંખ લાવી દેને. એ મને હેલ્પ કરશે." વેદિકા બોલવા જતી હતી કે એવું ના હોય એમ કંઈ મોરપંખ હેલ્પ ન કરે. પણ વિહાંગની તબિયત જોઈ તેને થયું કે એની વાત માનશે તો એનું મન ખુશ રહેશે. એટલે વેદિકા પૂજાખંડમાંથી એ મોર પંખ લઈ આવી. પછી વિહાંગ બોલ્યો," મમ્મા,પ્લીઝ તું એને મારા માથા પર ફેરવ અને 'શ્રીકૃષ્ણ શરણમ મમ: 'બોલ એટલે મને માથું દુખતું મટી જશે." વેદિકા વિહાંગની સામે પ્રેમથી જોઈ રહી. પછી એ મોરપંખને એના કપાળ પર અડાડી વિહાંગે કીધેલ મંત્ર બોલવા લાગી. બે-ત્રણ મિનિટમાં જ વિહાંગ ઊંઘી ગયો. ત્રણ કલાક પછી એ જ્યારે જાગ્યો ત્યારે એનું માથું દુખતું બંધ થઈ ગયું હતું. તેણે વેદિકાને પાસે બેઠેલી જોઈને કહ્યું," મમ્મા. જોયું તે મોર પંખનું મેજિક. મને માથું દુખતું મટી ગયું." વેદિકા બોલી," બેટા, એ તો દવા લેવાથી મટી ગયું." એ સાંભળી વિહાંગનું મોઢું ઉતરી ગયું. તે બોલ્યો," ના... ના મમ્મા. દવા લેવાથી તો ખાલી તાવ જ મટ્યો. ને માથામાં દુખતું હતું એ તો કાન્હાના મોર પંખે મેજિક કરીને મને હેલ્પ કરી એટલે જ મટી ગયું." વેદિકાને થયું કે અત્યારે વિહાંગને આ વાત સમજાવવાનો યોગ્ય સમય નથી. રાત્રે અનંગ ઓફિસેથી પાછો આવ્યો ત્યારે વિહાંગ સૂઈ ગયો હતો. અનંગ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવી રહ્યો હતો. વેદિકા તેની પાસે આવી અને તેને મોરપંખ વાળી વાત જણાવી. એ સાંભળી અનંગ બોલ્યો," જો વેદીકા, એની તબિયત સારી થાય પછી કોઈ વાર આ વાત એને શાંતિથી સમજાવજે." પણ આ નાનકડા બનાવ પછી વિહાંગને મોરપંખ પ્રત્યેની શ્રદ્ધા ઔર વધી ગઈ. વળી પાછા એક અઠવાડિયા બાદ તેની આ શ્રદ્ધાને બળવત્તર બનાવતો બીજો નાનકડો પ્રસંગ બની ગયો. વિહાંગની સામે રહેતા તેના મિત્ર તનુષને સોસાયટીમાં ફરતા કુતરાના બચ્ચાઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તનુષ, વિહાંગ અને બીજા આજુબાજુમાં રહેતા તેની ઉંમરના મિત્રોની મદદથી ગલુડિયાઓ માટે ઈંટ અને પથ્થરની આડાશ મૂકી એક નાનું ઘર બનાવ્યું હતું. બધા જ કુતરાના બચ્ચામાંથી પાંચ મહિના બાદ ત્રણ કુતરાના બચ્ચા જીવતા રહ્યા હતા. તે ત્રણમાંથી એક બચ્ચું કાળું અને ધોળું હતું તેનું નામ તનુષ , વિહાંગ અને મિત્ર ટોળકીએ ભેગા થઈને 'કાબરું' રાખ્યું હતું. શરીરથી રુષ્ટપુષ્ટ તે ગલુડીયુ બધાનું પ્રિય હતું. અને બધા વારાફરથી પોતાના ઘરેથી દૂધ અને બિસ્કીટ લાવી કાબરા ને ખવડાવતા અને તેને રમાડતા. પણ વિહાંગ ની બીમારી મટી એના અઠવાડિયા પછી એક દિવસ સાંજે અચાનક તનુષ રડતા રડતા વિહાંગને બોલાવવા માટે આવ્યો. વિહાંગના દાદીએ તનુષને પૂછ્યું," બેટા, શું થયું ?તું કેમ રડે છે?" તનુષ રડતા રડતા જવાબ આપ્યો," બા, અમારા કાબરાના પગ પરથી કોઈ કાર ચલાવીને જતું રહ્યું. તે રોડ પર પડ્યું છે હલી પણ નથી શકતું." પછી રડતા રડતા તેણે વિહાંગને કહ્યું," વિહાંગ, તું તારું મેજિકલ મોરપંખ લઈને આવીશ? આપણે તેનાથી કાબરા ને હેલ્પ કરવાની છે." હજુ રશ્મિકાબેન કંઇ બોલે તે પહેલા વિહાંગ દોડીને પૂજા ખંડમાંથી તેનું મોરપંખ લઈ આવ્યો. અને "બા, હું હમણાં આવું છું." એમ બોલીને દોડીને તનુષની સાથે બહાર જતો રહ્યો. વિહાંગ અને તનુષ એ જગ્યા પર પહોંચ્યા ત્યાં સુધીમાં તેમનાથી મોટા બે ત્રણ છોકરાઓ ત્યાં પહોંચી ગયા હતા. અને તેમણે કાબરા પર થોડું પાણી છાંટ્યું હતું. વિહાંગે પોતાનું મોરપંખ કાબરાના પગ પર ધીરે ધીરે ફેરવ્યું એટલે કાબરું થોડું હલ્યું અને તેણે આંખો ખોલી. તનુષ, વિહાંગ અને તેમના મિત્રો ખુશ થઈને બોલવા માંડ્યા, ,"બચી ગયું ...બચી ગયું.. આપણું કાબરુ બચી ગયું." પછી બે મોટા છોકરાઓ કાબરાને તનુષ અને ટોળીએ બનાવેલા ઘરમાં ઊંચકીને મૂકી દીધુ. કોઈ બે છોકરા કાબરાને પીવડાવવા માટે દૂધ લઈ આવ્યા. કાબરા એ આંખો ખોલી દૂધ પીધું પછી તે ઉભું થવા ગયું પણ તેના પાછલા એક પગ પર ફરીથી કારનું ટાયર ફરી વળ્યું હોવાથી તે ચાલી શકતું નહોતું .ફરીથી વિહાંગે તેના પગ પર મોરપંખ અડાડ્યું. પછી થોડીવાર રહીને બધા મિત્રો ઘરે ગયા. વિહાંગ દોડીને ઘરે પહોંચ અને તેના દાદા મનોજભાઈ છાપુ વાંચી રહ્યા હતા તેમના ખોળામાં ચડીને બેસી ગયો. રશ્મિકાબેન તેમની બાજુમાં બેસે શાક સમારી રહ્યા હતા. વિહંગે તેના દાદા ને કહ્યું," જુઓ, અમારા મેજિકલ મોરપંખે તો આજે મોટું મેજીક કર્યું. એણે તો કાબરાને હેલ્પ કરી મરતા બચાવી લીધો" પછી તેણે દાદાને આખી વાત જણાવી. મનોજભાઈ શાંતિથી તેની વાત સાંભળી રહ્યા. પછી વિહાંગ બોલ્યો," દાદા, ઊભા રહો હમણાં હું મારું મોરપંખ મંદિરમાં જઈને મૂકીને પાછો આવું." "અરે... ના... ના. વિહાંગ બેટા, પહેલા તો એને એકવાર ધોઈ દે." રશ્મિકાબેને બૂમ પાડી અને દોડી જતા વિહાંગને રોકાવા કહ્યું.પણ ત્યાં સુધીમાં તો વિહાંગ ત્યાંથી જતો રહ્યો હતો. રશ્મિકાબેન મોં બગાડીને જોઈ રહ્યા અને બોલ્યા," આ છોકરો તો હવે કંઈ સાંભળતો જ નથી." મનોજભાઈ આ સાંભળીને હસી પડ્યા અને બોલ્યા,"પણ તું યે રશ્મી, હવે મોર પંખ ધોયા વગર મૂકશે તો ક્યાં તારું મંદિર અભડાઈ જવાનું છે!"," પણ એ એને કુતરાના પગ પર ફેરવીને આવ્યો છે." રશ્મિકાબેન બોલ્યા." તો શું થઈ ગયું? મોરપંખ પણ એક મોર પક્ષીનું જ પંખ છે ને! તેને બીજા પ્રાણીને અડાડવાથી શું થઈ ગયું?" મનોજભાઈ બોલ્યા.એ સાંભળી રશ્મિકાબેન બોલ્યા, "તમને નહીં સમજાય." પછી વિહાંગે જ્યારે આ આખી વાત વેદિકાને જણાવી ત્યારે તેણે વિહાંગને સમજાવવાની કોશિશ કરી કે મોરપંખના કારણે કાબરો બચી ગયો એવું ના હોય અને પછી તેની વાત વિહાંગે માની નહીં તેથી તે ચિંતિત થઈ ગઈ. અનંગ જ્યારે ઘરે આવ્યો ત્યારે તેણે અનંગને બધી વાત જણાવીને વિહાંગની એ માન્યતા કે મોર પંખના કારણે કાબરો બચી ગયો એની સામે પોતાનો અણગમો વ્યક્ત કરતા કહ્યું," અનંગ, મમ્મીએ વિહાંગના મગજમાં આ ખોટી માન્યતા બેસાડી દીધી છે કે મોરપંખ થી જાદુઈ છે. તેના લીધે હવે તેને સાચી વાત સમજાશે જ નહીં કે નથી તો આ મોરપંખ કાન્હાએ મોકલ્યું કે નથી એ મેજિકલ.હવે તેને કઈ રીતે સમજાવું? તે મારી વાત માનવા તૈયાર જ નથી."અનંગ તેની વાત સાંભળી બોલ્યો," એ મોટો થશે એમ ધીરે ધીરે એને સમજાશે. બાકી તને ખબર જ છે ને શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી." વેદિકા કઈ બોલ્યા વગર જતી રહી .પછી તો વિહાંગ રોજ સાંજે મોરપંખ લઈને કાબરાના પગ પર ફેરવતો અને તેના મિત્રો સાથે મળીને "શ્રીકૃષ્ણ શરણમ મમ" નો મંત્ર બોલતો. અને પાંચ દિવસ પછી તો કાબરુ ચાલતું અને દોડતું પણ થઈ ગયું. ને તેથી તો વિહાંગના બધા મિત્રો તેમાંય ખાસ કરીને તનુષ પણ માનતો થઈ ગયો કે વિહાંગનું મોરપંખ મેજિકલ છે અને તે બધાને હેલ્પ કરે છે. આ ઘટનાને દસેક દિવસ વીત્યા હશે તે પછી એક સાંજે વિહાંગ તેના દાદા મનોજભાઈ સાથે બેઠા બેઠા વાત કરતો હતો. ત્યારે જ તેનો મિત્ર તનુષ તેને રમવા માટે બોલાવવા આવ્યો. વિહાંગે મનોજભાઈ ને પૂછ્યું, "દાદા, મેં બધું જ હોમવર્ક કરી લીધું છે. હવે હું તનુષ સાથે રમવા જઉ ?" મનોજભાઈ કંઈ બોલે કે જવાબ આપે તે પહેલા તેમના મોબાઈલમાં રીંગ વાગી. મનોજભાઈએ કોલ રીસીવ કર્યો અને સામેથી કોઈ બોલી રહ્યું હતું તે સાંભળી મનોજભાઈના હાથ ધ્રૂજવા માંડ્યા. તે સાંભળી મનોજભાઈ એટલું જ બોલ્યા," અમે હમણાં જ પહોંચીએ છીએ, સર. કઈ હોસ્પિટલ છે?" પછી ગભરાયેલા મનોજભાઈએ રશ્મિકાબેન અને વેદિકાને બોલાવી સમાચાર આપ્યા કે અનંગનો સિવીયર એક્સિડન્ટ થયો છે અને તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. આ સાંભળી રશ્મિકાબેન ખુરશીમાં ફસડાઈ પડ્યા. અને વેદિકાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મનોજભાઈ બોલ્યા," ચાલો, આપણે જલ્દી હોસ્પિટલ પહોંચવાનું છે. એમ કોઈએ ઢીલા પડવાનું નથી." તેઓ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમના બે ત્રણ પારિવારિક મિત્રો અને સંબંધીઓ પણ આવી ગયા હતા કેમકે નીકળતી વખતે મનોજભાઈએ એ લોકોને મેસેજ આપી દીધા હતા, જેથી તેમની જરૂર પડે તેમની પણ મદદ લઈ શકાય. અનંગની કારનો ડમ્પર સાથે ભયંકર એક્સિડન્ટ થયો હતો. અનંગ તો ત્યાં જ બેહોશ થઈ ગયો હતો. પણ તેની સાથેનો તેનો સહકર્મી જે ભાનમાં હતો તેણે ઓફિસમાં જાણ કરી હતી. અને આજુબાજુના લોકોએ પણ મદદ કરી તેમના માટે એમ્બ્યુલન્સ બોલાવી તેમને શહેરની એક સારી ખાનગી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. અનંગની હાલત ક્રિટીકલ હતી. અને તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. અનંગની પરિસ્થિતિ જોઈ રશ્મિકાબેન અને વેદિકા સાવ ભાંગી પડ્યા હતા. મનોજભાઈ તેમના મિત્રોની મદદથી જેમ તેમ કરી મજબૂત બન્યા હતા. અને હિંમત રાખી ડોક્ટરસની ટીમ સાથે ચર્ચા કરી રહ્યા હતા. ડોક્ટરના કહેવા પ્રમાણે તેમણે અનંગની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી. પણ અનંગને હેડ ઇંજરી થઈ હતી. અને તેના માટે બ્રેઈન સર્જરી 8 કલાકમાં જ કરી દેવી પડે એમ હતું. એ માટે તેમણે બીજા શહેરમાંથી ખાસ સર્જનને બોલાવ્યા હતા. એ આવે ત્યાં સુધી બધાએ કપરી ઘડીઓ કાઢવાની હતી અને ઈશ્વરને પ્રાર્થના કરવાની હતી કે સર્જરી સફળ થઈ જાય. મનોજભાઈ કે જેઓ શહેરના પ્રતિષ્ઠિત અને નામાંકિત વ્યક્તિઓમાંના એક હતા,તેમણે પોતાની તમામ ઓળખાણ કામે લગાડી દીધી હતી કે તે સર્જન જલ્દીથી અહીંયા આવી શકે. પણ પછી પાંચ કલાક વીતી ગયા છતાં એ ડોક્ટર ન આવ્યા. તેથી બધાની ચિંતા ઓર વધી ગઈ. અને તપાસ કરતાં મનોજભાઈને માલુમ પડ્યું કે એ ડોક્ટર ત્યાં આવવા નીકળ્યા હતા ત્યારે જ તેમની વૃદ્ધ માતા બાથરૂમમાં પડી ગયા હતા. અને તેમને પણ હેડઈન્જરી થઈ હતી. જેના માટે એક નાનું ઓપરેશન કરવું પડે તેમ હતું. આ ઓપરેશન પતાવી એ ડોક્ટર ક્યારે અહી આવશે તે કહી શકાય એમ નહોતું. આ સાંભળી મનોજભાઈ, રશ્મિકાબેન અને વેદિકા આ ત્રણેયના જીવ પડીકે બંધાઈ ગયા હતા. બધાએ પોતપોતાની રીતે અનંગનો જીવ બચી જાય એ માટે બાધાઓ માની લીધી હતી. ત્યાં ઘેરથી મનોજભાઈના સંબંધી નો ફોન આવ્યો કે વિહાંગ ત્યાં આવવા માંગે છે,અને અનંગને જોવાની જીદ કરીને સતત રડ્યા કરે છે. આ સાંભળી ભેદિકાએ કહ્યું કે તેને પણ હોસ્પિટલમાં બોલાવી લેવો.એ પછી વિહાંગ હોસ્પિટલ પહોંચ્યો અને ત્યાં જઈને અનંગને મળવા માટે આઈસીયુમાં જવાની જીદ કરવા લાગ્યો. તેણે વેદિકાને કીધું," મમ્મા, હું મારું મેજિકલ મોરપંખ લાવ્યો છું. અને એનાથી પપ્પાને મારે ઠીક કરી દેવાના છે." વેદિકા અને રશ્મિકાબેન આંસુભરી આંખે તેની સામે જોઈ રહ્યા. પછી મનોજભાઈ બોલ્યા," ભલે એકાદ મિનિટ માટે મળી લે." આ સાંભળી વેદિકા જાણે ડૂબતાને તણખલાનો સહારો હોય એમ બોલી, " હા પપ્પાજી. અને ભલે એનું મોરપંખ પણ જોડે લઈને જાય." રશ્મિકાબેન બોલ્યા, " કદાચ આ નાના બાળકની વાત કાનો સાંભળી લે." પછી મનોજભાઈને ખાસ ઓળખાણ હોવાથી ડોક્ટરની પરવાનગી મેળવી વિહાંગને અંદર આઈસીયુમાં લઈ ગયા. પોતાના પપ્પાને હોસ્પિટલના બેડ પર બેહોશ અવસ્થામાં જોઈને નાનકડા વિહાંગની આંખો આંસુથી છલકાઈ ગઈ. તેણે પોતાનું મેજિકલ મોરપંખ લઈ અનંગના માથા પર લગાવી રાખ્યું .અને પછી "શ્રીકૃષ્ણ શરણમ મમ:" નો મંત્ર બોલવાનું શરૂ કર્યું. ત્રણ મિનિટ પછી નર્સ તેને બહાર લઈ ગઈ. હવે ડોક્ટરે આપેલા આઠ કલાકમાંથી માત્ર દોઢ કલાક બાકી રહ્યો હતો. અને હજુ તો બ્રેઈનસર્જન આવ્યા ન હતા કે તે ક્યારે આવશે તેના કોઈ મેસેજ તેમણે મોકલ્યા નહોતા. બધા હવે હિંમત હારી રહ્યા હતા. મનોજભાઈને પણ લાગતું હતું કે હવે તે સર્જન એટલે દૂરથી આટલા જલ્દી પહોંચી શકે તે લગભગ અશક્ય હતું. વેદિકાના આંસુ રોકાતા ન હતા. નાનકડા વિહાંગે વેદિકાને કહ્યું," રડ નહીં... મમ્મા. એ મેજિકલ મોર પંખ મેજિક કરશે ને એટલે પપ્પાને સારું થઈ જશે." આ સાંભળી વેદિકાએ વિહાંગને માથે પ્રેમથી હાથ ફેરવ્યો .અને તેના ડુંસકાના અવાજથી હોસ્પિટલના કોરીડોરમાં ઉભેલા બધાની આંખોમાં પણ આંસુ આવી ગયા. ત્યાં જ એક નર્સ દોડતી આવી અને બોલી કે સર્જન આવી ગયા છે. અને અનંગને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે. ત્યાં ટૂંક સમયમાં જ તેની બ્રેઇન સર્જરી ચાલુ થઈ જશે." પછીનો એક કલાક બધાએ ટેન્શનમાં અને પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવામાં વિતાવ્યો. કલાક બાદ તે સર્જન સીધા મનોજભાઈ પાસે આવ્યા અને તેમના ખભે હાથ મૂકી બોલ્યા," તમને બધાને અભિનંદન. ઈટ ઇસ મિરેકલ. તમારા દીકરાની હાલત બહુ નાજુક હતી અને સમય બહુ જ ઓછો હતો છતાં પણ ઓપરેશન સફળ રહ્યું છે. નાઉ હી ઇસ આઉટ ઓફ ડેન્જર.તે ચોવીસ કલાકમાં ભાનમાં આવી જશે." મનોજભાઈએ આંસુભરી આંખે પોતાના બે હાથ જોડી કહ્યું," સર,તમારો ખુબ ખુબ આભાર. અત્યારે તમે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો. મારા પુત્રને બચાવીને તમે મારા અને મારા પરિવાર પર બહુ જ મોટો ઉપકાર કર્યો છે.." સર્જન બોલ્યા," ના, એ તો મારી ડ્યુટી છે. અને ઓપરેશન સફળ થયું એ કોઈ ચમત્કારથી કમ નથી." આ સાંભળી વેદિકા અને રશ્મિકાબેને પણ આભાર પ્રગટ કરવા પોતાના હાથ જોડ્યા. પછી મનોજભાઈ બોલ્યા," સર, અમને તો છેલ્લે એવું લાગ્યું હતું કે તમે હવે સમયસર નહીં પહોંચી શકો. અને અમે બધું જ ભગવાન પર છોડી દીધું હતું." આ સાંભળી સર્જન બોલ્યા," તમારી વાત સાચી છે.મારી માતાને નાનકડી સર્જરી કરવી પડી પણ એ પછી તે બે કલાકમાં જ ભાનમાં આવી ગયા. તેમને મારે અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવાના હતા. તેથી મારો તેમને છોડીને આવતા જીવ નહોતો ચાલતો. પણ મારી માતાએ કહ્યું કે કાન્હાએ મને બચાવી લીધી છે, એટલે હવે તું નિશ્ચિત થઈ જા. અને બીજા કોઈના ઘરનો કુલદીપક ન બુજાય એ જોવાની જવાબદારી હવે તારી છે. અને કાન્હાજીની પણ એવી જ ઈચ્છા છે. તો તું બેફિકર થઈને જા. અને હું અહીં આવવા નીકળી ગયો. મારો મોબાઇલ ચાર્જિંગ ન હોવાથી સ્વીચ ઓફ થઈ ગયો હતો. એટલે હું તમને કોલ ન કરી શક્યો. હવે હું રજા લઈશ. મારે પાછા મારી માતાની પાસે પહોંચવાનું છે. અને તેમના લેટેસ્ટ રિપોર્ટ ચેક કરવાના છે. હવે તમારા દીકરાની આગળની ટ્રીટમેન્ટ અહીના ડોક્ટર જોઈ લેશે. અને તે પૂર્વવત સાજો થઈ જશે એટલે તેની ચિંતા ન કરતા." આમ બોલી સર્જન ત્યાંથી નીકળ્યા. મનોજભાઈ અને બીજાં બધા તેમને આભારવશ નજરે જતા જોઈ રહ્યા. વિહાંગ તરત વેદિકાને કહેવા લાગ્યો," જોયું ને મમ્મા! મારા મોરપંખે મેજિક કર્યું ને! તેણે પપ્પાને સાજા કરી દીધા ને! કાન્હાએ આપણને હેલ્પ કરીને! હું તને હંમેશા કહેતો હતો પણ તું જ નહોતી માનતી." વેદિકાએ તેને ખેંચીને ગળે લગાડી દીધો. અને બોલી," હા, બેટા. તારી વાત સાચી છે. કાન્હાએ એના મેજિકલ મોરપંખથી આપણને હેલ્પ કરી." પછી તે ધીરેથી સ્વગત બોલી કે સાચી વાત છે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી.અને પછી' શ્રીકૃષ્ણ શરણમ મમ:' એમ બોલીને તેણે પોતાના આંસુ લૂછ્યા.
જય શ્રી કૃષ્ણ.