નીરવ અને પલ્લવી એ બંને વચ્ચે અત્યાર સુધી જે કંઈ પણ સંવાદ થયો એ બધું જ તુલસીએ સાંભળી લીધું હતું પરંતુ એ વાતથી નીરવ અને પલ્લવી બંને જણાં હજુ પણ અજાણ જ હતા.
ત્યાં જ અચાનક નીરવની નજર દરવાજા પાસે ઉભેલી તુલસી પર પડી એટલે એ તરત જ બોલી ઉઠ્યો, "અરે! મમ્મી? તું ક્યારે આવી? અમારું તો ધ્યાન જ નહોતું. અહીં અંદર આવ ને!"
"હું હજુ હમણાં જ આવી બેટા! અત્યારે મારે અંદર નથી આવવું પરંતુ હું તારા એકલાં જોડે ખાસ અગત્યની વાત કરવા ઈચ્છું છું. હું નીચે હોલમાં તારી રાહ જોઈ રહી છું તો ત્યાં આવી જા."
"ઠીક છે મમ્મી! તું જા નીચે. હું હમણાં આવું જ છું થોડીવારમાં."
તુલસીની આવી વાત પલ્લવીને બહુ પસંદ તો ન આવી પરંતુ અત્યારે તો એણે મૌન જ ધારણ કરવાનું ઉચિત માન્યું અને એ શિખરને રમાડવામાં લાગી ગઈ. અને નીરવ પણ હોલમાં જવા માટે રવાના થયો.
થોડીવારમાં નીરવ પણ નીચે હોલમાં આવ્યો કે, જ્યાં તુલસી તેની રાહ જોઈ રહી હતી.
નીરવ આવ્યો એટલે તુલસીએ એને કહ્યું, "જો દીકરા! હું તને જે કંઈ પણ હવે રહેવા જઈ છું એ મારી વાત તું બરાબર ધ્યાનથી સાંભળજે અને સમજજે. હું જે પણ કંઈ કહું છું એ તારા ભલા માટે જ છે. હું તારી મા છું એટલે તારું બૂરું તો નહીં જ ઈચ્છું."
"હા! મમ્મી તું કહે ને કે, શું વાત છે? તું જે કહીશ એ બધું જ હું કરવા તૈયાર જ છું એ તો તું પણ સારી રીતે જાણે જ છે. આજ સુધીમાં ક્યારેય મેં તારી આજ્ઞા ઉથાપી છે ખરી તે આજે ઉથાપવાનો છું?"
"ના બેટા! હું જાણું છું કે, તું મારી વાત માને જ છે પરંતુ આજે હું જે વાત કરવાની છું એ અલગ છે અને કદાચ તને પસંદ ન પડે એવી પણ છે."
"મમ્મી! તારે એવું બધું કાંઈ જ વિચારવાની જરૂર નથી. તારે જે કહેવું હોય એ બેજીજક કહે."
"તો સાંભળ! દીકરા! નીરવ, હું ઈચ્છું છું કે તું અને પલ્લવી બંને જણાં આ ઘરથી જુદા થઈ જાવ. અને જ્યાં પલ્લવીને કવાર્ટર મળ્યું છે ને ત્યાં રહેવા જતાં રહો. મેં આજે તમારા બંને વચ્ચેની બધી જ વાતો સાંભળી લીધી છે. અને પલ્લવીના મનમાં શું છે એ પણ હું જાણું છું અને આમ જોઈએ તો પલ્લવીની વાત સાવ ખોટી પણ નથી. મારે પણ થોડું સમજવું જોઈતું હતું. શિખરનું નામ આપતાં પહેલાં મારે કદાચ પલ્લવીને વિશ્વાસમાં લઈ લેવી જોઈતી હતી જે હું કદાચ ન કરી શકી. મને મારી ભૂલ ન સમજાઈ એ બદલ હું તમારા લોકોની માફી માગું છું પરંતુ અત્યારે તો મારે તને એટલું જ કહેવું છે કે, જેમ પલ્લવી ઈચ્છે છે એમ તું અત્યારે કર."
"મમ્મી! આ તું શું બોલી રહી છે? તને કંઈ એનું ભાન પણ છે? પલ્લવીને તો હું સમજાવી દઈશ અને એ મારી વાત જરૂર સમજશે. પણ હું તને છોડીને અને આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. તું મારી પહેલી જવાબદારી છે સમજી. તું મારા જીવનમાં પહેલેથી જ હતી. પલ્લવી તો પછી આવી છે એટલે મારી પહેલી ફરજ તો તારા પ્રત્યે જ બને છે."
"હા! એ વાત સાચી કે, હું પહેલા તારા જીવનમાં આવી હતી પરંતુ તારે એ પણ સમજવાનું છે કે, બાકીની જિંદગી તારે એની જોડે વિતાવવાની છે. એ તારી પત્ની તો છે જ પરંતુ સાથે સાથે એ તારા દીકરાની મા પણ છે. તો હવે તારા જીવનમાં પહેલું સ્થાન પત્નીનું હોવું જોઈએ. હું એમ નથી કહેતી કે, મારી સાથે તમે સાવ સંબંધ જ તોડી નાખો. ના, બિલકુલ નહીં. પણ દરેક માતાપિતાએ એ પણ સમજવું જોઈએ કે, હવે એમનું સંતાન પગભર થઈ ગયું છે. એને એની જવાબદારીઓનું પણ ભાન તો કરાવવું જ જોઈએ. તો તું એમ સમજ કે, મારી માત્ર એ જ કોશિશ છે કે, તું અને પલ્લવી બંને તમારી જવાબદારી સમજો. બસ! એથી વિશેષ કશું જ નહીં. અને હું તમને એમ પણ કહું છું કે, તમે લોકો જ્યારે ઈચ્છો ત્યારે અહીઁ મને મળવા આવી શકો છો અને હું પણ મને જ્યારે ઈચ્છા થશે ત્યારે તમારા ઘરે જરૂર રહેવા આવીશ. પરંતુ અત્યારે તું પલ્લવીની જોડે રહેવા જતો રહે."
"પણ મમ્મી!..."
"હવે પણ પણ બણ કાંઈ નહીં અને મેં જેમ કહ્યું છે એમ તું કર. તને મારા સમ છે જો તું મારી આ વાત નહીં માને તો.. આથી વધુ હવે આપણે આગળ કોઈ જ ચર્ચા કરવી નથી. આ મારો આખરી નિર્ણય છે કે, તું પલ્લવી જોડે એની સાથે એના ક્વાર્ટરમાં રહેવા જશે."
હવે મા ની આજ્ઞા ઉથાપવાની તો આમ પણ નીરવમાં હિંમત જ નહોતી અને હવે તુલસી જોડે આ બાબતે વધુ ચર્ચા કરવાનો પણ કોઈ અર્થ નહોતો.
બંને મા દીકરા વચ્ચે આટલી ચર્ચા થયાનાં બીજા દિવસે નીરવ અને પલ્લવી બંને એ ઘરથી જુદાં થઈ ગયા અને પલ્લવીને જે કવાર્ટર મળ્યું હતું એમાં શિખરને લઈને રહેવા ચાલ્યા ગયા. પલ્લવી તુલસીથી અલગ થવાના કારણે અત્યારે તો ખૂબ જ ખુશ હતી પરંતુ આવનારા ભવિષ્યમાં એને પણ વાસ્તવિકતાનું ભાન તો થવાનું જ હતું.
તુલસી હવે આટલાં મોટાં ઘરમાં એકલી પડી ગઈ હતી. પલ્લવી અને નીરવ પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. શિખર પણ હવે ધીમધીમે મોટો થવા લાગ્યો હતો.
(ક્રમશઃ)