ડાયરી - સીઝન ૨ - પુરુષોત્તમ મહિનો Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - પુરુષોત્તમ મહિનો

શીર્ષક : પુરુષોત્તમ મહિનો
©લેખક : કમલેશ જોષી
“અત્યારે પરશોતમ મહિનો ચાલી રહ્યો છે, મારે એકટાણું છે.” એક દિવસ કોલેજ કેન્ટીનમાં અમારા ટીખળી મિત્રે સમોસા ખાવાની ના પાડતા આ વાક્ય કહ્યું કે તરત જ સમજુ મિત્રે એને ટપાર્યો,
“પરશોતમ નહિ ડોફા, પુરુષોત્તમ”. અમે સૌ સમજુ અને ટીખળી સામે વારાફરતી તાકી રહ્યા.
એક ગંભીર મિત્રે કહ્યું, “મારા દાદા કહેતા કે રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે અને કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે, એ પુરુષોત્તમ વાળું જ આ પુરુષોત્તમ કે નહીં?”
સમજુ તરત બોલ્યો, “યેસ, એક્ચ્યુલી, ઘણી ટાઈપના અવતાર હોય છે. જેમકે આવેશ અવતાર, આંશિક અવતાર, પૂર્ણ અવતાર વગેરે”. એ અટક્યો પણ ટીખળીના મગજમાં વિચારોના ઘોડા દોડવા લાગ્યા.
એ બોલ્યો, "મતલબ કે હું ફૂલ ફોર્મમાં હોઉં અને એકાદ દાખલો સાચો ગણી કાઢું તો હું આવેશ સ્કોલર, તું કાયમ ગણિતમાં સોમાંથી સો લાવે એટલે તું આંશિક સ્કોલર અને પેલો ટોપર દરેક વિષયમાં નાઈન્ટી અપ લાવે એટલે એ પૂર્ણ સ્કોલર એમ?”
એનું ઉદાહરણ અમને તો ગળે ઉતરી ગયું પણ સમજુ બોલ્યો, “વિદ્યાર્થી પૂરતી કે સ્કોલર વિદ્યાર્થી પૂરતી એ વાત ઠીક છે પણ અવતાર એનાથી ઘણો વાઈડ ટોપિક છે, પણ ચાલે...” એ અટક્યો. પણ હવે ટીખળીનું દિમાગ ચાલવા લાગ્યું હતું એ થોડું રોકાય?
એ બોલ્યો, “તું પુરુષોત્તમ શબ્દની સંધિ છૂટી પાડ એટલે પુરુષ વત્તા ઉત્તમ એમ થાય, મતલબ કે ઉત્તમ પુરુષ મતલબ કે ગુડ મેન નહિ, બેટર મેન નહિ પણ બેસ્ટ મેન.” આટલું કહી એ અમારી સૌની સામે વિજેતાની જેમ જોવા લાગ્યો.
ત્યાં અમારો ગંભીર મિત્ર બોલ્યો, “આજનો જમાનો બેડ મેન કે બેડ બોયનો છે, કોલેજ કે ઓફિસમાં ડોન બની દાદાગીરી કરવાના સપના લગભગ દરેક ભારતીયને આવે છે ત્યારે બેડ મેનના એકદમ અપોઝીટ એવો બેસ્ટ મેન જેવો પુરુષોત્તમ મહિનો આપણી શેરી ગલીઓમાં જાણે ભૂલો પડી ગયો હોય એવું તમને નથી લાગતું?” આટલું કહી એક નિશ્વાસ નાખી એ બોલ્યો, “આ માણસ નામની અળવીતરી પ્રોડક્ટ જ આખી ફેલ પ્રોડક્ટ છે, એમાં ઉત્તમ જેવું કાંઈ છે નહિ.” અમે સૌ પણ ગંભીર થઈ ગયા.

કોમર્સ કોલેજમાં પ્રોડક્ટ વિષે સમજાવતી વખતે અમારા સાહેબે સ્ટાન્ડર્ડ શબ્દ ડીટેઇલમાં સમજાવ્યો હતો. તેઓ કહેતા હતા કે, "આઈ.એસ.આઈ. એટલે ઇન્ડીયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટીટયુટ એટલે કે એક એવી સંસ્થા કે જે દરેક પ્રોડક્ટને ચકાસી એના પર એ સ્ટાન્ડર્ડ છે એવો માર્કો લગાવી આપે.” આટલું કહી એ સહેજ અટકયા અને પછી પોતાનો ઘરનો બનાવેલો નિયમ કહયો હતો, “સ્ટાન્ડર્ડ એટલે ફિક્સ કે સ્પેસિફિક જગ્યાએ ચાલે એવું નહિ, બધે જ ચાલે એવું.” આટલું કહી ઊંડો શ્વાસ લઇ મંત્ર વાક્ય બોલતા “માણસ પણ જયારે કોઈ પણ સંજોગોમાં માણસાઈ ન છોડે, બેસ્ટ પરફોર્મન્સ આપે ત્યારે જ સ્ટાન્ડર્ડ માણસ કહેવાય, બાકી બધા માણસના કપડા ઓઢેલા, માણસના મહોરા પહેરેલા પશુ કહેવાય.”
અમારા એક વડીલ કહેતા, “આપણી ભીતરે રહેલી માનવતા અને પશુતા વચ્ચે હંમેશા એક યુદ્ધ ચાલતું રહે છે. આપણી તમામ અકળામણ, મુંઝવણ, ફરિયાદો, અશાંતિ, અસંતોષનું કારણ જ ભીતરે ઉછાળા મારતી પશુતા છે.” એટલું કહી એ અમને સમજાય એવું ઉદાહરણ આપતા, “તમે કોઈ કુતરાને સારું ફિલ કરાવવા માટે મસ્ત નવા કપડા પહેરાવી કારમાં બેસાડો કે મોટા બંગલાના ઝરુખે ઉભું રાખો તો એ થોડી ક્ષણો ફિલ ગુડ કરશે પણ પછી એની અકળામણ શરુ થઈ જશે. એમાંય બીજા કુતરાને જોશે એટલે તો એ જોશ જોશ થી ભસવા જ માંડશે કે બિલાડી કે ઉંદરને જોઈ કદાચ છલાંગ જ મારી દેશે. ગમે એટલી પ્રેક્ટીસ કરાવો પશુતા ક્યારેય માણસના ગાડી-બંગલા-કે-બેંક બેલેન્સથી ધરાશે નહિ. એ ઝઘડવા, ભસવા, કરડવા સતત બેચેન રહેશે. તમે પણ જો આવી બેચેની અનુભવતા હો તો ભીતરે ચાલતા યુદ્ધમાં પશુતા તમારી માનવતા પર હાવી થઈ રહી છે, માનવતાને ગભરાવી રહી છે, મૂંઝવી રહી છે, રડાવી રહી છે, વિષાદગ્રસ્ત કરી રહી છે, એટલું સમજી લેજો.” આટલું કહી એ મંત્ર વાક્ય કહેતા, “આ વિષાદ, આવી મુંઝવણ, આવી સીદંતિ મમ ગાત્રાણિ વાળી સ્થિતિની જ રાહ જોતો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કાનુડો મારી-તમારી ભીતરે ડેરા તંબુ તાણીને, અડીંગો જમાવીને બેઠો છે, બસ તમે એક વાર સાચા દિલથી શ્રી કૃષ્ણ શરણં મમ, કાનુડા પ્લીઝ હેલ્પનો શંખનાદ કરો એટલે પૂર્ણ પુરુષોત્તમ કાનુડો, તમારો જન્મો જન્મનો સાથી, સારથી, તમારું ગાડું સાચી દિશામાં, હસતી ખીલતી દુનિયામાં, હંકારી જવા ઓલ્વેઝ રેડી છે.”
મિત્રો, એવું કહેવાય છે કે નર જો અપની કરની કરે તો નર કા નારાયણ હો જાય. ભીતરે એક તરફ પશુ લાઈફ, રાતકો ખાઓ પીઓ, દિનકો આરામ કરો વાળી લાઈફ બેસ્ટ લાઈફ છે એવી દલીલો, તર્કો તમારી ઉર્જાને, ચેતનાને લલચાવી, ફોસલાવી બરબાદ કરવા કોશિશ કરી રહી છે તો બીજી તરફ સરળતા, સજ્જનતા, સચ્ચાઈ, ઓનેસ્ટી તમારી સામે હાથ જોડી ઉભી છે. એક તરફ દુર્યોધન છે એક તરફ અર્જુન છે. બાજી તમારા હાથમાં છે, અપની કરની કરી નર કા નારાયણ થવું, ભીતરી માનવતાને ટેકો આપવો, પુરુષોત્તમ બનવા ભણી એક ડગલું માંડવું કે પછી કલિયુગ છે, આપણે આપણું કરો, કાલ કોણે જોઈ છે જેવી દલીલો કરી કૃષ્ણની સામે, દુર્યોધન બની ઉભું રહી જવું?

મિત્રો, પુરુષોત્તમ મહિનાનો આજનો રવિવાર તમારી ભીતરે રહેલા તમામ ઉત્તમ સદગુણો, તમે કરેલા તમામ સત્કાર્યો, તમે જીવેલી જીવનની ઉત્તમ ક્ષણો, તમારું ભીતરી સંતત્વ, ભલાઈ, ભોળપણ અને માણસાઈને યાદ કરી, વાગોળી, સન્માનિત કરી, મોટીવેટ કરી, ભીતરી માનવ્યના પક્ષે ધનુષ ટંકાર કરતા ઉભા રહીએ તો કેવું? બેસ્ટ શિક્ષક કે બેસ્ટ મેનેજર કે બેસ્ટ નેતા કે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ ભલે મળે કે ન મળે પણ બેસ્ટ મેનનો એવોર્ડ કૃષ્ણ કાનુડો, પૂર્ણ પુરુષોત્તમ તમને ચોક્કસ આપે એવી શુભેચ્છાઓ.
બોલો પુરુષોત્તમ ભગવાન કી જય...
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)