ડાયરી - સીઝન ૨ - નારી તું નારાયણી Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - નારી તું નારાયણી

શીર્ષક : નારી તું નારાયણી
©લેખક : કમલેશ જોષી
એક દિવસ અમે કોલેજ કેન્ટીનમાં બેઠા હતા ત્યાં અમારા ટીખળી મિત્રે એનું વિચિત્ર ઓબ્જર્વેશન રજૂ કરતા ડિબેટ ઓપન કરી, એ બોલ્યો “મને એક વાતનું ઓબ્જેકશન છે.” અમે એની સામે પ્રશ્નાર્થ નજરે જોયું.
એ આગળ બોલ્યો, “એવું કહેવાય છે કે નારી તું નારાયણી, મીન્સ કે આપણી કોલેજમાં જે ગર્લ્સ ભણે છે અથવા જે લેડીઝ આપણી આસપાસ છે એ નારાયણી છે.”
ત્યાં સમજુ મિત્ર વચ્ચે જ બોલી ઉઠ્યો “એમાં ઓજ્બેકશન જેવું શું છે?”
ટીખળી : “વેઇટ વેઇટ, મને બોલી તો લેવા દે, મેં એવું પણ સાંભળ્યું છે કે નર જો અપની કરની કરે તો નર કા નારાયણ હો જાયે અને બીજી તરફ નારી તું નારાયણી, હવે મને ઓબ્જેકશન એ વાતનું છે કે નરને ડાયરેક્ટ એમ નથી કહ્યું કે નર તું નારાયણ, એને બદલે એક કંડીશન મૂકી છે કે નર જો અપની કરની કરે તો નર કા નારાયણ હો જાયે, જ્યારે નારી તો ડાયરેક્ટ, બાય બર્થ જ નારાયણી, એણે નારાયણી બનવા માટે અપની કરની જેવી કોઈ કંડીશન પાસ કરવાની નથી.." આટલું કહી એ બે ક્ષણ અટક્યો અને અમારા સૌની આંખોમાં ઉપસેલા નવાઈના ભાવને વાંચતા એ પોરસાયો અને ઉમેર્યું, “છે ને પોઈન્ટ? ગર્લ્સ કે લેડીઝ કેમ ડાયરેક્ટ ગોડેસ અને જેન્ટ્સને કેટલીક ડ્યુટીઝ, અપની કરની, કેટલીક ફરજો, કેટલીક રીસ્પોન્સીબીલીટી પૂરી કરવાની તો જ ગોડ કે નારાયણનું લેવલ એને મળે.. પૂછતાં હૈ ભારત?” એના ચહેરા પર વિજયી સ્મિત હતું. અમે સૌ કેટલીક ક્ષણો માટે વિચારમાં પડી ગયા.

એનો પ્રશ્ન ખોટો તો નહોતો. એક તરફ મેલ-ફીમેલ વચ્ચે સમાનતાની ચર્ચાઓ ચાલી રહી છે, ફીમેલને વધુ શસક્ત કરવા મોટીવેશન અને યોજનાઓ પ્લાન થઈ રહ્યા છે, સપ્તાહો ઉજવાઈ રહ્યા છે ત્યારે ‘નારી તું નારાયણી’ લોકોક્તિમાં તો નારીને બાય બર્થ જ એક સન્માનિત સ્થાન, એક સુપર ડીગ્રી, જીવનનું એક ઉચ્ચ સ્તર કશું જ કર્યા વિના એનાયત થઈ જાય એ થોડું વિચાર માંગી લે એવું ગહન તો કહેવાય. કોલેજમાં ભણતા હોઈએ એટલે નારીના જે સ્વરૂપો અમે જોયા હોય એ બહુ લિમીટેડ હોય, થોડું મીઠું-મરચું નાખીને કહું તો થોડા વિચિત્ર હોય, ત્યારે એનામાં નારાયણી જેવા જાજ્વલ્યમાન, પવિત્ર, વૈશ્વિકશક્તિનું સ્વરૂપ હોવાની કલ્પના કરવી એ થોડું વધુ પડતું તો લાગે. જો નારાયણીના લેવલે પહોંચવું હોય તો આજની નારીએ, ગર્લ્સે પણ થોડું ‘અપની કરની’ ટાઈપનું, કૈંક જપ, તપ કે કસરત, યોગા કે સમથીંગ એક્સ્ટ્રા કરવું તો પડે. અમે સૌ મિત્રો, અમારી ટૂંકી સમજ મુજબ માથું ખંજવાળવા લાગ્યા. ટીખળી પ્રશ્ન પૂછી જાય અને સમજુ એનો જવાબ ન આપી શકે એવું આજ સુધી બન્યું તો નહોતું.
સમજુએ પ્રયત્ન કર્યો, "દુનિયાની દરેક વ્યક્તિ, પછી એ મેલ હોય કે ફીમેલ, એનો જન્મ તો ફીમેલ એટલે કે નારીની કૂખેથી જ થાય છે. આજ સુધી કોઈ નરની કૂખેથી બાળકનો જન્મ થયો ખરો? નારાયણને ખુદને પણ જો જન્મ લેવો હોય તો નારીની કૂખે લેવો પડે, રામ અને કૃષ્ણને પણ જીવનનો પહેલો શ્વાસ, પહેલો પાઠ, પહેલો પરિચય લેવા માટે કૌશલ્યા અને દેવકીની કૂખની જરૂર પડી છે. એટલે બર્થ આપવાનું સામર્થ્ય, મિકેનીઝમ જેની ભીતરે હોય એ નારી દેહ, નારી માનસની બેઝીક રચના જ એવા કોમ્પોનન્ટસની બનેલી હોય કે એ બાય ડીફોલ્ટ જ નારાયણી તુલ્ય બની જાય." સમજુ અટક્યો. થોડું અઘરું તો લાગ્યું અમને એટલે ટીખળીને તો ટપ્પો જ નહિ પડ્યો હોય એવા વિશ્વાસ સાથે અમે એની સામે જોયું. એ વિચારમાં પડી ગયો હતો.
"પણ બાય બર્થ નારાયણી હોવા છતાં, ગર્લ્સ કે લેડીઝને હિમ્મત, સાહસ અને મસલપાવરની બાબતમાં કેમ ઝીરો કે ટુ કે થ્રી આઉટ ઓફ ટેન માર્કસ મળે છે, મારી મોટી બહેનનું જ એકઝામ્પલ આપું તો ગરોળી કે વંદાને જોઈ એ જે ચીસાચીસ કરી મુકે છે, માય ગોડ... યુ નો, એ ટાઈમે થાય કે થોડી નીડરતા મેળવવા કે હિમ્મતવાન બનવા નારીએ પણ કેટલીક કરની તો કરવી જરૂરી છે."
આજ ટીખળી કૈંક જુદું જ ખાઈને આવ્યો હોય એવું અમને લાગ્યું. તમે જ કહો તમે કદી તમારી બહેન, દીકરી કે વાઈફને નારાયણી સાથે કમ્પેર કરવાની કોશિશ કરી છે ખરી? રસોડામાં રસોઈ કરતી મમ્મી કે સાવરણી લઈને રૂમ વાળતી બહેન કે ધોકો લઈને કપડા ધોતી વાઈફ કે સ્કુટી-એકટીવામાં કોલેજે જતી દીકરીમાં તમે કદી નારાયણીના દર્શન કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો? ટીખળીએ એના સિસ્ટરનું ઉદાહરણ આપી અમને સૌને અમારા ફેમિલી પર એક નજર નાખવા કે એમના વિશે પુનઃ વિચાર કરવા મજબૂર કરી દીધા.
"મને લોહી જોઈને ચક્કર આવે છે, ઉલટી થઈ જાય છે." અમે સમજુ સામે જોતા હતા ત્યાં અવાજ બીજી બાજુથી આવ્યો. એ અમારો ગંભીર મિત્ર હતો. સૌ એની સામે જોવા લાગ્યા. "હમણાં જ અમારા એક રીલેટીવને ત્યાં બાળકનો જન્મ થયો, ડોક્ટર લેડી હતા. મોસ્ટ ઓફ ગાયનેક ડોક્ટર લેડી જ હોય છે. મને તો તે દિવસે, જે લેડીની ડિલેવરી થઈ એ અને જેણે ડિલેવરી કરી એ બંને લેડી માટે માન થઈ ગયું. શું એ હિમ્મતનું કામ ન કહેવાય?"
"સો ટકા કહેવાય." હવે સમજુને નવો તર્ક મળ્યો. એ બોલ્યો, "આપણને જેન્ટ્સને કોઈને ગાળાગાળી કરવી, લાફા ઝીંકી દેવા કે ધોકાવાળી કરવી એવા ડીસટ્રક્ટિવ કામમાં જ બહાદુરી કે હિમ્મત જોઈએ છીએ, પણ મારા દાદીમા કહેતા હતા કે લેડીઝ પોતાની ફેમિલીને ખુશ રાખવા, લાઈફને ફુલ્લી એન્જોય કરવા અને ફૂલ ફ્લેક્સીબલ રહેવા માટે જે માનસિક અને શારીરિક કસરત કરે છે એ કંઈ નાનું-સૂનું સાહસ નથી? દાદીમા કહેતા હતા કે તારા દાદા જો કેટલા બધા ગંભીર, ચિંતાતુર અને જડ થઈ ગયા છે, લાઈફને મારી જેમ હસતા હસતા જીવવાની હિમ્મત કે સાહસ જ જાણે એમનામાં ઝીરો થઈ ગયા છે. અમે મોસ્ટ ઓફ લેડીઝ કોઈ પણ ઉંમરે ખિલખિલાટ હસવાની હિમ્મત અને નવી જનરેશન સાથે રસપૂર્વક ભળી જવાનું સાહસ બતાવી શકીએ છીએ એ જેન્ટ્સમાં ક્યાં?" સમજુ અટક્યો. અમારી સામે હસતી ખીલતી કોલેજીયન યુવતીઓનું એક ગ્રુપ કેન્ટીનમાંથી બહાર જતું પસાર થયું. અમારી આંખોમાં ગુસ્સાથી બરાડતા પપ્પાનો ગંભીર અને વહાલથી મેગી કે પાઉંભાજી બનાવી અમને મનાવતી મમ્મીનો સ્માઈલી ચહેરો ઉપસી આવ્યો. ઘરે પ્રસંગમાં સૌની સાથે ફટાણા કે અન્તાક્ષરીમાં ભજનો ગાતા નાચી ઉઠતા દાદીમા અને માથે ટોપી પહેરી જૂની પુરાણી વાતોની ગંભીર ચર્ચાઓ કરતા દાદાજી અમારી આંખો સામે તરવરવા લાગ્યા.
"યાર, વાત તો સાચી છે." અચાનક ટીખળીનો અવાજ સાંભળી અમે એની સામે જોયું. "લાઈફની ગેમમાં જાણે ગર્લ્સ, લેડીઝ પોતાની તમામ શક્તિઓ સાથે કૂદી પડી હોય અને જેન્ટ્સ લિમીટેડ, માપમાં રમતો હોય એવું હવે મને પણ લાગવા માંડ્યું છે. લેડીઝોએ જાણે લાઈફની બોચી પકડી લીધી હોય એમ ખુશખુશાલ રહેતા અને જીવતા શીખી ગઈ છે અને જેન્ટ્સની બોચી જાણે લાઈફે પકડી લીધી હોય એવા આપણે ટેન્શનમાં જીવતા થઈ ગયા છીએ. જીવનને જન્મ આપવાની જેનામાં આવડત હોય એ બાય ડીફોલ્ટ નારાયણી જ કહેવાય ને?" એણે સમજુ મિત્રને રીતસર સેલ્યુટ કરી. અમે સૌએ તાળીઓ વગાડી અમારી ડિબેટને વિરામ આપ્યો.

મિત્રો, આજનો રવિવાર ઘરમાં સાક્ષાત હરતી ફરતી નારાયણીને સાચે સાચી સેલ્યુટ કરી સન્માનિત કરીએ તો કેવું? પેલું કહ્યું છે ને 'યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા.' એ મુજબ ઘરમાં બિરાજમાન નારાયણીની વાતો, વિચારો અને ઈચ્છાઓને આજનો રવિવાર માનપૂર્વક સાંભળીએ, સમજીએ અને પૂરી કરીએ તો કદાચ મારી-તમારી એટલે કે ‘અપની કરની’થી ભીતરે ગંભીરતા ધારણ કરી રહેલા દેવતા, નારાયણ પણ 'રમન્તે'ના મૂડમાં આવી જાય એવું તમને નથી લાગતું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)