Sukun books and stories free download online pdf in Gujarati

સુકુન

"સુકુન".... આ શબ્દ સાંભળતાની સાથે જ મારા મનમાં એક દ્રશ્ય સર્જાય જાય છે કે જાણે આંખો બંધ કરીને એક ઊંડો શ્વાસ લઈ ગુલાબની પાંખડી સમા હોઠો ની લંબાઈ થોડી વધારી ને મન ને શાંતિની અનુભૂતિ કરાવી પરમાત્મા નો અનુભવ હુ કરી રહી હોય.

આ સૂકુન એક એવો મજબૂત શબ્દ છે ને...કે.. જેના અર્થ અને એની સાથે સંકળાયેલ લાગણીઓ અઢળક સ્પંદનો ને હૃદય માં ઉત્તેજિત કરતી રહે છે. પછી ભલે ને એ સુકુન કોઈ નાના બાળક ને ભરપૂર પ્રયાસો બાદ મળતી ચોકલેટ ને જોઇને હોય,..કે ઘણા દિવસો પછી છોકરીઓ એ પાણીપુરી ખાધી હોઈ...વૃદ્ધ પિતા ને એના વ્યાજને(એના સંતાનોના સંતાન) સાચવવા અને રમાડવાથી હોઈ, કે પછી સાસરે ગયેલી દીકરીને ઘણા દિવસે પાછી આવી પપ્પાને એની મનપસંદ વાનગી ખવડાવવામાં,.. ચકોરી પેલા ચકોરને પેલી પૂનમની રાતે મળવાની હોય,. કે ઓલા મૃગના અથાગ પ્રયત્નો બાદ એને કસ્તુરી પ્રાપ્ત થયાની હોઈ...આ બધા જ કિસ્સાઓ માં જે અનુભવ અને લાગણીઓ ઉભરાય છે એનું નામ જ...."સુકુન".

પણ વાત અહી પૂરી નહિ થતી,.. મેં આ સુકુન ને મારી નજરની સામે જોયું અને માણ્યું પણ છે,...હા, તમને નવાઈ લાગી રહી હશે નઈ!!કે વળી આ શું બોલે છે... સુકુન જોઈ થોડી શકાય?? પણ હા, મેં જોયું છે આજે.

ચાલો તમારા મનની શાંતિ અને અસમંજસ દૂર કરી દવ. તો આ કિસ્સો થોડાક દિવસ પહેલાનો જ છે :

હું જે હોસ્ટેલમાં રહુ છુ ત્યાં અમને બહાર સિટીમાં જવા માટે પણ જમીન આસમાન એક કરવા પડે છે,....પણ અમે તો થોડા એક્સપરીન્સ માણસો છીએ બરોબર ને !!!..અગ્યાર વર્ષથી હોસ્ટેલમાં રહીએ છીએ...તો અમને તો હવે જમીન આસમાન એક કરતાં બહું વાર ના લાગે હો..!!...પણ હા, વાત આપણી આ નથી..આપણે વાત કરીએ સુકુનની ...તો સાચું કહું જ્યારે ઘણા દિવસોથી પ્લાનિંગ કરીને જ્યારે ફાઇનલી સિટીમાં જઈએ ને ...... હાય...!!શું કહું તમને...!!! એ પણ એક સુકુન અને જન્નતથી કંઈ ઓછું નથી .. આ ફિલિંગ્સ તો માત્ર હોસ્ટેલ વાળી છોકરીઓ જ સમજી શકે..!! ઓ.... સોરી સોરી....વાત આપણી આ પણ નથી ... હું તો મેં મારી નજર સામે જોયેલાં સુકુનની વાત કરી રહી હતી :

તો એમાં થયું એવું કે હું અને મારી ફ્રેન્ડ રવિવારની રજાઓમાં બહાર બજાર માં ગયા હતા. થોડીવાર આમ તેમ ફર્યાં અને થોડીઘણી વસ્તુઓ લીધી અને ત્યારબાદ બંનેને કકડીને ભૂખ લાગી હતી..એટલે અમે કંઇક સારી એવી જગ્યાએ જમવાનું ગોતી રહ્યા હતા ...અને આ વખતે અમે કોઈ રેસ્ટોરેન્ટના બદલે કંઇક બીજું પાસે ક્યાંક નવું ટ્રાય કરવાનું વિચાર્યું. ઘણું વિચાર્યા પછી એક મોટા ફૂટપાથ પર એક "ટોમ અંકલ" નામની લારી હતી એની આગળ રાખેલા ઘણાં-બધાં ખુરશી ટેબલ પર સભ્ય ઘરના લોકોને બેઠેલા જોઈ ત્યાંજ જમવાનું નક્કી કર્યું. ત્યાં એક નવી વેરાયટી તરીકેના ફ્રાઇડ અને સ્ટીમ મોમોસ અમે પેટ ભરીને ખાધા.

પછી બાજુમાં આવેલી એક કોલડ્રિન્કની દુકાનેથી આઈસક્રીમ લેવા રોકાયા. ત્યાં પાછળથી મારા કુર્તાનો છેડો ખેંચાતો હોઈ એવો મને આભાસ થયો એટલે મેં પાછળ ફરીને જોયું તો એક નાની છોકરી કે જેણે આટલી ઠંડીમાં પણ મેલું-ઘેલું અને ફાટેલું ફ્રોક પહેર્યું હતું એ મારો કુર્તો ખેંચી રહી હતી. મેં જેવું એની સામે જોયું એણે કુર્તો ખેંચવાનું બંધ કરી ત્યાં દુકાને ફ્રીઝમાં પડેલી આઈસક્રીમ સામુ ઈશારો કરી એકદમ મૌન રહીને આંખોથી મને "કંઇક અપાવો" એવું કહેવાનો પ્રયત્ન કર્યો. એને જોઈને મેં દુકાનવાળાં ભાઈને કહ્યું કે એને જે જોઈએ તે આપી દો. દુકાન વાળા ભાઈ મારી સામે જોઈ રહ્યાં અને કારણ પૂછતાં એમણે કહ્યું, ''એ જે માંગે છે એ સિત્તેર રૂપિયાનું છે આપું ?'' ત્યાં જ બાજુમાં ઉભેલા એક અંકલનો અવાજ સંભળાયો કે " બેન,...આવા તો રોજ આવ્યા રાખે ....તમે તમારું કામ પતાવી જતા રો...આમ રોજ રોજ કેટલાક ને આપતા રહેશો.!!.."મારી ફ્રેન્ડએ મારી સામે જોઈ કહ્યું, ''આટલું મોંઘુ ના આપ આપવું હોય તો કંઇક દસ વીસ રૂપિયાનું આપી દે..!!''

મારી ફ્રેન્ડ અને પેલા અંકલની વાતોના થોડાક દબાણથી મેં એને ત્યારે તો માત્ર પંદર રૂપિયાની એક લસ્સી અપાવી દીધી. ત્યારબાદ અમે ત્યાથી ચાલતા થયાં. પણ શું ખબર ત્યાથી જેવા ચાલતા થયા મનમાં અશાંતિના તરંગો દોડવા લાગ્યા....કંઇક ખોટું કર્યું હોઈ એવા આભાસો થવા લાગ્યાં. પાંચ મિનિટ પછી જાણે અંદરની ઉર્મિઓએ મને અચાનક જગાડી દીધી હોઈ એમ હું મારી ફ્રેન્ડને કહેવા લાગી, " ઓય,...ચાલને મારે ફરી પેલી દુકાને જવું છે."...જોકે અમે એ દુકાનેથી હજુ થોડાક જ દૂર આવ્યા હતા એટલે મારી ફ્રેન્ડએ પણ કંઈ પૂછ્યું નઈ અને મારી સાથે ફરી એ દુકાને આવી.

પણ હું દુકાને જવાની જગ્યાએ ત્યાં આજુબાજુમાં ફાંફાં મારવાં લાગી. આમ મને ગાંડાની જેમ ફાંફાં મારતાં જોઈ મારી ફ્રેન્ડ એ મને પૂછ્યું "શું શોધે છે??"..હુ એની વાત નો જવાબ આપું એ પહેલાં જ મારી નજર એ ફૂટપાથના એક ખૂણામાં પડે છે, અને હું જોઉં છું કે પેલી છોકરી કે જેણે મે માત્ર પંદર રૂપિયાની લસ્સી અપાવી હતી એ એના ખોળામાં રહેલા અંદાજે પાંચ વર્ષના એના ભાઇ અને બીજી એક નાની બહેન સાથે મળીને હસતાં હસતાં ફાઇવ સ્ટાર હોટેલમાં જાણે વાઇન ની ચુસ્કી લગાવતાં હોય એમ એક જ લસ્સીના ગ્લાસ માંથી વારાફરતી એકબીજા ને લસ્સી પીવડાવી રહ્યા હતા...આ જોઈ હુ અને મારી ફ્રેન્ડ પહેલા તો શરમથી નીચું જોઈ ગયાં...પણ પછી મેં કંઈ પણ વિચાર્યા વગર જ એ દુકાને થી પેલી સિત્તેર રૂપિયાની પેલી છોકરીની મનપસંદ વસ્તુ લઈ એની પાસે ગઈ અને એને આપી...એની મનપસંદ વસ્તુ જોતાની સાથે જ એની આંખમાં મે એક ચમક જોઈ...એક અત્યંત નિર્દોષ ભાવ જોયો....અને હા, સૌથી મોટું મેં એના એ ચહેરા ને વધુ આકર્ષક બનાવતું એ અત્યંત કોમળ અને મુલાયમ મારા તરફ ફેંકાતું એનું અને એની નાની બહેનનું હાસ્ય જોયું..... " હા,... મેં વાસ્તવમાં આજે "સૂકુન" જોયું."

ફક્ત એ છોકરીના ચહેરા પર જ નહિ મને મારી જાતે પણ એક અલાયદા સુકુન ની અનુભૂતિ થઈ.

"હા,...મને આજે ખરેખર એક સુકુન ની વાસ્તવમાં મુલાકાત થઈ."

-gadhe_kiran..✍️


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED