ઘડિયાળ ની શિખામણ Kiran દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘડિયાળ ની શિખામણ

હા, સાચું જ વાચ્યું 'ઘડિયાળ ની શીખ'. વાંચતા થોડું અજીબ લાગશે કે ઘડિયાળ પાસે થી વળી આપણે શુ શીખવાનું? ઘડિયાળ તો માત્ર સમય નું સૂચન કરે છે? બાકી ઘડિયાળ આપણે શુ શીખવાડે? ઘણા લેખકો અને કવિઓએ પોતાની કલારસિકતાથી કહ્યું છે કે આપણી આસપાસ ના ઘણા પ્રકૃતિતત્વો પાસેથી ગ્રહણ કરવા અને જીવનમાં ઉતારવા જેવું છે. હા, એ વાત પણ એકદમ સચોટ અને સાચી છે. પણ બીજી બાજુ વિચારીયે તો ઘણી માનવસર્જિત ચીજવસ્તુઓ પણ આપણને ઘણું બધું શીખવાડી જાય છે. આમાંની આ ઘડિયાળ પણ એક છે.

રોજબરોજના વ્યવહારુ જીવનમાં આપણને એવા વાક્યો પ્રયોજાતા જોવા મળે છે કે 'અરે,બહુ સમય થઈ ગ્યો?', 'ઓહ, એટલા ટાઈમથી હું અહીં જ છું? ','અરે આજે ખૂબ મોડું થય ગ્યું.', 'તું ત્યારનો અહીં જ છો? '.... વગેરે.... આ બધા વાક્યો માણસ અવારનવાર ઘડિયાળમાં ઝાંખીને જ બોલતા હોય છે. આ બધા હાવભાવ આ ઘડિયાળની જ કરામત છે.

હવે વાત આવી ઘડિયાળની શીખની તો પહેલું દ્રષ્ટાંત આપણી જિંદગીનું જ લઈએ તો, આ ઘડિયાળરૂપી જીંદગીમાં વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળ નામના ત્રણ કાંટાઓ છે. એમાનો કલાકનો કાંટો વર્તમાન, મિનિટનો કાંટો ભવિષ્ય અને સેકન્ડનો કાંટો ભૂતકાળનું સૂચન કરે છે.આ એવું નિર્દેશ કરે છે કે વર્તમાનમાં કલાકો મસ્ત જીવી લ્યો, પછી થોડીક મિનિટો માટે ભવિષ્યની ચિંતા કરીને ત્યારબાદ થોડી સેકન્ડો ખરાબ ભૂતકાળને યાદ કરી ભૂલી જાવ. જો માણસ આ ત્રણ કાંટાનો નિયમ ધ્યાને રાખી એને અનુસરવા લાગે તો માણસ માત્ર જીંદગી જીવતો જ નહી પણ માણતો પણ થઈ જાય.

આ ઘડિયાળમાં જેમ ત્રણેય કાંટાઓ એક જ દિશામાં ફરે છે, એમ આ ત્રણેય કાળો પણ એક જ દિશામાં ફરે છે. જેમ કે આજનું વર્તમાન આવતી કાલનો ભૂતકાળ, આવતી કાલનું વર્તમાન આજનું ભવિષ્ય અને આજનું ભવિષ્ય એ આવતી કાલનું વર્તમાન છે. આમ ત્રણેય કાળોનું ચક્ર ફર્યા કરે છે. એટલે જ કહું છું.

"ઘડિયાળના ત્રણ કાંટાનો નિયમ સમજી જાય જે,
આ ઘડિયાળ સમું જીવન માણતો થઈ જાય તે !"

બીજો દ્રષ્ટાંત જોઈએ તો આ ઘડિયાળરૂપી દુનિયામાં મિત્રો પણ આ ત્રણ કાંટા જેવા હોય છે. જેમ ક્યારેક ત્રણેય કાંટા ભેગા તો ક્યારેક એકબીજાથી સાવ વિરુદ્ધ હોય છે. મિત્રોનું પણ કંઈક એવું જ છે, ક્યારેક એકબીજાથી વાતવાતમાં ચિડાય જાય તો ક્યારેક આપડે ચીડવવા વાળાની સામું ગુસ્સો દાખવે. જેમ આ ત્રણ કાંટા એક જ કડીથી એકબીજા સાથે જોડાયેલા રહે છે એમ મિત્રો પણ મિત્રતા ની કડી થી એની જ ઘડિયાળ સમાન જિંદગી માં જોડાયેલા રહે છે.

ત્રીજું દ્રષ્ટાંત લઈએ તો પરિવારજનોને ઘડિયાળના કાંટા સાથે સરખાવીએ તો જે સૌથી વૃદ્ધ છે એટલે કે વડીલો એ કલાક ના કાંટા સમાન છે અને વયસ્ક એટલે કે આપણા માતા-પિતા તેઓ મિનિટના કાંટા બરાબર અને તરુણ સેકન્ડના કાંટા સરખો. જેમ ઘડિયાળમાં જો કલાકનો કાંટો ના હોય તો એ ઘડિયાળ ચાલુ હોવા છતાં નકામી બની જાય છે.એવી જ રીતે જો પરિવારમાં વડીલોનો હોદ્દો જ ના હોત તો પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારોની લયબદ્ધતા જળવાય ના હોત. વડીલોએ જ પ્રાચીન સંસ્કૃતિને ચિરંજીવી બનાવી છે. એમ જ મોભીઓ વગર સંસ્કારોનું સિંચન પણ નકામું છે. હવે મિનિટના કાંટા સમાન વયસ્ક પણ પરિવારજનોમાં સંસ્કારોની સાંકળ બાંધી રાખવા માટે જવાબદાર છે.વયસ્ક કે જે એમના વડીલોનું આચરણ કરીને ચાલતા હોય છે અને તેઓ સેકન્ડના કાંટા સમાન તરુણોને પણ એમને અનુસરવા પ્રેરે છે. ઘડિયાળમાં જો માત્ર સેકન્ડ કાંટો જ રહે તો એ ઘડિયાળ ચાલુ હોવા છતાં વ્યર્થ છે,એટલે જ જો પરિવારજનોમાં વડીલો સાથે રહી સામાજિક રીતિરિવાજ અનુસરી જીવવાનો આનંદ આપણને આ દુનિયાના કોઈ પણ ખૂણેથી પાછો પાડતો નથી.

પેલું કહેવાય છેને કે, 'પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. 'એમ જ, '' હે મનુષ્ય તારી બનાવેલી આ ઘડિયાળ આજે તને જ જીવન જીવતા શીખવાડે છે."