આજે એનું વ્હોટ્સઍપ સ્ટેટસ જોયું, ફોટો જોઈને સમજતા વાર ના લાગી કે એનું ફેરવેલ હતું. એ જોબ છોડીને જઈ રહી છે ક્યાં તો બીજે જોબ મળી ગઈ હશે! એક સહજ વિચાર તો આવ્યો કે લાવ એને ફોન કરીને પૂછી લઉં પણ પછી એજ સવાલ મનમાં ઘૂઘવાતો રહ્યો કે ફોન કરીશ તો શું કહીશ? શું પૂછીશ એને! નથી મારે એની જોડે કોઈ ખાસ મિત્રતા કે નથી કોઈ સંબંધ! જોકે અમે એકબીજાને કામનાં કારણે સહજ ઓળખી છીએ એ વાત અલગ છે. નથી કોઈ ખાસ સંબંધ, નથી જૂની કોઈ મિત્રતા કે નથી રોજ મળવાનો કે સાથે ઉઠવા-બેસવાનો નાતો છતાં પણ એને વ્હોટ્સઍપ સ્ટેટસમાં મુકાયેલા એના ફેરવેલના ફોટોગ્રાફ્સ જોઈને એક અલગ જ પ્રકારનો અજંપો મન મસ્તિષ્કમાં વ્યાપી ગયો! એકવાર તો થયું કે લાવ એને કોલ કરીને એને કુછ કુછ હોટ હૈ મૂવીમાં બાળકલાકાર પરઝાન દસ્તૂર દ્વારા બોલાયેલો ડાઈલોગ કહી દઉં “તુસી જા રહે હો, તુસી ના જાઓ.” પણ પછી હાથ મારા અટકી ગયા, કોલ કરવાનું માંડી વાળ્યું. બસ એક મેસેજ કર્યો કે ‘જોબ તમે છોડી દીધી?’ સામેથી વળતો જવાબ તો આવ્યો! પણ ઘણો મોડો! મારા મેસેજ કર્યાનાં બાર કલાકે! એમણે કહ્યું ‘હા!’ મેં પૂછ્યું આમ અચાનક, કાંઈ ખબર પણ ના પડી? તો કહે ‘અચાનક ક્યાં! આતો મને સુરતમાં નવી જોબ મળી ગઈ તો છોડી દીધી.’
વર્ષ ૨૦૧૮ માં જ્યારે પહલીવાર મળ્યો હતો ત્યારે ક્યાં ખબર હતી કે સમય જતાં હું એના સ્વાર્થ વગરનાં હાસ્યનો દીવાનો બની જઈશ! એના ગાલોમાં પડતાં ખંજનોમાં ખોવાઈ જઈશ! અને એની શાંત દરિયા જેવી આંખોમાં ડૂબી જઈશ! પણ સમય વહેતો ગયો ને હું એના બંધનમાં બંધતો ગયો. મને સહેજ પણ ખબર ના પડી! મને એમ હતું કે આતો સહજ આકર્ષણ છે હું તરી જઈશ પણ હું ધીરે ધીરે ડૂબતો ગયો! હું જાણું છું કે કોઈ નામ આપી શકે એવો સંબંધ ના હતો, પણ મને એના પ્રત્યે પ્રેમ તો અઢળક હતો. અરે! હતો ક્યાં હજી છે જ! પણ સમાજનાં જે સંબંધને જોવાના અને જોખવાના જે ત્રાજવા છે ને એમાં હું બંધબેસતો ના બેઠો! એ એક પ્રોફેસર અને હું એક સામાન્ય મિડલક્લાસ પરિવારનો છોકરો કે જે પોતાના સપના, માં-બાપની આશાઓ - એમના સપનાઓ પુરકરવા દોડતો રહે છે! સાચું કહું તો એ પણ મારી આંખોમાં એના માટે જે લાગણી છે, મારા દિલમાં જે એના માટેનો પ્રેમ છે એ જાણે છે. એવું નથી કે એ અજાણ છે પણ એક સ્ટેટસ તો હોવું જોઈએ ને એ નથી મારી જોડે એટલે જ કદાચ આ સંબંધ શરૂ થતાં પહેલાં જ એને પૂર્ણવિરામ આવી ગયું! મેં પૂછ્યું પણ ખરું કે મારે એકવાર મળવું છે તમને. મળશો? જોકે જવાબ તો પહેલાથી જ ખબર હતો છતાં હિંમત કરી ને પૂછ્યું! એને સ્પષ્ટ શબ્દોમાં મળવાની નાં કહી દીધી. કદાચ એને થયું હશે કે એ મને મળશે તો કદાચ હું મારી લાગણીઓ ના છુપાવી શકું! કદાચ એને પણ મારા પ્રત્યે જે થોડીઘણી લાગણી હશે એ ના છુપાવી શકે! હવે તો ઈશ્વર જ કઈ ચમત્કાર કરે ને મને એની જોડે મળાવે!
અને બસ આજ રીતે એક શરૂ થવા પેહલા જ એક સંબંધનો અંત આવી ગયો. મે મારી લાગણીઓ અને પ્રેમને પોટલુંવાળીને મૂકી દીધો! જોકે આજે પણ મારી સવાર અને રાત પણ પ્રભુના નામ સાથે એને યાદ કરવાથી જ થાય છે એ વાત જુદી છે!
“લાગણીઓના વાવેતર ક્યારેય ખોટાં નથી હોતાં દોસ્ત!
બસ એ જમીનની જ ખામી છે કે જયાં ‘પ્રેમ’ની ઉપજ નથી ઊગતી!”
- ભાવિન મિસ્ત્રી