કહો પૂનમના ચાંદને - ભાગ 1 Rima Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કહો પૂનમના ચાંદને - ભાગ 1

પ્રસ્તાવના

પ્રેમ.... અઢી અક્ષરનો આ શબ્દ કે પછી ભાવના કે જેના વગર મનુષ્યનું જીવન જીવવું અશક્ય છે. આ વાર્તા એવા બે પ્રેમીઓ વિશેની જે પોતાના પ્રેમને પામવા, પોતાનો કર્તવ્ય નિભાવવા જન્મોના બંધન તોડી ફરી જન્મ લે છે.

આ વાર્તા પ્રેમ, પ્રતિશોધ, રહસ્ય, પુનર્જન્મ, ત્યાગ, મિત્રતાની છે. આ વાર્તા છે આજથી 150 વર્ષ પહેલાં છત્તીસગઢના જંગલોમાં અંકુરિત થયેલા સરજણના પ્રેમની આ વાર્તા છે શિવપ્રિયાના પારસમણિ બચાવવા માટેના પોતાના કર્તવ્યની, આ વાર્તા છે તેમના અધૂરા રહી ગયેલા પ્રેમની જે એકવીસમી સદીમાં અર્જુન અને રૈનાના રૂપમાં ફરી જન્મ લે છે.

વાર્તામાં છત્તીસગઢના બસ્તર જિલ્લાના આદિવાસી સમાજની જીવનશૈલી, ખાનપાન, રિવાજો ઉપર પણ પ્રકાશ પડ્યો છે. જેમાં કદાચ વાચક માટે એક અલગ અને નવી જ વાતો જાણવા મળશે.

શું અર્જુન અને રૈના પારસમણિને બચાવવામાં સફળ થશે કે નિષ્ફળ? જાણવા માટે ચાલો મારી સાથે એક નવા જ મનોરંજક સફર પર "કહો પૂનમના ચાંદને"

આ વાર્તા અને તેના પાત્રો માત્ર એક કલ્પના છે, તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. આ વાર્તાની કોપીરાઇટ માત્ર લેખક પાસે જ છે.

**********

ઉદયપુરના પ્રસિદ્ધ પીચોલા તળાવના એક ઘાટના દાદરા પર રૈના આંખો બંધ કરી કંઈક વિચારમાં બેઠી હતી. પીચોલાના ઠંડા પાણી ઉપરથી પસાર થઈ રહેલી ઠંડી હવા વાતાવરણને ખૂબ જ આહલાદક બનાવી રહ્યું હતું પણ રૈનાનું મન વધુને વધુ બેચેન બની રહ્યું હતું.

અચાનક તેની આંખો સામે એક દૃશ્ય ઉભું થયું જેમાં કોઈ ચમકદાર લાલ હીરો.... જંગલ.... કોઈ ગુફા.... અને કોઈ વ્યક્તિનો ઝાંખો ચહેરો દેખાયો. રૈનાએ ઘબરાઈને પોતાની આંખો ખોલી.

રૈના રાઠી..... એક સીધી-સાદી ગરીબ પણ ખૂબ જ સ્વાભિમાની યુવતી જે ઉદયપૂરના હ્ર્દયસમાન પ્રતાપપોળમાં ઉછરીને મોટી થયેલી, પોતાની જિંદગીમાં કંઈક કરવા માંગતી હતી અને કંઈક બનવા માંગતી હતી. પરંતુ રૈનાને માથે જવાબદારીના પોટલાં એટલા કે એના ખભા તૂટે પણ જવાબદારી ન ખૂટે.

રૈનાના માતાપિતા દસ વર્ષ પહેલાં જ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. પાછળ ઘરડી દાદી, નાનો ભાઈ સમર્થ અને રૈનાને મુક્તા ગયા. સગામાં એના બે કાકા અને કાકી પણ બધા ખાલી કહેવાના સગા...ઘરડા દાદીએ નાનપણથી એને અને એના ભાઈને ઉછેરીને મોટા કર્યા. પોતાના ઘરથી નજીક એક હોટલમાં દાલ-બાટી ચૂરમાં બનાવવાની નોકરી એના દાદીએ સ્વીકારી જેમાંથી બે છેડા માંડ ભેગા થતા. રૈના ભણવામાં હોશિયાર હતી એટલે પંદર વર્ષની વયે ભણવાની સાથે નાના છોકરાઓનું ટ્યુશન કરી ઘરમાં આવક આપવા લાગી.

પાંચ વર્ષ પહેલાં એના દાદી પણ બીમાર પડ્યા. દાદીના બીમારી પછી એમની નોકરી પણ છૂટી ગઈ. ઘર અને એના ભાઈના ઉછેરની જવાબદારી અને દાદીની બીમારીની દવાઓનો ખર્ચો બધું એકલા રૈનાના માથે આવી ચડી. રૈનાએ પોતે પણ સ્કોલરશીપ લઈ પોતાનો ઇવેન્ટ મેનેજમેન્ટનો અભ્યાસ પૂરો કર્યો.

ઉદયપુર જેવા પર્યટક સ્થળ પર અનેક ઇવેન્ટો અને ડેસ્ટિનેશન વેડીગ થતા હોય છે એટલે ઇવેન્ટ મેનેજમેન્ટમાં કોર્ષ ઉપયોગી નીવડે અને જો એમાં નામના મળી જાય તો પૈસા પણ સારા મળી રહે એમ હતા. આવું વિચારી તેણીએ ઇવેન્ટ મેનેજમેન્ટનો કોર્ષ કર્યો.

જવાબદારીએ એને જિંદગીમાં ઘણું શીખવ્યું હતું. હજુ તો રૈનાએ અભ્યાસ પૂરો કર્યો ત્યાં એની માથે એક નવી મુસીબત આવી.... એના દાદીને બ્રેઇન ટ્યુમર નીકળ્યું અને એના ઓપરેશનનો ખર્ચ ડોક્ટરે દસ લાખ રૂપિયા કહ્યો.

જ્યાં એક સાંધોને તેર તૂટે એવી સ્થિતિ હોય ત્યાં દસ લાખ જેવી મોટી રકમ ક્યાંથી લાવવી એની ચિંતા રૈનાને કોરી ખાતી હતી ત્યાં એની ખાસ સહેલી સાંવરી આવી.

"શું થયું રૈના?"

"દસ લાખ રૂપિયા સાંવરી.... દસ લાખ...." રૈનાની આંખોમાંથી અશ્રુ સરી પડ્યું.