કહો પૂનમના ચાંદને - ભાગ 6 Rima Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કહો પૂનમના ચાંદને - ભાગ 6

રૈનાએ સ્વપ્નમાં જોયું કે.....

******

ઇ.સ 1875, બસ્તર સ્ટેટની ઘાટીઓ (હાલ.. છત્તીસગઢ)

લગભગ 22 વર્ષની એક સ્ત્રી ખીણ તરફ મુખ રાખીને કંઈક ગહન વિચારમાં હતી. કદાચ કોઈની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી. તેના પહેરવેશ ઉપરથી જાણી શકાતું કે તેણી કોઈ રાજપરિવારની સભ્ય છે. કોઈએ પાછળથી આવી તેણીને બાથમાં લીધી.

તેણીએ તે સ્પર્શને ઓળખ્યો અને તેણીની આંખોના ખુણામાંથી અશ્રુનું એક બિંદુ સરી પડ્યું અને પોતાના શરીર એ વ્યક્તિ પર ટેકવી દીધું અને આંખો બંધ કરી ક્યાંય સુધી તેના આલિંગનમાં બંધાઈ રહી.

"રાણી સાહિબા....." તે વ્યક્તિએ હળવેથી કહ્યું

તેણીએ આંખો ખોલી. પાછળ તે વ્યક્તિ તરફ વળી. તે વ્યક્તિએ સાદો આદિવાસીનો પહેરવેશ પહેરેલો જે પરથી તે કોઈ આદિવાસી હોય તેવું સાફ જણાઈ આવતું અને તેના માથા પરનો પંખવાળો મુકુટ કોઈ સમુદાયનો રાજા કે મુખીયા હોય તેવું બિરદાવી રહ્યું હતું. તેણી બોલી, "સરજણ.... તને કેટલીવાર કહ્યું છે કે રાણી સાહિબા કે પછી રાણી શિવપ્રિયા હું બીજા બધા માટે છું. તારા માટે હું તારી પ્રિયા છું.... માત્ર અને માત્ર તારી પ્રિયા...."

સરજણએ પ્રિયાના ગાલ પર અડતા કહ્યું, "સારું.... મારી પ્રિયા.... બોલ... આજે આટલી વહેલી આવી ગઈ? કોઈ અગત્યની વાત છે?"

"હા..... મેં તને એ જાણ કરવા બોલાવ્યો છે કે તારી જીત થઈ છે. તારી જાતિના લોકોએ અંગ્રેજ સરકાર સામે જે આંદોલન કર્યું હતું તે સફળ રહ્યું અને અંગ્રેજી સરકાર તમારી વાત માની આ જંગલમાં આયરન માઇન્સનું કામ બંધ કરવા જઈ રહી છે." પ્રિયાએ આ વાત કરતા સરજણ તેને ખુશીથી ભેટી પડ્યો.

"તું... તું સાચું કહી રહી છે? મને તો વિશ્વાસ જ નથી આવતો. તે લોકો માન્યા કેવી રીતે?" સરજણે ખુશ થતા કહ્યું

"તમારા જંગલ બચાવવાના આંદોલને એટલું ઉગ્રરૂપ લીધું હતું કે અંગ્રેજ સરકારે મુરિયા જાતિના લોકો સામે નમવું જ પડ્યું. પણ...." પ્રિયાએ નજર ફેરવતા કહ્યું

"પણ.... પણ શું?" સરજણની આંખોમાં પ્રશ્ન થયો.

"પણ.... એમની એક શરત છે." પ્રિયાએ ચિંતાનાં સ્વરમાં કહ્યું

"કેવી શરત?" સરજણએ શંકા અને ગુસ્સાના મિશ્રિત સ્વરમાં પૂછ્યું

"તેઓ તમારા મુરિયા જાતિના આદિવાસીઓની જંગલ નહિ કાપવાની વાત માનવા તૈયાર થઈ ગયા છે પરંતુ તેઓની શરત છે કે તારે......" એટલું કહી પ્રિયા અટકી ગઈ

"મારે શું પ્રિયા???? વાત પૂરી કર." સરજણએ પૂછ્યું

"તારે..... આત્મસમર્પણ કરવું પડશે." પ્રિયાની આંખોમાં દુઃખ ઉભરાઈ આવ્યું

સરજણએ સ્મિત સાથે કહ્યું, "બસ.... આટલી વાત. મારા લોકો માટે હું આત્મસમર્પણ તો શું મારો જીવ પણ આપી દેવા તૈયાર છું." સરજણનું એટલું બોલતા જ પ્રિયાએ એના મોઢા પર હાથ મુક્યો અને એને ભેટી પડી તે રડતા રડતા બોલી, "એવું ન બોલીશ સરજણ..... હું તારા વગર કેમ જીવીશ. જો તું આત્મસમર્પણ કરી દઈશ તો.... તો આપણું શું થશે??? આપણા પ્રેમનું શું થશે????"

સરજણએ તેને પોતાનાથી અળગી કરી.... તેના આંસુ લુછયા અને તેના માથે એક ચૂમી ભરી અને કહ્યું, "પ્રિયા..... આપણા પ્રેમ કરતા પણ વધારે અગત્યનું અત્યારે આ જંગલ અને ઇન્દ્રવતી નદીને બચાવવી વધારે જરૂરી છે અને વાત રહી આપણા પ્રેમની તો એ આપણા શરીરનો નહિ પરંતુ આપણી આત્માનો છે જે ક્યારેય મરી નહિ શકે."

પ્રિયાએ પોતાના આંસુ લૂછયા અને પોતાના પર્સમાં પડેલું એક કાગળ કાઢ્યો અને સરજણને બતાવતા કહ્યું, "આ એ એગ્રીમેન્ટ છે જેમાં લખ્યું છે કે જો તું આત્મસમર્પણ કરે તો અંગ્રેજ સરકાર બસ્તરના જંગલોમાં જે ફેકટરીનું કામ શરૂ કર્યું છે તે બંધ કરી દેશે અને અહીંથી પોતાનું શાસન પણ પાછું ખેંચી મુરિયા જાતિને એમનો ઇલાકો સોંપી દેશે. આમાં મુરિયા જાતિના મુખીયા એટલે કે તારી, બસ્તર સ્ટેટના રાણી એટલે મારી અને વાઇસરોયની સહી કરવાની છે. મેં સહી કરી દીધી છે.... તું આ એગ્રીમેન્ટ વાંચી...."

પ્રિયા પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં જ સરજણે તેના હાથમાંથી કાગળ અને પેન લઈ સહી કરી દીધી. "સરજણ.... એક વાર વાંચી તો જો.... આમ..." પ્રિયા આટલું બોલી ત્યાં સરજણે કહ્યું, "પ્રિયા.... મને તારા પર પૂરો વિશ્વાસ છે. મારા આત્મસમર્પણ પછી તું મુરિયા જાતિ અને આ જંગલોને બચાવી લઈશ. હું..... હું તને હમેશા ચાહતો રહીશ." સરજણની આંખોમાં અશ્રુ ભરાઈ આવ્યું. તે ખીણ તરફ મુખ રાખી બોલ્યો.

"હું પણ.... કદાચ આ જન્મમાં નહિ પરંતુ આવતા જન્મમાં.... આપણે અવશ્ય મળીશું." શિવપ્રિયા એટલું બોલી અને સરજણને પચાલથી એક ધક્કો વાગ્યો. તે કાઈ સમજે તે પહેલાં જ તે ખીણ પરથી નીચે પડી ગયો.... તેની છેલ્લી ચીંખોથી પહાડો ગુંજી ઉઠ્યા....

******

રૈના એકદમ ઉઠી ગઈ. તેણે જોયું તો તે હોટલના એક સ્યુટના સોફા પર બેઠી હતી. તેના મોઢા પર પરસેવો બાઝી ગયો હતો.

"આ કેવું સ્વપ્ન હતું??? જે સ્વપ્નથી વધારે લાગતું હતું. એમ જે પ્રિયા હતી એ તો બિલકુલ મારા જેવી જ લાગતી હતી. અને પેલો સરજણ? તે કોઈ જાણીતો જ લાગતો હતો..... તે કોણ હતો?" રૈના સ્વગત બબડી ત્યાં એને કોઈના આવવાનો અવાજ સંભળાયો.

રૂમનો દરવાજો ખુલ્યો અને અર્જુન શેખાવત અંદર પ્રવેશ્યો. રૈબનના સનગ્લાસ, રાડોની વોચ અને રેડ કલરનો શર્ટ પહેરેલો જેમાં સીધી વ્હાઇટ લાઇન હતી અને બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું. રૈના તેને જોઈ વિચારી રહી કે અર્જુન શેખાવતને એમ જ સ્ટાઇલ આઇકોન નથી કહેવામાં આવતો.

અર્જુન તેની સામે આવી ઉભો રહ્યો. અચાનક રૈનાના મોઢાના ભાવ ફરી ગયા. અર્જુનના મુખમાં તેણીને બીજા કોઈના ચહેરાની પ્રતિકૃતિ દેખાઈ. તે ધબરાઈ ગઈ અને બોલી, "સ... સરજણ???"

ક્રમશઃ

( શું રૈનાનું સ્વપ્ન માત્ર એક સ્વપ્ન છે કે પછી ભૂતકાળમાં દબાયેલું એક ખોફનાક સત્ય??? જાણવા માટે વાંચતા રહો... કહો પૂનમના ચાંદને...

જો આપને મારી વાર્તા ગમી હોય તો મને ફોલો કરી રેટિંગ્સ જરૂરથી આપજો.)