સપ્ત-કોણ...? - 4 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

સપ્ત-કોણ...? - 4

ભાગ - ૪

આવનારા સમયથી અજાણ સૌ આંખોમાં સપનાઓ આંજીને સુઈ ગયા. કલ્યાણીદેવીએ જો એકવાર પણ પાછું વળીને જોયું હોત તો એ સ્તબ્ધ થઈ ગયા હોત. મોહન આરામ કરવાને બદલે એમનો પીછો કરતી અહીં સુધી આવીને દૂર ઉભેલી બ્લેક સકોર્પિયોમાં બેસી રહ્યો હતો...

કલ્યાણીદેવી રૂમમાં આવ્યા ત્યારે પાર્થિવ અને કૃતિ બંને બાળકો હજી આઈપેડમાં ગેમ રમવામાં મશગુલ હતા.

"હવે આ રમકડું બાજુએ મુકો બાળકો.. તમે રમો છો કે આ રમકડું તમને રમાડે છે કોને ખબર... આ આજકાલના છોકરાઓ... અહીંયા આવો બેય.. મારી પાસે.." કલ્યાણીદેવીએ વ્હાલથી બેયને પાસે બોલાવ્યાં.

બેય બાળકોના માથામાં હાથ ફેરવતા ફેરવતા કલ્યાણીદેવી આંખો બંધ કરી ઊંડા વિચારોમાં ડૂબી ગયા. એમના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી.

"આ છોકરી પણ એના બાપ જેવી જ જિદ્દી છે. કોણ જાણે ક્યારે સમજશે. ઊર્મિ માટે એના મનમાં જે પૂર્વગ્રહ બંધાઈ ગયો છે એ કોઈપણ ભોગે કાઢવો જ રહ્યો. બહુ લાડ લડાવ્યા છેે ને અહીં બધાએ અને સાસરિયે પણ કોઈ ટોકવાવાળું નથી. આટલી મોટી થઈ પણ હજી એની નાદાનિયત ગઈ નથી." કલ્યાણીદેવીની આંખોના ખૂણા અર્પિતાના વિચારે ભીંજાઈ રહ્યા હતા પણ મનને સ્વસ્થ કરી ઉભા થઈ દર્શને જવા માટે તૈયાર થવા લાગ્યા.

"ડેડ, બહુ જ સરસ પ્લેસ છે આ માનગઢ. cool, calm એન્ડ romantic. .. હવે અમે માતાજીના દર્શન કરવા જઈએ છીએ. આઈ એમ સો એક્સાઈટેડ... ડેડ, આપણે રાતે વાત કરીએ.. મોમને પણ કહેજો આઈ એમ એબસોલ્યુટલી ફાઇન.. બાય ડેડ... લવ યુ. .." ઈશ્વાએ એના પપ્પા ઉર્વીશ ઉપાધ્યાય જોડે વાત કરી અને વ્યોમનો હાથ પકડી રૂમ લોક કરી બેય નીચે જવા લોબીમાંથી પસાર થયા.

સાડાત્રણના સુમારે સૌ હોટલ સિલ્વર પેલેસના રિસેપ્શન એરિયાના વેઇટિંગ લાઉન્જમાં ભેગા થયા એટલે કલ્યાણીદેવીએ મોહનને કાર ગેટ આગળ લાવવાની સૂચના આપી. મોહને મંદિરમાં લઈ જવાની બધી સામગ્રી કલ્યાણીદેવીના હાથમાં સોંપી.

"છોટુભાઈ, બે થર્મોસ ચા અને એક થર્મોસ કોફી તૈયાર છે..?" કલ્યાણીદેવીએ રિસેપ્શન પર હાજર મેનેજર છોટુભાઈને પૂછ્યું.

"જી, બા સાહેબ, વેઇટર હમણાં લાવતો જ હશે... હશે શું... લાવ્યો જ.."

વેઇટરે આવીને ત્રણ થર્મોસ અને થોડાક ડીસ્પોઝેબલ ગ્લાસ મોહનને આપ્યા.

"ચાલો, સૌ ગોઠવાઈ જાઓ હવે, પહોંચતા મોડું કરશું એટલું પાછું વળતાંય મુશ્કેલી થશે. અંધારું થઈ જાય એ પહેલાં આપણે પાછા ફરવાનું છે.."

બધા ગાડીમાં ગોઠવાયા એટલે મોહને ગાડી મંદિરની દિશામાં જવા દીધી.

સર્પકાર વળાંકો અને લીલી વનરાજી વચ્ચે દોડતી ગાડી, કુદરતે વેરેલા અદભુત સૌંદર્યનું પાન કરતાં, વચ્ચે, ક્યાંક વૃક્ષોની ડાળે કુદાકુદ કરતા દેખાતા વાંદરાઓ, વહેતા વાયરા સાથે સંભળાતો પંખીઓનો ક્લબલાટ, ક્યાંક વહેતા ઝરણાં તો ક્યાંક વાદળીઓના ઘૂંઘટમાંથી ડોકિયું તાણતા દેખાતા ટેકરીઓના શિખરો, ક્યાંક ઝાડીઓમાંથી ગુંજતો કિટકોનો નાદ તો ક્યાંક સમીરના સુસવાટા સાથે રેલાતું સંગીત. મોબાઈલ વડે ક્લિક કરાતી સેલ્ફીઓની યાદો સમેટતા સામે પાર આવેલી ટેકરીની તળેટીએ પહોંચ્યા. મોહને એક ઘટાદાર વૃક્ષના છાયે ગાડી ઉભી રાખી.

"અહીંથી હવે ચાલીને જવાનું છે. કેટલીક પગથીઓ કેટલીક વાંકીચુકી કેડીઓ.. આશરે વીસથી પચ્ચીસ મિનિટમાં આપણે મંદિરે પહોંચી જઈશું અને હા, એકમેકનો હાથ સૌ પકડેલો રાખજો અને પગરખા પણ અહીં ઉતારીને ગાડીમાં મુકી દો સાથે સાથે અંતરના ખોટા અભરખાય ઉતારી દેજો." મર્મસુચક સૂચન સાથે કલ્યાણીદેવીએ પોતાના સેન્ડલ ઉતારી ગાડીની સીટ નીચે મુક્યા. એમને જોઈ સૌએ પોતપોતાના શૂઝ, સેન્ડલ ગાડીમાં મુકી એકબીજાનો હાથ પકડી માતાજીના આશીર્વાદ લેવા મંદિરના રસ્તે આગળ વધ્યા.

"મોહન, આ સામાન લઈને તું આગળ જા અમે આવીએ છીએ અને આ લ્યો, એક એક લાકડી સાથે રાખો, રસ્તામાં ક્યાંક વાંદરાઓ પજવે તો હાંકવા કામ લાગશે." કલ્યાણીદેવીએ ગાડીની પાછલી સીટ નીચેથી લાકડીઓ કાઢી કૌશલ, દિલીપ અને વ્યોમ અને મોહનને આપી.

"જી, બા સાહેબ," મોહને સામાન સાથે બધાની આગેવાની લીધી.

"છોકરાઓ, જરાય મસ્તી કરતા નહીં.. અહીંયા એક ડગલું જો ચુક્યા તો નામોનિશાન નહીં રહે. બંને તરફ ઊંડી ખીણો અને સાંકડો રસ્તો." બંને બાળકોએ કલ્યાણીદેવીની આંગળી ઝાલી લીધી.

તડકો હવે નમવા આવ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી. પથરાળ પગદંડીએ પગલાં ભરતા વાનરોથી બચતાં સૌ આશરે ત્રીસ મિનિટે મંદિરના પટાંગણમાં પહોંચ્યા.

નાનું પણ સ્વચ્છ આંગણું, સમાંતર અંતરે વાવેલા નાના છોડવાઓ એની પર લહેરાતા રંગબેરંગી ફૂલો, ચોમેર પ્રસરેલી નીરવ પાવન શાંતિ. મંદિરની બંને તરફ ચાર-છ કાચા મકાનોની બહાર રમતાં કેટલાંક અડધા ઉઘાડા બાળકો. ક્યાંક ઓટલે બેઠેલા વયસ્કો દેખાઈ રહ્યા હતાં. કલ્યાણીદેવીને જોતાં જ બાળકો રમવાનું ભૂલી જઈને મંદિરના આંગણે દોડી આવ્યાં.

"તમે રમો બાળકો, અમે હમણાં જ માતાજીના દર્શન કરી આવીએ પછી તમને પ્રસાદ મળશે.." મંદિરની બાજુમાં નાનકડી ચોકડીમાં મુકેલી ડોલમાંથી પાણી લઈ બધાએ હાથ-પગ ધોયા પછી કલ્યાણીદેવીએ વ્યોમ અને ઈશ્વાને આગળ કર્યા અને ઈશ્વાના હાથમાં માતાજીના શ્રીંગારની થાળી આપી અને પોતે પ્રસાદનો થાળ લઈ એમની પાછળ સૌની સાથે ચાલવા લાગ્યા.

ધીમે ધીમે નમી રહેલા સૂર્યના કિરણોથી ઝળહળતું મંદિરનું તાંબાવરણું શિખર સૂર્યાસ્તનો સમય નજીક આવી રહ્યાની ઘડી દર્શાવી રહ્યું હતું. લાલ સેન્ડસ્ટોનથી બનેલું મંદિર ભારતના બીજા મંદિરો કરતાં થોડું જુદું હતું. મોટેભાગે દરેક મંદિરના શિખરો ગોળાકાર ગુંબજ જેવા હોય છે જયારે આ મંદિરનું શિખર પીરામીડ આકારે હતું જેની ચારે બાજુઓ ચાર દિશા દર્શાવતી હતી. પવન સાથે ફરફરતી ભગવી ધજા અને એમાં રહેલું સોનેરી સ્વસ્તિક રાજપરીવાર રાઠોડનો લોગો હતો જે એમની હવેલીના પ્રવેશદ્વાર પર, દરેક ગાડીઓ પર, ઓફિસના મુખ્યદ્વારે અને દરેક્ જરૂરી જગ્યાએ એમની ઓળખ દર્શાવતું હતું.

સૌ મંદિરમાં જઈ માતાજીને ચૂંદડી, શ્રીંગાર, પ્રસાદ વગેરે ધરાવી, ત્યાં સેવા આપી રહેલા પૂજારીજીને દક્ષિણા આપી, માતાજીના આશિષ લઈ બહાર નીકળી મંદિરના પ્રાંગણમાં બનાવેલા ઓટલે બેઠાં.

"કૌશલ, તું અને દિલીપ અહીંના બાળકોમાં આ પ્રસાદ અને આ કેટલીક ખાણીપીણીની વસ્તુઓ વહેંચી દો. વ્યોમ, તું અને ઈશ્વા ત્યાં ઓટલે બેઠેલા વડીલોના આશીર્વાદ લઈ આવો."

કલ્યાણીદેવીનો પડ્યો બોલ ઝીલતા સૌ એમને સોંપાયેલું કાર્ય પૂરું કરવા ઉભા થયા.

વ્યોમ અને ઈશ્વા હજી કેટલાંક ડગલાં આગળ વધ્યા ત્યાં જ એક ચીથરેહાલ, મેલાઘેલા વસ્ત્રો પહેરેલો, કેટલાય દિવસની વધેલી દાઢી ધરાવતો એક ત્રીસ બત્રીસ વર્ષનો યુવાન દોડતો આવી ઈશ્વાની સાડીનો પાલવ ખેંચવા લાગ્યો.

"બીજુ આઈ જઈ, બીજુ આઈ જઈ..." એમ બબડતો એ ઈશ્વાની સામે આવી ઉભો રહ્યો.

આઘાત અને આશ્ચર્યથી ઈશ્વા એ યુવાનને જોઈ રહી. વ્યોમે એને ધક્કો મારી દૂર કરવાની કોશિશ કરી પણ એ ત્યાંથી તસુભાર પણ ન હલ્યો.

"આઈ બીજુ નહીં, હાલ્ય, ઘરે હાલ્ય," એ યુવાનની પાછળ દોડતી આવેલી એની માં જેવી લાગતી સ્ત્રી એનો હાથ પકડી ખેંચી રહી.

"માફ કરીજો બોન, આ મારો લાલો જેટલી વાર કોઈ બાઈને જુવે સે એની ડાગળી ચસકી જાય સે, એની બાયડી એને મેલીને ભાગી જઈ સે ત્યોનો ઈ આમ જ કરે સે. મગજ પર અસર થઈ સે.. માફ કરીજો..." બે હાથ જોડી, દયામણું મોઢું કરી એ સ્ત્રી ઈશ્વાની સામે ઘૂંટણિયા ટેકી બેસી ગઈ.

ઈશ્વાએ ચહેરા પર સ્વસ્થતા અને સ્મિત સાથે એ સ્ત્રીને બંને હાથે ઉભી કરી અને એ સ્ત્રી પેલા યુવાનનો હાથ પકડી એને ઘસડતી ઘસડતી પોતાની સાથે લઈ ગઈ.

વ્યોમે હળવેથી ઈશ્વાની પીઠ પંપાળી અને હાથ પકડી વડીલોના આશીર્વાદ લેવા પગ ઉપાડ્યા.

વ્યોમ અને ઈશ્વા જે તરફ કદમ ઉપાડી રહ્યા હતાં એની વિરુદ્વ દિશામાં ઉગેલી ઝાડીઓ પાછળથી બે આંખો એમને તગતગીને જોઈ રહી હતી....

ક્રમશ: