કસક -૪૨
અમેરિકા માં આરોહી અને આરતી બહેન બંને સુવાના સમયે બેસી ને વાતો કરી રહ્યા હતા.
“તારા મોટા પપ્પા તારી માટે કોઈ સારો છોકરો ગોતી રહ્યા છે.કોઈ ભારતીય અહિયાજ રહેતો હોય તેવો.”
“મને લગ્ન કરવાની ઈચ્છા નથી.”
“તું એવું શું કરવા કહે છે આરોહી?”
“હું તમને એક વાત પૂછું મમ્મી?”
“હા,પૂછ.”
“લોકો વિદેશમાં આવી ને સ્વદેશની વસ્તુઓ કેમ શોધે છે?”
“કારણકે કે તે અહિયાં રહીને પણ પોતાના દેશને ભૂલી નથી શકતા.”
“તો પછી તે પાછા ભારત કેમ નથી જતાં રહેતાં.”
“કારણકે તે વિદેશના મોહ ને છોડી નથી શકતા,તે ઉપરાંત ઘણા કારણો હોય છે.કોઈ પણ દેશ માંથી નવા દેશમાં જવું અને ત્યાં સ્થાયી થવું સહેલી વાત થોડી છે.તારા મોટા પપ્પાએ કેટલી મહેનત કરી હતી.હવે કોઈ પણ હોય તેને આટલી મહેનત કર્યા બાદ તે જગ્યા છોડી ને જવું થોડી ગમે.”
“શું તમને ભારત જવાની ઈચ્છા થાય છે?”
“હા,એક વાર હું તારા લગ્ન કરાવી દઉં પછી હું ભારત રહેવા જતી રહીશ.મને ઘણીવાર ત્યાંની બહુ યાદ આવે છે.અહિયાં કદાચ બધુ જ છે પણ તોય મને મારા જીવનમાં કઇંક ખૂટતું હોય તેમ લાગે છે. કદાચ તેવું અહિયાં રહેતાં દરેક ભારતીય ને લાગતું હશે.”
આરોહી તેની આગળ કઈં ના બોલી. આરોહી હવે મનમાં વિચારી રહી હતી કે મને પણ તેવું લાગી રહ્યું છે મમ્મી જેવુ આપને લાગી રહ્યું છે.હવે અહિયાના રસ્તાઓની ચોખ્ખાઈ કેમ મનને નથી ગમતી?,કેમ હવે આ પુસ્તકો સામે દલીલો કરતાં હોય તેમ લાગે છે?કેમ હવે આ ઘરના નાના બગીચામાં તેને એકલતા કોરી ખાતી હોય તેવી લાગણી થાય છે?,આવી ઘણી લાગણીઓ ને દબાવીને તે જીવી રહી હોય તેવું લાગે છે.કદાચ હવે મને પણ ભારત બહુ યાદ આવે છે અને યાદ આવે છે તે મિત્ર જે હમેશાં મારી સાથે હતો પણ સંજોગ થી વિખૂટો પડી ગયો.
કવને તે પ્લોટ પર કામ શરૂ કરી દીધું ખાલી પ્રોબ્લેમ હતી તો વાર્તા ના અંત ની પણ કવનને તેની ચિંતા નહોતી તેને ખબર હતી કે તે વાર્તાનો અંતયોગ્ય રીતે લખી દેશે.
કવનને તે બધી વાત યાદ હતી.તે કયાં મળ્યા હતા,પ્રથમ વાર તેને કયા જોઈ હતી.તે બધુ તેને તેવી રીતે યાદ હતું જેવી રીતે કોઈ એન્જિનયરિંગ નો વિધાર્થી ત્રિકોણમિતિનું ટેબલ યાદ રાખે છે. કવને આરોહીને પ્રથમ વખત આઠમાં ધોરણના સ્કુલ ફંક્શનમાં જોઈ હતી.તે મુલાકાત ખુબ નાની હતી. ક્ષણિક કહી શકાય.તે તેની મિત્ર સાથે સ્કુલમાં આવી હતી.શું કરવા આવી હતી તેનું કારણતો કવન આજ સુધી નથી જાણી શક્યો.ત્યારે કવનના શર્ટ ઉપર કોઈ એ પાણી ઢોળયુ હતું.તેનો આખો શર્ટ ભીનો થઈ ગયો હતો. તે ક્લાસની બહાર ઊભો હતો જો કે તે સજા નહોતી,પણ કવન કલાસ માં જતાં શરમ અનુભવતો હતો.ત્યારે આરોહી અને તેની સાથે તેના ક્લાસની છોકરીઓ તેના ક્લાસમાં ગઈ.તે સર્વે કવન પર હસી રહી હતી.જેમાં આરોહી પણ સામેલ હતી.તે બાદ ઘણીવાર કવને આરોહીને તે વિશે પૂછવા વિચાર્યું કે “તે મને સૌથી પહેલા ક્યારે જોયો હતો?” પણ તેવું બન્યું નહિ,કવન તે વિશે પૂછતાં શરમ અનુભવતો હતો.
હવે કવન રોજ સાંજે તે બાગમાં બેસવા જતો અને ત્યાં એક ડાયરીમાં બધુ જ અનુભવેલું યાદ કરીને લખતો.હવે તે વૃક્ષો ફરીથી કવનને સુંદર લાગતાં હતા. તે બાળકો સાથે ઘણી વાર રમતો જેમ તે પહેલા રમતો હતો.બાળકોને ઘણીવાર બેસાડી ને વાર્તા કહેતો.હવે તે જગ્યા એ બેડમિન્ટન રમતું કોઈ નવું જોડું આવી ગયું હતું.ક્વન તે બંને માં આરોહી અને તે પોતે છે તેવું અનુભવતો.સાંજે સૂરજ આથમતો જોતો તેના વિશે રોજ કઇંક નવું લખતો.
વાર્તા ને વધુ રસપ્રદ બનાવવા માટે કવને તે આરોહીની લાયબ્રેરીમાં જવાનું વિચાર્યું પણ તેમ બની શકે તેમ નહોતું કારણકે તે ઘરની ચાવી આરતી બહેન કાવ્યાના પિતા ને સોંપી ગયા હતા.તેણે કાવ્યા ને વાત કરી અને કાવ્યા તેને ચાવી આપવા તૈયાર થઈ ગઈ.કાવ્યા એ તેની બીજી ચાવી બનાવી કવનને પાસે રાખવા કહ્યું.
ક્રમશ
વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર....
આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો.
વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો
મો નંબર ૭૬૭૭૩૫૨૫૦