સપ્ત-કોણ...? - 1 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સપ્ત-કોણ...? - 1

ભાગ -૧

સપ્તપદીના સાતે વચનોથી કટીબદ્ધ થઈ વ્યોમ અને ઈશ્વા અગ્નિદેવની સાક્ષીએ સાત ફેરા ફરી લગ્નગ્રંથિથી જોડાયા હતા. લાલ રંગના જામનગરી જરી બંધેજ અને બનારસી ગોલ્ડન બોર્ડરથી સજેલા ચણિયાચોળીમાં ઈશ્વા આસમાનથી ઉતરી આવેલી અપ્સરા જેવી સુંદર દેખાતી હતી. ગોરો વાન, સપ્રમાણ કદકાઠી, ગોળ ચહેરો, અણિયાળી આંખો, તીખું નાક, ખભાથી નીચે ઝુલતા વાંકડિયા કાળા વાળ, સૌમ્ય અને સાદગીનો શણગાર અને લજ્જભર્યું સ્મિત એને ઓર સુંદર બનાવતું હતું.. તો સામા પક્ષે વ્યોમ પણ કોઈ રાજકુમારથી જરાય ઉતરતો નહોતો.. ગૌર વર્ણ, છ ફૂટ જેટલી હાઈટ, જીમમાં કસરત કરીને કસાયેલું શરીર, સુદ્દ્ઢ બાંધો, લહેરાતી ઝુલ્ફો, બેફિકર ચહેરો, પાણીદાર આંખો, ઓલીવ ગ્રીન અને ઓફ વ્હાઇટ જોધપુરી સૂટમાં સોહામણો લાગતો વ્યોમ હાજર રહેલી દરેક વ્યક્તિઓ વચ્ચે પણ ઉડીને આંખે વળગે એવું વ્યક્તિત્વ ધરાવતો હતો.

વ્યોમ અને ઈશ્વા જાણે એકબીજા માટે જ સર્જાયેલા હોય એવું પરફેક્ટ યુગલ.. જાણે સારસ બેલડી.. જાણે મેઈડ ફોર ઈચ અધર... પરિવારજનો અને મિત્રો-સખીઓની હાજરીમા, ગીત-સંગીત, લગ્નગીતો-ફટાણાઓ, નાચ-ગાન અને મજાક-મસ્તી, ચોમેર આનંદ અને ઉત્સાહની છોળો વચ્ચે રંગે-ચંગે અને નિર્વિઘ્ને વ્યોમ અને ઈશ્વાનો લગ્નસમારંભ પાર પડ્યો હતો..


જામનગરના નિષ્ણાત હાર્ટ સર્જન ડૉ. ઉર્વીશ ઉપાધ્યાયની લાડલી દીકરી ઇશ્વા અને જામનગરના જ ઇતિહાસ બની ચુકેલા પણ પોતાની અકબંધ આન, બાન અને શાન થકી હજી પણ પોતાને એ રજવાડાની રાણી ઠરાવતા અને આધુનિકતાના ઓજસથી ઓપતા કલ્યાણીદેવી બળવંતરાય રાઠોડના રાજકુમાર સમ રાજદુલારા વ્યોમ આજે લગ્નગ્રંથિથી જોડાયા હતા. કલ્યાણીદેવીની સાડાસાત એકરમાં ફેલાયેલી ભવ્ય અને જાજવલ્યમાન હવેલી પણ નવોઢાની શોભી રહી હતી. સાજન-માજન અને ભોજનની ત્રિવેણીનો તરવરાટ ચોમેર દેખાઈ રહ્યો હતો.

વ્યોમ અને ઇશ્વા, નાનપણથી સાથે અંગુઠા ચૂસવાથી લઈને ચાની ચૂસકી લેતા મોટા થયા હતા. બાલ્યાવસ્થાથી યુવાવસ્થા સુધીની સફરના સાથી હમસફર બની ગયા હતા. કલ્યાણીદેવીની હવેલીમાં રોનક છવાઈ ગઈ હતી. બધા કાર્યક્રમો રંગેચંગે પતી ગયા હતા. ધીમે-ધીમે મહેમાનો વિદાય લઈ રહ્યા હતા. ખુશીઓના ઝાંઝર ઝણકાવતી ઇશ્વાના કુમકુમ પગલાં હવેલીમાં પડ્યા હતા.

@@@@

ઇશ્વા એટલે ડૉ.ઉર્વીશ ઉપાધ્યાયના બે સંતાનોમાં મોટી દીકરી અને એનાથી ત્રણ વર્ષ નાનો તેજસ કોલેજના છેલ્લા વર્ષમાં હતો. ડૉ. ઉર્વીશ શહેરના વિખ્યાત હાર્ટ સર્જન હતા. એમના હાથમાં જશરેખા હતી. ડોકટર ખુદ પણ દયાળુ અને દિલેર હતા. એમની પત્ની નિલાક્ષી પણ સરળ હૃદયની હતી. ટૂંકમાં ડૉ. ઉર્વીશ એટલે રૂપિયાની ટંકશાળ અને સુખી સંસાર.

વ્યોમ એ કલ્યાણીદેવી બળવંતરાય રાઠોડનો ત્રીજા નંબરનો સુપુત્ર. કલ્યાણીદેવી બળવંતરાય રાઠોડ, રજવાડાના એકમાત્ર વારસ, પતિ બળવંતરાય રાઠોડના નિધન પછી કુશળતાથી એસ્ટેટ અને ઘર સંભાળનાર, ત્રણે સંતાનોને વટ, વચન અને વ્યવહારના પાઠ ભણાવી મોટા કરનાર, સાદગી, સૌંદર્ય અને બુદ્ધિનો સંગમ ધરાવતી અનુપમ સ્ત્રી. મોટો દીકરો કૌશલ, એની પત્ની ઊર્મિ અને પૌત્ર પાર્થિવ. બીજા નંબરે દીકરી અર્પિતા, દિલીપ સોમપુરા નામના બિઝનેસમેનને પરણીને ભોપાલ સેટલ થઈ હતી અને એની દીકરી હતી કૃતિ. વ્યોમ છ મહિના પહેલા જ ઓસ્ટ્રેલિયાથી ઉચ્ચ અભ્યાસ કરીને પાછો ફર્યો હતો. બે વર્ષ પહેલાં જ ઇશ્વા અને વ્યોમની સગાઈ થઈ હતી અને સગાઈ બાદ તુરંત જ વ્યોમ વધુ અભ્યાસર્થે ઓસ્ટ્રેલિયા જતો રહ્યો અને ઇશ્વાએ અહીંયા જ રહીને વ્યોમની રાહ જોવાની સાથે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું હતું.

*** *** ***

ધીરે ધીરે રાત ઢળી રહી હતી.. નજીકના સંબંધીઓ સિવાય આમંત્રણને માન આપીને આવેલા મહેમાનો વિદાય લઈ રહ્યા હતા. રાતના ગાઢ અંધકારમાં રોશનીથી ઝગારા મારતી હવેલી હવે સુની થઈ રહી હતી. બધા થાકીને પોતપોતાને ફાળવેલા કમરામાં આરામ કરવા જઈ રહ્યા હતા. ઊર્મિ અને અર્પિતા પણ ઈશ્વાને એમના સજાવેલ ઓરડામાં બેસાડીને પાછી ફરીને પોતાના બેડરૂમમાં જતી રહી હતી. ઈશ્વા અપલક નયને વ્યોમની રાહ જોઈ બેડ પર બેઠી હતી. ઓરડાની દરેક દીવાલો મોગરા અને ગુલાબના ફૂલોથી શોભી રહી હતી. બેડની બરોબર સામે એક આદમકદનો અરીસો હતો જેમાં ઈશ્વાનું પ્રતિબિંબ પડઘાતું હતું. વ્યોમની રાહ જોતી ઈશ્વા મુગ્ધભાવે પોતાની પ્રતિછાયા એ આયનામાં નિહાળી રહી હતી. લગભગ છ ફૂટની લંબાઈ અને ત્રણેક ફૂટની પહોળાઈ ધરાવતો એક મોટા દરવાજા જેવો એ અરીસો પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો ઉત્તમ નમૂનો હતો. સદીઓ પુરાણો એ અરીસો કાળા સિસમના લાકડાની ફ્રેમ અને અદભુત વેલબુટ્ટાના નકશીકામ અને ફૂલોમાં જડેલા કિંમતી પથ્થરો વડે દેદીપ્યમાન લાગી રહ્યો હતો. અજબ ખેંચાણ હતું એ અરીસામાં.... એમાં પોતાનું પ્રતિબિંબ જોતાં જોતાં અને વ્યોમની રાહ જોતાં જોતાં ક્યારે ઈશ્વાની આંખ લાગી ગઈ એની એને જાણ ન રહી...

રાતના આશરે બે - સવા બેની આસપાસ નસકોરાના બેસુરા સૂરથી જયારે ઈશ્વાની આંખ ખુલી ત્યારે એણે જોયું તો વ્યોમ ઘેરી નિંદ્રામાં નસકોરાની ઘરઘરાટી બોલાવી રહ્યો હતો. આ સમયે પણ ઈશ્વા પોતાનું હસવું ન રોકી શકી અને ચત્તા સુતેલા વ્યોમને અપલક નજરે નિહાળી રહી... ઘસઘસાટ નીંદરમાં હોવા છતાંય એના ચહેરા પર ચંચલ નિર્દોષતા છવાઈ હતી. હોઠો પર હળવું સ્મિત એના ચહેરા પરના આખા દિવસના થાકને ઢાંકી દેતું હતું. પહેરેલે કપડે જ એણે બેડ પર લંબાવ્યું હતું. જોધપુરી કોટના ઉપલા બેય બટન ખુલ્લા હતા અને એમાંથી એની મર્દાની છાતીના વાળ બહાર ડોકાઈ રહ્યા હતા જે જોઈને ઈશ્વાના રોમેરોમમાં રોમાંચ છલકાઈ રહ્યો હતો.. એણે હળવેથી વ્યોમની છાતી પર હાથ ફેરવ્યો અને એની છાતીએ પોતાનું માથું ઢાળી દીધું...

ઈશ્વાના આછેરા સ્પર્શના સળવળાટે વ્યોમની આંખો ખુલી ગઈ અને ઈશ્વાને પોતાની છાતીએ માથું ઢાળેલી જોઈ એણે ઈશ્વાને પોતાના પડખામાં ખેંચી લઈ મજબૂત બાહુઓના આલિંગનમાં સમાવી લીધી..સમય સાથે ધીરે ધીરે એક પછી એક આવરણો સરતા ગયા અને પૂરબહારમાં ખીલેલા ચંદ્રમાની સાક્ષીએ બન્ને એકમેકમાં સમાઈ ગયા.. ન તો વ્યોમના મોડા આવવાને લીધે ઈશ્વાને એના પ્રત્યે કોઈ રોષ હતો કે એના આવ્યા પહેલા જ ઈશ્વા એની રાહ જોયા વગર જ સુઈ ગઈ એનો વ્યોમને કોઈ ક્રોધ પણ નહોતો... નાનપણથી જ એકબીજાને ઓળખતા થયા ત્યારથી અત્યાર સુધી ક્યારેક ન કહેવાયેલી વાતો એકબીજાની આંખોમાં વાંચતા અને સમજતા થઈ ગયા હતા...

@@@@

સાત અશ્વોનો રથ ખેંચતી સૂર્યનારાયણની સવારી આવી રહી હતી. ઝાકળબિંદુઓથી સ્નાન કરીને તાજી ખીલેલી ગુલાબની કળી જેવી કોમળ ત્વચા અને લાલીમા ધરાવતી ઈશ્વા નહાઈને બાલ્કનીમાં બેસીને ભીના વાળને સુકવી રહી હતી. વ્યોમ હજી ઊંઘરેટી આંખે બેડ પર બ્લેન્કેટ ઓઢીને પડ્યો પડ્યો ઈશ્વાને જોઈ રહ્યો હતો. આછા ગુલાબી રંગની શિફોન સાડી સાથે ચાઈનીઝ કોલરનું લાંબી બાંયનું સિલ્વર સીકવન્સ જડેલું ગ્રે કલરનું ઝગમગતું બ્લાઉઝ પહેરેલી ઈશ્વાની માદકતા વ્યોમના અંગેઅંગમાં નશો બનીને વહી રહી હતી...

ઠક...ઠક..ઠક... બેડરૂમના દરવાજે ટકોરા પડતાં જ વ્યોમ ઝડપભેર ઉભો થઈ વોર્ડરોબમાંથી શોર્ટ અને ટી શર્ટ કાઢી, પહેરીને વેરવિખેર વાળને હાથથી સરખા કરી દરવાજો ખોલ્યો તો બેડ ટી લઈને આવેલા રઘુકાકા સાથે અર્પિતા ઉભી હતી.

"ભાઈ..... હજી આંખોમાં ઉજાગરાનુ ઘેન ડોકાય છે. આઠ વાગવા આવ્યા એટલે મમ્મીએ જ મને બેડ ટી લઈને મોકલી છે.. ચા પીને વહેલાસર તૈયાર થઈ બેય જણા નીચે આવી જાઓ આપણે બધાએ દસ વાગે કુળદેવીના દર્શન અને આશીર્વાદ માટે માનગઢ જવા નીકળવાનું છે.. ચાની જ ચુસ્કી લેજે ચાહની નહીં..." વ્યોમના ગાલે હળવી ટપલી મારી અર્પિતા પાછી વળી અને રઘુકાકાને ટ્રે અંદર મુકવા કહ્યું.

"મા ન.....ગઢ..." વ્યોમ આનંદથી ઉછળી પડ્યો... "વાઆઆ.....વ.... ધ બેસ્ટ પ્લેસ્ વિચ આઈ મિસ્ડ સો...ઓ....ઓ...... મચ..."

અને આ તરફ માનગઢનું નામ સાંભળતા જ રઘુકાકાના કપાળે પરસેવાના રેલા ઉતરી આવ્યા, આંખોમાં ભય અને ધ્રૂજતા હાથ સાથે જાતને સ્વસ્થ કરતા એ જેમતેમ બેડરૂમમાં જઈ ટિપોય પર ટ્રે મુકી પાછું વળી જોયા વિના જ દાદર ઉતરી ગયા અને હવેલીની બહાર નીકળી લોનમાં ગોઠવેલી બેન્ચ પર ફસડાઈ પડ્યા... એમના મોંમાંથી ત્રુટક ત્રુટક ઉદ્દગારો સરી રહ્યા હતા.... " એ આવી રહ્યો છે... પાછો આવી રહ્યો છે.... "


ક્રમશ:.....

આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ કે સ્થળ સાથે કોઈ સંબંધ નથી.