૩૧. રામનામ
ઇશ્વરનું સર્વોત્તમ લક્ષણ અને નામ સત્ય છે એવું ઘણા વખત પહેલાંથી મને બુદ્ધિ તેમ જ હ્ય્દયથી સમજાયું હતું છતાં હું સત્યને રામના નામથી ઓળખું છું. મારી કસોટીના કપરામાં કપરા કાળમાં એ એક નામે મને ઉગાર્યો છે અને તે હજીયે મને ઉગાયે મને ઉગારે છે. એનું કારણ મારો બચપણ સંસ્કાર હોય, તુલસીદાસે મારા મન પર જમાવેલું આકર્ષણ હોય. પણ એ સમર્થ હકીકત છે એટલું સાચું. અને આ શબ્દો લખું છું ત્યારે પૂર્વજો તરફથી મળેલા અમારા ઘરની પડોશમાં આવેલા રામજીમંદિરમાં હું રોજ જતો તેનાં દૃશ્યોનાં બચપણનાં સ્મરણો જાગે છે. ત્યારે મારો રામ ત્યાં વસતો હતો. તેણે મને ઘણા ભયમાંથી ને પાપમાંથી ઉગાર્યો હતો. મારે સારુ ઓ કોઇ વહેમ નહોતો. રામની મૂર્તિનો પૂજારી ખરાબ હોય એમ બને. હું જોકે તેની વિરુદ્ધની કોઇ વાત જાણતો નથી. મંદિરમાં ખોટાં કામો પણ થતાં હશે. તેમની બાબતમાં પણ મને કશી ખબર નથી. તેથી તે બધી વાતોની મને અસર થતી નથી. મારી બાબતમાં જે વાત સાચી હતી અને છે તે જ કરોડો હિંદુઓની બાબતમાં પણ સાચી છે.
હરિજન, ૧૮-૩-’૩૩
જ્યારે જ્યારે કોઇ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિંદુઓને સારુ છે એટલે મુસલમાનો તેમાં કેમ જોડાઇ શકે, ત્યારે મને મનમાં હસવું આવે છે. તો મુસલમાનોનો એક ખુદા છે અને હિંદુ, ખ્રિસ્તી કે પારસીનો બીજો છે ? ના, સર્વસમર્થ અને સર્વવ્યાપી ઇશ્વર એક જ છે. તેનાં નામો અનેક છે. આપણને જે સૌથી વધારે જાણીતું હોય તે નામથી આપણે તેને ઓળખીએ છીએ.
મારો રામ, કે જે રામની આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તે રામ, અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઇ ગયેલો રાજા રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે, તે કદી જન્મ લેતો નથી, અને તેના જેવો બીજો કોઇ નથી. હું એક તેને જ ભજું છું, એક તેની જ સહાય માગું છું. તમે પણ તેમ જ કરો. તે સૌનો છે. તેના પર સૌનો સરખો હક છે. તેથી, તેનું નામ લેવામાં મુસલમાને કે કોઇએ શા સારુ વાંધો ઉઠાવવો જોઇએ તે મારી સમજમાં આવતું નથી. પરંતુ બેશક, મુસલમાને કે બીજા કોઇએ માત્ર રામનામથી જ ઇશ્વરને ઓળખવો એવી જબરદસ્તી ન હોય. જેને જે રુચે તે નાંમ લે, અલ્લાનું નામ લે કે ખુદાનું નામ લે પણ ધૂનના સંગીતને કોઇ ન બગાડે.
હરિજનબંધુ, ૫-૫-’૪૬
બચપણથી મેં તો રામનામથી જ ઇશ્વરને ભજ્યો. પણ હું જાણું છું કે ૐથી માંડીને ગમે તે સંસ્કૃત, પ્રાકૃત કે બીજી આ દેશની કે બીજા દેશની ભાષામાં જપીએ તોયે પરિણામ એક જ આવે છે. ઇશ્વરને નામની દરકાર ન હોય. એ અને એનો કાયદો એક જ છે. એટલે એનું પાલન એ એનો જપ. તેથી કેવળ તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં જે તેના કાયદામય થાય છે તેને જપની આવશ્યકતા નથી. અથવા જેને જપ ઉચ્ચારણ શ્વાસોચ્છ્વાસ જેવું સ્વાભાવિક થઇ ગયું છે તે ઇશ્વરમય થયો છે એટલે ઇશ્વરની નીતિને તે સહેજે ઓળખે છે ને સહેજે પાળે છે. જે એમ વર્તે છે તેને બીજું ઔષધ શાને જોઇએ ?
આમ છતાં જે ઔષધોમાં રાજા છે તેને જ આપણે ઓછામાં ઓછો જાણીએ છીએ. જે જાણે છે તે તેને ભજતા નથી, જે ભજે છે તે માત્ર જિહવાથી ભજે છે, હ્ય્દયથી નહીં. તેથી તે પોપટના સ્વભાવને અનુસરે છે, પોતાના સ્વભાવન નહીં. તેથી તે બધા સર્વરોગનિવારણરૂપે ઇશ્વરને ઓળખતા નથી.
હરિજનબંધુ, ૨૪-૩-’૪૬
અકે વાક્યમાં કહીએ તો એમ કહેવાય કે રામભક્ત અને સ્થિતપ્રજ્ઞમાં ભેદ ન હોય. વિવેચનમાં પડતાં જોઇએ કે રામભક્ત પંચમહાભૂતોનો સેવક હશે. તે કુદરતને અનુસરશે, તેથી તેને કોઇ જાતનો વ્યાધિ નહીં હોય અને હશે તો તેને પાંચ મહાભૂતોથી નિવારશે. ગમે તે ઉપાયથી ભૌતિક દુઃખનું નિવારણ કરવું તે દેહીનું લક્ષણ નથી, દેહથી ભિન્ન દેહધારી આત્મા જેવું કંઇ તત્ત્વ નથી તે તો દેહને નિભાવવા પૃથ્વીની પ્રદક્ષિણા કરી છૂટશે, લંકા જશે. એથી ઊલટું જે દેહધારી એમ માનતો હશે કે આત્મા એ દેહમાં હોતો છતો દેહથી ભિન્ન છે, નિત્ય છે, અનિત્ય દેહમાં વસે છે, યથાયોગ્ય દેહની રક્ષા કરતો છતો દેહ જાય તો મૂંઝાતો નથી, દુઃખ માનતો નથી ને સહેજે તેનો ત્યાગ કરે છે, તે દેહધારી દાક્તર - વૈદોમાં ભટકતો નથી, પોતે જ પોતાનો દાક્તર બને છે; સર્વ કર્મોે કરતો તે આત્માનો જ વિચાર કરે છે, એ મૂર્છામાંથી ઊઠેલાની જેમ વર્તન રાખે છે.
આમ કરનાર પ્રત્યેક શ્વાસે રામરટણ કરે છે. ઊંઘતાં પણ તેનો રામ જાગે છે; ખાતાંપીતાં, ગમે તે ક્રિયા કરતાં તે સાક્ષી તો તેને મેલશે જ નહીં. તે સાક્ષીનું અલોપ થવું તે ખરું મૃત્યું છે.
એ રામને પોતાની પાસે રાખવા સારુકે પોતાને રામની પાસે રાખવા સારુ તે પંચમહાભૂતોની મદદ લઇ સંતોષ પામશે. એટલે તે માટી, પાણી, હવા, અજવાળું ને આકાશનો સહજ, નિર્મળ અને વિધિસર ઉપયોગ કરી જે મળે તેથી સંતોષ માને.આ ઉપયોગ રામનામનો પૂરક ન ગણવો પણ રામનામની સાધનાની નિશાની છે. રામનામને આ સહાયકોની દરકાર નથી. પણ તેને બદલે જે એક પછી એક વૈદ્ય-હકીમો પાછળ ભમે ને રામનામનો દાવો કેર એ બંધ બેસે તેમ નથી.
શરીરપુષ્ટિને સારુ શુદ્ધ લોહીની જરૂર છે, આત્માની પુષ્ટિને સારુ શુદ્ધ વીર્યશક્તિની જરૂર છે. એને દિવ્ય શક્તિ કહીએ. એ શક્તિ બધી ઇન્દ્રિયોની શિથિલતા મટાડી શકે છે. તેથી કહ્યું છે કે રામનાથ હ્ય્દયમાં અંકિત થાય એટલે નવું જીવન શરૂ થાય. આ નિયમ જુવાન, બુઢ્ઢા, સ્ત્રી, પુરુષ બધાંને લાગુ પડે છે.
હરિજનબંધુ, ૨૯-૬-’૪૭