સત્ય એ જ ઈશ્વર છે - 22 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય એ જ ઈશ્વર છે - 22

૨૨. હું હિંદુ કેમ ?

કુળની અસરમાં હું માનું છું એટલે હિંદુ કુટુંબમાં જન્મ ધરીને હું હિંદુ રહ્યો છું. મારા નીતિવિચારથી અથવા મારા આત્મવિકાસથી કંઇ પણ વિરુદ્ધ વસ્તું હિંદુ ધર્મમાં મેં જોઇ હોત તો મેં એનો ત્યાગ કર્યો હોત. પણ પરીક્ષા કરવાથીલાગ્યું છે કે મારી જાણના બધા ધર્મોમાં હિંદુ ધર્મ સૌથી વધું સહિષ્ણુ છે. હિંદુ ધર્મ એના અનુપાયીઓએ માનવો જ જોઇએ એવા સિદ્ધાંતોની જાળથી મુકત છે. આ મનેબ હું ગમે છે. કારણ તેથી હિંદુ ધર્મોને આત્મોન્નતિનો વિશાળમાં વિશાળ અવકાશ રહે છે. હિંદુ ધર્મ સાંકડો નથી તેને લીધે હિંદુઓ બીજા બધા ધર્મોને માન આપી શકે છે, એટલું જ નહીંપણ બીજા ધર્મોમાં સાર હોય તે ગ્રહણ પણ કરી શકે છે. અહિંસા ધર્મમાત્રને સામાન્ય છે. પણ હિંદુ ધર્મમાં એ સિદ્ધાંતની ખિલવણી તથા પ્રયોગ બધાથી વિશેષ છે. (જૈન ધર્મ તથા બૌદ્ધ ધર્મને હું હિંદુ ધર્મથી નોખા નથી ગણતો.) કેવળ મનુષ્યપાત્ર જ નહીં પણ જીવનમાત્ર એક છે એમ હિંદુ ધર્મ માને છે. મારા મત પ્રમાણે હિંદુ ધર્મના ગોરક્ષાના સિદ્ધાંતે દયાધર્મના વિકાસમાં અપૂર્વ ફાળો આપ્યો છે. ગોરક્ષા એટલે જીવમાત્રનો એકતા અને પવિત્રતાના સિદ્ધાંતનો વ્યાવહારિક પ્રયોગ. પુનજન્મનો મહાન સિદ્ધાંત એકમેવાદ્ધિતીયમ્‌ના સિદ્ધાંતના ફળરૂપ છે. છેવટે વર્ણાશ્રમ ધર્મ સત્યની નિરંતર શોધનું ભવ્ય પરિણામ છે.

નવજીવન, ૩૦- ૧૦-’૨૭

હું મને પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું કારણ કે,

૧. હું વેદોને, ઉપનિષદોને, પુરાણોને અને જે બધા ગ્રંથો હિંદુ ધર્મશાસ્ત્રોને નામે ઓળખાય છે તેને માનું છું અને તેથી અવતારોને અને પુનર્જન્મનો પણ માનું છું;

૨. હું વર્ણાશ્રમ ધર્મને મને લાગે છે કે એના મૂળ વૈદિક અર્થમાં માનું છું; એના આજના લૌકિક અને અણધડ અર્થમાં નહીં;

૩. હું ગોરક્ષાને તેના આજના લૌકિક અર્થ કરતાં પણ વધારે વિશાળ અર્થમાં માનું છું;

૪. મૂર્તિપૂજાને વિસે મારી અનાસ્થ નથી.

વાચક જોશે કે વેદો તેમ જ બીજાં શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં તેમને મેં અપૌરુષેય અગર ઇશ્વરપ્રણીત કહ્યાં નથી. કારણ એકલા વેદ જ અપૌરુષેય અગર ઇશ્વરપ્રણીત હોય એમ હું માની શકતો નથી. હું તો બાઇબલ, કુરાન અને ઝંદઅવસ્તાને પણ વેદના જેટલાં જ ઇશ્વરપ્રેરિત સમજું છું. આ ધર્મગ્રંથોનું મને કશું પ્રત્યક્ષ જ્ઞાન છે એવો દાવો મારો નથી. છતાં જે મુદ્દાનાં સત્યો ધર્મશાસ્ત્રો ઉપદેશે છે તે હું અંતરથી ઓળખું છું અને લાગણીથી સમજુંછું એવો અલબત્ત મારો દાવો છે. શાસ્ત્રના મારી બુદ્ધિને કે નૈતિક દૃષ્ટિને ઓળખામણા લાગે એવો કોઇ પણ અર્થથી - પછી તે ચાહે તેટલા વિદ્ધત્તાપૂર્ણ કાં ન હોય - બંધાવની હું ના પાડું છું. અત્યારના શંકરાચાર્યો અગર શાસ્ત્રીઓ પોતે હિંદુ ધર્મશાસ્ત્રોનો જે અર્થ કરી બતાવે છે તે જ એક સાચો છે એવો દાવો કરતા હોય તો હું તેનો વધારેમાં વધારે આગ્રહપૂર્વક નિષેધ કરું છું ઊલટું હું એમ માનું છું કે આ ધર્મગ્રંથોનું આપણું અત્યારનું જ્ઞાન છેક અસ્તવ્યસ્ત છે. જેણે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી અને જેણે સર્વ પ્રકારની માલકી અને ધનવૈભવનો ત્યાગ નથી કર્યો, તેવો કોઇ પણમનુષ્ય શાસ્ત્રોને ખરેખરાં સમજી ન જ શકે એ ધર્મસૂત્રમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે. હું ગુરુની પ્રથાને માનું છું પણ સાથે સાથે એ પણ જોઉં છું કે અત્યારે તો લાખો મનુષ્યોએ ગુરુ વગર જ પોતાની જીવનયાત્રા પૂરી કરવી રહી છે. કારણ સંપૂર્ણ જ્ઞાન સાથે તેટલા જ સંપૂર્ણ સદાચારનો સંગમ આ કાળમાં સાંપડવો દુર્લભ છે.

પણ આથી પોતાના ધર્મમાં રહેલું સત્ય કદી પણ જાણવાની બાબતમાં માણસે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કારણ બધા મહાન ધર્મોની પેઠે જ હિંદુ ધર્મના પણ પાયાના સિદ્ધાંતો સનાતન હોઇ સહેજે સમજાય તેવા છે. દરેક હિંદુ ઇશ્વરનેમાને છે; તે એકમેવાદ્ધિતીયમ્‌ છે એમ માને છે; પુનર્જન્મને અને મોક્ષને માને છે.... હું ઠેઠનો સુધારક છું; છતાં સુધારાની વ્યાકુળતામાં હું િંહંદુ ધર્મના કોઇ પણ આવશ્યક અંગનો ત્યાગ કરવા તૈયાર નથી. હું પાછળ કહી ગયો કે મૂર્તિપૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા નથી કરતી. છતાં હું માનું છું કે મૂર્તિપૂજા એ મનુષ્યસ્વભાવનું જ એક અંગ છે. આપણે કંઇ ને કંઇ સ્થુલ વસ્તુને માનવપૂજ્વાના તરસ્યા રહીએ છીએ. માણસ બીજી જગાના કરતાં મંદીર કે દેવાલયમાં જ કંઇકે વધારે શાંત અને સાત્ત્વિક મનોવૃત્તિવાળા બને છે એનું રહસ્ય બીજું શું છે ? મૂર્તિ એ ઉપવાસનાની સહાયક છે. કોઇ હિંદુ મૂર્તિને ઇશ્વર નથી સમજતો. હું મૂર્તિપૂજાને પાપ માનતો નથી.

આટલા ઉપરથી સમજાયું હશે કે હિંદુ ધર્મ કોઇ સાંકડો ધર્મમત કે સપ્રદાય નથી. એના ઉદરમાં સંસારની સર્વ વિભૂતિઓની પૂજાને સ્થાન છે. ધર્મપ્રચારના જે સામાન્ય અર્થ લેવાય છે તે અર્થમાં એને ધર્મપ્રચારક પંથ નહીં કહી શકાય. એણે અનેક જાતિઓને પોતાનામાં સમાવી એ સાચું, પણ બધું વિકાસક્રમને ન્યાયે અદૃશ્ય ગતિએ બન્યું છે.હિંદુ ધર્મ દરેક માણસને તેની પોતાની જ શ્રદ્ધા અગર ધર્મની ઢબે ઇશ્વરને ભજવાનો આગ્રહ કરે છે અને તેથી સર્વ ધર્મોની જોડે એની સુલેહ છે.