૧૩. પ્રાર્થના શા સારુ ?
પ્રાર્થના કરવી જ શા માટે ? ઇશ્વર જો હોય તો તેને આ બનાવની ખબર નહીં હોય ? એને પ્રાર્થના કરીએ તો જ શું એ પોતાનું કર્તવ્ય કરી શકે ?
ના, ઇશ્વરને કશાની યાદા આપવાની જરૂર નથી. એ તો દરેક જણના હ્યદયમાં વસે છે. એની રજા સિવાય કંઇ જ બનતું નથી. આપણી પ્રાર્થના એ તો આપણા હ્ય્દયનું શોધન છે. પ્રાર્થના આપણને યાદ દેવડાવે છે કે એના આધાર વિના આપણે નિરાધાર છીએ. પ્રાર્થના વિના, ઇશ્વરના આશીર્વાદ વગર મનુષ્યનો ગમે એટલો પુરુષાર્થ ફોગટ છે એવા ચોક્કસ ભાન વગર કોઇ પણ પુરુષાર્થ પૂરો થવાનો નથી. પ્રાર્થના આપણને નમ્રતા શીખવે છે. એ આત્મશુદ્ધિ કરવાનું, અંતરને શોધવાનું ઉદ્બોધન કરે છે.
હરિજનબંધુ, ૯-૬-’૩૫
મારી દષ્ટિએ ઇશ્વરને રામ કહો કે રહમાન કહો, ગૉડ કહો કે અહુરમઝ્દ કહો કે કૃષ્ણ કહો, આ બધી શક્તિઓમાં પણ એક અમોધ શક્તિ છે, એને નામ આપવાનાં મનુષ્યનાં ફાંફાં ચાલ્યા છે. મનુષ્ય અપૂર્ણ હોવા છતાં પૂર્ણ થવાનો પ્રયત્ન કરે છે, તેથી વિચારના તરંગોમાં પડે છે અને પછી જેમ બચ્ચું ફાંફાં મારે, પડેઆખડે, અને પછી ટટાર થાય, તેમ બુદ્ધિરૂપે મનુષ્ય હજુ થોડા મહિનાનું જ બચ્ચું છે, એમ કહીએ, તો બ્રહ્માના દિવસમાં માપતાં મુદ્દલ અતિશયોક્તિ નથી, પણ શુદ્ધ સત્ય છે. આ બધું મનુષ્ય તો પોતાની જ ભાષામાં જણાવી શકે. ઇશ્વર નામની શક્તિને તો ભાષા જેવું કંઇ છે જ નહીં. એને મનુષ્યોનાં સાધનની ક્યાં કંઇ જરૂર છે ? એ તો પોતાની પાસે જે સાધન છે, એ વડે જ મહાસાગરરૂપી શક્તિને વિશે વર્ણન કરી શકે. આટલું ગળે ઊતરી શકે, તો બીજું પૂછવાપણું રહેતું નથી. તો પછી એને પ્રાર્થના કરવી એ મનુષ્યની ભાષામાં ઠીક જ કહેવાય, કેમ કે, એ મહાન શક્તિને પણ આપણા ઢાળમાં નાખીને જ એની કંઇક કલ્પના કરી શકીએ. એ કલ્પના કરતાં યાદ રાખીએ કે, આપણે બિંદુ છીએ, આપણે નાનકડું જંતુ છીએ, એ પણ ઇશ્વરરૂપી મહાસાગરના. અથવા ખરેખર તો એમાં પડી અનુભવ જ લેવાય, એનું વર્ણન આપી ન શકાય. એટલે બ્લાવાટ્સ્કીની ભાષામાં એમ કહેવાય કે, મનુષ્ય પ્રાર્થના પણ પોતારૂપી મહાન શક્તિને પોતે જ કરે છે, એમ કરતાં આવડે તે જ પ્રાર્થના કરે, એમ કરતાં ન આવડે તેને પ્રાર્થના કરવાની જ ન હોય, તેથી ઇશ્વરને માઠું નથી લાગવાનું, પણ જે એ મહાન શક્તિને પ્રાર્થના નહીં કરે તે ખોશે, એમ મારે અનુભવથી કહેવું જોઇએ. પછી ભલે કોઇ ઇશ્વરને વ્યક્તિ ગણીને પૂજે કે ભજે, ને કોઇ મહાન શક્તિ ગણીને પૂજે કે ભજે. બંને પોતપોતાની દૃષ્ટિએ ઠીક જ કરે છે. નિરપેક્ષ રીતે યોગ્ય શું છે, એ તો કોઇ જાણતા જ નથી, અને કદાચ જાણશે જ નહીં. આદર્શ તો આદર્શરૂપે દૂર જ રહેવાનો, એટલું યાદ રાખવું ઘટે. બીજી બધી શક્તિઓને આપણે જડ શક્તિ ગણીએ છીએ, પણ ઇશ્વર એ જીવનશક્તિ છે, જે બધેય છે તેમ છતાં બધાની બહાર પણ છે.
હરિજનબંધુ, ૧૮-૮-’૪૬
એક બૌદ્ધ સાથે વાર્તાલાપ
બુદ્ધના એક અનુપાયી ડૉક્ટર ફાબ્રી ગાંધીજીને એબોટાબાદ મુકામે મળ્યા હતા. તેમણે પૂછ્યું : દૈવી માનસને પ્રાર્થનાથી પલટી શકાય ખરું ? અને પ્રાર્થનાથી તે કોઇને જડે ખરું ?
ગાંધીજી : પ્રાર્થના વખતે હું શું કરું છું તે પૂરી રીતે સમજાવવું મુશ્કેલ છે પણ ઇશ્વરી સંકેત બદલી શકાય કે નહીં એ તમારી શંકાનો જવાબ આપવામાં મુશ્કેલી નથી. તે એ કે જડચેતન સચરાચરમાં ઇશ્વરનો વાસો છે. પ્રાર્થના એટલે મારામાં રહેલા એ ઇશ્વરી તત્ત્વને જાગ્રત કરવાનો મારો પ્રયત્ન. મરામાં બૌદ્ધિક સમજ તો છે પણ જીવંત સ્પર્શ નથી. તેથી જયારે હું હિંદને સારુ સ્વરાજ અથવા આઝાદીની પ્રાર્થના કરું છું, અગર તો એવા સ્વરાજને સારુ જરૂરી સામર્થ્ય માગું છું, અથવા તેની પ્રાપ્તિને સારુ સૌથી મોટો ફાળો આપવાની અભિલાષા ધરું છું ત્યારે એનો અર્થ એ થયો કે એવી ઇચ્છાના જવાબરૂપે તેવું સામર્થ્ય મારામાં સીચાય છે.
ડૉ. ફાબ્રી : ત્યારે તો તેને તમે પ્રાર્થના ન કહી શકો. પ્રાર્થના એટેલ તો ભીખવું કાં હકથી માગવું.
ગાંધીજી : ભલે, પણ હું તો મારી પોતાની પાસે જ, ઉચ્ચાત્મા પાસે અથવા તો જેની જોડે હજી મારું સંપૂર્ણ તાદાત્મ્ય થયું નથી એ ખરા આત્મા પાસે જ ભીખું છું ને ? તેથી જ એ વસ્તુને જો તમે સચરાચર વ્યાપેલા ઇશ્વરી તત્ત્વમાં પોતાને ખોઇ દેવાની અવિરત ઝંખના તરીકે વર્ણવો તો તેમાં શું ખોટું ?
ડૉ. ફાબ્રી : પણ જેઓ પ્રાર્થના ન કરી શકે તેમનું શું ?
ગાંધીજી : તેવાઓને હું કહું, નમ્ર બનો, અને તમારી બુદ્ધિની કલ્પનાથી ખરા બુદ્ધને મર્યાદિત ન કરો. જો બુદ્ધમાં પ્રાર્થના કરવા જેટલી નમ્રતા ન હોત તો કરોડો માણસના જીવન ઉપર આજે હજારો વરસ થયાં તે જે સામ્રાજય ભોગવી રહેલ છે તે કદાપિ ભોગવી શક્ત નહીં. બુદ્ધિ કરતાં અનંતગણું ઉચ્ચ એવું કંઇક છે જે આપણા સૌના ઉપર અને નાસ્તિકના ઉપર પણ આધિપત્ય ભોગવે છે. તેમની નાસ્તિકતા અને તત્ત્વજ્ઞાન જીવનની કટોકટીને સમયે તેમને ખપ લાગતાં નથી. કંઇક ઉચ્ચતર, કંઇક બહારનું તેમને જોઇએ છે, જે તેમને ટકાવી રાખે. તેથી જો કોઇ એવો કોયડો મારી આગળ મૂકે તો હું તેને કહું કે પરમેશ્વર અથવા પ્રાર્થનાનો અર્થ જ્યાં સુધી તું તારી પોતાની જાતને શૂન્યત્ નહીં કરી મૂકે ત્યાં સુધી તને નહીં સમજાય. તારી મહત્તા અને મહાન બુદ્ધિવૈભવ છતાં આ વિશ્વમાં તું એક બિંદુમાત્ર છે એ સમજવા કેટલી નમ્રતા તારે કેળવ્યે જ છૂટકો. જીવનને વિશે નરી બૌદ્ધિક કલ્પના બસ નથી. આધ્યાત્મિક કલ્પના જીવનમાં કટોકટીનો પ્રસંગ આવે છે જ. પૈસાથી મળતી સાધનસામગ્રી, પ્રેમ સર્વ કંઇ હોય છે, પણ જીવનની અમુક પળે તે કશામાંથી તલમાત્ર સાંત્વન તેમને મળી શકતું નથી અને તેમના પ્રાણ તરફડે છે. આવી પળે જ માણસને ઇશ્વરની ઝાંખી થાય છે, જે ઇશ્વર આપણા જીવનને એકેએક પગલે આપણને દોરી રહે છે તેની ઝાંખી થાય છે. આનું નામ જ પ્રાર્થના.
ડૉ. ફાબ્રી : એટલે કે જેને આપણે ખરો આધ્યાત્મિક અનુભવ કહીએ છીએ કે જે બૌદ્ધિક કલ્પનાથી સરોવર છે તેની તમે વાત કરો છો. બે વાર મારા જીવનમાં મને એવો અનુભવ થયો છે. પાછળથી તે ભૂંસાઇ ગયો, પણ હવે હું બુદ્ધનાં એકબે વચનામૃતોમાંથી મહાસાંત્વન મેળવી છું.બે વચનો તે આ : ‘સ્વાર્થ દુઃખનું મૂળ છે,’ ‘ભિખ્ખુઓ ! યાદ રાખજો કે સર્વ કંઇ ક્ષણભંગુર છે.’ આ બોધામૃતનું ચિંતન લગભગ શ્રદ્ધાની જ જગા લઇ લે છે.
ગાંધીજી : એનું જ નામ પ્રાર્થના.
હરિજનબંધુ, ૧૩-૮-’૩૯