આજે આપણે ગીતા નો મહિમા જાણીશું કે શા માટે ગીતા વાચવી યોગ્ય છે . ખરેખર તો શ્રીમદ્ભગવદ્ગીતાના માહાત્મ્યનું વર્ણન કરવાનું કોઈનામાંય સામર્થ્ય નથી, કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે. આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. આની સંસ્કૃત ભાષા એટલી તો સુંદર અને સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથીય માણસ એને સરળતાથી સમજી શકે છે, પરંતુ એનો આશય એટલો ગંભીર છે કે આજીવન નિરંતર અભ્યાસ કરતા રહેવા છતાંય એનો આરો નથી આવતો. રોજેરોજ નવા-નવા ભાવો ઊપજતા રહે છે, માટે આ ગ્રંથ હંમેશાં નવીનતાથી ભર્યો-ભર્યો જ રહે છે; તેમજ એકાગ્રચિત્ત થઈને શ્રદ્ધા-ભક્તિ સાથે વિચારવાથી આના પદે પદે પરમ રહસ્ય છુપાયેલું પ્રત્યક્ષપણે જણાઈ આવે છે. ભગવાનના ગુણ, પ્રભાવ અને મર્મનું વર્ણન જેવું ગીતાશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે, એવું અન્ય ગ્રંથોમાં મળવું મુશ્કેલ છે, કારણ કે મોટા ભાગના ગ્રંથોમાં ઘણે ભાગે કંઈ ને કંઈ સાંસારિક વિષય ભળેલો રહે છે.
ગીતા ભગવાનનો શ્વાસ છે, હૃદય છે અને ભગવાનની વાડ્મયી મૂર્તિ છે. જેના હૃદયમાં, વાણીમાં, શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઊતરી ગઈ હોય, માણસ સાક્ષાત્ ગીતાની મૂર્તિ જ છે. એનાં દર્શન, સ્પર્શ, ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજાં માણસો પરમ પવિત્ર બની જાય છે; પછી એનું આજ્ઞાપાલન કે અનુકરણ કરનારાઓની તો વાત જ શી! ખરેખર ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત, સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી.
ગીતા સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી નીસરેલી વાણી છે. એનું સંકલન કરનારા શ્રીવ્યાસજી છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ઉપદેશનો ઘણોખરો અંશ તો પોમાં જ કહ્યો હતો, જેને શ્રીવ્યાસજીએ એમનો એમ ઉતારી લીધો. થોડોઘણો અંશ કે જે એમણે ગદ્યમાં કહ્યો હતો, એને વ્યાસજીએ પોતે શ્લોકબદ્ધ કરી દીધો; સાથે સાથે અર્જુન, સંજય તથા ધૃતરાષ્ટ્રનાં વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ઢાળી દીધાં અને આ સાતસો શ્લોકોના આખાય ગ્રંથને અઢાર અધ્યાયોમાં વિભાજિત કરીને ‘મહાભારત’માં મૂકી દીધો, જે આજે આપણને આ રૂપમાં મળ્યો છે.
ભગવાને ‘શ્રીમદ્દભગવદ્ગીતા'રૂપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે, જેમાં એક પણ શબ્દ સદુપદેશ વિનાનો નથી. શ્રીવેદવ્યાસજીએ મહાભારતમાં ગીતાજીનું વર્ણન કર્યા બાદ કહ્યું છે -
गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः ।
या स्वयं पद्मनाभस्य मुखपद्माद् विनिःसृता ॥
“ગીતા સુગીતા કરવા યોગ્ય છે એટલે કે શ્રીગીતાજીને સારી પેઠે વાંચીને અર્થ અને ભાવસમેત અન્તઃકરણમાં ધારણ કરવી જોઈએ, કે જે સ્વયં પદ્મનાભ ભગવાન શ્રીવિષ્ણુના મુખકમળમાંથી નીસરી છે; બીજાં બધાં શાસ્ત્રોના વિસ્તારથી શો હેતુ સરવાનો?” સ્વયં ભગવાને પણ આનું માહાત્મ્ય વર્ણવ્યું છે.
આ ગીતાશાસ્ત્ર માટે મનુષ્યમાત્ર અધિકારી છે, ભલે એ કોઈ પણ વર્ણ કે આશ્રમનો કેમ ન હોય, માત્ર હૃદયમાં ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ હોવાં જોઈએ; કારણ કે ભગવાને પોતાના ભક્તોમાં જ આનો પ્રચાર કરવાની આજ્ઞા આપી છે તથા એ પણ કહ્યું છે કે સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર કે પાપયોનિનાં માણસો પણ મારા પરાયણ થઈને પરમ ગતિને પામે છે . પોત-પોતાનાં સ્વાભાવિક કર્મો વડે મારી પૂજા કરીને માણસો પરમ સિદ્ધિને પામે છે. બધી બાબતો પર વિચાર કરવાથી એમ જ જણાય છે કે પરમાત્માની પ્રાપ્તિમાં સૌનો અધિકાર છે.
છતાં પણ આ વિષય મરમ ન સમજવાને કારણે કેટલાક લોકો એમ માને છે કે ગીતા માત્ર સન્યાસીઓ માટે જ છે . તેઓ પોતાના સંતાનોને પણ એ ડર ને કારણે શ્રીમદ્ ભગવદ્ ગીતા વાચવા દેતા નથી જો ક્યાંક ગીતા વાંચી બાળક ઘર છોડી સંન્યાસી બની જાય ; પરંતુ એટલું વિચારવું કે બાળક ગીતા વાચીને તે મોહ છોડીને પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પોતાના કર્તવ્ય નું પાલન કરશે