વિસામો.. - 7 ADRIL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિસામો.. - 7

~~~~~~~~

વિસામો.. 7

~~~~~~~~

 

આસ્થા ના અત્યાર સુધી ભરાઈ રહેલા આંસૂ હવે સીમાઓ ઓળંગીને આંખોની બહાર છલકાઈ ગયા,.. 

વિશાલનો હાથ પાછળથી જ આસ્થાના ખભા ઉપર અડ્યો,... 

"તૂ સાચેજ આવ્યો છે વિશાલ,.... " આસ્થા પાછી ફરી,...  

પરંતુ, એની બંધ આંખો હજીયે ખુલવાની હિંમત ભેગી કરી શકી નહોતી,..

 

"આસ્થા,... "  વિશાલે આસ્થાનો ચહેરો પોતાના હાથ થી પકડી થોડો ઉપર ઉઠાવ્યો,.. અને કહ્યું, 

"સાચેજ આવ્યો છું આસ્થા, સાવ સાચેજ,.. તરસી ગયો હતો તારી એક ઝલક માટે,.. જાન નું જોખમ લઈને આવ્યો છું,.. તારા સિવાય છે કોઈ મારુ ?  છેલ્લી આઠ મિનિટ તો મને તારા વિના કાઢેલા આઠ વર્ષથીયે વસમી લાગી યાર,.. હવે તો આંખો ખોલ,.." 

 

સ્થિર આસ્થા માની શકતી નહોતી, પણ વિશાલને જોવાનો મોહ દિલો-દિમાગ પર છવાઈ જતા જ એની આંખો ધીરે ધીરે ખુલવાનું સાહસ કરવા લાગી,.. 

 

વિશાલને ગાયબ ના જોઈને એને વિશ્વાસ આવી ગયો કે આ સપનું નથી,.. 

 

વિશાલ આસ્થાને વળગી રહ્યો,... 

 

એક સંતોષ આસ્થાના આખા શરીરમાં છવાઈ ગયો,..

બંનેની વર્ષો ની તરસ બુંદ-બુંદ માં છિપાતી ગઈ,.. 

વિશાલ ને પહેલી વાર અહેસાસ થતો હતો કે કોઈની બાહોમાં સમાઈ જવાનું સુખ લાખો ના ઘરેણાં લૂંટવા કરતા કેટલાયે ઘણું વધારે હતું,.. એનું જ મન એને કહેવા લાગ્યું - લાખોના ઘરેણાં લૂંટીને ખૌફમાં જીવવા કરતા આ ગરીબ ઔરતની બાહોમાં જીવવાનું સૂકુન બેહિસાબ હતું,..  

 

વિશાલના એક જ આલિંગનમાં આસ્થા પણ જાણે આખેઆખી પીઘળી ગઈ,.. 

એક છત નીચે રહેવા છતાં જેણે ગયો ત્યાં સુધી વાત પણ કરી નહોતી, એના સ્પર્શમાં આટલી બધી ભીનાશ હતી એ એને અત્યારે સમજાયું હતું,.. પ્રેમ કરું છું એ વાત જેને બોલતા પણ આવડતી ના હોય એને ભેટતાં જ આટલી બધી હૂંફ નો અહેસાસ કરાવતા એને સારી રીતે આવડતું હતું,..  જો એ મારા વિયોગ માં તડપતો ના હોત તો એને મારી ઉપર આટલો પ્રેમ ઉભરાયો જ ના હોત,.. આ તપસ્યા માત્ર પોતાની જ નહોતી, વિશાલ પણ પોતાની માટે આટલું જ તરસ્યો હતો એ એને સમજાઈ ગયું હતું,.. 

 

આસ્થાએ વિશાલનો ચહેરો પોતાના હાથમાં લીધો,..

"એક વાત પૂછું?"

 

વિશાલ એને જોઈ રહ્યો એટલે આસ્થાએ એને પૂછ્યું  - 

"તને ક્યારેય મારી યાદ નહોતી આવી ? ?" 

વિશાલે ચહેરો હલાવી ભીની આંખે "હા" કીધું અને પૂછ્યું "તને?"

"મને પણ,... " એ લિટરલી વિશાલને વળગીને રડી પડી,..

વિશાલે એને રડવા દીધી,.. 

 

ભરાઈને રાખેલા બધાજ દર્દ એના આંસુઓ સાથે વહેતા રહ્યા,.. અને એનું મન ધીરે ધીરે હળવું થતું ગયું,..  

 

ક્યારની રડી રહેલી આસ્થાને વિશાલે પૂછ્યું 

"બહુ દુઃખી હતી,.. ?"   

હકાર માં ડોકું હલાવતા આસ્થા બોલી - "તારા વિના,.."

વિશાલે એને જોરથી છાતી સાથે દબાવી,.. વિશાલની બન્ને આંખના ખૂણે થી બબ્બે ટીપા એના ગાલ ઉપર સરકી ગયા,..  

આસ્થાએ વિશાલની સામે સહેજ ઉપર જોયું,..

"એક વાત કહું?" 

વિશાલે ભ્રમરો ઉલાળતા બોલ્યા વિના જ પૂછ્યું "શું ?"

"રોતા ગુંડાઓ સારા નથી લગતા,.."

વિશાલથી હસાઈ ગયું 

 

થોડી વાર બન્ને એકબીજાને વળગીને એમજ ઉભા રહ્યા,.. એક પણ શબ્દ બોલ્યા વિના,.. તેમ છતાં બન્ને ને લાગતું હતું કે વિના બોલે કેટલી બધી વાતો બન્ને વચ્ચે થઇ રહી હતી,.. 

દુઃખ જાણે ધીરે ધીરે ઓગળી રહ્યું હતું અને આજ સુધી ના દર્દ પણ રુઝાતા હતા,.. 

 

વિશાલને આસ્થાની જ નહિ પૂનમની પણ એટલી જ ચિંતા હતી, એટલે એણે એ જ અવસ્થામાં પૂછ્યું, - 

"આસ્થા,.. પૂનમ કેમ છે ?,..."

 

"સુખી છે,.. પૃથ્વી સાથે પરણાવી એને,.. " જરાયે અળગી થયા વિના એણે કહ્યું 

 

"પણ,.. "

 

"બધું જ ગોરલબાએ કર્યું હતું,.. પૂનમને સાચેજ વસુમાની જેમ જ સાચવી છે એમણે આજ સુધી,.. "

 

"અને પૃથ્વી,.. ?"

 

આસ્થાએ એ રજવાડી પલંગ ઉપર લંબાવતા કહ્યું, - 

"એ  બિચારો 15 વર્ષમાંજ જાણે ઠાકુર બની ગયો,.. બધી જ જવાબદારી ગિરજાશંકર કરતાંયે વધારે કાબેલિયતથી નિભાવી રહ્યો છે,.. રામ જેવો છોકરો છે,.. પૂનમને સીતાની જેમ સાચવે છે,.. "

 

આસ્થાની બાજુમાં આડા પડતા એણે આસ્થાનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું 

"થેન્ક યુ,.."

બંનેની નજર આસમાન ના ચાંદ ઉપર સ્થિર હતી,.. 

 

"થેન્ક યુ કેમ ? પૂનમ માટે  ?? "  આસ્થા એ પૂછ્યું 

"હંમમમ,... " 

"મારી જગ્યાએ તમે હોત તો તમે પણ મારી માટે એ જ કર્યું હોત,.. તમારા બન્ને ભાઈ બહેન માટે તો હું કઈ પણ કરી શકું,.." 

વિશાલે આસ્થાનો હાથ પોતાના હોઠ સુધી ખેંચીને ચૂમી લીધો,.. 

 

આસ્થાએ પડખું ફેરવ્યું,.. એ વિશાલના સાઈડ ફૅસ ને એક સાઇડથી જોઈ રહી,.. 

વિશાલના ગાલ ઉપર પોતાની આંગળી થી આડી અવળી રેખાઓ બનાવતી એ પોતાના હાથ એની આંખ સુધી લઇ ગઈ,.. એની આંખના ધારે આવી ગયેલા પાણી એણે લૂછ્યા,.. 

આસ્થાની આ હરકત વિશાલને ખુબ ગમી,..   

 

એમની વચ્ચે થોડી થોડી વારે મૌન પથરાયા કરતુ હતું,..  

આસ્થાએ એની આંખના પાણી તપાસવા એના ગાલ ઉપર ફરીથી આંગળીઓની રેખાઓ દોરી,.. 

 

"હું રડતો નથી,... " - વિશાલથી શરમાઈને કહેવાય ગયું,.. 

 

"હા, હા, દરબાર નો દીકરો છું,.. શેનો રડે,.. ?" 

 

વિશાલ પણ પડખું ફરીને આસ્થાની સામે એનો ચહેરો લઇ આવ્યો,.. 

આસ્થાએ વિશાલની આંખોમાં જોતા કહ્યું,..   "પૂનમ ની યાદ આવે છે ને,.. ??"   

વિશાલે સખત પ્રયત્નો કરી આંસુને બહાર નીકળતા અટકાવ્યા અને ડોકું ધૂણાવી હા કહી 

વિશાલ ની આંખના પાણી જોઈને એ ભાવુક થતાં બોલી 

"સૂનું થઇ ગયું તારું આ ઘર વિશાલ,... તમારા ત્રણેય વિના,.. માળા તૂટી ને મોતી વેરાઈ ગયા,.. "  

આસ્થાના આ વાક્ય સાથે જ ક્યારના કન્ટ્રોલ કરેલા વિશાલના આંસૂઓ એ જાણે સૂનામી આદરી,.. એક બાળકની જેમ રડતો રડતો એ આસ્થાને વળગી પડ્યો,..  

"આપણું ઘર આસ્થા,.. મારા કરતા વધારે તારો હક છે આ ઘર ઉપર,.. તે રાખ્યું છે આ ઘરને યથાવત,.. મેં નહિ,.. આપણું ઘર આસ્થા,... " 

 

વિશાલને ભેટતા એ મનમાં બોલી,... - "વિશાલ,....."

 

"હું શું કરું આસ્થા,.. પહેલી વાર દિલ ખોલીને તારી સાથે વાત કરું છું લાગે છે જાણે તને તારાથી પણ વધારે ઓળખું છું, જરાયે નથી લાગતું કે હું,... આટલા વર્ષો તારાથી દૂર હતો,.. હર પળ તારી સાથે જ હોઉં એ અહેસાસ મને આઠ વર્ષ દરમિયાન સતત રહ્યો છે,.. હું નથી જાણતો કે એવી શું વસ્તુ હતી જેણે મને મેગ્નેટ ની જેમ તારી તરફ આકર્ષ્યો હતો, અને એ પણ નથી જાણતો કે એવો કયો તાર છે જેણે આજ સુધી મને તારી સાથે બોલ્યા વિના પણ બાંધી રાખ્યો છે ,.. " 

 

આસ્થા ભાવવિભોર થઇ રહી .. ખુશ થઇ ગઈ એ મનમાં ને મનમાં એમ વિચારીને કે - ગમે તેટલી ગુંડાગીરી કરે છે પણ લાગણી વ્યક્ત કરતા શીખી ગયો છે... 

 

"વિશુ, તને ક્યારેય ડર લાગ્યો હતો કે ગામ છોડીને ભાગેલો પકડાઈ જઈશ તો ?" 

 

"ના,.. કારણ કે ગોરલબા સત્ય જાણતા હતા, અને પૃથ્વી ની જાન પુનમમાં અટકેલી હતી,.. એલોકો મને અન્યાય નહોતા જ થવા દેવાના,.. એની મને ખબર હતી." 

 

"તો પછી મારાથી આટલી દૂરીનું કારણ શું હતું ?"

 

"એ કાંડ કર્યા પછી હું મારી જાતને તારે લાયક નહોતો સમજતો,.. અને સતત વિચારતો હતો કે શું કરું તો મારી લાયકાત તારી સામે પ્રસ્થાપિત કરી શકું?" 

 

આસ્થાને હસવું આવી ગયું,..

"હસે છે શેની?" 

"મને લાગ્યું - કે - કોઈ મળી ગઈ હશે તને,.. " 

આસ્થાએ કહેતા તો કહી નાખ્યું પણ કહ્યા પછી જાણે સવાલ પૂછ્યો હોય એમ જવાબ ની રાહ જોવા લાગી,.. 

આસ્થાની વાત સાંભળીને હવે વિશાલ ને હસવું આવી ગયું,.. પણ એ કંઈ બોલ્યો નહિ,..  

 

થોડી વાર રાહ જોયા પછી કોઈ જવાબ ના મળતા આસ્થા એ ફરીથી પૂછ્યું, - "બોલને,.. કોઈ મળી ગઈ હતી કે શું ? " એણે વિશાલના શર્ટના એક કોલરને પકડીને પોતાની નજીક ખેંચ્યો  

 

આસ્થાના ચહેરાની આટલી નજીક પોતાનો ચહેરો પહેલીવાર આવ્યો હતો,.. એના કપાળ ઉપર એક ચુંબન કરતા વિશાલે કહ્યું - 

"ગુંડા સાથે જોડાવાનું  જીગર બધા પાસે નથી હોતું,... "  આટલું બોલીને વિશાલ ધારદાર આંખે આસ્થા સામે જોઈ રહ્યો,.. 

 

પોતાના આડકતરા પણ સૉલિડ વખાણથી આસ્થાએ શરમાઈને વિશાલની છાતીમાં પોતાનું માથું નાખી દીધું,.

 

"તે કેમ મારી રાહ જોયા કરી ?" વિશાલે આસ્થાના ખુલ્લા વાળમાં પોતાના આંગળા ફેરવતા ફેરવતા સિરિયસ થઇ ને પૂછ્યું 

 

"મને ખાતરી હતી કે તું મારા હાલ જોવા ચોક્કસ આવીશ,.."

 

"ના આવ્યો હોત તો ?" 

 

"આવ્યો ને ?" 

 

"પણ ના આવ્યો હોત તો ? પરણી કેમ નહિ કોઈની સાથે ?? "   

 

"તને ગમશે હું કોઈ બીજાને પરણું તો ?"

 

"સાચું કહું,.. ? " થોડુંક થોભીને એ બોલ્યો, - " જો કોઈ બીજાને પરણીને જો તું ખૂશ થવાની હોય તો ચોક્કસ ગમશે મને,.. હું તને ચાહું છું એનો  અર્થ જ એ છે કે હું તારું સુખ ઈચ્છું છું ... તું સુખી તો હું સુખી,... બસ, આટલો જ સિમ્પલ છે મારી જિંદગી નો ફન્ડા,.. "

 

"અને તને લાગે છે કે તારા સિવાય કોઈ બીજાને પરની ને હું ખૂશ થઈશ ?" 

 

"જિંદગીમાં ક્યારેક અમુક નિર્ણયો સુખી થવા નહિ સુરક્ષિત રહેવા લેવા પડતા હોય છે,.. "

 

"અને પરણી ને સુરક્ષિત રહેવાય છે એવું કોને નક્કી કર્યું છે ? જો એમ જ હોય તો ગોરલબા વિધિસર પરણેલા જ છે સુરક્ષિત છે ? સુખી છે ?"  

 

એક મિનિટ માટે વિશાલ ના આખા મગજ માં આસ્થા ને બદલે ગોરલબા છવાઈ ગયા,.. પરંતુ એને પોતાનું બધું જ ધ્યાન ક્ષણભરમાં જ આસ્થા ઉપર કેન્દ્રિત કર્યું,.. 

 

"તું એકલી જીવે છે આસ્થા,.. એ પણ આવા ગામમાં,.. તને કેમનું સમજાવું - પણ, ...  પણ બહુ ચિંતા રહે છે તારી મને,.." 

 

 

"વિશાલ, હું જાણું છું કે  મારુ અને તારું એક થવું કેટલું શક્ય છે એ આપણે બે માંથી એકેય કહી શકીએ એમ નથી,.. કદાચ શક્ય જ નથી,.. ચાંદ અને સુરજ નું સાથે દેખાવું શક્ય છે ? નહીંને ?  પણ મને ફિકર નથી,... કેમ કે તું અડધી રાત્રે જ્યારે લોકો ના ઘર લૂંટતો હોય છે ત્યારે હું તારા માટે અડધી રાત્રે રાંધતી હોઉં છું,.. માત્ર એ વિચારીને કે હું ક્યાંક તો તારા ટાઈમ-ટેબલ માં ફિટ બેસીસ,.. પ્રેમ કર્યો છે તને વિશાલ, આખી જિંદગી લગ્ન વગર પણ હું તારી થઇ ને રહી શકું એમ છું,. કદાચ તું કોઈ બીજાનો થઇ જાય તો પણ તારી રાહ હું આખરી શ્વાસ સુધી જોઈ શકું એમ છું, એ ખાતરી હોય કે તું નહિ આવે, ક્યારેય નહિ આવે તોયે,.. તારા આવવાની એ એક ખોટી ઉમ્મીદ ના સહારે પણ મારા જીવનના અંત સુધી પહોંચવું મારે માટે ખુબ સરળ બની જાય છે... "

 

"મારી જાન ના ઠેકાણા નથી, તું જાણે છે,.. છેલ્લા આઠ વર્ષમાં એટલા બધાને લૂંટ્યા છે કે કોઈની પણ ગોળીનો શિકાર થઇ શકું,.." 

 

"કોઈ બીજાને પરણીને એની સુહાગન થઈને જીવવા કરતા લગ્ન વગરની તારી વિધવા થઈને જીવવું હું વધારે પસંદ કરીશ,..  "

 

"જિંદગી એકલી કેમની કાઢીશ,... "

 

"બસ કર વિશાલ હવે,.. આઠ વર્ષે આ સમજાવવા આવ્યો છું? " - અત્યાર સુધી નાજુક દેખાતી આસ્થા નામની સ્ત્રી એને એક આખું રજવાડું ચલાવતી હોય એવી મહારાણી જેવી દેખાઈ રહી.. વિશાલ એટલું તો સમજી જ ગયો - કે - ભરપૂર પ્રેમ કરતી હોવા છતાં જરૂર પડ્યે પોતાનું વર્ચસ્વ ક્યારે અને ક્યાં વાપરવું એ વાત એને બરોબર આવડતી હતી,..      

 

વિશાલ કશું બોલી ના શક્યો,..

આસ્થા બેઠી થઇ .... હળવેથી બોલી,.. 

"તને મારી ચિંતા સતાવે છે ને ? તો નહિ કરતો,...  હું સુરક્ષિત પણ છું અને સલામત પણ છું,... તું મને સમજાવવાનું છોડી દે અને મારી ફિકર પણ ના કરીશ,.. તને ખબર છે  મારો વાળ વાંકો થઇ શકે એમ નથી,..  હું સાચે જ સેઇફ છું,.. "

 

વિશાલને કઈ સમજાયું તો નહિ પણ બન્ને વચ્ચે મૌન પથરાઈ ગયું  ....