~~~~~~~
વિસામો - 10 -
~~~~~~~
જમવાનું પૂરું કરી આસ્થાએ પાણી ની ધાર કરી
હાથ કોરા કરવા આસ્થાએ રૂમાલ ધર્યો,.. રૂમાલને અવગણીને વિશાલે એની બાંધણી ના પાલવથી પોતાના હાથ કોરા કર્યા,..
આસ્થાની આંખો ભરાઈ ગઈ,.. એણે ઘણી વાર એને જોયો હતો એની માના પાલવથી હાથ કોરા કરતો,..
એક જ દિવસ માટે મળેલું આસ્થા સાથે નું આ ગૃહસ્થ જીવન એને માટે અનમોલ હતું, આવો સમય ફરીથી મળશે કે કેમ એ નક્કી નહોતું,.. વારે વારે એનું દિલ ખેંચાઈને બાદશાહની દુનિયામાંથી નીકળી આસ્થાની દુનિયા માં આવવા તરસી જતું હતું,.. .
ખાલી થાળી લઈને આસ્થા રસોડા માં પહોંચી અને એ એની પાછળ રસોડાના દરવાજે ખભાના ટેકે અદબ વાળી આસ્થાને પાછળથી જોતો રહ્યો,..
~~~~~
"વિશાલ,.. કશુંક માંગુ તો આપીશ,.. ?" આસ્થાએ પાછું ફરીને જોયા વિના જ સવાલ કર્યો
"શંકા છે મારામાં ? ,.. "
આસ્થાએ નકારમાં ડોકું ધુણાવ્યું
"તો ? બાદશાહ નો આખો ખજાનો તારા કદમોમાં નાખી શકું છું તું બસ, અવાજ કર - શું જોઈએ છે તારે ... "
"બાદશાહ ના ખજાનાથી તો ઘણું અધિક છે જે મારે જોઈએ છે,.. "
"માંગી જો - ભરોસો ના પડતો હોય તો પરીક્ષા કરી જો,.. ટ્રસ્ટ ના સહી ટેસ્ટ હી સહી,.. "
"બસ આ દેવોના દેવ મહાદેવ ની સામે મને એક વચન આપતો જજે કે તું આજીવન મારો બનીને રહીશ,.. જિંદગીમાં જો તને મારો કરી શકીશ તો બીજી કોઈ ઝંખના બાકી નહિ રહે,.. તારી પત્ની બનવાનું સુખ માણી શકીશ તો પણ અને એવું ના થાય તો પણ,.. એક છત નીચે તારી સાથે જીવી શકું તો પણ અને ના જીવી શકું તો પણ,.. તું ઇન્સાન બનીને જીવીશ તો પણ અને ગુંડો જ રહીશ તો પણ,.. વચન આપ કે જીવીશ ત્યાં સુધી તું મારો જ રહીશ,.. "
વિશાલે આસ્થાને પોતાની નજીક ખેંચી અને શિવજીની મૂર્તિસામે એને કહ્યું, - "બહુ ટૂંકો સાથ માંગ્યો તે તો,.. હું તો વિચારતો હતો કે ભવોભવ ની કેદ આપીશ તું મને,.. એક જ ભવમાં છુટકારો મળે એવો કાચો સાથ નથી મારો,.. વિચારી લે,.. "
આસ્થા શરમાઈ ગઈ,.. એણે એના બંને હાથ પોતાના ચહેરા ઉપર ઢાંકી દીધા,.. વિશાલ એને જોઈ રહ્યો,..
પોતાના બન્ને હાથ વડે આસ્થાના હાથ એના ચહેરા ઉપરથી હટાવતા વિશાલે ફરીથી કહ્યું, - "તારી સામે હતો ત્યારે બોલ્યા વિના અને તારાથી દૂર જઈને તારા વિરહમાં - તારા સિવાય હું ક્યારેય કોઈની માટે જીવ્યો જ નથી,.. તારા સિવાય કોઈ વિચારોમાં પણ આવતું નથી,.. "
આસ્થાનો ચહેરો પોતાની હથેળીમાં લઈને એની આંખમાં આંખ નાખીને એણે આગળ કહ્યું - "મારામાં આટલો બધો ભરોસો રાખે છે મારી હર હરકતને તું જાણે છે છતાં તારી શ્રદ્ધાને કમજોર કેમ થવા દે છે,.. ? હું દરબાર છું,.. જીવ આપી દઉં પણ તને ના છેતરી શકું,.. તારી સાથે બેવફાઈ તો ક્યારેય ના કરી શકું,.. દુનિયા સાથે લડી શકું છું પણ તારી સામે હારી જવાય છે અને સાચું કહું આસ્થા,..તારા જેવી યોગ્યતા બીજી કોઈ સ્ત્રી માં આજ સુધી મને દેખાઈ નથી,.. "
"બીજી કેટલી સ્ત્રીઓ ને જોઈ છે તે ?" આસ્થાએ પૂછ્યું ..
આસ્થાના સવાલ ની સાથે એને પહેલી વાર અહેસાસ થયો, કે આસ્થા સિવાય કોઈને જોવાની આજ સુધી એને ક્યારેય જરૂર જ પડી નથી,..
થોડી વાર મૌન રહીને એ બોલ્યો,
"કોઈક તો વાત છે તારામાં,.. તું એક પણ શસ્ત્ર ઉઠાયા વિના જીતી જાય છે તારી સામે જીતવાનું મારુ ગજું નથી,.. "
આસ્થાના રોમરોમમાં સંતોષ વ્યાપી ગયો
કેટ કેટલા સપના સેવીને બેઠી છે આ સ્ત્રી મારા માટે,.. વિશાલને વિચાર આવી ગયો ..
એક સ્ત્રી આઠ આઠ વર્ષ કોઈના સપના સેવતી જીવી હોય એના ઉપર શું નહિ વીત્યું હોય ? એકલી મનને મારી મારીને કેમની જીવી હશે એ ? મારા તરફથી કશાયની આશા રાખ્યા વિના એ પૂનમને સાચવતી રહી,.. પૂનમને પૃથ્વી સાથે પરણાવતી હશે ત્યારે એના લગ્ન વખતે થોડીક તો ઈર્ષ્યા થઇ આવી હશે એને પૂનમ માટે,.. લાગ્યું પણ હશે કે એનું જોડું પણ પૂનમની જેમ અખંડ પ્રેમ વરસાવતું બની શક્યું હોત,..
એની જગ્યાએ કોઈ પણ સ્ત્રી હોય એવું જ વિચારે કે એની આ હાલતની જવાબદાર પૂનમ જ છે, એને ક્યારેય એવું નહિ લાગ્યું હોય કે પૂનમ ને લીધેજ ઠાકૂરને ઘાયલ કરવા પડ્યા મારે અને એનાથી દૂર થઇ જવું પડ્યું,..
વિશાલના મનમાં વિચારોનો મારો સતત વહેતો હતો
આસ્થાનું મન જાણવા એણે સવાલ કર્યો,..
"આસ્થા, જો પૂનમ સાથે આવું કશું થયું ના હોત તો આજે આપણે પણ આમ દૂર દૂર ના જ રહેતા હોત, નહિ.. ?"
"ના રે,... જે નસીબમાં લખ્યું હોયને એ એક અથવા બીજી રીતે બનીને જ રહે,.. તું ભાઈ છું એનો,.. બાપ ની જગ્યાએ ગણાય,.. તને શોભતું નથી આવું વિચારવું,.. આવો નહોતો તું ,.. ગુંડાઓની યારીને લીધે તારા વિચારો આવા બદલાઈ ગયા છે,.. તારે તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે પૂનમ આ સદમાંમાંથી બહાર આવી શકી,.. દુનિયામાં લાખો સ્ત્રીઓ એવી છે જે આવા સદમાં માંથી બહાર જ નથી આવી શકતી... અને એવી પણ કેટલીયે સ્ત્રીઓ છે જે પોતાના મનમાંથી આવી ઘટના ને બહાર પણ કાઢી શકતી નથી,.. આખી જિંદગી મનમાં ને મનમાં બળ્યા કરતી રહે તેમ છતાં કોઈને કશુંયે કહેવાની હિમ્મત ભેગી કરી શકતી નથી,.. પૃથ્વીનો સાથ એને આજ સુધી હિંમત આપતો રહ્યો છે,.. ગોરલબાએ એને પુત્રવધૂ સ્વીકારી લીધી છે,.. અને સૌથી અગત્યનું કે પૂનમ માટે ગોરલબા એમના પતિ વિરુદ્ધ અને પૃથ્વી એના બાપ વિરુદ્ધ ઉભા રહેતા જરાયે ખચકાયા નહિ,.. તારા જેવી જ એ લોકોની ખાનદાની છે,.. આવા ગાંડા જેવા વિચારો કેમ કરે છે ? "
એણે આસ્થા ની નજીક જઈને કહ્યું - "હું સાચેજ ખૂબ જ ખુશ છું પૂનમ માટે મારી બહેન છે એ અને એની ખુશીની કામના તો હું દિવસ રાત કરતો હોઉં છું,.. પરંતુ તારા માટે જીવ હમેશા બળતો રહે છે,.. બહુ જ દુઃખ થાય છે તારા માટે,.. "
આસ્થાએ પણ જરાય દૂર ગયા વિના એની સામે જોઈને આછી સ્માઈલ કરતા એક આશાભરી નજર નાખીને પૂછ્યું, "તો પછી શું કામ જાય છે તું મને મૂકીને,.. "
ખૂણામાં પડેલા ખાટલા ઉપર લંબાવતા એણે કહ્યું, - "વચન આપ્યું છે આસ્થા,.. જુબાનનો સવાલ છે,... "
પોતાના બંને હાથમાં મુખવાસ ની બોટલ દબાવતી એ ધીરે ધીરે એની નજીક પહોંચીને એના ખાટલાની ધારે બેઠી,.. વિશાલ એની હરકતોને અનિમેષ જોઈ રહ્યો,.. કશુંક વિચારીને એણે વિશાલ સામે ચહેરો કર્યો,.. ભીંજાયેલી આંખો સાથે એ હળવેથી બોલી, - "તો પાછો આવજે એક દિવસ,.. આજે તને રોકવો શક્ય નથી પણ તારી વાપસી નો અખંડ દીવો આપણા બન્ને ના હૃદયમાં આજે એક સાથે જલાવીએ અને પાછો ના આવે ત્યાં સુધી આ આશા ને બન્ને ના દિલ માં જીવતી રાખીએ,.. આટલું તો સાથે કરી શકીએ કે નહિ ? તને પણ મારી સાથે જીવવાનો ઇન્તજાર છે એ વાત મારા વિરહ ને હળવો બનાવી દેશે,.."
વિશાલે હા પડતો હોય એમ બોલ્યા વિના એની આંખમાં આંખ નાખીને બે વાર સીધું અને એક વાર સાઈડમાં માથું ઝુકાવ્યું.. એ ચુપચાપ એને જોઈ રહી,.. વિશાલે હાથ લંબાવીને ઈશારામાં મુખવાસ ની બોટલ માંગતા પૂછ્યું,
"બીજું કઈ,.. ?"
બોટલ એના હાથમાં મુકતા, એણે હરખાઈને કહેવા માંડ્યું, "... અને જયારે પાછો આવે ત્યારે જુબાન કે વચન ના બીજા કોઈ લફડા સાથે ના આવતો,.. માત્ર મારી જ માટે આવજે,.. "
બેઠા થઈને મુખવાસનો ફાકો મારતા વિશાલે ફરીથી એને પૂછ્યું,.. "એ સિવાય બીજું કઈ.. ?"
થોડા મૌન પછી પોતાનો હાથ વિશાલના માથા સુધી લઇ જઈને એના વાળમાં હાથ ફેરવતા એ બોલી, " આપણા માથા ઉપર સફેદ વાળ આવી ગયા હશે, ચહેરા ઉપર કરચલીઓ પડી ગઈ હશે, આંખે દેખાતું નહિ હોય અને બધાજ દાંત પડી ગયા હશે તો પણ શરમાઈશ નહિ હું તારી સાથે લગ્ન કરતા,.. "
ક્ષણભર માટે એ ચાર આંખોમાંથી પ્રેમ વરસી રહ્યો,..
થોડું થોભીને એ મટકુંયે માર્યા વિના એની આંખોમાં જોઈને બહુ જ વ્હાલથી એને પોતાનું દિલ ઠાલવી નાખ્યું - "તારી સાથે જીવવા સિવાય કોઈ ચાહ નથી વિશાલ,.. આ જ ઘરમાં,.. તારી થઈને,.. તારી બાહોમાં,.. ઉપર અગાશી માં પડેલા પલંગ ઉપર,.. રાતની ચાંદની માં તારી સાથે સુઈ જવું છે,.. અને સવાર ના ઉગતા સૂરજ માં તને જગાડીને મારી માટે મહેનત નો રોટલો રળવા મોકલવો છે,.. જિંદગીની દરેક સવાર તારી બાહો માં શરૂ થાય અને દરેક રાત તારી હૂંફની ઉષ્મા સાથે પુરી થાય એટલું જ સપનું છે - "
વિશાલ ની ભીંજાયેલી આંખો જોઈને એ ફરીથી બોલી - "બસ વિશાલ, આવી જ રીતે જીવવા ની મારી ઈચ્છા છે,.. આનાથી વધારે કશુંજ નથી જોઈતું પણ હા, આનાથી ઓછું પણ નહિ ચાલે,... દુનિયા બહુ જોઈ નથી મેં, .. પણ એટલી ખબર છે કે આનાથી વધારે રૂપાળી દુનિયા ક્યાંય નહિ હોય,.. તારી પૂનમના મહેલમાં પણ નહિ,.. મારી દુનિયા મને આવી જોઈએ છે વિશાલ, ... છે ને બાદશાહ ની દુનિયા કરતાંયે સુંદર મારી દુનિયા ?.. "
વિશાલના હૃદયમાં પહેલી વાર કોઈ દુશ્મનથી હારી જતો હોય એવી ફીલિંગ્સ થઇ આવી,..
એને ડોકું હલાવી હા પાડી,.. એનું મોં જાણે સિવાઈ ગયું,.. શબ્દો ગાયબ થઇ ગયા,.. અને વિચારો ના મોજા પાછા શરૂ થઇ ગયા,..
એને લાગવા લાગ્યું કે બાદશાહ પાસે શું કામ પાછું જવું છે ? આની સાથે જિંદગી જીવવાની મઝા લાખો અને કરોડોના સોનાના દાગીના લૂંટવા કરતા તો વધારે જ આવશે,.. આટલો પ્રેમ ઠુકરાવનાર ખરેખર તો મૅન્ટલ જ હોય,.. હું શું કરી રહ્યો છું મારી જિંદગી સાથે,.. ?
આસ્થા ક્યારની વિશાલના મનમાં ચાલતા ઘમાસાણ યુદ્ધ ને સમજવા નો પ્રયત્ન કરી રહી હતી,..
પોતાના પ્રેમની તાકાતનો એને અંદાજો તો હતો જ એટલે એ જાણીને વિશાલને પૂરતો સમય આપી રહી હતી,..
"વિશાલ, હવે તો ગામમાં પહેલા જેવી અગવડો નથી રહી,.."
".મતલબ,.?"
"મતલબ કે માં હતી ત્યારે આપણે સાથે પાણી ભરવા જતા હતા,.. યાદ છે તને,..?"
"હમમમ,.. સૌથી પહેલો પ્રેમ મને ત્યારે જ થયો હતો જયારે મેં પહેલી વાર પાણીનો ઘડો તારે માથે મુકવામાં તને મદદ કરી હતી,.." વિશાલે હસતા હસતા સ્વીકાર્યું
"મને પણ ત્યારે જ થયો હતો જયારે તે મારી સાથે કૂવેથી પાણી ભરવાનું ચાલુ કર્યું હતું,.. "
બન્નેની આંખો મળી અને બન્નેએ નજર ફેરવી લીધી,.. જાણે બન્નેએ ચોરીની કબૂલાત સામેથી કરી લીધી હોય એમ,
વિશાલ સાફ જોઈ શકતો હતો કે પાછો આવજે એક દિવસ મારી માટે, કહીને આસ્થા આડકતરૂ એને સૂચિત કરી રહી હતી કે ગમે તેટલું દોડીશ, તારી દોડ પુરી કરવા તારે આખરે અહીં જ આવવાનું છે,.. મારી પાસે,.. આ આંગણામાં,..
એનું મગજ ચગડોળે ચઢવા લાગ્યું હતું,.. શું કરવું અને કેમનું કરવું એના વિચારો એકસાથે વિશાલના મગજમાં યુદ્ધે ચડ્યા હતા,.. .
"શું જુએ છે ?" ક્યારના અપલક જોઈ રહેલા વિશાલને આસ્થાએ પૂછ્યું
"દુબળી થઇ ગઈ છું ?"
"ક્યાંરેય જોઈ હતી તે મને કે તને ખબર હોય,.. નજર પણ ઉઠાવતો નહોતો મારી સામે ? આવી જ તો હતી હું શરૂથી જ,.. "
વિશાલને હસવું આવી ગયું
"હશે છે શું ?"
"બહુ જ સુંદર લાગે છે,.. " વિશાલે કહ્યું
પહેલી વાર કોઈએ એને આવું કશુંક કહ્યું હતું
એને પેટમાં કશુંક થવા લાગ્યું,..
આંખોમાં જુદીજ ચમક આવી ગઈ,..
શરમ એના ગાલ ઉપર ઉતરી આવી,..
આસ્થાનો પહેલો અનુભવ એને પોતાને જ સમજાવી રહ્યો હતો કે કોઈ વખાણ કરે ત્યારે આવી જ અનુભૂતિ થતી હશે કદાચ,.. એને આ અહેસાસ એટલો તો ગમી ગયો કે એનાથી મનમાં જ બોલાઈ ગયું "એક વાર ફરીથી બોલને આ બધુજ મારી માટે,.. "
આસ્થાનો ચહેરો જોઈને એનું મન વાંચતો હોય એમ એણે કહ્યું
"સાચેજ, સુંદર લાગે છે,.. બહુ જ સુંદર ... "
આસ્થાને ફરીથી એવીજ અનુભૂતિ ફરીથી થવા લાગી,.. પેટમાં કશુંક ક્યારેય ના થતું હોય એવું થઇ રહ્યું હતું,.. બધું જ પહેલી વાર થતું હતું એટલે સમજાતું નહોતું કે શું હતું,.. પણ એને આમાંથી બહાર નહોતું નીકળવું એ નક્કી હતું,..
"એક વાત નો અફસોસ થાય છે, હવે તો,.. " એણે આસ્થાની હાલત જોઈને કહ્યું
"શું?" એ સંકોચાઈને એક ખુરશીમાં ભરાઈ બેઠી
"એ જ કે માં હતી ત્યારે એવી ખબર હોત કે જુવાનીમાં તું આવી સુંદર લાગવાની છું તો મેં,.. "
એ શરમનો માર્યો બોલી ના શક્યો
આસ્થાના ચહેરા ઉપર પહેલા તો મોટી સ્માઈલ આવી અને ધીરે થી એ સ્માઈલ હાસ્યમાં ફેરવાઈ ગઈ
"હશે છે શું ?"
"જુવાનીમાં સુંદર લાગવાની છું ખબર હોત તો શું કર્યું હોત ? " આસ્થાએ હસતા હસતા જ પૂછ્યું
"તો શું,.. માંની સામે જ લગ્ન કરી લીધા હોત તારી સાથે,.. બચપનમાં જ,.. " એણે સિરિયસ થઈને કહ્યું
આસ્થા પણ સિરિયસ થઇ ગઈ
"અફસોસ રહી ગયો હોય તો હજીયે મોડું નથી થયું વિશુ,.."
હવે એ લાગ જોઈને બોલવા માંડી ,.. "મેં તો તારી રાહ જોઈ જ હતી,.. કાયમ જોઇશ,.. પણ તું નહિ જીવી શકે મારા વિના,.. હાલત જોઈ છે તારી,.. એમ નહિ માનતો કે મને સમજણ નથી પડતી,.. પાગલ થઇ જઈશ મારા વિના,.. નાની એવી જિંદગી માં પ્રેમ માટે સમય નથી હોતો પણ તારા જેવા લોકોને એકબીજાના ગળા કાપવાયે સમય ઓછો પડે છે .. નફરત માં જીવવું આટલું કેમ ગમતું હોય છે લોકોને મને સમજાતું જ નથી ,.. "
એણે વિશાલ સામે જોતા એક વેધક સવાલ કર્યો,.. "તું જ કહે વિશાલ મને, તને છેલ્લા આઠ વર્ષ વધારે ગમ્યા કે મારી સાથેના આ ચાર કલાક ?"
વિશાલને સમજાતું નહોતું - આ સવાલ હતો કે જિંદગીનો સૌથી મોટો અહેસાસ ... આ સવાલ હતો કે સત્ય ... એને જરાયે સમજાતું નહોતું શરીરનો કયો હિસ્સો આ સવાલ સાથે સંકળાયેલો હતો કે એ મનમાં એક વાવાઝોડું મચાવી ગયો ...
આ છોકરી ને આવા તર્ક ભર્યા સવાલ કરતાંયે આવડે છે એ એને આજે સમજાયું. શું જવાબ આપવો એ અસમંજસ માં એ શૂન્ય થઇ આસ્થા ની સામે જોઈ રહ્યો..
એને વિચાર આવી ગયો - કે - એક ઓછું ભણેલી સામાન્ય સ્ત્રી જયારે તાર્કિક સવાલ કરે ત્યારે એ ઇન્દિરા ગાંધી થી જરાયે ઓછી નથી લાગતી ...
~~~~~~~