ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ - 1 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ - 1

(1)

આમુખ

મંગળપ્રભાત, સત્યાગ્રહ આશ્રમનો ઈતિહાસ અને રચનાત્મક કાર્યક્રમ તેનું રહસ્ય અને સ્થાનનો આ સાર હું જોઈ ગયો છું. તેની ખૂબી એ છે કે એ સાર હોવા છતાં મને તેમાં કાંઈ અધૂરાપણું લાગ્યું નથી.

પૂના

જુલાઈ ૨૯, ૧૯૪૬

- મો.ક.ગાંધી

અભ્યાસી પ્રત્યે

મારાં લખામોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ તેમાં રસ લેનાર બીજાઓને કહેવા ઈચ્છું છું કે, મને સર્વકાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાંમે ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ હું શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ઘ થયો હોઉં, પણ મારો આંતરીક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી

મારો મારો વિકાસ અટકી જશે એવું મનેે લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની

મારી તત્પરતા છે, અને તેથી કોઇને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશેશ્રદ્ઘા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.

હરિજનબંધુ, ૩૦-૪-’૩૩

- ગાંધીજી

૧. સત્ય

સત્ય એ જ પરમેશ્વર છે. આ સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી. સત્ય સિવાય બીજી કોઇ વસ્તુને હસ્તી જ નથી. સત્ય સિવાય કોઇ પણ નિયમનું શુદ્ઘ પાલન અશકય છે. વિચારમાં, વાણીમાં અને આચારમાં સત્ય એ જ સત્ય.... તે કેમ જડે ? તેનો જવાબ ભગવાને આપ્યો છે : અભ્યાસ અને વેરાગ્યથી.

સત્યની જ તાલાવેલી તે અભ્યાસ; તે વિના બીજી બધી વસ્તુ વિશે આત્યંતિક ઉદાસીનતા તે વૈરાગ્ય. આમ છતાં એકનું સત્ય તે બીજાનું અસત્ય એમ આપણે જોયા કરશું. તેથી ગભરાવાનું કશું કારણ નથી.... કેમ કે સત્યની શોધની પાછળ તપશ્ચર્યા હોય, એટલે પોતે દુઃખ સહન કરવાનું હોય, તેની પાછળ મરવાનું હોય.... આવી નિઃસ્વાર્થ શોધ કરતાં આજ લગી કોઇ આડે માર્ગ છેવટ લગી ગયું નથી. આડે જાય કે ઠેસ વાગી જ છે ; એટલે વલી તે સીધે માર્ગે ચડી જાય છે.... તેમાં હાર જેવું કંઇ છે જ નહીં. એ ‘મરાને જીવવાનો મંત્ર’ છે.

એ સત્ય રૂપ પરમેશ્વર માટે સારુ રત્નચિતાંમણિ નીવડેલ છે.

આપણે બધાંને સારુ નીવડો.

૨. અહિંસા

સત્ય છે. તે જ છે. તે જ એક પરમેશ્વર. તેનો સાક્ષાત્કાર કરવાનો એક જ માર્ગ, એક જ સાધન તે અહિંસા.

અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે. સત્યનો, હિંસાનો

માર્ગ જેટલો સીધો છે, એટલો જ સાંકડો છે, ખાંડાની ધારે ચાલવા જેવો છે.... જરા અસાવધાની આવી કે હેઠે પડીએ. પ્રતિક્ષણ સાધના કરવાથી જ તેનાં દર્શન થાય.

પ્રાણીઓનો વધ ન કરવો એટલું જ આ વ્રતના પાલનને સારુ બસ નથી. એ વ્રતોનો પાલક ઘોર અન્યાય કરનાર પ્રત્યે પણ ક્રોધ ન કરે, પણ તેના ઉપર પ્રેમભાવ રાખે, તેનું હિત ઇચ્છે ને કરે. પણ પ્રેમ

કરતો છતો અન્યાયીના અન્યાયને વશ ન થાય, અન્યાયનો વિરોધ કરે ને તેમ કરતાં તે જે કષ્ટ આપે તે ધીરજપૂર્વક અને અન્યાયીનો દ્રેષ કર્યા વિના સહન કરે.

આ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઇએ છીએ તે જ નથી. કોઇને ન મારવું એ તો છે જ. કુવિચારમાત્ર હિંસા છે. ઉતાવળ

હિંસા છે, મિથ્યા ભાષણ હિંસા છે. દ્ઘેષ હિંસા છે. કોઇનું બૂરું ઇચ્છવું હિંસા છે. જે જગતને જોઇએ તેનો કબજો રાખવો એ પણ હિંસા છે.

અહિંસાને સાધન ગણીએ, સત્યને સાધ્ય ગણીએ. સાધન આપણા હાથની વાત છે તેથી અહિંસા પરમ ધર્મ થઇ. સાધનની ફિકર કર્યા કરશું તો સાધ્યનાં દર્શન કોઇક દિવસ તો કરશું જ.

૩. બ્રહ્મચર્ય

અહિંસાના પાલનને લઇએ તો તેનું પૂર્ણ પાલન બ્રહ્મચર્ય વિના અશક્ય છે.

બ્રહ્મચારી કોઇ સ્ત્રી કે પુરુષ ઉપર કુદષ્ટિ ન કરે એટલું જ બસ નથી. પણ મનથીયે વિષયોનું ચિંતન કે સેવન નહીં કરે. અને વિવાહિત હોય તો પોતાની સ્ત્રી કે પોતાના પતિની સાથે પણ વિષયભોગ નહીં કરે, પણ તેને મિત્ર સમજી તેની સાથે નિર્મળ સંબંધ

રાખજો. વિકારમય સ્પર્શ અથવા તેની સાથે વિકારમય ભાષણ કે બીજી

વિકારમય ચેષ્ટા તે પણ સ્થૂળ બ્રહ્મચર્યનો ભંગ છે.

મનને વિકારી રહેવા દેવું ને શરીરને દાબવાનો પ્રયત્ન કરવો તેમાં નુકસાન જ છે.

મનને વિકારવશ થવા દેવું એ એક વાત છે; મન પોતાની

મેળે અનિચ્છાએ, બળાત્કારે વિકારી થાય કે થયા કરે એ જુદી વાત છે.

એ વિકારમાં આપણે સહાયભૂત ન થઇએ તો છેવટે જીત જ છે.

વિષયમાત્રનો નિરોધ એ જ બ્રહ્મચર્ય છે. જે બીજી ઇંદ્રિયોને જ્યાં ત્યાં ભમવા દઇ એક જ ઇંદ્રિયને રોકવાનો પ્રયત્ન કરે છે તે નિષ્ફળ પ્રયત્ન કરે છે એમાં શો શક છે. ?

બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની - સત્યની - શોધમાં, ચર્યા એટલે તેને

લગતો આચાર. આ મૂળ અર્થમાંથી સર્વેન્દ્રિય સંયમ એ વિશેષ અર્થ નીકળે છે. માત્ર જનનેન્દ્રિય સંયમ એવો અધૂરો અર્થ તો ભૂલી જ જઇએ.

૪. અસ્વાદ

મારો અનુભવ એવો છે કે આ વ્રતને પહોંચી વળાય તો બ્રહ્મચર્ય એટલે જનનેન્દ્રિય સંયમ સાવ સહેલો થઇ પડે છે.

ભોજન કેવળ શરીરયાત્રાને જ અર્થે હોય. ભોગને અર્થે કદી નહીં. તેથી તે ઔષધિ સમજી સંયમપૂર્વક લેવાની જરૂર છે. આ વ્રતનું પાલન કરનાર વિકાર ઉત્પન્ન કરે એવા મસાલા, વગેરેનો ત્યાગ કરે.

માંસાહાર, મદ્યપાન, તમાકુ, ભાંગ, ઇત્યાદિનો આશ્રમમાં નિષેધ છે.

આ વ્રતમાં સ્વાદને અર્થે ઉજાણીનો કે ભોજનના આગ્રહનો નિષેધ છે.

આ દૃષ્ટિએ વિચાર કરતાં સંયુકત પાક જે અસ્વાદ વૃત્તિથી થતો હોય તે બહુ મદદગાર છે. ત્યાં આપણે શું રાંધશું તેના વિચાર નથી કરવો પડતો; પણ જે તૈયાર થયું હોય ને જે આપણે સારુ ત્યાજ્ય

ન હોય, તે ઇશ્વરનો અનુગ્રહ માની, મનમાં પણ તેની ટીકા કર્યા વિના, સંતોષપૂર્વક, શરીરને આવશ્યક હોય તેટલું ખાઇ ઊઠીએ.

આદર્શ સ્થિતિમાં સૂર્યરૂપી મહાઅગ્નિ જે વસ્તુઓ પકવે છે, તેમાંથી જ આપણું ખાદ્ય શોધાવું જોઇએ. અને આમ વિચાર કરતાં

મનુષ્યપ્રાણી કેવળ ફળાહારી છે એમ સિદ્ઘ થાય છે.

૫. અસ્તેય

પારકાનું તેની રજા વિના લેવું એ તો ચોરી છે જ પણ પોતાનું ગણાતું પણ માણસ ચોરે છે. જેમ એક બાપ પોતાનાં બાળકોના જાણ્યા વિના, તેઓને ન જણાવવા ખાતર, છાનોમાનો કંઇ વસ્તુ ખાઇ જાય

છે. પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઇ પણ મનુષ્ય

લે છે તે ચોરી કરે છે.

અસ્તેયનું વર્ત પાળનાર ઉત્તરોત્તર પોતાની હાજત ઓછી કરશે. આ જગતમાં ઘણી કંગાલિયત અસ્તેયના ભંગથી પેદા થઇ છે.

મનથી આપણે કોઇની વસ્તુ મેળવવાની ઇચ્છા કરી કે તેની ઉપર એઠી નજર કરી તે ચોરી છે.

૬. અપરિગ્રહ

અનાવશ્યક વસ્તુ જેમ લેવાય નહીં, તેમ એનો સંગ્રહ પણ ન થાય. તેથી જે ખોરાક કે રાચરચીલાની જરૂર નથી તેનો સંગ્રહ તે આ વ્રતનો ભંગ છે. જેને ખુરશી વિના ચાલે તે ખુરશી ન રાખે.

અપરિગ્રહી પોતાનું જીવન નિત્ય સાદું કરતો જાય.

પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને ‘જોઇતી’ વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે.

સહુ પોતાને જોઇતી જ સંગ્રહ કરે, તો કોઇને તંગી ન આવે ને સહુ ને સંતોષ રહે.

ખરા સુધારાનું, ખરી સભ્યાતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી. પણ તેનો વિચાર ને ઇચ્છાપૂર્વક ઘટાડો છે. જેમ જેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ તેમ ખરું સુખ અને સંતોષ વધે છે. સેવાશક્તિ વધે છે.

જે વિચાર આપણને ઇશ્વરથી વિમુખ રાખે અથવા ઇશ્વર પ્રતિ ન લઇ જતા હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાજ્ય છે.

૭. અભય

જે સત્યપરાયણ રહેવા માગે તે ન નાતજાતથી ડરે, ન સરકારથી ડરે, ન ચોરથી ડરે, ન ગરીબાઇથી ડરે, ન મોતથી ડરે.

આની ગણના સોળમાં અધ્યાયમાં દૈવી સંપદનું વર્ણન કરતાં ભગવાને પહેલી કરી છે. અભય વિના સત્યની શોધ થાય ? સભ્ય

વિના અહિંસાનું પાલન કેમ થાય ? ‘હરિનો મારગ છે શૂરાનો નહીં

કાયરનું કામ જોને’ સત્ય એ જ હરિ, એ જ રામ, એ જ નારાયણ, એ જ વાસુદેવ, કાયર એટલે ભયભીત બીકણો; શૂરો એટલે ભયમુક્ત, તલવારાદિ કસેલો નહીં, તલવાર શૂરની સંજ્ઞા નથી, બીકની નિશાની છે.

સત્યની શોધ કરનારે આ બધા ભયોને તિલાંજલિ દીધે જ છૂટકો. હરિશ્રંદ્રની જેમ પાયમાલ થવાની તેમનામાં તૈયારી હોવી જોઇએ.

આપણે બાહ્ય ભયોથી મુક્તિ મેળવવી છે. અંતરમાં જે શત્રુ રહ્યા છે તેમનાથી તો ડરીને જ ચાલવાનું છે. કામ-ક્રોધાદિનો ભય ખરો ભય છે. એને જીતી લઇએ તો બાહ્ય ભયોનો ઉપદ્રવ એની મળે મટે.

પૈસામાંથી, કુટુંબમાંથી, શરીરમાંથી ‘મારાપણું’ કાઢી નાખીએ એટલે ભય ક્યાં છે ? એ રામબાણ વચન છે.

૮. અસ્પૃશ્યતાનિવારણ

.... તેમાં ધર્મ નથી પણ અધર્મ છે.

જો આત્મા એક જ છે, ઇશ્વર એક જ છે તો અસ્પૃશ્ય કોઇ નથી,

.... તેથી જે તેને પાપ માને છે તે તેનું પ્રાયશ્ચિત્ત કરે, અને કંઇ નહીં તો પ્રાયશ્ચિત્ત રૂપે પણ ધર્મ સમજીને સમજદાર હિંદુ પ્રત્યેક અસ્પૃશ્ય ગણાતાં ભાઇબહેનને અપનાવે. તેનો હેતે, સેવાભાવે સ્પર્શ કરે, સ્પર્શ કરી પોતાને પાવન માને, ‘અસ્પૃશ્ય’નાં દુઃખો દૂર કરે, વર્ષો થયાં તેમને કચડી નાખવામાં આવેલ છે તેથી તેમનામાં જે અજ્ઞાનાદિ

દોષો પેસી ગયા છે, તે ધીરજપૂર્વક દૂર કરવામાં તેમને મદદ કરે.

કેટલાક તો અસ્પૃશ્યતાને પાળતાં પાળતાં પૃથ્વી ઉપર ભારરૂપ થઇ પડ્યા છે.

અસ્પૃશ્યતાનિવારણ કરનાર ઢેડભંગીને અપનાવીને સંતોષ નહીં માને. તે જીવમાત્રને પોતાનામાં નહીં જુએ ને પોતાને જીવમાત્રમાં નહીં હોમી દે ત્યાં લગી શાંત થશે જ નહીં. અસ્પૃશ્યતા નિવારવી એટલે જગતમાત્રની સાથે મૈત્રી રાખવી, તેના સેવક થવું.

જીવમાત્રની સાથેનો ભેદ મટાડવો તે અસ્પૃશ્યતાનિવારણ.

જાતિભેદથી હિંદુ ધર્મને નુકસાન થયું છે. તેમાં રહેલી ઊંચલીચની અને આભાડછેટની ભાવના અહિંસા ધર્મની ઘાતક છે.

વર્ણવ્યવસ્થા કેવળ ધંધાને આધીન છે એમ જણાય છે. તેથી વર્ણનીતિનું પાલન કરનાર, માબાપના ધંધામાંથી આજીવિકા પેદા કરી બાકીનો સમય શુદ્ઘ જ્ઞાન લેવામાં અને વધારવામાં વાપરે.

૯. જાતમહેનત

મનુષ્યમાત્ર શરીરનિર્વાહ શારીરિક મહેનતથી કરે તો જ તે સમાજના અને પોતાના દ્રોહમાંથી બચી શકે. જેનું અંગ ચાલી શકે છે ને જેને સમજણ આવી છે તેવાં સ્ત્રીપુરુષે પોતાનું બધું નિત્યકામ જે પોતે આટોપવા યોગ્ય હોય તે આટોપી લેવું જોઇએ, અને બીજાની સેવા વિનાકારણ ન લેવી જોઇએ. પણ બાળકોની, બીજા અપંગ લોકોની અને વુદ્ઘ સ્ત્રીપુરુષોની સેવા પ્રાપ્ત થાય ત્યારે તે કરવાનો સામાજિક જવાબદારી સમજનાર પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે.

મજૂરી ન કરે તેને ખાવાનો શો અધિકાર હોય ? સહુએ પોતપોતાના ભંગી તો થવું જ જોઇએ.... થાય છે તેને મળત્યાગ તો કરવાનો જ છે. મળત્યાગ કરે તે પોતાના મળને દાટે એ ઉત્તમ વસ્તુ છે. એ ન જ બની શકે તો સહુ કુટુંબ પોતાનું કર્તવ્ય કરે. જ્યાં ભંગીનો નોખો ધંધો કલ્પ્યો છે, ત્યાં કંઇક મહાદોષ પેસી ગયો છે એમ

મને તો વર્ષો થયાં લાગ્યું છે.... આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ ઠસવી જોઇએ, અને એ ઠસાવવાનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાતમહેનતનો આરંભ પાયખાનાં સાફ કરવાથી કરે.

જો કુદરતના કાયદાનો ભંગ ન થતો હોય તો બુઢ્ઢા અપંગ ન થાય, ને રોગ તો હોય જ શાને ?