ધ કેરલ સ્ટોરી Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કેરલ સ્ટોરી

ધ કેરલ સ્ટોરી

- રાકેશ ઠક્કર

જો ફિલ્મ ધ કેરલ સ્ટોરી સાથે વિવાદ ના સંકળાયો હોત તો એની ચર્ચા થઈ ના હોત અને સ્ટાર વગરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી ના હોત એ સૌ કોઈ સ્વીકારશે. બોલિવૂડમાં મસાલા ફિલ્મોના ખરાબ દિવસો ચાલી રહ્યા છે ત્યારે ધ કેરલ સ્ટોરી આશા જગાવી રહી છે. ફિલ્મને જોવામાં આવી એટલે લોકોને ખબર પડી કે અદા શર્મા જેવા અનેક કલાકારો છે જે પડદા પર અભિનય કરતા નથી પરંતુ એ જીવંત પાત્ર હોય એવો ભાસ ઊભો કરે છે. અદાએ શાલિની માંથી ફાતિમા અને ફરી શાલિની બનવાનું ટ્રાન્સફોર્મેશન બતાવ્યું છે એના પર સમીક્ષકો વારી ગયા છે. દર્શકો પણ થિયેટરમાં અદાના અભિનય અને સંવાદ પર તાળીઓ પાડતા જોવા મળ્યા હતા. અદાએ આખી ફિલ્મ પોતાના ખભા પર ઊંચકી લીધી છે.

અદાની બહેનપણીઓ તરીકે સિધ્ધી અને યોગિતાએ પોતાના પાત્રોને ન્યાય આપ્યો છે. જો ફિલ્મના પાત્રો સારું કામ ના કરે તો વાર્તા ગમે એટલી સારી અને રસપ્રદ હોય તો પણ એ વાસ્તવિક લાગતી નથી. અગાઉ અનુપમ ખેરની ધ કશ્મીર ફાઇલ્સ વખતે દર્શકો આ વાતને અનુભવી ચૂક્યા છે. ધ કેરલ સ્ટોરી ની વાર્તામાં છોકરીનું ધર્માંતરણ કરી એને ISISમાં જોડવામાં આવે છે અને એ એમાંથી પાછી આવે છે એના પર આધારિત છે. સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ બનાવવાનું આકર્ષણ ઘણા નિર્માતાઓને રહ્યું છે પરંતુ એને પડદા પર ઉતારતી વખતે જવાબદારી વધી જાય છે. એક સમીક્ષકનું કહેવું છે કે જો ધ કેરલ સ્ટોરી ને નિષ્પક્ષ રીતે જોવામાં આવે તો એ પ્રોપેગેંડા ફિલ્મ લાગશે નહીં. નિર્દેશકે એક સંતુલિત ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

ફિલ્મની શરૂઆતમાં બતાવવામાં આવે છે કે ફાતિમા ઉર્ફે શાલિની (અદા શર્મા) તપાસ અધિકારીઓ સામે પોતાની દર્દભરી દાસ્તાન બયાન કરે છે. તે કહે છે કે હું આઇએસઆઇએસમાં કેમ જોડાઈ એ જાણવા માટે એમાં કેમ અને કેવી રીતે જોડાઈ એ જાણવું જરૂરી છે. પછી એની બેકસ્ટોરી શરૂ થાય છે.

ચાર છોકરીઓ શાલિની (અદા શર્મા), ગીતાંજલિ (સિધ્ધિ ઈદનાની), નિમાહ (યોગિતા બિહાની) અને આસિફા(સોનિયા બલાની) એક નર્સિંગ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે. અને એક જ રૂમમાં રહેતી હોવાથી ખાસ મિત્ર બની જાય છે. પરંતુ આસિફાના ભયાનક ઈરાદાઓથી બાકીની ત્રણ બહેનપણીઓ વાકેફ નથી. અસલમાં તે છોકરીઓને પોતાના ધર્મ અને પરિવારથી દૂર લઈ જઇ ઇસ્લામમાં પરિવર્તિત કરવાનો ગુપ્ત એજન્ડા ચલાવી રહી હોય છે. એ માટે તે નકલી ભાઈઓનો સહારો લઈને જાળ બિછાવે છે. અને એમને કટ્ટરપંથી બનાવે છે. એમનું બ્રેઇન વોશ કરવા નશાની દવાઓ આપે છે. એટલું જ નહીં શાલિનીને પ્રેમજાળમાં ફસાવનાર રમીઝ એને ગર્ભવતી બનાવી દે છે. સમાજના ડરને કારણે શાલિની ઇસ્લામ કબૂલ કરી લે છે. તે અજાણ્યા પુરુષ સાથે ભારત છોડી પાકિસ્તાનના રસ્તે સિરીયા પહોંચી જાય છે. એ પછીની એની યાત્રા વધારે ભયાનક બને છે. બીજી તરફ એની બે બહેનપણીઓ ગીતાંજલિ અને નિમાહ પણ ભારતમાં ઘણું સહન કરે છે.

નિર્દેશકે યુવાપેઢીનું બ્રેઇનવોશ કરી એમને આતંકવાદી બનાવવાનો મુદ્દો લીધો છે. એમાં બ્રેઇનવોશ કરવાની પ્રક્રિયા ઘણાને બાલિશ લાગી શકે છે. શાલિનીને કોલંબોમાં સત્યની ખબર પડતી હોવા છતાં એ સિરીયા જાય છે જેવી કેટલીક બાબતો માનવાનું મુશ્કેલ બનશે. નિર્દેશક સુદીપ્તો સેન પાત્રોના માધ્યમથી દર્શકોમાં ભય અને બેચેનીનો માહોલ ઊભો કરવામાં સફળ રહે છે. વિચલિત કરી દે એવા વિષયવાળી આ ફિલ્મના હિંસા અને બળાત્કારના દ્રશ્યો હચમચાવી દે એવા છે. નબળા દિલના લોકો જોઈ ના શકે એવા પણ કેટલાક ભયાનક દ્રશ્યો છે. ફિલ્મ પૂરી થયા પછી એવા પરિવારોની મુલાકાત બતાવવામાં આવી છે જેમની સાથે અસલમાં આવી ઘટના ઘટી ચૂકી છે. કદાચ એ રીતે નિર્દેશકે આ વાસ્તવિક હોવાનું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે.