જલપરી ની પ્રેમ કહાની - 3 Bhumika Gadhvi अद्रिका દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જલપરી ની પ્રેમ કહાની - 3

મુકુલ નો શ્વાસ નીચે બેઠો અત્યાર સુંધી એનો જીવ તાળવે ચોંટી ગયેલો હતો. એણે બિલકુલ આશા નતી રાખી કે એના પપ્પા એને આ નોકરી કરવા માટે રજા આપશે. મુકુલ માટે આ વાત કોઈ ચમત્કાર થી કમ ન હતી. એ હવે પોતાની જાત ને વધુ સમય આ બારણાં ની બહાર રોકી ના શક્યો. એ દોડતો ઓરડામાં ગયો અને એના પપ્પા ના પગમાં પડ્યો.


કૃષ્ણકાંતે મુકુલ ને ઉભો કરી પોતાના ગળે લગાડ્યો અને એની પીઠ થપથપાવી ને બોલ્યાં, મને તારી ઉપર ગર્વ છે દીકરા તું સાચે જ મારા કુળ નો દીપક છે. તારી સમજ અને દેશ પ્રત્યેની ભાવના ને મારી સલામ છે. મુકુલ અને કૃષ્ણકાંત એક બીજાની સામે ઊભા છે. ઊંચાઈ, દેખાવ, પહેરવેશ બધુંજ બંને નું એક બીજા જેવું છે. જાણે કે બંને બાપ દીકરો એક બીજાનું પ્રતબિંબ છે.


મુકુલ ભાવવિભોર થઈ ગયો છે એ કશુજ બોલી શકે એ સ્થિતિમાં નથી. કૃષ્ણકાંતે મુકુલના બંને ખભા ઉપર પોતાના હાથ મૂકી જુસ્સા થી કહ્યું, જનરલ લેફ્ટેનન્ટ મુકુલ રાયચંદ આપ જ્યારે ટ્રેનિંગ પૂરી કરશો ત્યારે તમને પહેલી સેલ્યુટ આ કૃષ્ણકાંત રાયચંદ ની હશે. આવું કહેતા કૃષ્ણકાંત ની છાતી ગજ ગજ ફૂલી રહી છે. મુકુલ કંઈ બોલી ના શક્યો બસ પિતા ના ગળે વળગી પડ્યો.


જા બેટા ગુરુજીના આશીર્વાદ લઈને લે. મુકુલ ગુરુજી તરફ વળ્યો અને એમના ચરણો માં ઢળી પડ્યો. મુકુલ ની આંખ માંથી એક આંશુ ગુરુજીના ચરણ પર પડ્યું. આયુષ્યમાન ભવઃ, યશસ્વી ભવઃ બેટા કહેતા ગુરુજી એ મુકુલ ને પોતાની બાજુ માં બેસાડ્યો. તું બહુ સમજદાર અને સંસ્કારી છો મુકુલ મારે તને વધારે તો કંઈ કહેવાનું થતું નથી પણ હા એટલું જરૂર કહીશ કે દેશ માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા તો બધા લોકો ના મનમાં હોય છે પરંતુ એમ કરવાનો અવસર તારા જેવા કોઈક સૌભાગ્યશાળી નેજ મળે છે એનું માન રાખજે. જી ગુરુજી, કહેતા મુકુલ એ હામી ભરી. આપનો ખુબ ખુબ આભાર ગુરુજી આપે પપ્પા ને મનાવ્યાં એ માટે.


ગુરુજી મુકુલ ની પીઠ પર હાથ થપથપાવી હસતા મુખે આસન પર થી ઉભા થયા, ચાલો કૃષ્ણકાંત હવે હું જાઉં. અરે એમ તે કંઈ જવાય ગુરુજી અમને તમારી સેવાનો અવસર તો આપો આજે રાત્રિ ભોજન આપ અહીં કરો ગુરુજી, કૃષ્ણકાંત બે હાથ જોડી ને ગુરુજી ને વિનંતી કરવા લાગ્યા.


નહિ કૃષ્ણકાંત ચાતુર્માસમાં હું ભોજન નથી કરતો ફક્ત ફળ જ લઉં છું એ પણ એક વાર જ, મારી સંધ્યા પૂજા નો પણ સમય થઈ જશે હજુ આશ્રમ પહોંચતા બે કલાક થશે એટલે હવે નીકળવું જ જોઈએ. જે કાર્ય માટે આવ્યો હતો એ પણ હવે તો સફળ રીતે પૂર્ણ થઈ ગયું એટલે સાધુ તો ચલતા ભલા અને નદી વહેતી ભલી. ચાલો ઈશ્વર આપ સૌને સુખી રાખે અને કુશળ રાખે કહી ગુરુજી એ દરવાજા તરફ ડગલાં ભર્યા.


ગુરુજી ઝડપ થી ઘરની બહાર નીકળી પોતાની કાર પાસે ગયા પાછળ મુકુલ, કૃષ્ણકાંત અને સ્મિતા બેન પણ. એક વાર ફરી થી બધાએ ગુરુજી ને વંદન કર્યા અને ગુરુજી ને વિદાય આપી. ગુરુજી હાથ ના ઈશારા થી આશીર્વાદ આપતા પોતાની કરમાં બેઠા અને ગાડી સડસડાટ બંગલા ના મુખ્ય દરવાજાની બહાર ચાલી ગઈ.


કૃષ્ણકાંત તો પિતા છે એ માની ગયા અને રાજીય છે દીકરાની ખુશીમાં પણ, સ્મિતા બહેન તો માં છે એક માં ને પોતાના દીકરા ને પોતાના થી દુર કરવા જેટલું દુઃખ બીજું શું હોય? એમની આંખમાં આંસું છલકાઈ આવ્યા. કોઈને ય જાણ ન થાય તેમ એમણે હળવે થી પોતાની સાડીના પાલવ થી આંસુ ને આંખની બહાર આવતા પહેલાજ લૂછી લીધા.


બધાં ઘર તરફ વળ્યા ત્યાં પાછો મેઈન ગેટ આગળ થી જોર જોર થી હોર્ન નો અવાજ સંભળાયો. બધાં એ પાછું વળી ને જોયું. ચોકીદારે ગેટ ઉઘાડ્યો એક ચમકદાર રોયલ એનફિલ્ડ અંદર પ્રવેશી અને બધાની બાજુમાં આવી ને ઉભી રહી ગઈ. કૃષ્ણકાંત એ સ્મિતા બેન સામે જોયુ અને સ્મિત સાથે વ્યંગ કરતા બોલ્યાં લો આપના નાના યુવરાજ પધારી ચૂક્યા છે. મુકુલ અને સ્મિતાબેન ના મુખ પર પણ પ્રસન્નતા છલકાયા વગર રહી ન શકી.


ઝડપ થી એક ફાંકડો અને મોજીલો નવયુવાન કૃષ્ણકાંત, સ્મિતાબેન અને મુકુલ તરફ આવ્યો. લેવિસનું જીન્સ, પોલો યું.એસ ની ટીશર્ટ, નાઈકીના સૂઝ અને એટલાજ મોંઘાદાટ ગોગલ. જોતાં જ ખબર પડી જાય કે કોઈ પૈસાદાર બાપનો લાડકો દીકરો છે. એ પાસે આવ્યો અને આંખ પરથી ચશ્મા ઉતરતા બોલ્યો, શું વાત છે આજે તો મારા વેલ કમ માટે બધા જ અહીં હાજર છે, આજે કંઈ ખાસ છે કે શું? અને હસતાં હસતાં એણે હાથ મુકુલ ના ખભે મૂક્યો.


મુકુલ એ ધીરે થી એના હાથ ને ધક્કો માર્યો અને હસતાં હસતાં કહ્યું, અમે એટલા પણ ફ્રી નથી કે તારા વેલ કમ માટે અહી ઊભા રહીએ હો વિશુ અને મુકુલે વિશાલ ના ગાલ ઉપર ધીરે થી ટપલી મારી. તમે પણ શું બ્રો ખાલી ખાલી હા પડી દેતા બિચારો તમારો આ નાનો ભાઈ ખુશ થાય એમાં તમારું કંઈ જવાનું હતું. ચાલ હવે નોટંકી ઘરમાં, મુકુલે વિશાલ નો કાન પકડી ને અંદર તરફ ચાલ્યો.


જુઓ ને મમ્મી આ તમારો લાડકો દીકરો કેવું કરે છે અને તમે કઈ કહેતા ય નથી. વિશાલ મમ્મી ની બાજુમાં જઈ ને મીઠી ફરિયાદ કરવા લાગ્યો . કેમ તું મારો લાડકો દીકરો નથી? મમ્મી એ ગાલમાં સહેજ ટપલી મારતાં કીધું. છું ને પણ ભાઈ વધુ લાડકા છે કેમ સાચું ને પપ્પા? વિશાલે હવે વાત માં કૃષ્ણકાંત ને પણ લીધા. જુઓ આ તમારા માં દીકરાની વાતમાં મને ના નાખો હું તો બહાર નો છું. કૃષ્ણકાંત મંદ મંદ મુસ્કાતા પોતાનો ટેકો પાછો ખેંચી ઘરમાં ચાલ્યા ગયા.


એ તમે લોકો અહીં કેમ ઊભા છો એ તો કહો બ્રો? બધું અહીં જ પૂછી લઈશ કહેતા કહેતા સ્મિતા બેન પણ ઘરમાં ગયા. પાછળ મુકુલ અને વિશાલ પણ એમને અનુસર્યા. ગુરુજી આવ્યા હતાં હમણાં જ એ ગયા, મુકુલે વિશાલ ની જીજ્ઞાશા નો ઉત્તર આપ્યો.


શું વાત કરો છો બ્રો તો તો પછી તમારું કામ થઈ ગયું ને? પપ્પા માની ગયા ને? વિશાલ એક દમ ઉત્સાહ માં આવી ગયો. હા, પપ્પા માની ગયા. Congratulations બ્રો, વિશાલે મુકુલને ગળે લગાવી લીધો. Thank you વિશુ.....


ક્રમશઃ........