જલપરી ની પ્રેમ કહાની - 4 Bhumika Gadhvi अद्रिका દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જલપરી ની પ્રેમ કહાની - 4

કૃષ્ણકાંત ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા છાપુ વાંચી રહ્યા છે. સ્મિતાબેન ને અંદર આવતા જોઈ કૃષ્ણકાંતે સ્મિતાબેન ને પોતાની પાસે બોલાવી કહ્યું, સ્મિતાબેન આપનો દીકરો ઓફિસર બનવા જઈ રહ્યો છે, હવે તો તમે જનરલ લેફ્ટેનન્ટ મુકુલ રાયચંદના મમ્મી કહેવાશો વટ છે બાકી હોં આપનો.


હા, પહેલાય એક મોટા બિઝનેસમેન ની વાઇફ તો હતી જ હવે એક ઓફિસરની માં વટ તો ત્યાંય હતો અને અહીં પણ. બસ એક માં ને ચિંતા છે એના દીકરાને પોતાના થી અળગો કરીને આટલે દૂર મોકલવાનો. સ્મિતા બેને નીશાસો નાખતા કહ્યું.



જુઓ ચિંતા ના કરો બધુજ બરાબર છે અને જે થશે તે સૌ સારાવાના જ થશે. એક કામ કરો આજે રસોઈમાં જઈને તમે જાતે ઊભા રહીને આપણા મુકુલ ને ભાવતી રસોઈ બનાવડાવો અને હા કંસાર બનાવાનું તો ભૂલતાં જ નહિ, રાયચંદ ખાનદાન માંથી કોઈ પહેલી વાર જનરલ લેફ્ટેનન્ટ બનવા જઈ રહ્યું છે. કૃષ્ણકાંતે સ્મિતાબેનની ચિંતા ને દૂર કરવા વાતને બીજી દિશા તરફ વાળી. સારું તમે જેમ કો એમ બસ? આટલું કહી સ્મિતાબેન રસોઈ તરફ વળી ગયા.


બંને ભાઈની વાટાઘાટ અને મસ્તી મસ્તી માં દિવસ ક્યાં આથમી ગયો ખબર જ ન પડી.


સ્મિતાબેન કિચનમાં આજે જાતે જ પોતાના દીકરા મુકુલ માટે એની ભાવતી રસોઈ બનાવી રહ્યા છે, કંસાર પણ બનાવાયો છે, પણ એમના મનમાં ઉચાટ છે. જે વ્હાલ સોયા દીકરાને ક્યારેય નજર થી એક ક્ષણ માટે પણ ક્યાંય એકલો નથી મૂક્યો એને આટલે દૂર અને એ પણ આવી જોખમી જગ્યા એ જવા દેવામાં એક માં નું હૃદય કેમ કરી ને માને. એમનાં આત્માને એક ક્ષણ માટે પણ ચેન નથી પડી રહ્યું.


વિશાલ હું આવું છું થોડી વારમાં. કેમ ભાઈ અત્યારે અચાનક ક્યાં જાવ છો? વિશાલ અને મુકુલ બંને મુકુલના બેડ રૂમ માં બેસી ને વાત કરી રહ્યા છે. ક્યાંય નહિ નીચે કિચનમાં પાણી લેવા જાવ છું બોટલ ખાલી થઈ ગઈ છે. મુકુંલે ખાલી બોટલ હાથમાં લીધી. શું વાત કરો છો ભાઈ આપનો લક્ષ્મણ અહી હાજર છે અને તમે પાણી ભરવા જશો? લાવો હું જ લઈ આવું છું. વિશાલે મજાક કરતા કહ્યું.


રહેવાદે હો બહું નાટક ના કર હવે હું જાવ છું. મુકુંલે હળવેથી વિશાલ ના માથામાં ટપલી મારતાં કહ્યું અને એ નીચે કિચન તરફ આવ્યો. કિચનમાં સ્મિતાબેન રસોઈયાને સૂચન કરી રહ્યા છે, વાલજી ભરેલા રીંગણ માં મગફળી ના બિયા શેકીને મસાલામાં નાખજે કાચા મુકુલ ને નથી ભાવતા.


મૂકુલે પાછળ થી આવી ને અચાનક સ્મિતાબેન ના ખભા ઉપર બે હાથ મૂક્યા અને એમના ગાલને ચૂમતા બોલ્યો, અહીં શું કરે છે મમ્મી ચાલ ને મારી સાથે બેસ. સ્મિતા બેન અચાનક ચમકી ગયા, મુકુલ ના હાથ પર પ્રેમ થી ટપલી મારતા બોલ્યાં, આટલો મોટો થઈ ગયો પણ હજીય મારા ગળે વળગવું ભૂલતો નથી સાવ ઘેલો.


મુકુલ સ્મિતાબેન ની સામે આંખ માં આંખ નાખી ને બોલ્યો, મોટો તો હું દુનિયા માટે થઈ ગયો છું તારા માટે તો હજી પણ તારો નાનકડો બકુડો જ છું મમ્મી. અચ્છા તો પછી આટલો દૂર કેમ જાય છે બેટા. સ્મિતાબેન ની આંખો માં ઝળઝળીયા આવી ગયા આ સવાલ પૂછતાં પૂછતાં.


ક્યાં દૂર જાવ છું? કોઈ સંતાન પોતાની માં થી દુર ક્યારે ય થાય મમ્મી? મુકુલ અને સ્મિતાબેન આગળ વાત કરે તે પહેલા ડ્રોઈંગ રૂમમાં થી અવાજ આવ્યો, નોકર તે દિશા તરફ પાણી નો ગ્લાસ લઈને ગયો અને પાછો આવી ને સ્મિતાબેન ને કહેવા લાગ્યો, બેન સાહેબે જમવાનું પીરસવા કહ્યું છે. મુકુલ અને સ્મિતાબેને વાતને ત્યાંજ અધૂરી મૂકી.


વાલજી, ચાલો જમવાનું ડાઇનિંગ ટેબલ પર લઈ આવો. રસોયાને સૂચન કરી સ્મિતાબેન મુકુલ સાથે બહાર આવ્યા. કૃષ્ણકાંત હજી ન્યુઝ પેપર જ વાંચી રહ્યા છે, એમણે પેપર ના એક ખૂણા ને વાળી ને રસોડામાં થી બહાર આવતા મુકુલ અને સ્મિતાબેન સામે જોયું.


ચશ્મા સહેજ નીચે તરફ ખેંચી આંખો નીચી કરી કૃષ્ણકાંત બોલ્યાં, અરે સ્મિતા બેન માં દીકરો જ વાતો કરશો? અમે પણ છીએ અમને પણ તમારી ટીમ માં સ્થાન આપો કૃપા કરીને. કૃષ્ણકાંત મજાક કરી હળવે થી હસ્યા.


સ્મિતાબેન કૃષ્ણકાંત ની બાજુમાં સોફા પર જઈને બેઠાને કૃષ્ણકાંત ની સામે જોઈ બોલ્યાં, અમારી ટીમમાં આવવા માટે સમય ફાળવવો પડે જે આપની પાસે નથી સમજ્યા. સ્મિતાબેન ના શબ્દો માં નારાજગી અને ટોન્ટ બંને છે. સમય ના હોય ત્યારની વાત ત્યારે પણ અત્યારે છે ત્યારે તો તમારી સાથે રહેવાનો અવસર આપો.


સ્મિતા બેન અચરજ ભરી નજરે કૃષ્ણકાંત સામે જોઈ રહ્યા. આજે આમના સૂર આટલા બદલાયેલા કેમ છે? આટલા વર્ષ થઈ ગયાં મને પરણી ને આવે આ ઘરમાં આમને આ રીતે સરળતાથી વાત કરતા ક્યારેય જોયા નથી. આજે શું થયું છે આમને? સ્મિતાબેન માનમાં વિચાર કરી રહ્યા છે.


સ્મિતાબેન ને કૃષ્ણકાંત ના બદલાયેલા સૂર અને વ્યવહાર થી આશ્ચર્ય છે પણ હકીકતમાં કૃષ્ણકાંત સ્મિતાબેન ની મનોદશા ને બરોબર સમજી રહ્યા છે. એમને એ વાતનો અંદાજ છે કે અત્યારે એમનાં ઉપર શું વીતી રહી છે જેનો દીકરો ક્યારેય એક ક્ષણ માટે પણ તેના થી દૂર નથી થયો એ હવે એના થી અચાનક મિલો દૂર જઈ રહ્યો છે.સ્મિતાબેન ના મનમાં ચાલી રહેલા મંથન ને કૃષ્ણકાંત બરાબર સમજી રહ્યા છે એટલે તેમના મન ને બીજી તરફ વાળવા ના તે પ્રયત્નો કરી રહ્યા છે.


દામ્પત્ય જીવન ની આજ મજા છે. વર્ષો સુધી એકજ તોર તરીકા અને શિસ્ત માં રહેનાર વ્યક્તિ આજે એના સ્વભાવ થી બિલકુલ અલગજ વર્તન કરી રહ્યો છે. પોતાના જીવન સાથી ના મન ની અંદર ચાલી રહેલા ભાવયુદ્ધ ને શાંત કરવા માટે. વર્ષો સુધી જીવન ના ડગલે ને પગલે, હર ઉતાર ચડાવમાં સ્મિતાબેન હંમેશા કૃષ્ણકાંત ની પડખે એમના પડછાયા ની જેમ ઊભા રહ્યા છે. આજે કૃષ્ણકાંત નો વારો છે કે એ સ્મિતાબેન ને સમજે અને સંભાળે.


ક્રમશઃ........