ઠંડીની ઋતુ ફરી એક વાર શરૂ થઈ હતી.હવે કવન ખાસો સમય ઘરે જ રહેતો.સાંજે એકાદ બગીચામાં તે લાંબો આંટો મારવા જતો.ત્યાં બાળકો ને રમતો જોતો કેટલીક વાર તેમની સાથે રમતો.કેટલીક વાર તે બાળકો લડતાં તો તેમને સમજાવતો.ઘણી વાર ત્યાંજ બેસી રહેતો અને બાળકો જો ના આવ્યા હોય તો તેમની રાહ જોતો.કવન આખો દિવસ પુસ્તક વાંચતો રહેતો.જેમાંથી કેટલાય પુસ્તકો તેના વિષય ના હતા પણ છતાંય તે વાંચતો રહેતો.બીજી તરફ આરોહીનું પણ કંઈક તેમજ હતું.તે તેની આરતી આંટી સાથે વધુ સમય વિતાવતી.
એક રાત્રે કવન પુસ્તકના પાના આમ તેમ ફેરવી રહ્યો હતો.તે આજે સવાર થી એક નવલકથા વાંચતો હતો અને તેનો અંત હજી ઘણો દૂર હતો.તેણે મન ને હળવું કરવા મોબાઈલમાં જુના ગીત શરૂ કર્યા અને વોટ્સએપ પર પણ એક આંટો મારીને આવવાનું વિચાર્યું.
તેમાં વિશ્વાસના બે મેસેજ હતા.જેમાં એક એપ્લિકેશન ની લિંક હતી કદાચ તે લિંક તેને નવી દુનિયામાં પ્રવેશ કરાવવાની હતી.
તેણે તેને ડાઉનલોડ કરી અને શરૂ કરી.તે એપ્લિકેશન તેવી હતી જે તે હંમેશાથી ચાહતો હતો.તેમાં કેટલાક તેના જેમ નવયુવાન મિત્રો કશુંક ને કશુંક વાર્તા કવિતાઓ અને પોતાના આર્ટિકલ વિચારો લખતા હતા સાથે બધાની સમક્ષ રજૂ પણ કરતા હતા.લોકો તેમના લખેલા ઉપર પ્રતિભાવ આપતા હતા.તેણે મનોમન વિચાર્યું કે આ તો ખરેખર એક સારી અને ઉપયોગી વસ્તુ છે.
તે કઈંક લખવાના ઉત્સાહ માં હતો કારણકે તે આ માધ્યમથી પોતાનું લખેલું દુનિયામાં બધાને વંચાવી શકતો હતો.તેને તો જાણે તેનું મનપસંદ કામ મળી ગયું.બીજા દિવસે તે કંઈક લખવા માંગતો હતો પણ તેને કઈં સૂઝતું ના હતું કે તે પોતે શું લખે.તેણે કબાટ માંથી તે જૂની સ્પીચ કાઢી જે આરતી બહેન માટે લખી હતી.તેણે ટાઈપ કરી અને પોતાની પ્રથમ રચના રજૂ કરી.
કવન અને આરોહી મળ્યા ત્યારે આ વાત કવને આરોહીને પણ કહી.આરોહી હવે સુહાસ અંકલના જવાના દુઃખ માંથી ધીરે ધીરે બહાર આવતી જતી હતી.હવે જ્યારે આરોહી અને કવન મળતા ત્યારે તેમની વાતો ના ટોપિક હંમેશા કઈંક જુદા હતા.આરોહી તેની આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ.
"તો હવે તું કંઈ વાર્તા લખીશ?"
"તે તો મને પણ નથી ખબર પણ મને લાગે છે કે હું કઈંક બાળકો માટે રહસ્ય અને રોમાંચક,અથવા કોઈ ક્લાસિક વાર્તા લખીશ જેવી રસ્કિન બોન્ડ લખે છે."
"તું મને પણ વંચાવજે…"
"હા, જરૂર…"
તે સાંજે વાતાવરણ સુંદર હતુ સાથે ઘણા દિવસો પછી આરોહી ખુશ જણાતી હતી.કવન તેને નકામા સવાલ પૂછી ને હેરાન કરવા નહોતો માંગતો.તે દિવસે બંને ગાર્ડનમાં તે છોકરાઓ જે કવનને ઓળખતા હતા.તેમની સાથે ફૂટબોલ રમવા લાગ્યા.
આખરે કવને મહામહેનતે એક વાર્તા લખી.તેને તે વાર્તા લખતા એક અઠવાડિયું થયું.તે તેને તે દિવસે રજૂ કરવા માંગતો હતો પણ તે પહેલાં તે વાર્તાને આરોહી ને સંભળાવવા માંગતો હતો.
તેણે વાર્તા આરોહીને સંભળાવી તો તે હસવા લાગી.
"આરોહી મારી વાર્તા આટલી ખરાબ છે?"
"ના,તારી વાર્તા ખૂબ સારી છે.બસ તારે છેલ્લા વાક્યો ફરીથી લખવાની જરૂર છે."
"તો વાર્તા ખરેખર સારી છે?."
કવને તેની આંખમાં આંખ પરોવીને કહ્યું અને આરોહીએ પણ તેનો જવાબ તેવી રીતે જ આપ્યો.આરોહીએ કવનને પ્રોત્સાહન આપ્યું કે તે ખુબ સારું લખે છે.
ત્યારબાદ આરોહીએ કવનને કહ્યું "ચાલ બેડમિન્ટન રમીએ.."
કવન અને આરોહી બેડમિન્ટન રમવા લાગ્યા.આરોહી ખૂબ સારું બેડમિન્ટન રમતી હતી.કવન પણ સારું રમતો હતો પણ તે આરોહી જેટલું નહીં.ઘણી વાર તે આરોહીની સુંદરતા જોવામાં પડી જતો એટલે કદાચ તેનું ધ્યાન વધુ બેડમિન્ટનમાં નહીં આરોહીમાં વધારે રહેતું.
એ દિવસે કવને ઘરે જઈને તે વાર્તાના છેલ્લા કેટલાક વાક્યો સુધાર્યા અને પછી વાર્તા રજૂ કરી.
તે જયારે બીજા અઠવાડિયે આરોહીને મળ્યો ત્યારે તેણે આરોહીને કહ્યું.
"તારી વાત સાચી હતી.મારી વાર્તાના ખૂબ સારા રીવ્યુ આવ્યા છે. તારો ખૂબ ખૂબ આભાર."
આરોહીએ મજાક માં જ કવન ને કીધું "આભાર કહેવાની તો ખાસ જરૂર નથી પણ હવે જયારે પણ તું નવી વાર્તા લખે મને સંભળાવી દેજે...હું તને જે સુધારવાનું કહીશ તે કરી દેજે...તારી વાર્તા ચોક્કસ હિટ જશે…"
"તો તો હું હવે તને ખૂબ હેરાન કરીશ."
મારા માનવા પ્રમાણે દરેક લેખકના જીવનમાં એક આરોહી હોવી જોઈએ જે તેને એક સાચો રિવ્યુ આપે.પછી તે તેના માતાપિતા કે મિત્ર અથવા પત્ની સ્વરૂપે કેમ ના હોય.
"ચાલ હવે બહુ વાતો કરી,બેડમિન્ટન નથી રમવું.." આરોહી એ કીધું..
તેમની બેડમિન્ટન ની રમત સારી એવી ચાલતી.કેટલાક છોકરાતો જોવા ઉભા રહી જતા.કવનને તેનો બહુ ગુસ્સો આવતો ઘણીવાર આરોહીને પણ આવતો કારણકે તે બેડમિન્ટન થી વધારે આરોહીને જોતા હતા.
બેડમિન્ટનની રમત સારી એવી ચાલતી ગઈ આરોહી પણ વાર્તા સાંભળતી ગઈ અને તે તેને યોગ્ય રિવ્યુ આપતી ગઈ અને ધીમે ધીમે કવનના વાંચકો પણ વધતા ગયા.કવને અત્યાર સુધી ૧૫ એક વાર્તા લખી હતી અને તેમાં ઘણા બધા લોકોએ રિવ્યુ આપ્યા હતા.લગભગ હજારોની સંખ્યામાં.કવન એક લેખક તરીકે સારું એવું કામ કરી રહ્યો હતો પણ તે એક નવલકથા લખવા માંગતો હતો.
તેણે તે વખતે આરોહીની એક સલાહ લીધી અને એક સારો એવો પ્લોટ વિષે ચર્ચા કરી કે તેને શેની ઉપર નવલકથા લખવી જોઈએ.આરોહીએ અને કવને ખૂબ ચર્ચા કરી સાથે આરોહી હતી લવસ્ટોરીની ચાહક તો તેણે એક લવસ્ટોરી લખવા કહ્યું.પણ કવન વધુ લવસ્ટોરી વાંચતો નહોતો અને તેને લવસ્ટોરી ખાસ પસંદ આવતી નહોતી તેથી તેને લવસ્ટોરી કેવી રીતે લખાય તેનો કંઈ ખાસ અનુભવ નહોતો. તેણે આરોહીને લવસ્ટોરી લખવી શક્ય નથી તેમ જણાવ્યું.સાથે જયારે બીજા વિષય પર નવલકથા લખવાનું કવન વિચારતો તો આરોહીની વાત લવસ્ટોરી પર આવી અટકી જતી.લેખન કાર્ય એવી વસ્તુ છે કે જે જબરદસ્તીથી ના થાય તે જો મનમાં હોય અને જો તમને તે કામ કરવાની મજા આવતી હોય તો જ થાય.આરોહી પણ તે વાત ને સમજી ગઈ અને તેણે કહ્યું.
"દરેક લેખક ને પોતાની પોતાની વાર્તા તેની જાતે જ મળે છે.તો તને પણ મળી જશે."
હમણાંથી કવન વાર્તા નહોતો લખતો પણ નવલકથા લખવાનો પ્રયત્ન કરતો.તેને ઘણી વાર સારા ટોપિક મળતા પણ તે લખી નહોતો શકતો.
આ બાજુ કવનના મનમાં નવલકથા લખવાના વિચારો ચાલી રહ્યા હતા.ત્યાં બીજી બાજુ તેના પ્રેમપ્રકરણ નો અંત કરવા માટે એક બીજું વંટોળ ઉભુ થઈ રહ્યું હતું.જેની તેને હજી કંઈજ ખબર નહોતી.
કવન જ્યારે સૂતો હતો ત્યારે અમેરિકામાં આરોહીના જન્મ દેનાર માતાપિતા એટલે કે સુહાસ અંકલ ના ભાઈ પોતાના પરિવાર સાથે રાતે જમવા બેઠા હતા.
માનસી બહેને જમતા જમતા કીધું.જે આરોહીના જન્મ દેનાર માતા છે.
"કાલે મેં આરતી બહેન ને ફોન કર્યો હતો.મને લાગે છે કે તે બે જણાને ત્યાં એકલું લાગતું હશે.મારા મતે આપણે હવે તેમને અહીંયા બોલાવી લેવા જોઈએ."
"હા, તારી વાત તો સાચી છે.પણ શું તે આપણી વાત માનસે?" આશુતોષ ભાઈ એ કહ્યું જે આરોહીના પિતા હતા.
"હા, કદાચ તમે કહેશો તો આરતીબહેન ના નહીં પાડે."
"હું આજે રાત્રે તેમને વાત કરીશ.તેઓ ત્યાં સુધી તો ઉઠી ગયા હશે."
"આમ પણ આરોહીએ હવે ભણી લીધું છે.તો હવે સારું રહેશે કે તે અહીંયા જ હંમેશા માટે સ્થાયી થઈ જાય." આરોહીના મોટા ભાઈ વિરાગે કહ્યું.
"સ્થાયી થવાની વાત તો પછી કરીશું.તે અહીંયા આવવા માટે માને તેટલું બસ છે.વિરાગ તું તેની માટે એક સારી નોકરી ગોતી રાખ."
તે દિવસે રાત્રે આરોહીના પિતા આશુતોષ ભાઈ એ આરતી બહેનને ફોન કરીને સારી રીતે ખબર અંતર પૂછ્યા જે તે દરેક વખતે પૂછતાં હતા.ત્યારબાદ તેમણે જે વાત કરવા માટે ફોન કર્યો હતો તે વાત પણ કરીજ દીધી.
આરતીબહેને તે અંગે વિચારવા કહ્યું અને છેલ્લે આરોહીને પૂછીને તેની બાદ તે અંગે ફરી વાત કરવા કહ્યું.
જો કે આરતી બહેન પણ અહીંયા એકલા હતા.તેથી તેમને તો જવામાં કોઈ પણ તેવું કારણ ના હતું.પણ આરોહીને તે પૂછવું જરૂરી હતું.
તેમણે બપોરે જમતી વખતે આરોહીને કહ્યું.
"તારા મોટા પપ્પા નો ફોન આવ્યો હતો તે એવું ઈચ્છે છે કે આપણે થોડા સમય માટે અમેરિકા જતા રહીએ.તો તે બાબતે તારું શું કહેવું છે આરોહી?"
આરોહી માટે આ એવો પ્રશ્ન હતો કે તે તેટલી જલ્દી વિચારીને હા કે ના કહી દે તેવું નહોતું.
તેણે જમવા પરથી ધ્યાન હટાવ્યું અને તે પ્રસ્તાવ વિષે વિચારતી હતી.
છતાંય તે બાબત પર તે જલ્દી કોઈ નિર્ણય લઈ લે તમે ના હતી.
“હું આટલી જલ્દી તો નહીં કહી શકુ પણ હું વિચારીને કહીશ.” આરોહી એ આરતીબહેન ને કહ્યું.
"આ બાબતે તમે શું ઈચ્છો છો તે મારે માટે વધુ મહત્વનું છે. જો આપ જવા ઈચ્છતા હોય તો હું આગળ વિચારવા નથી માંગતી.તમારો નિર્ણય યોગ્ય હશે."
આરોહી એ હસી ને કહ્યું.
તેની મમ્મીએ તેના હાથ પર પ્રેમથી હાથ મુક્યો અને કહ્યું "હું અહીંયા રહીશ કે ત્યાં રહીશ મારી માટે બંને એક જ છે.હા, કદાચ ત્યાં મને ભર્યું ભર્યું લાગશે કારણકે બધા આપણા હશે.જો કે હવે તો ત્યાં આખો દિવસ કોઈ ઘરમાં હોતું જ નથી બધા પોતપોતાના કામમાં હોય છે.તેથી મારી માટે તો તું શું વિચારે છે તે મહત્વનું છે."
આરોહી એ હસીને કહ્યું હું તમને જલ્દી જણાવીશ.
જો કોઈ બીજા સામાન્ય માણસને એવો ચાન્સ મળ્યો હોય કે કોઈ ભારતીય તેમને સામેથી બોલાવે અમેરિકા જવા માટે તો કદાચ કોઈ ના છોડે.જો કે બહુ ઓછું એવું થાય છે કે અમેરિકા છોડીને કોઈ પાછો ભારત આવીને વશી જાય અથવા તે કોઈ ભારતીય ને અમેરિકા બોલાવે. કદાચ ત્યાં રહેનાર જાણતો હશે કે ભારત માં રહેવાની જ મજા છે.આતો આવી ગયા એટલે હવે કોઈ વિકલ્પ નથી.આજ સુધી મને એજ ખબર નથી પડતી કે આપણે કઈંક કરવા માટે આપણા દેશની બહાર કેમ જવું પડે છે.જો સાચે જ આપણે કઈંક કરવું જ છે તો અહીંયા કેમ નથી કરી શકતા.શું વિદેશ જઈને આપણા શરીરમાં કોઈ નવી તાકાત આવી જાય છે કે આપણે કંઈક કરી લઇશું.આ કડવું સત્ય છે.ભારતની બહાર ગયેલા ભારતીય મને માફ કરશો.હું જાણું છુ કે દરેકની કઈંક મજબૂરી હોય છે.આ વાક્ય તેઓ માટે લાગુ નથી પડતું.
બે દિવસમાં આરોહી એ વિચારી લીધું હતું કે તેનો અમેરિકા જવાનો કોઈ પ્લાન નથી.તે અહીંયાંજ સારી એવી કંપનીમાં જોબ કરશે અને અહીંયા જ રહેશે.તેણે હજુ તે નિર્ણય અંગે આરતીબહેન ને કંઈ ચર્ચા નહોતી કરી કારણકે તે હજી પુરે પુરી રીતે તેનો નિર્ણય કરી શકી નહોતી.
બે દિવસ પછી જ્યારે આરોહીના ભાઈ વિરાગનો ફોન આવ્યો અને તેણે કીધું
"તું અહીંયા આવે છે ને આરોહી."
"વિરાગ મારે લગભગ તો ત્યાં આવવાનો કોઈ પ્લાન નથી.હું અહીંયાજ એક સારી નોકરી કરવા માગું છુ."
"પણ તારે નોકરીજ કરવી છે.તો તું અહીંયા પણ કરી શકે છે.તે તને અહીંયા પણ મળી જશે તથા પપ્પા એ મને તે કામ સોંપ્યું જ છે કે હું તારી માટે સારી એવી નોકરી ગોતુ.તું અહીંયા આવીને ઇન્ટરવ્યુ આપી આવજે.તું જો ત્યાં રહીશ તો એમ પણ વ્યસ્ત રહીશ.તે કરતા સારું છે.અહીંયા આવી જા કાકી ને પણ સારું લાગે તે ત્યાં એકલા કંટાળી જશે."
"ઠીક છે,હું તને નિર્ણય લઈને ફોન કરીશ."
"સારું પણ તારા નિર્ણયમાં કાકીનું પણ વિચારજે."
"ઓહકે."
આરોહી તે ફોન પછી ગૂઢ વિચારોમાં ખોવાઈ ગઈ.તે વિચારતી હતી કે તે શું નિર્ણય લે?
ક્રમશ
આપના પ્રતિભાવો આપવા બદલા આપનો આભાર.આપને વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા વાર્તાને વધુમાં વધુ લોકો ને શેર કરશો તથા આપના વોટસએપ.માતૃભારતી અને ઇન્સ્ટાગ્રામ માં પોતાના રીવ્યુ આપો તથા લોકો એ શેર કરો.