Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રીમદ ભગવદ્ ગીતા - ભાગ 3 - છેલ્લો ભાગ

અધ્યાય-૧૩-ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ

અર્જુન –હે કૃષ્ણ, ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ, જ્ઞાન-જ્ઞેય અને પ્રકૃતિ-પુરુષ વિષે હું જાણવા ઈચ્છું છું(૧)

કૃષ્ણ –હે અર્જુન, શરીર ને ક્ષેત્ર કહેવાય છે, 
અને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે(૨)

સર્વ શરીરમાં (ક્ષેત્રમાં)રહેલા મને (આત્માને), તું ક્ષેત્રજ્ઞ જાણ. 
આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ નું જે જ્ઞાન છે તે ‘જ્ઞાન’ છે, (૩)

(જ્ઞાન = “ આત્મ જ્ઞાન માં નિષ્ઠા અને તત્વજ્ઞાન નું મનન”—આ લક્ષણો જ્ઞાન પ્રાપ્તિ કરાવી આપનારા છે, માટે તેને -જ્ઞાન કહ્યું છે –૧૨) 

’જ્ઞેય’ એટલે કે ‘જે જાણવા યોગ્ય છે તે’—જે જાણવાથી મોક્ષ મળે છે તે—અને ‘તે’ અનાદિ ‘બ્રહ્મ’ છે(૧૩)

ક્ષેત્ર (શરીર) પાંચ મહાભૂતોનું બનેલું છે, અને તેના અહંકાર, સુખ-દુઃખ, રાગ-દ્વેષ જેવા વિકારો છે (૬-૭) 

‘પ્રકૃતિ’ અને ‘પુરુષ’, બન્ને ને તું અનાદિ અને નિત્ય જાણ, શરીરના રાગ-દ્વેષાદિ, સત્વ આદિ વિકારો ‘પ્રકૃતિ’ થી ઉત્પન્ન થયેલા જાણ (૨૦)

તે, ‘બ્રહ્મ’, ‘પુરુષ’ ને સર્વ બાજુ –હાથ-પગ, નેત્રો, મસ્તક, મુખ ને કાન છે.અને સંપૂર્ણ લોકમાં સર્વ માં વ્યાપ્ત છે.(૧૪)

તે સર્વ ઇન્દ્રિયો તથા વિષયો રૂપે ભાસે છે, છતાં તે ઇન્દ્રિયો વગરના છે, અને તે આશક્તિ વગરના, 
સર્વનું  ધારણ-પોષણ કરનાર, ગુણો વગરના છતાં ગુણોના ભોક્તા છે (૧૫)

જે મનુષ્ય સર્વ પ્રકારના ‘કર્મોને’ પ્રકૃતિ દ્વારા જ કરાય છે, એમ જુએ છે, અને આત્મા ને અકર્તા જુએ છે, 
તે જ સાચું જુએ છે(૩૦)

જયારે મનુષ્ય સર્વ જીવોને-વસ્તુઓને, એક પરમાત્મા માં રહેલા જુએ છે 
ત્યારે તે બ્રહ્મરૂપ થાય છે.(૩૧)

જેમ સૂર્ય સર્વ લોકને પ્રકાશિત કરે છે તેમ એક જ ‘ક્ષેત્રજ્ઞ’(આત્મા-પરમાત્મા), સર્વ ‘ક્ષેત્ર’ને(શરીરને) પ્રકાશિત કરે છે(૩૫)

 

 

અધ્યાય-૧૪ -ગુણત્રયવિભાગ યોગ

કૃષ્ણ –હે અર્જુન, મારી ‘મૂળ પ્રકૃતિ’(મહદ બ્રહ્મ પ્રકૃતિ) 
-એ સર્વ ભૂતોની યોનિ સ્થાન (ગર્ભ સ્થાન) છે.
તેમાં હું જ પિતા તરીકે ચેતન ના અંશ રૂપ બીજ મુકું છું અને હું જ માતા તરીકે ગર્ભ ધારણ કરું છું.જેના થી સર્વ ભૂતોની ઉત્પત્તિ થાય છે (૩-૪)

સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો પ્રકૃતિ માં થી ઉત્પન્ન થયેલા છે, અને આ ત્રણ ગુણો, દેહમાં રહેલા અવિનાશી જીવાત્મા ને બાંધે છે.(૫)

સત્વ ગુણ---નિર્મળ અને પ્રકાશક છે, તે ‘સુખ’અને ‘જ્ઞાન’ ના સંગ થી જીવ ને બાંધે છે (૬)

રજોગુણ---આશક્તિ અને રાગ રૂપ છે, તે ‘કર્મ’ ના સંગ થી જીવ ને બાંધે છે(૭)

તમોગુણ---અજ્ઞાન અને મોહ રૂપ છે, તે ‘પ્રમાદ, આળસ અને નિંદ્રા’ વડે જીવ ને બાંધે છે(૮)

રજોગુણ ને તમોગુણ ને દબાવી સત્વગુણ વૃદ્ધિ પામે છે, 
જેના થી જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને દેવગતિ ની પ્રાપ્તિ થાય છે. 

સત્વગુણ અને તમોગુણ ને દબાવી રજોગુણ વૃદ્ધિ પામે છે, જેનાથી આશક્તિ (લોભ) ઉત્પન્ન થાય છે, 
અને મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય છે . 

સત્વગુણ અને રજોગુણ ને દબાવી તમોગુણ ઉત્પન્ન થાય છે, જેનાથી મોહ –અજ્ઞાન ઉત્પન્ન થાય છે, અને અધોગતિ પ્રાપ્ત થાય છે.(૧૦-૧૮)

જયારે તત્વજ્ઞ –જ્ઞાની મનુષ્ય, - ગુણો કરતાં બીજા કર્તા ને જાણતો નથી પણ ગુણો થી પર એવા આત્મા ને જાણે છે, ત્યારે તે મારા સ્વરૂપ ને પ્રાપ્ત કરે છે (૧૯)

જે મનુષ્ય ઉપરના ત્રણે ગુણોથી થનારા –પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ ને માનતો નથી, અને કાર્યોની નિવૃત્તિ થતાં તેમની ઈચ્છા કરતો નથી, કશું પણ કરતો નથી અને ઉદાસીન ની માફક પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે, 
’ગુણો જ ગુણો માં પ્રવર્તે છે’ એવું સમજી સુખ-દુઃખ ને સમાન માને છે, સ્વસ્થ રહે છે, માટી-પથ્થર-સોનાને સમાન ગણે છે, પ્રિય-અપ્રિય, નિંદા-સ્તુતિ, માન-અપમાન માં નિર્વિકાર રહે છે, શત્રુ-મિત્ર માં સમ-ભાવે રહે છે, 
અને બધા કર્મો ના આરંભ નો જેને ત્યાગ કર્યો છે, તે ‘ગુણાતીત’ કહેવાય છે. (૨૨-૨૫)

જે મનુષ્ય એકનિષ્ઠ ભક્તિયોગ વડે મને ઉપાસે છે, તે આ ત્રણે ગુણોથી પર થઇ ‘બ્રહ્મભાવ’ પામવા યોગ્ય બને છે(૨૬)

 

 

અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ

આ સંસાર રૂપી પીપળાના વૃક્ષ ના ‘મૂળ’ ઉપર છે અને શાખા ઓ નીચે છે, તથા તેનો કદી નાશ થતો નથી, એમ કહેવામાં આવે છે.
વેદ ના છંદો તેના પાંદડા છે, આ રહસ્ય ને જાણનાર વેદવેતા છે.(૧)

આ વૃક્ષ ની શાખાઓ ‘સત્વાદિ’ ગુણોથી વધેલી અને ‘વિષયો’રૂપ કુંપળોવાળી હોઈ તે ઉપર અને નીચે પ્રસરેલી છે.તેમજ નીચે મનુષ્ય લોકમાં ‘કર્મ સંબધી’ મૂળો ફેલાયેલા છે.(૨)

જે રીતે આ વૃક્ષ નું વર્ણન કરેલું છે, તેનું શુદ્ધ સ્વરૂપ અનુભવ માં આવતું નથી, અને તેને અંત-આદિ, સ્થિતિ-આદિ પણ નથી. આ બળવાન વૃક્ષનું દ્રઢ વૈરાગ્ય રુપી શસ્ત્ર થી છેદન કરી પરમ પદ પ્રાપ્ત કરવું જોઈએ, જ્યાંથી પુનઃ પાછા ફરવાનું નથી .

“જેમાંથી અનાદિ પ્રવૃત્તિ ચાલતી આવી છે, તે આદ્ય પુરુષ ને હું શરણે આવ્યો છું” આવી ભાવનાથી તે પરમ પદ ની શોધ કરવી”(૩-૪)

જે મનુષ્ય માન-મોહ થી મુક્ત છે, જેને સંગ-દોષને જીત્યો છે, જેઓ કામના ત્યાગીને નિત્ય પરમાત્મ સ્વરૂપના ચિંતન માં તત્પર રહે છે અને જેઓ સુખ-દુઃખ ના દ્વંદો થી પર થયેલા છે, તેવા જ્ઞાની અવિનાશી પરમ પદ ને પામે છે.(૬)

આ સંસાર માં મારો જ અંશ. સનાતન જીવરૂપ થઇને, પ્રકૃતિમાં સ્થિત, મન સહિત પાંચ ઈન્દ્રિયોને આકર્ષે છે, એ જીવ જયારે એક દેહ છોડી બીજા દેહ માં જાય છે, ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઇ ગતિ કરે છે, તેમ જીવાત્મા છોડેલા દેહની વાસનાઓ, મન સાથે લઇ જાય છે(૭-૮)

હું વૈશ્વાનર (જઠરાગ્ની)રૂપ થઇ પ્રાણીઓના દેહના આશ્રયે રહી, પ્રાણ તથા અપાન વાયુ થી યુક્ત થઇ, ચાર પ્રકારનું અન્ન પચાવું છું(૧૪)

ક્ષર અને અક્ષર (નાશવંત અને અવિનાશી)એવા બે પુરુષો છે, જેમાં સર્વ ભૂત ‘ક્ષર’છે અને તેમાં રહેલો 
આત્મા ‘અક્ષર’ છે.(કે જે સર્વ ભૂતો ના ઉત્પત્તિ નું કારણ છે) (૧૬)

પણ આ ક્ષર અને અક્ષર બન્ને થી ‘ઉત્તમ પુરુષ’ અલગ છે, જે ‘પરમાત્મા’ ના નામથી ઓળખાય છે, અને વેદ માં તે ‘પુરુષોત્તમ’ નામથી પ્રસિદ્ધ છે(૧૭-૧૮)

જે મનુષ્ય મોહ ત્યાગ કરી, મને ‘પુરુષોત્તમ’ સ્વરૂપે જાણે છે, તે સર્વજ્ઞ હોઈ મને સર્વ ભાવથી ઉપાસે છે (૧૯)
આ પ્રમાણે ગુહ્યમાં ગુહ્ય (ગુહ્ય્ ત્તમ )અધ્યાત્મ શાસ્ત્ર તને કહ્યું, જે જાણી મનુષ્ય આત્મજ્ઞાની અને કૃતાર્થ થાય છે(૨૦)

 

 

અધ્યાય-૧૬-દૈવાસુર સંપદ્વિભાગ યોગ

અભયતા, ચિત્તની નિર્મળતા, તત્વજ્ઞાન, અહિંસા, સત્ય, ધ્યાનમાં નિષ્ઠા, જ્ઞાન વગેરે 
દૈવી સંપત પ્રાપ્ત થયેલા પુરુષના લક્ષણો છે.(૧-૩)

દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અજ્ઞાન વગેરે આસુરી સંપત વાળા પુરુષોના લક્ષણો છે.(૪)

દૈવી સંપદા મોક્ષ આપનારી અને આસુરી સંપદા બંધન માં નાખનારી છે(૫)

આસુરી વૃત્તિવાળા મનુષ્યો, પ્રવૃત્તિ કે નિવૃત્તિ કર્મોને સમજતા નથી, તેમનામાં પવિત્રતા, સદાચાર, સત્યતા હોતા નથી (૩)

તેઓ કહે છે કે –“આ જગત આધાર વિનાનું, ઈશ્વર વિનાનું, અસત્ય, અને કામરૂપ હેતુ વાળું છે.”અને તેથી કામનાઓ ભોગવે છે.(૮)

અને દંભ, મદ, માનથી છકીને, કદી તૃપ્ત ના થાય એવી કામનાઓ નો આશ્રય કરી, ખોટા આગ્રહો પકડીને ‘વિરુદ્ધ’કર્મો માં મચ્યા રહે છે.(૧૦)

‘આશા રૂપી’પશોથી બંધાયેલા તથા કામ-ક્રોધ માં પરાયણ રહેનારા આ મનુષ્યો અન્યાય થી ધન નો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરે છે.(૧૨)

તેઓ વિચારે છે કે”આજે આ મેં મેળવ્યું છે અને હવે બીજી કામના સફળ કરી બીજું મેળવીશ, આ શત્રુને મેં માર્યો અને હવે બીજાને મારીશ.હું વૈભવશાળી, પ્રતિષ્ઠાવાળો, બળવાન, સુખી, ધનિક, કુટુંબ કબીલા વાળો, અને કુળવાન છું. હું યજ્ઞ કરીશ, દાન દઈશ, હું જ સિદ્ધ છું “
આવી રીતે અજ્ઞાન થી મોહિત, અનેક પ્રકારે ભ્રમિત ચિત્ત વાળા, મોહજાળમાં ફસાયેલા અને વિષયભોગમાં આશક્ત થયેલા તે આસુરી લોકો નરક માં જ જાય છે.(૧૩-૧૬)

પુરુષ નો નાશ કરનાર ત્રણ -નરકનાં દ્વાર છે, -કામ, ક્રોધ અને મોહ. તેનો તરત જ ત્યાગ કરવો જોઈએ.(૨૧)

તેનાથી મુક્ત થયેલો મનુષ્ય આત્મા નું કલ્યાણ કરી પરમ ગતિ પામે છે.(૨૨)

જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, તે સિદ્ધિ કે પરમ સુખ મેળવી શકતો નથી.(૨૩)

કરવા યોગ્ય કે ના કરવા યોગ્ય કર્મો નો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે.માટે તેના મુજબ કરવા યોગ્ય કર્મ કરવા તે જ યોગ્ય છે.(૨૪) 

 

 

અધ્યાય-૧૭ -શ્રધ્ધાત્રય વિભાગ યોગ

અર્જુન-હે કૃષ્ણ, જે પુરુષો શાસ્ત્રવિધિ છોડી ફક્ત શ્રદ્ધા યુક્ત થઇ આપને ભજે છે, તેમની ભક્તિ કેવા પ્રકારનીસમજવી? સાત્વિક, રજસ કે તમસ? 

કૃષ્ણ- મનુષ્યની જે સ્વાભાવિક શ્રદ્ધા છે તે –સાત્વિક, રજસ અને તમસ એમ ત્રણ પ્રકારની હોય છે (૨)

સર્વને પોતપોતાના પૂર્વ સંસ્કાર અનુસાર શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, એ જે પ્રકારની શ્રદ્ધા થી યુક્ત હોય છે, તે તેવી જ યોગ્યતા નો હોય છે.(૩)

જેઓ સાત્વિક છે, તેઓ દેવોનું પૂજન કરે છે, 
જેઓ રાજસિક છે તેઓ રાક્ષસો-યક્ષો નું પૂજન કરે છે, અને 
તામસિક લોકો પ્રેત, ભૂતગણો નું પૂજન કરે છે.(૪)

રસાળ, ચીકણા, પૌષ્ટિક અને ચિત્તને રુચિકર આહાર સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે.(૮)

તીખા, ખાટા, લુખ્ખા, કડવા, અતિ ગરમ અને દાહ કરનારા આહાર રાજસી મનુષ્યોને પ્રિય છે(૯)

વાસી, ઉતરી ગયેલું, રસહીન, વાસવાળું અને અપવિત્ર ભોજન તામસી મનુષ્યોને પ્રિય હોય છે.(૧૦)

જે ફળની ઈચ્છા રાખ્યા વગર, કર્તવ્ય સમજી યજ્ઞ કરે તે સાત્વિક યજ્ઞ છે.(૧૧)

જે ફળની કામનાથી તેમજ દેખાડા માટે યજ્ઞ કરે છે તે રાજસિક યજ્ઞ છે.(૧૨)

જેમાં શાસ્ત્રવિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રધ્ધા નથી હોતા તેવા યજ્ઞને તામસિક યજ્ઞ કહે છે.(૧૩)

ફળની ઈચ્છા વિના, સમ ચિત્ત થી, ઉત્તમ શ્રદ્ધા થી કરેલા તપને સાત્વિક તપ કહે છે (૧૭)

પોતાની સ્તુતિ, માન, અને પૂજા થવાના હેતુથી, કેવળ દામ્ભિકતાથી કરેલા તપ ને રાજસિક તપ કહે છે.(૧૮)

અજ્ઞાનતાથી, હઠથી, વાણી-શરીરને કષ્ટ આપી, બીજાનું અનિષ્ઠ કરવાના હેતુ થી કરેલું તપ તામસિક છે.(૧૯)

દાન દેવું એ આપણું કર્તવ્ય છે, એવી બુદ્ધિ થી, 
બદલાની આશા વિના, યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, 
ઉપકાર પાછો વાળવા અસમર્થ હોય તેવી 
યોગ્ય વ્યક્તિને દાન અપાય તે સાત્વિક દાન છે.(૨૦)

બદલો મેળવવાની આશાએ, અથવા ફળની આશાથી કચવાતા મને આપેલા દાન ને રાજસિક દાન કહ્યું છે.(૨૧)

સત્કાર વગર, તુચ્છ ભાવથી, તિરસ્કારથી, અયોગ્ય દેશ-કાળમાં આપેલ દાનને તામસિક દાન કહ્યું છે(૨૨)

 

અધ્યાય-૧૮-મોક્ષસંન્યાસ યોગ

અર્જુન-હે કૃષ્ણ, હું સંન્યાસ અને ત્યાગ નું તત્વ અલગ અલગ જાણવા ઈચ્છું છું.(૧)

કૃષ્ણ-કામ્ય કર્મો (ફળની ઈચ્છા થી કરાતાં કર્મો)ના ત્યાગ ને જ્ઞાનીઓ ‘સંન્યાસ’ કહે છે.અને સર્વ કર્મોના ‘ફળ’ના ત્યાગ ને ‘ત્યાગ’ કહે છે.(૨)

ત્યાગ ત્રણ પ્રકારનો છે, કર્તવ્ય તરીકે નિયત થયેલાં કર્મોનો મોહ-અજ્ઞાન વશ ત્યાગ તે તામસિક ત્યાગ(૭)

કર્મો દુઃખરૂપ છે, એમ સમજી શારીરિક પીડાના ભયથી કર્મો નો ત્યાગ તે રાજસિક ત્યાગ(૮)

કર્તવ્ય કર્મ ને ધર્મ સમજી, આશક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરી કરેલો ત્યાગ તે સાત્વિક ત્યાગ (૯)

શરીર, મન અને વાણી વડે મનુષ્ય જે કઈ ધર્મ કે અધર્મ રૂપ કર્મ કરે છે તેના પાંચ કારણો—દેહ, જીવાત્મા, સાધનો, ક્રિયાઓ અને દૈવ છે.(૧૪-૧૫)

પણ ‘હું કર્તા છું’ એવો જેનામાં અહંકાર ભાવ નથી, અને ફળની ઇચ્છાથી જેની બુદ્ધિ લેપાતી નથી, તે જ્ઞાની સર્વ પ્રાણીઓને હણી નાખે, તો પણ ખરી રીતે તે મારતો નથી કે બંધન માં પડતો નથી.(૧૭) 

પછી ત્રણ જાતના (સાત્વિક, રાજસિક અને તામસિક )જ્ઞાન (૨૦-૨૨), કર્મ (૨૩-૩૫), કર્તા (૨૬-૨૮)બુદ્ધિ (૩૦-૩૨), ધીરજ(૩૩-૩૫)સુખ(૩૭-૩૯) બતાવ્યા છે.

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોના ‘કર્મો’ તેમના ‘સ્વભાવગત ગુણો’ અનુસાર અલગ અલગ વિભાગ કરવામાં આવ્યા છે(૪૧)
તેમના કર્મો નું વર્ણન (૪૨-૪૪) માં છે.

“અહંકાર અને મોહને લીધે તું યુદ્ધ કરવા ઈચ્છતો નથી પણ તારો ક્ષત્રિય સ્વભાવ અને તારા ‘સ્વભાવજન્ય’પૂર્વકર્મ નું બંધન તને વિવશ કરીને પણ યુદ્ધ કરાવડાવશે”(૫૯- ૬૦) 

સંસાર રૂપ યંત્ર પર 
પૂતળાની જેમ બેઠેલા સર્વ પ્રાણીઓ ને 
માયા વડે ભરમાવતો પરમાત્મા તે સર્વ પ્રાણીઓના હૃદય માં વસે છે, 
માટે સર્વ ભાવથી મારે શરણે આવ અને પરમ શાંતિ-મોક્ષ પ્રાપ્ત કર(૬૧-૬૨)

આ પ્રમાણે મેં તને ગુહ્યત્તમ જ્ઞાન કહ્યું, તેને તું બરાબર ‘વિચારીને’ પછી 
તારી ‘ઈચ્છા’ હોય તેમ કર (૬૩)

આ ગીતા શાસ્ત્ર નું ગૂઢ જ્ઞાન તારે કદી તપરહિત, ભક્તિરહિત, સાંભળવા નહિ ઈચ્છનારને, અને મારી અસૂયા (નિંદા) કરે છે, તેને કહેવું નહિ (૬૭)

અર્જુન-હે કૃષ્ણ, આપની કૃપાથી મારો મોહ સંપૂર્ણ પણે દૂર થયો છે, અને હવે શંશય વગરનો થઇ આપના કહેવા પ્રમાણે જ કરીશ (૭૩)
જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને જે પક્ષમાં ધનુર્ધારી અર્જુન છે, ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ વાસ કરે છે(૭૮)