Shrimad Bhagwadgeeta - 01 books and stories free download online pdf in Gujarati

શ્રીમદ ભગવદ્ ગીતા - ભાગ 1

અધ્યાય-૧ -અર્જુન વિષાદ યોગ

કૌરવો એ પાંડવોના રાજ્યભાગ ના હક્ક ની અવગણના કરી, 
કૃષ્ણ શાંતિદૂત બન્યા પણ સમજાવટ અસફળ રહી, 
રાજ્યભાગ માટે યુદ્ધ નો આરંભ થયો.
યુદ્ધની વચ્ચે ઉભેલા રથમાં અર્જુન અને સારથી કૃષ્ણ છે.


અર્જુને સામે લડનારા ઓ માં પોતાના સગા -સંબંધી ઓ ને જોયા (૨૬)

અને વિચારમાં પડી ગયો કે-- સ્વજનોનો વધ કરી મળેલી રાજ્ય પ્રાપ્તિ થી કયો આનંદ મલશે?
ખેદ-શોક થયો .અને તેનું શરીર ઢીલું પડી ગયું, મુખ સુકાણું અને શરીર માં કંપ થયો (૨૯) 
અને કૃષ્ણ ને કહે છે કે--"સામે ઉભેલા સગા-સંબધીઓ ભલે મને મારી નાખે પણ 
ત્રણે લોક ના રાજ્ય માટે પણ હું તેમણે મારવા ઇચ્છતો નથી (૩૫)
કારણકે કુળનો નાશ થતા કુલ ધર્મો નાશ પામે છે.કુળધર્મ નાશ થતાં કુળ અધર્મ માં દબાઈ જાય છે.(૪૦)
આમ શોક(વિષાદ) થી વ્યાકુળ અર્જુન ધનુષ્ય-બાણ છોડી બેસી ગયો (૪૭)

 

અધ્યાય-૨ -સાંખ્યયોગ

કૃષ્ણ કહે છે કે-જેનો શોક કરવા યોગ્ય નથી તેનો તુ શોક કરે છે.અને વાતો બુદ્ધિમાન ના જેવી બોલે છે.
પણ જે જ્ઞાની છે તે મરેલા(ગયેલાઓનો) કે જીવતા(નથી ગયા તેનો) નો શોક કરતા નથી.(૧૧)

આમ કહી તેમણે આત્મા નું -આત્માના અમરત્વ નું જ્ઞાન (સાંખ્ય, વેદાંત) આપવાની શરૂઆત કરી---

હે અર્જુન તુ અજ્ઞાન ના ઘોર અંધકારમાંથી જાગ.તુ બધા શરીરોને જુએ છે-- કે જે જન્મે છે અને મરે પણ--
શરીર માં રહેલ આત્મા કદી ઉત્પન્ન થતો નથી કે મરતો નથી.જેથી શરીર નો વધ થવાથી આત્મા નો નાશ નથી થતો .આવું આત્મા નું અવિનાશી, નિત્ય, અજન્મા, અને અવિકૃત રૂપ જે જાણી જાય છે 
તે- જ -સમજી શકે છે કે ----આત્મા ને કોઈ મારનાર નથી કે મરાવનાર નથી.

જેમ જુનાં વસ્ત્રો ઉતારી નવા વસ્ત્રો ધારણ કરાય છે તે પ્રમાણે આત્મા એક દેહ નો ત્યાગ કરી અન્ય શરીર નો સ્વીકાર કરે છે.(૨૦, ૨૧, ૨૨)

હવે કૃષ્ણ સ્વ-ધર્મ ની વાત કરે છે--

 

હે અર્જુન -તુ તારી ફરજ નિભાવ.એક ક્ષત્રિય તરીકે તારે તારી ફરજ કે - જે યુદ્ધ- છે તે કરવું જોઈએ.

કારણકે એક ક્ષત્રિય માટે --ધર્મ માટે યુદ્ધ કરવું -તેના કરતા કશું એ વિશેષ નથી.(૩૧)


જય-પરાજય, સુખ -દુઃખ, લાભ-હાનિ આ સર્વ ને સમાન ગણી યુદ્ધ માટે તૈયાર થા એટલે તને કોઈ પાપ લાગશે નહી (૩૮)

આમ --જ્ઞાન અને -સ્વ-ધર્મ -ની વાત પછી કૃષ્ણ “કર્મ ના જ્ઞાન “ ની વાત કરે છે.

હે અર્જુન તુ કર્મ નો જ (સ્વ-ધર્મ રૂપી યુદ્ધ ) અધિકારી છે, ફળ નો અધિકારી બનીશ નહી, 
અને કર્મ ફળ ની ઈચ્છા પણ કરીશ નહી.અને કર્મ નથી કરવું તેવો આગ્રહ પણ રાખીશ નહી.(૪૭)

"હું કર્મ કરું છું"તેવા અભિમાન નો ત્યાગ અને ફળ ની ઈચ્છા નો પણ ત્યાગ કરીને(અનાશક્ત થઈને)
શરુ કરેલું કર્મ પાર પડે કે ના પડે તો પણ તેનો હર્ષ કે શોક કરીશ નહી.સિદ્ધિ -અસીદ્ધિ માં સમતા થવી એને જ યોગ કહે છે.(૪૮) 

અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને ભ્રમ માં પડેલી બુદ્ધિ જયારે સ્થિર થાય(સ્થિત-પ્રજ્ઞ) થાય ત્યારે -જ-
સમતા રૂપી યોગ પ્રાપ્ત કરી શકીશ (૫૩)

કૃષ્ણ છેલ્લે સ્થિતપ્રજ્ઞ(સ્થિર બુદ્ધિ) ના લક્ષણો વર્ણવે છે.

જયારે મનુષ્ય મન માં રહેલી સર્વ કામના ઓ ત્યજી દે છે.અને આત્મા વડે આત્મા માં જ સંતોષ પ્રાપ્ત કરે છે.ત્યારે તે સ્થિત-પ્રજ્ઞ કહેવાય છે.(૫૫)

દુઃખ માં મન ઉદ્વિગ્ન ના થાય અને સુખમાં નિસ્પૃહ(અનાશક્ત) રહે, રાગ, ભય, ક્રોધ વગરનો હોય, સર્વત્ર સ્નેહ રાખતો હોય, અને સર્વ ઇન્દ્રીઓને, ઇન્દ્રીઓના વિષય માં થી સમેટી લે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
(૫૬-થી-૫૮)

અધ્યાય-૩-કર્મ યોગ

અર્જુન કહે છે –
આપ જો જ્ઞાન ને કર્મ કરતાં (કર્મ ને) વધારે સારું માનો છો 
તો મને આવા હિંસક કર્મ માં કેમ જોડો છો? આવું ગૂંચવણ ભર્યું બોલીને મને મૂંઝવો છો.
મને કોઈ એક નિશ્ચિત વાત કહો (૧-૨ )

કૃષ્ણ કહે છે કે-
આ દુનિયા માં બે માર્ગો છે.-
વિચાર કરનારા ઓ (સાંખ્યો)માટે જ્ઞાન યોગ અને 
કર્મ કરનારાઓ (યોગીઓ) માટે કર્મ યોગ(૩)

કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, 
પ્રકૃતિ (સાત્વિક, રાજસિક, તામસિક)ના ગુણો ને પરવશ દરેક ને કર્મ કરવા પડે છે.(૫)

અનાશક્ત ભાવથી અને નિષ્કામ બુદ્ધિથી સતત યોગ્ય કર્મ કરતાં રહી ---
શ્રેષ્ઠ પરુષો જેવાકે મહારાજા જનક- 
પરમ પદ પામ્યા હતા. 

શ્રેષ્ઠ પુરુષો જે જે કર્મો કરે તે લોકો માટે ઉદાહરણ બને છે.---

અને તે જો કર્મો ના કરે તો લોકો તેનું અનુકરણ કરે અને સામાન્ય જીવન નિર્વાહ ની સમાજ વ્યવસ્થા વિખરાઈ જાય.
મારે આ ત્રણે લોક માં કશું મેળવવાનું નથી છતાં હું કર્મ કરું છું.(૧૯-૨૪)

સર્વ પ્રકારના કર્મો પ્રકૃતિના ગુણો ના લીધે થાય છે.
પણ અહંકારી મનુષ્ય એમ માને છે કે ‘સર્વ કર્મો હું જ કરું છું’(૨૭)

જયારે જ્ઞાની મનુષ્ય પ્રકૃતિના ગુણોના વિભાગો અને તેથી થતા કર્મો ને જાણી-
શાંત રહી–કર્મો કરીને પણ તેમાં આશક્ત થતો નથી (૨૮)

(પ્રકૃતિ મુજબ કર્મો કરવાનો નિષેધ નથી પણ કર્મો કરતાં કરતાં માનવી મળેલા 
ફળ માં આશક્ત (રાગ) થાય છે.અને બીજા ઓ ને પાસે કર્મ નું ફળ વધુ છે તેનો દ્વેષ કરતો થઇ જાય છે.)

આ રાગ-દ્વેષ ને વશ ના થવું કારણકે તે અધ્યાત્મમાર્ગ ના વિઘ્નો છે.(૩૪)

પોતાની ફરજ સારી રીતે બજાવી કલ્યાણકારક સ્વ-ધર્મ નું આચરણ કરવું જોઈએ.(૩૫)

અર્જુન --
જીવ ને વિષયોની ઈચ્છા ના હોવા છતાં કોણ એને ધકેલીને પાપાચાર કરાવે છે?(૩૬)

કૃષ્ણ--
રજોગુણ થી ઉત્પન્ન થનારો ‘કામ’રૂપ અગ્નિ મનુષ્યનો નિત્ય નો વેરી છે.
તે જ્ઞાની નું વિવેક્જ્ઞાન ઢાંકી દે છે.(૩૭-૩૯)

ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ કામ ના આશ્રય સ્થાન છે.અને શરીરધારી માનવી ને ‘મોહ’ માં નાખે છે.જેથી તેનો ત્યાગ આવશ્યક છે.(૪૦-૪૧)

શરીર થી ઇન્દ્રિયો પર છે, 
ઇન્દ્રિયો થી મન પર છે, 
મન થી બુદ્ધિ પર છે. અને 
બુદ્ધિ થી પર ‘આત્મા’ છે. (૪૨)

માટે આ આત્માને બુદ્ધિ થી જાણી, 
બુદ્ધિ થી મનને વશ કરી, 
ઇન્દ્રિયો નો (વિષય)-‘કામ’રૂપી શત્રુનો 
તરત જ નાશ કર (૪૩)

 

અધ્યાય-૪-જ્ઞાન-કર્મ-સન્યાસ યોગ

કૃષ્ણ—આ કર્મયોગ મેં પહેલાં સૂર્યને કહેલો.સૂર્યે મનુને અને મનુએ ઇક્ષ્વાકુ ને કહેલો.જે પુષ્કળ કાળના વહી ગયા પછી નષ્ટ થયેલો જે આજે ફરીથી હું તને કહું છું.

અર્જુન— સૂર્ય તો પ્રાચીન કાળનો છે.તો તમે તેને આ યોગની વાત કહી હતી તે સાચી કેમ માની શકું? 

કૃષ્ણ—મારે જન્મ અને મૃત્યુ નથી.પણ મારી પોતાની પ્રકૃતિ અને માયાથી જયારે જયારે ધર્મ (સત્યો)નો નાશ અને અધર્મ (અસત્યો)ની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ધર્મ ના રક્ષણ અને અધર્મ ના નાશ માટે દરેક યુગમાં 
‘દેવ’રૂપે માનવ અવતાર લઉં છું.
માનવીઓ અજ્ઞાનતાથી આ વાત ભૂલી મને માત્ર જુદા જુદા દેવ (દેવી)રૂપે જ ઓળખે છે.(૬-૧૧)

જે મનુષ્ય કર્મ માં અકર્મ અને અકર્મ માં કર્મ ને જુએ છે તે બુદ્ધિમાન, યોગી છે.(૧૮) 

જે કર્મો નો આરંભ –સંકલ્પ અને ફળ ની ઈચ્છા વગરનો હોય—અને—જે કર્મો ને ‘જ્ઞાન’ ના અગ્નિ થી બાળી નાખે છે તે જ્ઞાની-યોગી-પંડિત છે.(૧૯)

આત્માનંદ માં તૃપ્ત અને-- ફળની ઈચ્છા નો, આશાનો તથા સંગ્રહ નો ત્યાગ કરી અનાયાસે જે મળે તેમાં સંતોષ માનનાર તથા હું અને મારું એવા દ્વંદ થી દૂર, સફળતા-અસફળતા અને રાગ દ્વેષ થી દૂર --રહેતો મનુષ્ય સંપૂર્ણ કર્મ કરતો હોવા છતાં કર્મો ના બંધન થી લેપાતો નથી.(૨૦-૨૨) 

જુદી જુદી જાતના યજ્ઞો માં યજ્ઞ નું સાધન, યજ્ઞ નું દ્રવ્ય, યજ્ઞનો અગ્નિ, યજ્ઞ કરનાર, યજ્ઞ ની પ્રક્રિયા અને યજ્ઞ નું ફળ –આ બધું જ ‘બ્રહ્મ’ છે.—એવું માનવું તે જ્ઞાનયજ્ઞ છે, જે શ્રેષ્ઠ યજ્ઞ છે.(૨૪-૩૩)

જે રીતે અગ્નિ લાકડાને બાળી નાખે છે તેમ ‘જ્ઞાન-અગ્નિ’—કર્મોને બાળી નાખે છે.(૩૭)

પરમ શ્રદ્ધાવાન, જ્ઞાન પ્રાપ્તિ માટે તત્પર, અને જીતેન્દ્રિય પુરુષ ‘જ્ઞાન’ ને પ્રાપ્ત થાય છે.અને -જે-થી પરમ શાંતિ મળે છે(૩૯)

અને આવા આત્મજ્ઞાનીને કર્મ નું બંધન પ્રાપ્ત થતું નથી (૪૧)

હે અર્જુન, અજ્ઞાનથી પ્રાપ્ત થયેલા હૃદય ના આ ‘શંશય’ ને 
“જ્ઞાન રૂપી” શસ્ત્રથી વધ કરી --
સર્વ ઈશ્વરને અર્પણ કરનાર 
“કર્મ યોગ” નું 
પાલન કર અને યુદ્ધ માટે ઉભો થા (૪૨)

 

અધ્યાય-૫-કર્મ સન્યાસયોગ

અર્જુન –તમે કર્મોના સન્યાસ અને કર્મયોગ બન્નેની પ્રશંસા કરો છો, માટે આ બન્ને માં થી સારું શું તે મને નિશ્ચિતપણે કહો.(૧)

કૃષ્ણ---આ બન્ને મોક્ષદાયક છે, પરંતુ બન્નેમાંથી કર્મયોગ –કર્મસન્યાસ યોગ કરતાં વધારે ઉંચો છે (૨)

અજ્ઞાનીઓ જ સાંખ્ય અને (કર્મ)યોગ ને જુદા કહે છે.જો કોઈ પણ - એકમાં પણ સારી રીતે સ્થિર થાય તો તેને બન્ને નું ફળ મળે છે (૪)

ઇન્દ્રિયોના બધા કર્મો કરતો હોવા છતાં પણ –‘ઇન્દ્રિયો પોતપોતાના વિષય માં પ્રવૃત થાય છે’ એમ સમજીને ‘હું કાંઈ જ કરતો નથી’ એવું યોગયુક્ત તત્વવેતા માને છે.(૮-૯)

જગત માટે ઈશ્વર –કર્તાપણું કે કર્મ ઉત્પન્ન કરતો નથી, અને નથી કર્મ અને ફળને જોડતો. કાર્ય કરનાર પ્રકૃતિ(માયા) છે. (૧૪)

ઈશ્વર નથી કોઈના પાપ લેતો કે નથી કોઈના પુણ્ય લેતો .(૧૫)

પરબ્રહ્મ માં જેમની બુદ્ધિ સ્થિર થઇ છે, જે પરબ્રહ્મને જ પોતાનો આત્મા માને છે, અને પરબ્રહ્મ માં જ પૂર્ણ નિષ્ઠા રાખે છે એવા યોગી ને આત્મજ્ઞાન નું સુખ મળે છે.અને તેના પાપ નષ્ટ થાય છે.અને તે એવા સ્થળે જાય છે જ્યાંથી પાછા ફરવાનું રહેતું નથી.(૧૭)

બ્રાહ્મણ, ગાય, કૂતરાં અને ચાંડાલ, --આ સર્વ માં આત્મનિષ્ઠ પુરુષ બ્રહ્મ ને જુએ છે.(૧૮)

બાહ્ય  વિષયોમાં આશક્તિ નહી હોવાથી તેને આત્મા માં સુખ જડે છે. અને બ્રહ્મ ના ચિંતન માં રહીને તે અનંત સુખ મેળવે છે.(૨૧)

ઇન્દ્રિયો અને તેના વિષયોના સંયોગ થી થનારા ભોગો (સુખાનુભવ)—તે સર્વ –ઉત્પત્તિ અને નાશ ને આધીન હોવાથી તે પાછળથી દુઃખ ના કારણ બને છે. એટલે જ્ઞાની પુરુષો તેમાં આનંદ માનતા નથી.(૨૨)

બાહ્ય વિષયો (શબ્દો-વગેરે)ને હૃદય માંથી બહાર કાઢી નાખી, ---- 
ભ્રકૃટી માં દ્રષ્ટિ સ્થાપન કરી---
નાકમાં પ્રાણ-અપાન ને સમાન કરી, ----
ઇન્દ્રિયો, મન, બુદ્ધિ ને પોતાના વશ માં લઇ, ---
ઈચ્છા, ભય, અને ક્રોધ નો નાશ કરી ---
જે યોગી મોક્ષ ને જ પોતાનું અંતિમ ધ્યેય માને છે, તે સદા મુક્ત જ છે.(૨૭-૨૮)

અધ્યાય-૬ --અધ્યાત્મ યોગ

કૃષ્ણ કહે છે કે –ફળની આશા વગર પોતાનું કર્તવ્ય કર્મ કરનાર તે સંન્યાસી અને યોગી છે.
સંકલ્પ નો સંન્યાસ(ત્યાગ)કર્યા વિના યોગી થઇ શકતું નથી.
યોગ પ્રાપ્તિ માટે યોગીને ‘કર્મ’ એ ‘સાધન’ છે.
તેજ યોગી યોગ પ્રાપ્ત કરે પછી ‘શમ’(કર્મત્યાગ) એ ‘સાધન’ છે (૧-૩)

માનવે આત્મા વડે જ આત્મા નો ઉદ્ધાર કરવો, 
પોતાના આત્માને અધોગતિ તરફ લઇ જવો નહિ, 
કારણકે આત્મા જ આત્માનો મિત્ર અને આત્મા જ આત્માનો શત્રુ છે.
માટે આત્મા વડે આત્મા ને જીતવો જોઈએ .(૫-૬)

પવિત્ર પ્રદેશ માં આસન લગાવી, મનને એકાગ્ર કરી, ઈન્દ્રિયોને જીતી, સ્થિર થઇ, --શરીર, મસ્તક અને ગરદન ને સીધા રાખી –નાસિકના અગ્ર પર દ્રષ્ટિ રાખી, નિર્ભય થઇ, બ્રહ્મચર્ય વ્રત આદરી, --પ્રભુનું ચિંતન અને પ્રભુ પારાયણ થઇ, --ધ્યાનસ્થ થઇ યોગાભ્યાસ કરવો જોઈએ (૧૧ -૧૪)

અતિ આહાર, અતિનિદ્રા કે નિરાહાર અને અતિજાગ્રત રહેનાર ને યોગ સાધ્ય નથી.
પ્રમાણસર સમતા રાખવી જોઈએ (૧૬-૧૭)

સંકલ્પ થી થનાર વાસનાનો ત્યાગ, 
મનથી ઈન્દ્રિયોને જીતી આત્મ સ્વ-રૂપમાં સ્થિર થવું.અને
અસ્થિર, ચંચળ મન જે જે સ્થળે જાય ત્યાંથી તેને નિગ્રહ વડે આત્મ સ્વ-રૂપમાં સ્થિર કરવું.(૩૫-૩૬ )

જેની સર્વત્ર સમદ્રષ્ટિ થઇ જાય તેવો યોગી સર્વ ભૂતોમાં પોતાના આત્માને જુએ છે 
અને પોતાના આત્મામાં સર્વ ભૂતોને જુએ છે.
તેની દ્રષ્ટિ થી હું દૂર થતો નથી અને મારી દ્રષ્ટિ થી તે દૂર થતો નથી.(૨૯-૩૦)

અર્જુન—હે કૃષ્ણ, તમે આ સમત્વ યોગ કહ્યોપણ 
આ મન અતિ ચંચળ છે અને તેનો નિગ્રહ કરવો તે વાયુને અટકાવવા જેવું અઘરું છે.(૩૪)

કૃષ્ણ –હે અર્જુન, તારી વાત સાચી છે.પણ 
‘અભ્યાસ ‘અને ‘વૈરાગ્ય ‘ થી એ મન સ્વાધીન થઇ શકે છે.(૩૫)

અર્જુન—હે કૃષ્ણ, શ્રધ્ધાવાળો હોવા છતાં જાત પર કાબુ ના રાખી શકતો હોય અને જેનું મન, યોગ થી દૂર ભટકતું હોય તેની શી ગતિ થાય છે?

કૃષ્ણ—હે અર્જુન, યોગની ઈચ્છા રાખનાર અને સત્કૃત્યો કરનાર દુર્ગતિ પામતો નથી પણ 
ફરીથી તે પવિત્ર અને શ્રીમંત કુટુંબ માં જન્મે છે, અને 
પુનર્જન્મ ની યોગ બુદ્ધિ નો ફરી વિકાસ કરી યોગ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.(૪૩-૪૪ )

તપસ્વી, જ્ઞાની તથા કર્મ કરનાર કરતાં પણ યોગી અધિક શ્રેષ્ઠ છે, માટે હે અર્જુન, 
તું યોગી થા.(૪૬)

બીજા રસપ્રદ વિકલ્પો