misguided books and stories free download online pdf in Gujarati

ગુમરાહ

ગુમરાહ

- રાકેશ ઠક્કર

બોલિવૂડ દક્ષિણની ફિલ્મો પાછળ ખરેખર 'ગુમરાહ' થઇ રહ્યું છે. 2023 માં કાર્તિક આર્યનની 'શહજાદા' અને અજય દેવગનની 'ભોલા' પછી હવે આદિત્ય રૉય કપૂરની રીમેક 'ગુમરાહ' પણ નિરાશ કરી ગઇ છે. તમિલ ફિલ્મ 'થડમ' ની હિન્દી રીમેક ફિલ્મ 'ગુમરાહ' નો હીરો આદિત્ય કોઇ મોટો સ્ટાર નથી એટલે એને સમીક્ષકોના વધારે સ્ટાર મળ્યા નથી. 'ભોલા' માં અનેક ખામીઓ હોવા છતાં અજયના ઘણા વખાણ થયા હતા અને પાંચમાંથી ચાર સ્ટાર અપાયા હતા. છતાં બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી. જ્યારે એની સાથે રજૂ થયેલી દક્ષિણના નાનીની 'દસરા' ની કમાણી વધુ હતી. દબંગ માં સહાયક નિર્દેશક રહેલા વર્ધન કેતકરનું નિર્દેશન ખાસ નથી અને આદિત્ય રૉય કપૂર- મૃણાલ ઠાકુરની જોડી પણ દર્શકોને આકર્ષી શકી નથી.

વાર્તા એવી છે કે દિલ્હીમાં એક સોફ્ટવેર એન્જીનીયરની હત્યા થઈ જાય છે. તેની તપાસ એસીપી યાદવ (રોનિત રૉય) અને શિવાની માથુર (મૃણાલ ઠાકુર) કરતા હોય છે. બહુ તપાસ પછી પણ કોઈ કડી હાથ લાગતી નથી. અનેક પ્રયત્ન પછી શિવાનીને પડોશના એક યુગલ પાસેથી સેલ્ફી મળે છે. જેમાં હત્યારાનો ચહેરો દેખાય છે. એ પુરાવાના આધારે પોલીસ અર્જુન સહગલ (આદિત્ય રૉય કપૂર) ની ધરપકડ કરે છે.

કેસ ઉકેલાઈ ગયો હોવાનું પોલીસ માને છે ત્યારે મારામારી કરવાના કેસમાં રૉનીને લાવવામાં આવ્યો હોય છે. તેનો ચહેરો જોઈને પોલીસ ચોંકી જાય છે. એનો ચહેરો અર્જુન જેવો હોય છે. વધારે તપાસ પછી હત્યાના પુરાવા બંને પાસેથી મળતા પોલીસ ચક્કર ખાઈ જાય છે. જેમ જેમ વાર્તા આગળ વધે છે એમ પોલીસ માટે એ સાબિત કરવાનું મુશ્કેલ બને છે કે સાચો ખૂની કોણ છે? એટલું જ નહીં એણે સોફ્ટવેર એન્જીનીયરની હત્યા કેમ કરી હતી? અને બંને એકસરખા ચહેરા ધરાવતા આરોપીઓ વચ્ચે શું સંબંધ છે? સજા કોને મળે છે? એ બધું જ જાણવા માટે ફિલ્મ જોવી પડે એમ છે.

તમિલ 'થડમ' ને તેલુગૂમાં રેડ નામથી બનાવવામાં આવી ચૂકી છે ત્યારે એની હિન્દી નકલ કરવામાં નિર્દેશકે વધારે અક્કલ વાપરી નથી. એમનું ધ્યાન એક મસાલા ફિલ્મ બનાવવા પર રહ્યું છે. પોલીસની પાસે એક જ ચહેરાના બે વ્યક્તિ હાજર થાય છે એમાં કોણ ખૂની છે અને કોણ નિર્દોષ એ શોધવાનું મુશ્કેલ બને છે. પહેલા ભાગની વાર્તામાં એવો ગૂંચવાડો છે કે ખુદ દર્શક ગુમરાહ થાય છે. બાકી હોય એમ અડધા કલાકમાં ત્રણ ગીત ઘૂસાડવામાં આવ્યા છે. સ્ક્રીનપ્લે ઘણી જગ્યાએ નબળો લાગે અલબત્ત જેણે 'થડમ' જોઇ નથી એના ક્લાઇમેક્સમાં પૈસા વસૂલ થઇ જાય છે. વિચાર ના કર્યો હોય એવું રહસ્ય ખૂલે છે. પહેલા ભાગમાં મહેનત કરવાની જરૂર હતી. બીજા ભાગમાં નિર્દેશકનો ખરો કમાલ જોવા મળે છે. દર્શકોના મગજ ઘણા દ્રશ્યોમાં ચકરાવે ચઢી જાય એવા વળાંક પણ છે. ઈમોશનલ પક્ષ નબળો હોવાથી દર્શકો પાત્ર સાથે બહુ જોડાઈ શકતા નથી. આદિત્ય એક્શન દ્રશ્યોમાં જામે છે પરંતુ ઈમોશનલ દ્રશ્યોમાં ખાસ પ્રભાવિત કરી શકતો નથી. તમિલ અભિનેતા અરુણ વિજયને જેણે 'થડમ' માં જોયો છે એને આદિત્ય ડબલ રોલમાં સામાન્ય લાગશે. 'થડમ' માં પહેલી વખત બંને હમશકલ સામસામે થાય છે અને અંતમાં એકબીજાને ખુલાસો કરે છે એ દ્રશ્યોમાં 'ગુમરાહ' અસર છોડી શકતી નથી.

આદિત્યએ પોતાની ભૂમિકા માટે અત્યાર સુધીનો શ્રેષ્ઠ અભિનય જરૂર આપ્યો છે. એક જ ફિલ્મમાં એકસરખા ચહેરા સાથે દર્શકને વિશ્વાસ અપાવવાનો કે એ બંને અલગ છે એ બતાવવાનું કામ સરળ નથી. એને આદિત્યએ સારો અંજામ આપ્યો છે. તેણે પોતાની પ્રતિભા બતાવવા રીમેક ફિલ્મની પસંદગી કરીને ભૂલ કરી છે. રોનિત રૉય આ પ્રકારની પોલીસની ભૂમિકાઓમાં જ જોવા મળતો હોવાથી એને ન્યાય આપવામાં કોઈ ચૂક થતી નથી. બીજી હીરોઈન વેદિકા પોતાની ઓળખ ઊભી કરી શકી છે. એક સસ્પેન્સ થ્રીલર તરીકે ફિલ્મ પૂરા માર્કસ લઈ જાય છે. પણ જો રીમેક ના હોત તો હજુ વધુ આકર્ષી શકી હોત.

બીજા રસપ્રદ વિકલ્પો