Everything everywhere all at once books and stories free download online pdf in Gujarati

એવરીથીંગ એવરીવેર ઓલ એટ વન્સ

ફિલ્મ રીવ્યૂ : Everything Everywhere All at Once

શું વધું મહત્વનું? એકલ જીત કે સહસફર?

શું વધું તર્કબધ્ધ? તીવ્ર ચિંતા કે નિજાનંદી બેફિકરાઇ?

શું વધું સ્વીકાર્ય? ભાગ્ય ઘડવાની મથામણ કે ભાગ્યમાં આવે તેની સજાવટ?

જીવન અવઢવોથી ભરેલું હોય છે? કે લાગણીઓની તીવ્રતાનું વમળ જીવન વલોવતું હોય છે?

સૌના જવાબ અલગ હોઈ શકે પણ ફિલ્મમાં રજૂ થયેલ સંદેશ સ્પષ્ટ છે. સરળ અને સહજ જણાતી ફિલોસોફી જેવો સંદેશ એટલો બધો જટિલ રીતે રજૂ થયો છે કે ધીરજ ન રાખો તો સંદેશ સુધી ફિલ્મ જોઈ નહીં શકો.

આ ફિલ્મ જરા ટેઢી ખીર છે. અહીં ફિલ્મ તમારા દિમાગનું દહીં પણ કરશે અને પછી દહીંની લસ્સી અને પછી છાશ પણ કરશે. હા, પછી રીતસરના રોલરકોસ્ટર રાઇડ સમાન દૃશ્યોની ભરમારથી તમારી ઊંચીનીંચી થઈ ગઈ ગયેલી સમજણશક્તિ તથા હેતુ કે પરિણામની આશાએ થાકેલી સહનશક્તિને સંદેશરૂપી માખણનો લેપ પણ લગાવશે.

આ ફિલ્મને ત્રણેક ભાગમાં વહેંચીને સમજીએ તો પ્રથમ ભાગ તો જાણે એક બિલ્ડીંગમાં જ દિમાગ ચકરાવે ચડાવશે. જેમાં ફિલ્મનું મૂળ કલેવર એક્શન છે કે પછી રહસ્ય, તે અંગે તમે સતત વિચારતા રહેશો. જરાક કંટાળો પણ આવી શકે પણ છોડતા નહીં.

બીજા ભાગ તરીકે ફિલ્મનો લાંબો મધ્ય ભાગ ગણી શકાય. અહીં પેલી રોલર કોસ્ટર રાઇડ તમને સતત જકડેલા રાખશે. મગજ પણ વ્યસ્ત રહેશે.

ત્રીજા ભાગ તરીકે જે બચ્યું એમાં ક્યારેક શાંતિથી તો ક્યારેક ઉતાવળથી પણ ધીમેધીમે ફિલ્મનો મૂળ સંદેશ તમારી સમક્ષ રજૂ થશે. જે જોઈને તમારું રીતસરનું થાકેલું મગજ સમય બગડ્યો નથી અને આ તો અદ્ભૂત વાત અદ્ભુત રીતે કહી મુજબ સહમત થશે.

આમ, મારી રીતે ઉક્ત મુજબ ફિલ્મને ત્રણ ભાગમાં વહેંચી શકાય. ફિલ્મમાં પણ ત્રણ ભાગ ચેપ્ટર રૂપે પાડેલા જ છે. જેની લંબાઈ સમાન નથી પણ ભાગ પાડવાની બાબત રસપ્રદ છે. પ્રથમ ભાગનું નામ "એવરીથીંગ" બીજા ભાગનું નામ "એવરીવેર" અને ત્રીજા ભાગનું નામ "ઓલ એટ વન્સ" રાખ્યું છે.

ફિલ્મમાં ઢગલો બાબતો વિશે કહેવું જરૂરી બની જાય છે. દરેક વિશે ટૂંકમાં કહું તો,

માની લો કે કોઈ ડિરેક્ટરને દસેક વર્ષથી એક્શન ફિલ્મ બનાવવી હતી, લટકામાં એક્શન સિકવન્સ પણ ડિરેક્ટ કરવાની ખુજલી હતી પણ જે ફિલ્મ ડિરેક્ટ કરવા મળે તેમાં એક્શન જ ન હોય અને પછી અચાનક એક ફિલ્મ એવી મળે કે જેમાં અચાનક "ઇચ્છો એટલી અને ઇચ્છો એવી એક્શન રાખો" મુજબની છૂટ મળે તો શું થાય? બસ, જાણે કંઈક આવી જ માનસિકતાથી એક્શન ઠાંસીને ભરેલું છે. જોકે મોટાભાગના એક્શન દૃશ્યો નજીક નજીકની લડાઈ, છૂટાહાથની લડાઈ, જરા સુપરપાવર છતાં બંધ જગ્યાની અંદરની લડાઈ વગેરે મુજબ જ છે. જાતજાતના અને ભાતભાતના માનસિક તરંગો દોડાવીને મગજ ચકરાવે ચડાવી દેશે. ઘણાં દૃશ્યો વિકૃત કે બીભત્સ પણ છે.

કોસ્ચ્યુમ અથવા કપડાં અથવા ગેટઅપમાં પણ જાણે વેશભૂષાનું આખું ગોડાઉન ઠલવી દીધું છે. મેકઅપનું પણ એવું જ સમજો.

વિવિધ પાત્રો કે પાત્રોના વિવિધ સ્વરૂપોની પણ ભરમાર છે. હકીકતમાં એકથી વધુ દુનિયા મતલબ મલ્ટીવર્સ દર્શાવીને દરેક દુનિયામાં સમાન પાત્રોના જીવનની વિવિધતા, સંબંધો, લાગણીઓ, નિર્ણયો વગેરેના અઢળક તાણાવાણા ગૂંથીને ઝીણું વણાટકામ રજૂ કર્યું છે.

ફિલ્મમાં એટલા બધાં દૃશ્યો છે કે ફિલ્મ જોઈ ત્યારે જ એડિટિંગનું કામ પડકારરૂપ હશે અને છતાં સરસ કામ થયું છે તેવો અનુભવ થયો હતો. આથી જ જ્યારે ઓસ્કાર એવોર્ડ ૨૦૨૩ની યાદીમાં આ ફિલ્મને "શ્રેષ્ઠ એડિટિંગ" નો એવોર્ડ મળ્યો તે જોયું ત્યારે નવાઈ ઓછી અને સંતોષ વધુ થયો.

ફિલ્મમાં હીરોઇનના ભાગે થકવી નાંખનારું ઘણું કપરું કામ આવ્યું છે. હીરોઇનના સતત વિવિધ અવતાર જો પ્રેક્ષકની આંખો અને મગજને થકવી નાંખે તો ખુદ કલાકારની શું હાલત થઈ હશે! જેમાં હીરોઇન ફુલ માર્ક સાથે સફળ રહી છે. આવું જ અન્ય ત્રણ પાત્રો માટે પણ કહી શકાય તેમ છે. તેઓના ભાગે પણ આ મલ્ટિવર્સના બહુરંગ દર્શાવતી ફિલ્મમાં શારીરિક અને માનસિક કસોટી કરતાં ઢગલો શેડ સાથેનું કામ ભાગમાં આવ્યું અને સરસ રીતે નીભાવ્યું પણ ખરું. આ તમામ ચાર મુખ્ય પાત્રોની મહેનત અને ગુણવત્તાની નોંધ યોગ્ય રીતે લેવાઈ અને ચારેય કલાકારોને અલગ અલગ ત્રણ કેટેગરીમાં અભિનય માટે ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેશન મળ્યું જેમાંથી ત્રણેય કેટેગરીમાં એવોર્ડ પણ મળ્યો.

મુખ્ય અભિનેત્રી મિશેલ યો (Michelle Yeoh / Michelle Khan) ૬૦ વર્ષે પણ જે ગુણવત્તાથી એક્શન દૃશ્યો અને વિવિધ લાગણીઓ સાથેના અભિનયનો ભાર ઝીલી શકે છે તે જોઈને નવાઈ લાગશે. આ મલેશિયન મૂળની અભિનેત્રીએ અગાઉ "ટુમોરો નેવર ડાઇઝ", "ક્રાઉચિંગ ટાઇગર હીડન ડ્રેગન", "Shang-Chi and the Legend of the Ten Rings" વગેરે ફિલ્મોમાં મજબૂત એક્શન અને સરસ અભિનયનો પરચો આપેલ છે.

ફિલ્મને ઓસ્કાર એવોર્ડની કુલ દસ કેટેગરીમાં કુલ-૧૧ નોમિનેશન મળ્યાં હતાં.
(શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે આ ફિલ્મની બે અભિનેત્રીને નોમિનેશન મળ્યું જેમાંથી એક વિજેતા રહી) જેમાંથી તે સાતમાં વિજેતા બની.
(૧) શ્રેષ્ઠ ફિલ્મ : વિજેતા
(૨) શ્રેષ્ઠ ડિરેક્ટર : વિજેતા
(૩) શ્રેષ્ઠ અભિનેત્રી : વિજેતા
(૪) શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી : વિજેતા
(૫) શ્રેષ્ઠ સહાયક અભિનેતા : વિજેતા
(૬) શ્રેષ્ઠ ઓરિજીનલ સ્ક્રિનપ્લે : વિજેતા
(૭) શ્રેષ્ઠ એડિટિંગ : વિજેતા
(૮) શ્રેષ્ઠ ઓરિજીનલ સ્કોર : નોમિનેશન
(૯) શ્રેષ્ઠ ઓરિજીનલ ગીત : નોમિનેશન
(૧૦) શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન : નોમિનેશન

ઓસ્કાર એવોર્ડના નોમિનેશન અને પરિણામની આ યાદી વાંચ્યા બાદ ફિલ્મની ટેકનિકલ ગુણવત્તા વિશે તો ખાસ ચર્ચા કરવાની રહેતી નથી. માણશો એટલે જાણશો જ.

ખાસ વાત સંદેશ અંગે કરવાની રહે. શરૂઆતમાં પૂછેલાં ચાર-પાંચ પ્રશ્નો ફરીથી વાંચી લો. બધું જ નિયંત્રણમાં હોય, ભવિષ્ય પણ ખબર હોય, સંભવિત મૃત્યુ સિવાયની કોઈ તકલીફ ન હોય એવું જીવન ગમશે! રસપ્રદ લાગશે! કે પછી ભલે વ્યક્તિગત ખામીઓ કે મર્યાદાઓ સાથે પણ અજાણી સફર પર આવતા વળાંકો માણીને સતત રોમાંચીત થતાં રહીને જીવન વહન કરવાનો સહજ આનંદ ગમશે? જરા વધુ ઊંડાણમાં એમ પણ વિચારી શકાય કે અન્યોને ભલે સારા ઇરાદે કે લાગણીવશ થઈને પણ સતત સલાહ, સૂચન, સવલત, સુરક્ષા વગેરેનો ઢગલો કરીને અજાણતા ગૂંગળાવી નાંખવાનું પસંદ કરશો કે કુદરત પર ઘણું છોડીને સહજ મોકળાશ આપવાનું પસંદ કરશો? વગેરે વિચારયાત્રા કરાવતી ફિલ્મ છે.

વિચારયાત્રામાં સહાયતા માટે ઢગલો ફિલોસોફીવાળા વાક્યો હાજર છે. જેમ કે,(યાદ રહ્યા મુજબ)
- આપણે સતત ગોળ ગોળ ફરીએ છીએ.
- મોટાભાગના સમયે બધું નાટક ચાલતું હોય છે. બહુ ઓછા સમયે આપણને સત્ય સમજાય છે.
- હંમેશા એકબીજા સાથે પ્રેમથી રહેવું જોઈએ, ખાસ કરીને ત્યારે કે જ્યારે આપણને ખબર જ ન હોય કે શું ચાલી રહ્યું છે.
- (દીકરી તેની માતાને) હું અલગ દુનિયામાં તમને મળીશ. જ્યાં તમારી દીકરી વધુ સારી હશે. અહીં તો આપણે ગણ્યાંગાંઠ્યાં સમયે જ મળીએ છીએ કે જેનો પણ કોઈ અર્થ નથી હોતો. (દીકરીને સતત એમ લાગતું હોય છે કે તેની માતાને તે પર્ફેક્ટ નથી લાગતી)

હમણાં ભારતીય ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે ચાળીસ મિનિટની એક આઇફોનથી શૂટ કરેલી ફિલ્મ બનાવી "ફુરસત". આ ફિલ્મમાં હીરો પાસે ભવિષ્ય દર્શાવતું યંત્ર હોય છે, પણ હીરો સહજ જીવન જીવવા માટે છેવટે યંત્રનો નાશ કરે છે. એ જ રીતે આ ફિલ્મમાં પણ અમુક પાત્રો ઘણું દોડ્યા, રખડ્યા, પડ્યા, જાણ્યા બાદ છેવટે સહજ બનવાનો નિર્ણય લેતી વખતે મૂળ તો સ્થિતિના ઘડતરને બદલે સ્વીકારની દિશામાં જ આગળ વધે છે.

હીટ કે પછી?... હીટ તો ખરી પણ માસ એન્ટરટેઇનર નથી બની શકી. મતલબ વખાણ ઘણાં થયા છતાં બિઝનેસની દૃષ્ટિએ બ્લોકબસ્ટર ના બની.

જોવાય કે પછી?....
- હા, પણ ફેમિલિ સાથે નહીં.
- જો સંદેશ રજૂ કરવાની કાવ્યાત્મક શૈલીનો એક્શન પ્રયોગ ઉત્તમ રીતે માણવો હોય તો હા.
- જો શરૂઆતમાં તથા વચ્ચે પણ જરા કંટાળો આવે તોપણ ધીરજ રાખીને સળંગ જોવાની ઇચ્છા હોય તો હા. કોઈ માથું દુખે એવા કંટાળાની વાત નથી, જરાક હવે મૂળ મુદ્દા પર ક્યારે આવશે - મુજબની ધીરજની કસોટી થાય છે ફિલ્મમાં. બાકી, એક્શન દૃશ્યો અને કોમેડી સતત રસ જાળવી રાખશે.
- શા માટે ઓસ્કાર એવોર્ડનો ઢગલો થઈ ગયો તે જાણવું હોય તો હા.
- ઘડીકમાં સરળ તો ઘડીકમાં ગૂઢ લાગતી આ વિચારયાત્રાનો અર્ક કાવ્યાત્મક એક્શનના સહારે અને ક્યારેક મગજ ઝકઝોળતા તર્ક તો ક્યારેક બે પથ્થર જેવા સરળ ઉદાહરણ સાથે પણ સમજાવવા મથતી આ ફિલ્મ માણીને જાણવા જેવી છે.

ફિલ્મ જોયા બાદ કદાચ શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન‘ની ગઝલની નીચે મુજબની ઝલક યાદ આવશે.

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

***
હિતેષ પાટડીયા, તા.૨૧/૩/૨૦૨૩

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED