આવરણ ખુલ્લી આંખે અંધારપટ Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ટચૂકડી ક્ષણ છે જીંદગી

    થોડા દિવસો પહેલા મારા કાકા નું નાની ઉંમર માં હાર્ટ એટેક આવવા...

  • ભીતરમન - 27

    હું બાપુનું કામ જોઈ રહ્યો હતો અને મન અચાનક વિચારે ચડી ગયું હ...

  • ખજાનો - 15

    ચારેયના મનમાં એક જ પ્રશ્ન થતો હતો કે ,“હવે શું કરશું ?” માથા...

  • ભાગવત રહસ્ય - 47

    ભાગવત રહસ્ય-૪૭   નારદજી કહે છે કે-સાંભળો.હું સાત-આઠ વર્ષનો હ...

  • શું પુનર્જન્મ સત્ય છે?

    પુનર્જન્મ છે કે નહીં તે વિશેની અનેક તાર્કિક અને ધાર્મિક માન્...

શ્રેણી
શેયર કરો

આવરણ ખુલ્લી આંખે અંધારપટ

ગુજરાતી સાહિત્ય રસિકોમાં દક્ષિણ ભારતીય સાહિત્ય વિશે ખાસ જાગૃતિ નથી. જ્યારે ગૂગલ સર્ચ કરી ત્યારે ઍક નામ મળ્યું લેખક ડૉ. સંતેશિવારા લિંગાનૈયા ભૈરપ્પા. જેમને લોકો ડૉ.એસ.એલ.ભૈરપ્પા તરીકે ઓળખે છે, ભૈરપ્પાજી કન્નડ ભાષામાં લખે છે ઉપરાંત
હિન્દીમાં પણ લોકપ્રિય નવલકથાઓ આપી છે. પરંતુ, મોટાભાગના પુસ્તકો ઈતર ભાષામાં પ્રકાશિત થયા છે.

તેમના ઘણાં પુસ્તકો અને મળેલાં સન્માન એક બ્લોગમાં સમાવવા એટલે શક્ય નથી કારણકે તેની યાદી લગભગ છ કે સાત પાનાં ભરીને છે.

તેમની સૌથી ચર્ચાસ્પદ રહેલ નવલકથા છે આવરણ.
આ પુસ્તકમાં શું છે? શા માટે વાંચવું જોઈએ?

આવરણ મૂળ કન્નડમાં છે , જે વિવિધ ભાષામાં અનુવાદ થઇ છે. ગૂગલ એવી માહિતી આપે છે કે વિવિધ ભાષામાં તેની 38 જેટલી આવૃત્તિ પાંચ વર્ષમાં થઇ ચૂકી હતી.

નવલકથાની શરૂઆત તુંગભદ્રા બંધના સરકારી અતિથિગૃહના ઉપરના માળની બારીમાંથી બહાર જોઈ રહેલી રઝિયાથી થાય છે. તે અસ્વસ્થ છે. શું છે તેની અસ્વસ્થતાનું કારણ ? આ વર્ણનથી શરુ થાય છે નવલકથા .

લગ્ન 28 વર્ષ થઇ ચુક્યા છે. દંપતી પ્રૌઢવસ્થામાં પ્રવેશી રહ્યું છે. પતિ આમિર ફિલ્મમેકર્સ છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવે છે. જેમાં રિસર્ચ અને સ્ક્રિપ્ટ રાઇટિંગનું કામ રઝિયાનું છે. દંપતી હમ્પી આવ્યું છે, કારણ છે ફિલ્મ મેકિંગ માટે. કેન્દ્ર સરકાર દ્વારા દંપતીને હમ્પી પર ડોક્યુમેન્ટરી બનાવવાનું કામ સોંપાયું છે. એને માટે કરેલી રિસર્ચ છે રઝિયાનું અવસાદનું મૂળ. હમ્પીના મંદિરો અને તેમાં થયેલ તોડફોડ રઝિયાના દિલમાં પહેલીવાર ઉત્પાત સર્જે છે. કારણ ? રઝિયાનો પ્રશ્ન એ છે કે આ ડોક્યુમેન્ટ્રીમાં ચીલાચાલુ પ્રચલિત વાત લખવી કે પછી સત્ય ઉજાગર કરવું ? એ સત્ય જે તેને પોતાના સંશોધન અભ્યાસ પછી સમજાયું છે. સાચી વાતનું અર્થઘટન કેમ કરવું ? કારણ કે વર્ષોથી એવી ગેરસમજ ફેલાવાતી રહી છે કે આ મંદિરોનો નાશ સામંતશાહી અને શૈવ વૈષ્ણવો વચ્ચે ચાલતા ગજગ્રાહને કારણે થયો. પહેલીવાર પતિ સાથે એ વાત માટે વિસંવાદ થાય છે.

રઝિયા , જે આપણી નવલકથાની નાયિકા છે તે મૂળ છે હિન્દુ , નામ લક્ષ્મી. પહેલીવાર રઝિયા અને લક્ષ્મી વચ્ચે ઘમાસાણ મનોદ્વંદ્વ જામે છે. રઝિયાએ સ્ક્રિપ્ટ લખવાની છે કે હમ્પીના આ મંદિરોનો વિનાશ કરવા જવાબદાર હતી સામંતશાહી , શૈવ અને વૈષ્ણવો વચ્ચે ચાલતા યુદ્ધ. પણ રઝિયામાં ક્યાંક ધરબાયેલી લક્ષ્મી જીવંત થઇ જાય છે. એ પોતાના સંશોધનથી એટલું સમજે છે કે આ વિનાશ કરનાર ન તો સામંત હતા ન હિંદુઓ પોતે.

આ દરમિયાન પિતાના મૃત્યુના સમાચાર મળે છે . લક્ષ્મી રઝિયા બની એ પછી તેના પિતા સાથે તમામ સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. ચુસ્ત હિન્દૂ એવા નરસિંહ ગૌડ સગી દીકરીને મળ્યા વિના સ્વર્ગે સિધાવી જાય છે. જે વાતથી વ્યથિત થયેલી લક્ષ્મી ગામ આવે છે. લગ્ન પછી પિતા સાથેના તમામ સંબંધો તૂટી ચુક્યા હતા એટલે પિતા વિષે સમાચાર એ પ્રોફેસર શાસ્ત્રી નામના એક શખ્સ પાસે મેળવતી રહે છે. પણ લક્ષ્મીને એ ખબર નથી કે પોતાની જીદ સામે ન ઝૂકેલા પિતાના દિલને એ કેવો કારમો ઘા આપીને આવી છે. એ ગામ આવે છે ને પિતાના ઘરમાં જુએ છે કે પોતાના ગયા બાદ જે બધા સંશોધનકાર્ય કર્યા છે તે. પ્રોફેસર શાસ્ત્રી જેવાં કહેવાતા બુદ્ધિજીવીઓની વિચારધારાને પણ વર્ણવવામાં આવી છે.

લગ્ન પછી 28 વર્ષે પહેલીવાર લાગે છે કે પોતાના પિતા સાવ ખોટા નહોતા. પિતા નરસિંહ ગૌડ , એક ધર્મપરાયણ ચુસ્ત હિન્દુ. નાની ઉંમરે વિધુર થયેલ પિતા પોતાની દીકરી લક્ષ્મીને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ માટે જવા દે છે ત્યાં લક્ષ્મીનો પરિચય પરિણય આમિર નામના મુસ્લિમ યુવાન સાથે પાંગરે છે. લક્ષ્મીને નાતજાતના કોઈ બંધન સ્વીકાર્ય નથી. એને માટે આમિર એક ઉદારમતવાદી પુરુષ છે. જેને માટે પ્રેમ સર્વસ્વ છે. જયારે એક હિન્દૂ પિતા પોતાની દીકરી કોઈ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરે એ વાત માટે ભારે આઘાત પહોંચાડે એવી છે. એ લગ્ન સામે એમનો સખ્ત વિરોધ છે. લક્ષ્મી જીદ પકડે છે ત્યારે પિતાની દલીલ છે કે ' મોગલ બાદશાહ જહાંગીર અને શાહજહાં બંને હિન્દૂ માતાને પેટે જન્મ્યા હતા છતાં તેમને મંદિરો તોડ્યા હતા. તું તારી જિંદગીનું શું કરે તે પ્રશ્ન મહત્વનો નથી . તારા પેટે જન્મ લેનારું બાળક કોઈને કોઈ પેઢીએ આપણા મંદિરનો નાશ કરશે તેનું પાપ તારા શિરે આવશે.'

યુવાનીના પૂરમાં પ્રેમમાં અંધ થયેલી લક્ષ્મીને તે સમયે પિતાની આ વાત નિરર્થક મૂર્ખાઈભરી લાગે છે. એ આમિરને જઈને કહે છે કે શું આપણા બાળક ધર્માંધ બનશે ? ત્યારે આમિર કહે છે આ બધી વાતો મુસ્લિમોને બદનામ કરવા ઘડાયેલા કાવતરા પૈકીનું એક ફિતૂર છે. પ્રેમમાં અંધ લક્ષ્મીને હવા આપે છે એક પ્રોફેસર શાસ્ત્રી . જે પોતાની જાતને ઉદારમતવાદી લેખીને દુનિયાભરમાં થતા સેમિનારોમાં ભાષણ કરવા દોડે છે. જે લક્ષ્મીને આંતરજ્ઞાતિય લગ્ન કરવા માટે ઉત્તેજન આપે છે. લક્ષ્મી આમિરને પરણે છે ને બને છે રઝિયા.

લક્ષ્મી હવે રઝિયા છે. હવે વાસ્તવિકતા સામે આવવા લાગે છે. લગ્નના થોડા જ સમયમાં મોહભંગ થઇ જાય છે. હિન્દૂ પિતા ચુસ્ત અને જડ લાગતાં હતા પણ તેની સામે મુસ્લિમ સાસુ સસરાની હિટલરશાહી ઘરમાં ચાલે છે. ફરજિયાત પાંચ વાર નમાજ પઢવાથી લઇ ને ગૌ માંસ ખાવાની ફરજ પાડવામાં આવે છે. જે પિતાએ દેવીની જાત્રામાં પશુબલિ બંધ કરાવી હતી એ પિતાની દીકરીને દીકરો જન્મે ત્યારે બે બકરાની બલિ આપવા મજબૂર કરવામાં આવે છે. એક સમયે ઉદારમતવાદી પ્રેમી લાગતો હતો , તે પતિ બન્યા પછી સમય સાથે પાકો મુસ્લિમ બનતો જાય છે.

વર્ષો વીતી જાય છે. પ્રસિદ્ધિ અને સન્માનની એષ્ણા રઝિયાને એવી આભડી જાય છે કે ઉદારમતવાદી ભાષણો કરવાની ફાવટ આવી જાય છે . પણ અચાનક 28 વર્ષે બધું બદલાય છે. પિતાના મૃત્યુ પછી એ જાય છે પોતાના ગામ ને ત્યાં એને મળે છે પિતાએ કરેલી પ્રવૃત્તિનો ખજાનો. એ પિતાએ કરેલા સંશોધનો વાંચવા શરુ કરે છે .આ દરમિયાન પતિ આમિર ટીપુ સુલતાન વિશે સ્ક્રિપ્ટ લખવાનો અનુરોધ કરે છે. અપ્પાજીએ એકઠા કરેલા ગ્રંથોમાં આ સંદર્ભમાં ટીપુ સુલતાનના સ્વપ્ન નામની એક ફાઈલ મળે છે . જે વાંચતા ખ્યાલ આવે છે કે જેને દેશભક્ત , અંગ્રેજ સામે લડનાર મહાન ટીપુ તરીકે ઓળખાવાય છે તે ટીપુ કેટલો જાહિલ અને ધર્માંધ હતો. આ બધું નરસિંહ ગૌડે મનમાં આવે તેમ નથી લખ્યું. એના માટે એમણે ચીવટપૂર્વક સંશોધન કર્યું હતું. આ ધર્મ સહિષ્ણુ ટીપુ હિંદુઓનો હંમેશા કાફીર તરીકે ઉલ્લેખ કરે છે. અંગ્રેજોને ખ્રિસ્ત કહે છે . એટલું જ નહિ આજે જેને રાષ્ટ્રવીર તરીકેની ઉપમા અપાય છે તે ટીપુએ અફઘાનિસ્તાનના રાજા જમાનશાહ અને તુર્કી ખલીફા ને ભારત પર આક્રમણ કરી તેને ઇસ્લામમય કરી નાખો એવા પત્ર લખ્યા હતા.

ઔરંગઝેબના રાજ દરમિયાન થયેલી ઘટના અને વાતોનો વિશાળ સંપૂટ નરસિંહ ગૌડાએ એકઠો કરી રાખ્યો હતો. જે વિષે વાંચીને લક્ષ્મી ઉર્ફ રઝિયા પોતે એક નવલકથા લખવી શરુ કરે છે. રાજસ્થાનના દેવગઢના રાજકુમાર પર વીતેલી એ કાલ્પનિક કથા નથી. એ માટેની સાબિતી માટે ડો.ભૈરપ્પાએ અતિ વિશાળ સંદર્ભસૂત્રની યાદી આખરમાં આપી છે.

લક્ષ્મી જયારે આ નવલકથા પર કામ કરી રહી હોય છે ત્યારે પતિ આમિર પોતાની વયથી લગભગ અડધી વયની યુવતીને પરણી જાય છે. એના કારણમાં એવી કોઈક માન્યતા કે પુરુષ સ્ત્રી વિના કેવી રીતે રહી શકે ? અને ઇસ્લામ પુરુષને એ માટે છૂટ આપે છે. વિદેશમાં કામ કરતો એક દીકરો માને મળવા આવે છે ત્યારે ખબર પડે છે કે એ કટ્ટર મુસ્લિમ બની ચુક્યો છે. કારણ કે જયારે આમિર અને રઝિયા/ લક્ષ્મી જયારે પોતાની કારકિર્દી બનાવવામાં મશગુલ હતા ત્યારે તેના ઉછેરની જવાબદારી આમિરના માબાપે નિભાવી હતી. એ અમેરિકામાં ભણેલો યુવક આરબ દેશમાં નોકરી કરે છે અને લગ્ન માટે ચુસ્ત મુસ્લિમ શોધે છે. એમાં મુલાકાત થાય છે પ્રોફેસર શાસ્ત્રીની દીકરી સાથે. જે હિંદુ પિતા અને વિદેશી માતાનું સંતાન છે. કેથલિક ધર્મના પ્રભાવમાં હોવા છતાં નઝીરને પરણવા ધર્માંતર માટે તૈયાર થઈ જાય છે. લિબરલ પ્રોફેસર હવે ના પાડવાની સ્થિતિમાં નથી. આમ પણ પોતાની વિદેશી પત્નીને કારણે દીકરીને વર મળવાની મુશ્કેલી તો પડવાની જ હતી પણ હવે સામે મુસ્લિમ છોકરાને જમાઈ તરીકે સ્વીકારવો ? પ્રોફેસર શાસ્ત્રીને દુઃખ એ વાતનું છે કે દીકરીને લગ્ન પહેલા ધર્માંતર કરવાની ફરજ આમિર લક્ષ્મીનો દીકરો નાઝિર પાડે છે. એટલું જ નહીં સિવિલ મેરેજ કરવાની વાત પણ નકારી દે છે બલકે નિકાહ પઢવાનો આગ્રહ રાખે છે. જે એને ભવિષ્યમાં અન્ય પત્ની કરવાની છૂટ આપે છે.

આ નવલકથા વાંચતા વિચલિત થઇ જવાય એવી ઘણી વિગતો વાતો હકીકતો છે. જેમ કે લક્ષ્મી જે નવલકથા લખવાની શરૂઆત કરે છે તે માટેનો આધાર પિતાએ એકઠા કરી રાખેલા સંદર્ભસૂત્રો છે.

આ નવલકથા આજના સમયે સાંપ્રત એટલે છે કે મોટાભાગની પેઢી એ ઇતિહાસ ભણી છે જે છેલ્લાં સો વર્ષમાં ભણાવવામાં આવ્યો છે. આજના વિદ્યાર્થીઓને ઇતિહાસને નામે બે જ નામ ખબર છે એક બ્રિટિશર્સ અને બીજા મુગલ. ભારતના ઇતિહાસમાં પરાક્રમી રાજવીઓ થઇ ગયા છે તેમની એમને જાણ નથી. ન તો જાણે છે આક્રમણકારીઓના નામ . એમને માત્ર મુગલ યાદ છે કારણ કે ઇતિહાસમાં એ સિવાય કોઈને સ્થાન મળ્યું નથી. તેના કારણ ઘણાં છે પણ ઠોસ કારણ બે છે : એક તો મુગલ સમયથી ઇતિહાસ લખવાની એક પ્રથા બની. જેમ કે અકબરના સમયે અબુલ ફઝલે એ વિષે ઘણું કર્યું. અકબરના કહેવાથી તુર્કે બાબરી , જેને બાબરનામા લેખાય છે તે લખાયું , આઈને અકબરી , અકબરનામા લખાયું . એ પછી સિલસિલો શરુ થયો. જેમાં જહાંગીર પોતાની પ્રશસ્તિ કરાવતો ગ્રંથ ઈક્બાલનામા તુર્કે જહાંગીરી રચાવ્યો. શાહજહાંએ પોતાનો પ્રશસ્તિ કરતો ગ્રંથ લખાવ્યો. એ સિલસિલો ઔરંગઝેબ સુધી ચાલ્યો . પછી શરુ થઇ પડતી. જેનો ઇતિહાસ મુગલો એ નથી રાખ્યો પણ એ વખતે સતત રાજદ્રોહના ભયના ઓથાર નીચે જીવતાં લોકોએ ચોરીછૂપીથી
લખ્યો છે. એટલું જ નહીં આ મુગલોએ ભલે પોતાની તતૂડી વગાડી હોય પણ એમના સમયમાં હિન્દુસ્તાનની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ ઘણાં પેપર ફોડી નાખ્યા છે. જે સૂત્રોનો હવાલો પણ આપણને આજે મળે છે. ઘણા તો ગૂગલ પર અને ફ્રી આર્કાઇવ્સમાં PDF સ્વરૂપે વાંચી શકાય છે. બર્નિયરનું નામ એમાં મોખરે છે. જોવાની ખૂબી એ છે કે ઘણીવાર સ્વભાટાઈ કરવામાં આ મુગલો કઈ રીતે ખુલ્લા પડી ગયા હતા. ઉદાહરણ તરીકે તુર્કે જહાંગીરીમાં જ ઉલ્લેખ છે કે જહાંગીરે હિન્દૂ પુરુષ તરુણોને વ્યંડળ બનાવવા પર નિષેધ કર્યો હતો.

હકીકત એ હતી કે તે જમાનામાં યુદ્ધમાં કેદી તરીકે પકડાયેલ , ઘાયલ કે અન્ય હિન્દૂ પુરુષોને પકડી પકડીને વ્યંડળ દેવામાં આવતા હતા. જહાંગીરની પોતાની નોંધ પ્રમાણે દર ચાર પુરુષે માત્ર એક જીવતો અને ત્રણ મૃત્યુ પામતા. તે છતાં મુઘલ જનાનામાં તથા અમલદારો , જાગીરદારોના જનાનામાં હજારથી વધુ હિન્દૂ વ્યંડળો હતા. એટલે કેટલા હિંદુઓ જીવતાંજીવત વહેરાઈ જતા એ પુરાવા તે વખતે હિન્દુસ્તાનની સફરે આવેલા બર્નિયર જેવા વિદેશીઓએ લખેલા ગ્રંથમાંથી મળે છે. હીજડાઓનો વેપાર હતો એટલે સામાન્ય ગુલામ કરતા ત્રણગણી કિંમતમાં હીજડા વેચાતા હતા. . જહાંગીરના જ એક ઇતિહાસકાર તુજુક 1- 13 માં લખે છે તે પ્રમાણે ઈ.સ 1659માં એક જ વર્ષમાં બાવીસ હજાર પુરુષોને તરુણોને હીજડા બનાવાયા ત્યારે જહાંગીરે કહ્યું કે એમને પુરુષાતનહીન ન બનાવતા મુસ્લિમ બનાવવામાં આવે. જેથી ઇસ્લામનો પ્રચાર વધુ થઇ શકે. આ વાતને જહાંગીરની રહેમદિલી તરીકે તુર્કે જહાંગીરીમાં લેવાઈ છે.

બીજું એક કારણ કે ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં મુઘલને તેમના નિર્માણકાર્યોને , વિકાસને એવી રીતે બિરદાવવામાં આવે કે એ સામે મૌર્ય , ચૌલ, ચાલુક્ય , પલ્લવ, કાકતીયા , ગુપ્તા, સાતવાહન , ચેરા , પાંડ્યાન , રાષ્ટ્રકૂટ જેવા રાજ કોઈએ જોયા જ નથી. આ પાછળનું કારણ એક એ પણ ખરું કે ભારતની આઝાદી પછી પહેલા શિક્ષણમંત્રી હતા મૌલાના આઝાદ . જે મૂળ નિવાસી તો સાઉદી અરેબિયાના હતા. ન તો સ્કૂલ ગયેલા. ન કોઈ ફોર્મલ શિક્ષણ મેળવેલું પણ એ કોઈક રીતે કલકત્તા આવીને વસ્યા ને પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે જોડાયા. બસ, પછી એ બની ગયા શિક્ષણમંત્રી ને આજે પણ ભારતની એક આખી પેઢીને ઇતિહાસ ને નામે બે જ નામ આવડે છે એક અંગ્રેજ બીજા મુગલ.

આ પુસ્તકમાં લગભગ ૧૩૬ જેટલા પુસ્તકોનો સંદર્ભ લઈને સાચા ઈતિહાસનું તારીખ સાથે વર્ણન કરવામાં આવ્યું છે. કદાચ જો આ
સંદર્ભો ન આપ્યા હોત તો આ પુસ્તક પર પ્રતિબંધ લાગ્યો હોત એ વાત પણ એટલી જ વાસ્તવિકતા છે.
જેને ઇતિહાસમાં રસ હોય કે માત્ર આઝાદી પછી ભણેલા ઇતિહાસને સાચો માન્યો હોય , લવ જેહાદ વિષયથી અજાણ હોય તેવા લોકોએ આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ. જો ઈતિહાસનાં વિષયો પર અધ્યયન કરવા માંગતા હો તો આ વાંચવી જોઈએ, ધર્માંતર પાછળનો હેતુ અને ધર્માંતરિત થયા બાદની સ્થિતિ વિશે જાણકારી મેળવવા માંગતા હો તો આ પુસ્તક અવશ્ય વાંચવું, ભારતના ગૌરવંતા ઈતિહાસને દૂષિત કરતાં ઈતિહાસકારોએ ઈતિહાસ પર ચઢાવેલાં આવરણ હટાવવા માંગતા હોય તો આ પુસ્તક વાંચવું.

એમાં સંદર્ભ ગ્રંથોની લાંબી સૂચિ આપવામાં આવી છે જેમાં ઘણાં બધાં મુગલ , અંગ્રેજ ઇતિહાસકારોએ લખેલા છે.

આ આખું પુસ્તક ભારે વિચલિત કરી દેવા પૂરતું છે પણ, કાળમીંઢ વાસ્તવિકતા છે.

પુસ્તક માટે ભૈરપ્પાજી લખે છે કે ભૂતકાળની ભૂલો માટે આજની પેઢી જવાબદાર નથી પણ, એ ભૂતકાળના લૉકો સાથે સંબંધ જોડીને આપણે અટવાઈ રહેવાના હોઈએ તો તેમને કરેલા કર્મની જવાબદારી પણ સ્વીકારવી રહી.
આ પુસ્તક ગુજરાતીમાં પણ અનુવાદ થયું છે.

પિન્કી દલાલ