Panchayat - 2 books and stories free download online pdf in Gujarati

પંચાયત - 2 - જંગલ ની જ્યોત

ફાગણીયો પુર બહાર માં ખીલ્યો હતો. જંગલ ની જ્યોત એ આખા વગડા જોડે હોળી રમી હોય તેમ આખો વગડો ભગવા રંગે રંગાઈ ગયો હતો. હાર્દિક એની ઓફીસ માં બેઠો બેઠો કુદરત ની આ કલા ને નીરખતો વિચારી રહ્યો હતો કે "યે કૌન ચિત્રકાર હૈ?"
"અરે પેલું ઉંબાડિયું કાઢી લે દેવતા વધારે છે."
હાર્દિક નું ધ્યાન ઓફીસ ની પાછળ આવેલા ખેતર માં રમતા છોકરાઓ પર ગયું.છોકરાઓ કેસુડા ના ફૂલ ને પાણી ઉકાળી હોળી માં રમવા માટે રંગ બનાવી રહ્યા હતા.
હાર્દિક ઘડી ભર જોતો રહ્યો. ગામડા ની આ જિંદગી સાવ સાદી પરંતુ કુદરત ની નજીક નું હતી. શહેર ના કેમિકલ અને પેસ્ટીસાઇડ નો છંટકાવ હજુ આ ગામડા માં થયો નહોતો.
"સાહેબ આવું કે?"
ઓફીસ ના દરવાજે થી આવેલા એક ઘરડા અવાજે હાર્દિક ના વિચારો તોડ્યા.
"આવો દાદા, તમારી જ ઓફીસ છે."
હાર્દિકે હસતા મુખે આવકાર આપ્યો.
દાદા એ માથે બાંધેલું ફાળિયું ઉતરી પરસેવો લૂછ્યો અને ટેબલ સામે ઊભા રહ્યા.
"અરે દાદા બેસો ને, બોલો શું કામ છે?"
ગામડા ના અભણ પણ સમજદાર લોકો ની આવી આદર આપવાની રીત હાર્દિક ને બહુ ગમતી. અને એ લોકો ને સ્વભાવ જ હતો જે હાર્દિક ને નોકરી માં જકડી રાખતો હતો.
"સાહેબ, ઉનાળો આવી ગયો છે. પીવાના પાણી ની તકલીફ ખૂબ પડે છે. માણસો તો એમ કરતાં ય એક લોટો પાણી પીવે તો ભરેલું માટલું આખો દિવસ ચાલી જાય પણ આ વિચારા ઢોર ઢાંખર ને ત્રાસ થાય છે. આખો દિવસ તાપ માં કયા દૂર પાણી પીવડાવવા લઈ જવા?"
હાર્દિક ને ગામ ની પાણી ની તકલીફ ખબર હતી. પણ ઉપલા અધિકારીઓ ની અણગઢ અને ભ્રષ્ટ નીતિઓ ની ભેટ ચડેલી સરકારી યોજનાઓ આ લોકો શું પશુઓ ની પણ જરૂરિયાત પૂરી કરી શકે તેમ નહોતી.
"હા દાદા હું જાણું છું, અને આના માટે અમે ઉપલી કચેરીને અરજી કરી દીધી છે. ચોક્કસ કોઈ રસ્તો નીકળશે." હાર્દિકે સરકારી જવાબ આપ્યો.
"એ લોકો તો એમનું કામ કરશે. પણ હું કંઇક કરવા માંગુ છું"
"શું?"
"મારા ખેતર માં કૂવો છે. આપ જેવા એક દયાળુ સાહેબ ની મહેરબાની થી એક યોજના માં બનાવ્યો હતો. અને ભગવાન ની દયા થી એમાં પાણી પણ બારેમાસ રહે છે."
"તો?"
"તો સાહેબ એની બાજુ માં એક હવાડો બની જાય તો નિરાંત. જ્યાં સુધી કૂવા માં પાણી હસે ત્યાં સુધી તો બિચારા ડોબા પી શકશે."
હાર્દિક ને સુખદ આશ્ચર્ય થયું. જ્યાં એક તરફ સરકાર ને પૈસે ખીસા ભરવા વાળા અધિકારીઓ હતા અને લગભગ તમામ યોજનાઓ નો લાભ મળવા છતાં ગરીબો માટે કંઈ બાકી ના રાખવાના સમ ખાધા હોય એમ દરેક યોજના નો લાંચ આપી ને લાભ લેતા લોકો હતા. ત્યાં એક લગભગ 70 વરસ નો ડોસો હતો જેને લોકો ની તો ઠીક પણ પશુઓ ની પણ ચિંતા હતી.
"પણ દાદા સાચું કહું તો હાલ તો હવાડો બનાવી શકાય એવી કોઈ યોજના કે ગ્રાન્ટ આવેલી નથી. અને કદાચ રજૂઆત કરીએ તો ય હવાડો બનતા બનતા ચોમાસુ આવી જશે." હાર્દિકે પોતાની લાચારી વ્યક્ત કરી. હાર્દિક ખરેખર મદદ કરવા માંગતો હતો પણ નિર્જીવ અને કઠોર સરકારી તંત્ર કેવી રીતે કામ કરે છે એ એની ઓછા સમય ની નોકરી માં પણ સમજાઈ ગયું હતું.
"સાહેબ એનો રસ્તો પણ છે" દાદા જવાબ આપ્યો.
"શું?" હાર્દિક કુતુહલતા વશ દાદા ને તાકી રહ્યો.
"સાહેબ મારા ફળિયા વાળા બધા ભેગા થઈ ને ફાળો કરવા તૈયાર છે. જેટલો ફાળો ભેગો થશે એટલા માં તો લગભગ હવાડો બની જશે."
હાર્દિક ને ધ્રાસકો લાગ્યો.
લાકડી ના ટેકા વગર ચાલી ના શકનાર એ ક ડોસો સરકાર કે તંત્ર ના ટેકા વગર અબોલ પશુઓ ના પીવાના પાણી નો પ્રશ્ન હલ કરી ચૂક્યો હતો. હાર્દિક ને સમજાઈ ગયું કે સારા કામ કરવા માટે કોઈ તંત્ર કે એની ગ્રાન્ટ ની નઈ માત્ર દાનત ની જરૂર હોય છે. રીઢા સરકારી તંત્ર પર હાર્દિક ને ઘૃણા થઈ આવી.
"તો હું આમાં શું મદદ કરી શકું?" હાર્દિકે પૂછ્યું.
"સાહેબ એટલું જ પૂછવું હતું કે પૈસા છે અને જમીન પણ મારી જ છે તો અમને તો કોઈ વાંધો નથી. પણ આમાં ક્યાંય કોઈ સરકારી નિયમ તો આડો નહિ આવે ને?"
"તમે ચિંતા ના કરશો. કંઈ પણ હસે તો હું જોઈ લઈશ."
હાર્દિકે દાદા ને દિલાસો આપ્યો. મોઢા પર એક સંતોષ નું સ્મિત લઈ દાદા ઊભા થયા હાથ જોડી "ભલે, આભાર" કહી ચાલતા થયા.
ઉનાળો આકરો રહેવાનો હતો. પાણી ની તકલીફ બધા ને પડવાની હતી. છતાં પોતાનો સ્વાર્થ છોડી બીજા ને મદદ કરવાની દાદા ની ભાવના ને હાર્દિક મનોમન દાદ આપી રહ્યો હતો.
"અરે વાહ, જોરદાર કલર આવ્યો છે."
છોકરાઓ નો કેસુડા નો રંગ તૈયાર થઈ ચૂક્યો હતો. તપેલી માંથી ઉકળી ને સાવ બફાઈ ગયેલા કેસુડા ના ફૂલ છોકરાઓ બહાર કાઢી રહ્યા હતા.
હાર્દિક જોઈ રહ્યો.
પોતે ઉકળી, દુઃખ વેઠી, પોતાનો રંગ છોડી ને પાણી ને રંગીન બનાવનાર જંગલ ની જ્યોત ના એ ફૂલ માં હાર્દિક ને દાદા નો ચેહરો દેખાઈ રહ્યો હતો..

બીજા રસપ્રદ વિકલ્પો