એવી વ્યકિતને પ્રેમ કરવું કદાચ સહેલું છે જે બીજાને પ્રેમ કરતું હોય પણ તેવી વ્યકિત ને પ્રેમ કરવું બહુ અઘરું છે જે પ્રેમ સમજતું જ નહોય.કવન તે પરિસ્થિતિમાં હતો જ્યાંથી તેની આગળ રહેલો દરિયો ખૂબ રમણીય લાગતો હતો.પણ ના તો તે તેમાં છલાંગ લગાવીને સ્નાન કરી શકે ના તો તેનું પાણી પીને તરસ છીપાવી શકે.કવન માટે આરોહીનો પ્રેમ દરિયા જેવોજ હતો દેખાવ માં ખૂબ સુંદર પણ જેને માત્ર નિહાળી શકાય.
માણસ ના જીવનમાં આંખ ભગવાને આપેલી એક સુંદર ભેટ છે જેનાથી આપણે દુનિયા નિહાળી શકીએ છીએ.પણ ક્યારેક કેટલીક વસ્તુઓ માનવીને આંખમાં કાંટા ની જેમ વાગવા લાગે છે.
અઠવાડિયું કવન માટે ખૂબ વ્યસ્ત રહ્યું છતાંય તેને સ્પીચ લખવાનું યાદ હતું પણ તે કંઈ કરી શકે તેવી સ્થિતિમાં નહોતો.કારણકે તે જ્યારે પણ સ્પીચ લખવા બેસતો ત્યારે તેનાથી બે શબ્દ પણ લખાતા નહિ.ધીમે ધીમે શુક્રવાર આવી ગયો હતો.કવન હજી બે લીટી પણ સરખી નહોતી લખી શક્યો.કવને વિચાર્યું કે સારું થયું હું લેખક નથી નહીતો હું દુનિયાનો સૌથી ખરાબ લેખક હોત.
શુક્રવારે આરોહી નો મેસેજ આવ્યો "સ્પીચ લખાઈ ગઈ હોય તો મને ફોટો પાડી ને મોકલ."
પણ કવન જાણતો હતો કે હજી સુધી બે લીટી પણ નથી લખાઈ.સ્પીચ તો બહુ દુરની વાત હતી.તેણે અમસ્તા જ કહી દીધું કે "હું તને સરપ્રાઈઝ આપવા માંગુ છું, તેથી હું તને સ્પીચ નું કાગળિયું કાલ અનાથ આશ્રમમાં જ આપીશ."
તો તે દિવસ આવીજ ગયો હતો અને કવન અત્યાર સુધી ચિંતામાં હતો કારણકે સ્પીચ હજી પુરી નહોતી થઈ. આરોહી એ તેને ટાઈમ અને એડ્રેસ મોકલી દીધું હતું.કવને આ બાબતે વિશ્વાસ ને કહ્યું હતું પણ તે કંઈ કરી શકે તેમ નહોતો.તેણે જલ્દીથી જ આરોહી ને સાચું કહી દેવા કહ્યું.પણ હવે વાત વધુ આગળ વધી ગઈ હતી.જો હવે તે સ્પીચ ના લખીને જાય તો કદાચ નહિ પાકું આરોહી અને આરતી આંટી ને ખોટું લાગી જાય તેમ હતું.કવન ને થોડો અફસોસ હતો કે કાલે આરોહીનો મેસેજ આવ્યો ત્યારે તેણે સાચું કહી દીધું હોત તો આરોહી ઓછી દુઃખી થાત.
જયારે પરીક્ષાની પહેલા તમને ખબર જ છે કે તમને પેપર માં કંઈ નથી આવડતું તો એક વિકલ્પ એ છે કે તમે પેપર આપવા વહેલા જાવ છો નહીતો બીજો વિકલ્પ, પેપર આપવા ખૂબ મોડા જાવ છો.જ્યારે અમુક લોકો જતા જ નથી.
કવને વહેલા જવાનું નક્કી કર્યું.પ્રોગ્રામનો ટાઈમ બે વાગ્યા નો હતો કવન આશરે ૧ વાગ્યે પહોંચી ગયો.અનાથ આશ્રમ ખૂબ નાનું અને શહેરની બહાર હતું.જગ્યા પણ ખૂબ સુંદર હતી.બહાર થોડું ઘણું સુંદર રીતે સજાવ્યું હતું.કવન તે લોખંડ નો ગેટ ખોલીને અંદર ગયો.તેની બહારના નાના ગ્રાઉન્ડમાં હીંચકો અને લપસીયા હતા કેટલાક બાળકો ત્યાં રમી રહ્યા હતા.હજી સુધી કોઈ ત્યાં આવ્યું નહોતું.માત્ર નાના ગ્રાઉન્ડ માં છોકરાઓ રમતા હતા.છોકરાઓ બધા નાના જ હતા.જોવા પરથી લાગતું હતું કે અહીં કોઈ ૧૦કે ૧૧ વર્ષ ઉપરનું બાળક નહિ હોય.
કવન એક ઝાડની નીચે રહેલા ખાલી બાંકડા ઉપર બેસીને તે નાના છોકરાને રમતા જોવા લાગ્યો.તેના મનમાં ઘણા વિચારો હતા.તે છોકરાઓ ના માં બાપ ના હોવા છતાં કેટલા ખુશ હતા.જરૂર આ કોઈ કુદરતી કરામત છે કે તેમને માતા પિતા ના હોવા છતાં હસતા હતા.તે થોડો ભાવુક થઈ ગયો.ત્યાંજ એક બોલ રગળતો આવ્યો અને તેના પગ પાસે આવીને ઉભો રહી ગયો.
તેણે હસીને હાથમાં લીધો. એક છોકરો દૂરથી ઉભો કવનને જોતો હતો.જ્યારે બીજો છોકરો તે છોકરાની સામે જોઇને કવનની પાસે વિના સંકોચે બોલ લેવા ગયો.
તે કવનની એકદમ નજીક આવીને કવન પાસે ખૂબ સહજતાથી ઉભો રહી ગયો.તેણે બોલની તરફ નજર કરી અને એકદમ મિત્રતાના સ્વરે બોલ્યો.
"શું તમે પણ અમારી સ્કૂલના જન્મ દિવસ પર આવ્યા છો?"
કવને તેની સામે જોઇને હસીને હકારમાં માથું હલાવ્યું.તે વિચારતો હતો કે છોકરો આશ્રમ ને સ્કૂલ કહેતો હતો.
કવને તેની સામે એક હાથે બોલ ધર્યો અને તે લઈને જલ્દીથી જતો રહ્યો.
હજી બે વાગ્યામાં લગભગ ૪૫ મિનિટની વાર હતી.કવનના મગજમાં જે સુંદર વિચારો આવી રહ્યા હતા.તે તેણે એક કાગળમાં ઉતારવાના શરૂ કર્યા.કવન ના અક્ષર ડોકટર હોવા છતાં સારા હતા.કવને જોત જોતામાં એક પેજ લખી નાખ્યું અને અત્યારે તેની પાસે બે પેજ ભરી શકે તેટલા સુંદર વિચારો હતા.
જયારે બે વાગ્યા ત્યારે કાર્યક્રમ તેની રૂપરેખા મુજબ શરૂ થયો. તેણે આરતી બહેનને સ્પીચનું કાગળિયું તેમના હાથમાં આપ્યું.તેથી આરોહી હવે તે સ્પીચ સાંભળવાની હતી.સ્પીચ તો એક જ પેજની હતી. આરતી બહેને તે બોલવાનું શરૂ કર્યું. તે પોતે પણ ભાવુક થઈ ગયા તથા ત્યાં આવેલા લોકો પણ ભાવુક થઈ ગયા.કવન આરતી બહેન બોલતા હતા ત્યારે તેમની સામે જોઈ રહ્યો હતો અને આરોહી કવનની સામે જોઈ રહી હતી.તેના મોં ઉપરથી તો લાગતું હતું કે તે અત્યંત ભાવુક થઈ ગઈ હતી.
જ્યારે પ્રોગ્રામ પૂરો થયો ત્યારબાદ આરોહી એ તેના ખૂબ વખાણ કર્યા અને કહ્યું તારે લેખક હોવું જોઈએ તું સુંદર લખે છે.
ત્યારે પહેલીવાર કવનને પણ થયું કે પોતે ખરેખર આટલું સુંદર લખી શકે છે.આ વાત તે ખુદ પણ નહોતો જાણતો.
"જોયું મેં એટલા માટે તને આ કામ સોંપ્યું હતું."
કવને એક નાની પણ સુંદર સ્માઈલ આપી.તે જાણતો હતો કે આજ સવાર સુધીતો તેને સ્પીચ લખવાના પણ ફાંફા હતા.છતાંય તેણે એક દમ સુંદર સ્પીચ લખી નાખી હતી.આરતી બહેને પણ તે સ્પીચ માટે કવનના ખૂબ વખાણ કર્યા.કવને તે સ્પીચનું કાગળિયું આરતીબહેન પાસે માંગ્યું.કારણકે તે સ્પીચ તે પોતાની પાસે હમેશાં માટે રાખવા ઈચ્છતો હતો.
આરતીબહેને તે સ્પીચનું કાગળિયું કવનને પાછું આપ્યું.
તેણે તે સ્પીચનું કાગળિયું પોતાના ખિસ્સામાં નાખ્યું.
બીજા દિવસે રવિવાર હતો. કવન અને આરોહીના મળવાનો દિવસ.
"તો મેં તને મોકલેલો સ્પીચનો વિડિઓ તારા મમ્મી પપ્પા ને દેખાડ્યો?"
"હા, મેં તે બંને ને વોટ્સએપ કર્યો હતો તેમણે જોઈ લીધો હશે.પણ તેમણે તે બાબતે મને કંઈ કીધું નહોતું."
"હા, તેમને સારો જ લાગ્યો હશે."
થોડીકવાર બંને વચ્ચે વાતો ચાલી અને ત્યારબાદ આરોહી એ કહ્યું.
"હવે પછીના બે રવિવાર કદાચ હું લાયબ્રેરી નહીં આવું તેથી હું આ વખતે પુસ્તક નથી લઈ જવાની."
"કેમ..?"
"મારે ફાઇનલ પરીક્ષા આવે છે.તેથી હું હમણાં તેની તૈયારી માં વ્યસ્ત છું."
"અચ્છા.. હા, તો તને તારી ફાઇનલ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક."
"આભાર.."
"તો ત્યારપછી નો તારો શું પ્લાન છે?"
આ એવો સવાલ છે જેનો જવાબ કોઈપણ ભણતા છોકરા ને પૂછો તો તે ગૂંચવાઈ જશે.પણ આરોહી એ તે અંગે કઈંક વિચાર્યું હતું.
"હાઇવે નજીક મારા અમેરિકા રહેતા મોટા પપ્પા નો એક ફ્લેટ છે.હું થોડા દિવસ ત્યાં એકલા રહેવાનું વિચારું છું અને એક મારી પોતાની લાયબ્રેરી બનાવવા નું વિચારું છું.મેં ત્યાંનું ડિઝાઇન પણ કરી રાખ્યું છે.તો પરીક્ષા પછી હું બહુ બધા પુસ્તક ખરીદીને ત્યાં જ રહીશ.આખો દિવસ વાંચીશ, આરામ કરીશ,કસરત કરીશ,બસ થોડા દિવસો ત્યાં પોતાના માટે કાઢીશ."
ત્યાર પછી છ એક મહિના બાદ હું જોબ કરવાનું વિચારું છું.
"વાહ સુંદર વિચાર છે તારો, કદાચ મને પણ આવું કરવાનો સમય મળ્યો હોય."
"તો તું પણ ત્યાં આવજે ને,એમ પણ હું એકલી ત્યાં કંટાળી જઈશ અને તને વાંચવું ખૂબ ગમે છે.જો બીજું કોઈ ત્યાં આવશે તો મારી શાંતિ ભંગ કરશે.તું ત્યાં હોઈશ તો મને એકલું પણ નહીં લાગે અને કોઈવાત ની ચિંતા પણ નહીં રહે."
"હા, જરૂર હું વિચારીશ."
આરોહી એ કહ્યું "દુનિયામાં ઘણી વસ્તુ માત્ર વિચાર બની ને જ રહી જાય છે કારણકે તેઓ તેના વિચાર કરવામાં જ તેના ઉપર અમલ નથી કરી શકતા."
"હા, તે તો છે."
"એમ પણ તારું ઘર ત્યાંથી થોડીક જ દૂર છે."
કવને કહ્યું "ઓહકે, હું જરૂર આવીશ."
તે દિવસ પછી આરોહી અને કવન બંને પચ્ચીસેક દિવસે મળ્યા તે દિવસે બુધવાર હતો.તે દિવસે વિશ્વાસ નો જન્મ દિવસ હતો.
વિશ્વાસ જે કવનને રોજ પોતાની પ્રેમકહાની ક્યાં સુધી પહોંચી તેની અપડેટ આપતો રહેતો હતો.જયારે તેની સામે કવનને કહેવા જેવું કંઈ ખાસ રહેતું નહિ.કારણકે આરોહી અને કવન રવિવારે મળ્યા શિવાય કોઈ દિવસ મેસેજમાં પણ વાતો નહોતા કરતા.સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ તેમને ગમતો નહિ.આમ પણ તે બંને સોશિયલ મીડિયા ના થોડા વિરોધી હતા.
જ્યારે વિશ્વાસ અને કાવ્યા નું પ્રેમપ્રકરણ સોશિયલ મીડિયાની દયાથી ખાસુ એવું આગળ વધી ગયું હતું.
સોશિયલ મીડિયા આજનું મેરેજ બ્યુરો છે.જ્યાં છોકરા અને છોકરીઓ ની પ્રોફાઈલ તૈયાર હોય છે.જ્યાં તમારે પાત્ર ગોતવાની મહેનત જાતે કરવી પડે છે.આજે જેટલા પણ લવ મેરેજ થાય છે અને એરેન્જ મેરેજ પછી જે લવ થાય છે તે લોકો એતો સોશિયલ મીડિયાના આભારી રહેવું જોઈએ.
પહેલાના જમાનામાં આપણે એકબીજાથી ખૂબ દૂર હતા પણ મનથી ખૂબ નજીક હતા.કારણકે આપણે તેમને હૃદય માં વસાવતા હતા અને તેથી કેટલીક વાતો માં મતભેદ પણ ઓછા થતા.
હવે આપણે બધા એકબીજાથી ખૂબ નજીક છીએ.તે આ સોશિયલ મીડિયા ના કારણે, પણ જોવા જઈએ તો આપણે તેટલાજ એકબીજાના મનથી ખૂબ દૂર છીએ.તેનું કારણ આજકાલ આપણે લોકોની આંખોમાં રહીએ છીએ પણ દિલમાં નથી રહેતા.
પહેલાના જમાનામાં એકબીજા માણસોની નજીક આવવું અઘરું હતું અને હવે તેની વિરુદ્ધ દૂર જવું ખૂબ અઘરું છે.ટૂંકમાં સોશિયલ મીડિયા એક સારી વસ્તુ છે પણ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો.
વિશ્વાસ અને કાવ્યા વચ્ચે ઘણીવાર મીઠો ઝઘડો થતો અથવા બોલચાલ થઈ હતી.પણ બંને એકબીજા ને મનાવી લેતા કારણકે કદાચ બંનેમાં લાગણીનું પ્રમાણ ખૂબ વધુ હતું.વિશ્વાસ ને અને કાવ્યા ને હવે એકબીજા વગર ચાલે તેમ નહોતું.કારણકે વિશ્વાસ ને કાવ્યા ની ગુડમોર્નિંગ થી લઈને ગુડનાઈટ સુધીની ખબર રહેતી.તો કાવ્યા નું પણ કઈંક તેવું જ હતું.પણ છતાંય હજી તે બંને એ તેવું ક્યારેય જાહેર નહોતું કર્યું કે તે બંને એકબીજા ને પ્રેમ કરે છે.બસ તેવી રીતે રહેતા જેમ તે બંને એકબીજા ખૂબ પ્રેમ કરતા હોય.
તે પ્રેમ ખૂબ સારો લાગે છે જ્યારે તમે તે માણસ ને કીધા વગર પ્રેમ કરો અને તે પણ તમને કીધા વગર પ્રેમ કરે.ખરેખર પ્રેમ કરતા હોય તો એમ કહેવાની જરૂર નથી પણ તે સમજવાની જરૂર છે.કારણકે સમજવાથી પ્રેમ લાંબો ચાલે છે.કોઈને કહેલી વસ્તુ આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ.
પણ વિશ્વાસના જન્મ દિવસના એક દિવસ પહેલા વિશ્વાસ કવનને મળ્યો ત્યારે તેણે કહ્યું હતું કે તે કાલે કાવ્યા ને જણાવી દેશે કે તે તેને ખૂબ પ્રેમ કરે છે.
ક્રમશ
આપને વાર્તા કેવી લાગી તે જરૂરથી જણાવો.આપ વાર્તા વિષે આપને ગમતા સવાલ પૂછી શકો છો. આપને વાર્તા ગમી હોય તો વધુ માં વધુ લોકો સુધી પહોંચાળો આપના ફેસબુક,ઇન્સ્ટાગ્રામ તથા માતૃભારતી ની સ્ટોરી માં વાર્તા નું પોસ્ટર સાથે આપનો સુંદર રીવ્યુમૂકી શકો છો.આપનો આભાર..