Atut Bandhan - 29 books and stories free download online pdf in Gujarati

અતૂટ બંધન - 29



(શિખા વૈદેહીને લઈ હોસ્પિટલ જાય છે. વૈદેહી વિશે જાણી સાર્થક અને રજનીશભાઈ પણ ત્યાં દોડી જાય છે. વૈદેહીની હાલત ક્રિટીકલ છે એ જાણી સાર્થક તૂટી જાય છે. રજનીશભાઈ ઘરે જાય છે ત્યારે ગરિમાબેન એમને ક્યાં ગયા હતા એમ પૂછે છે એનાં જવાબમાં રજનીશભાઈ વૈદેહી વિશે કહે છે ત્યારે તેઓ શિખા વિશે પૂછે છે તો રજનીશભાઈ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તેઓ જાણે છે કે વૈદેહીને હોસ્ટેલ મોકલવા પાછળ એમનો જ હાથ છે. હવે આગળ)

ગરિમાબેને રજનીશભાઈને આ પહેલાં ક્યારેય આટલા બધાં ગુસ્સામાં જોયા નહતાં. એમને તો શું બોલવું અને શું નહીં એ જ સમજાતું નહતું.

"રજનીશ, હું...."

"ગરિમા, આજ સુધી તેં આ ઘર માટે જે નિર્ણયો કર્યા એમાં મેં ક્યારેય દખલગીરી નથી કરી કારણ કે હું જાણું છું કે આ મકાનને ઘર તેં બનાવ્યું છે. તેં મારા કપરા સમયમાં મારો સાથ આપ્યો છે. આજે હું સફળ છું તો એ તારા કારણે છું. તેં આપણાં બંને બાળકોને જે સંસ્કાર આપ્યા છે એવા સંસ્કાર કદાચ બીજું કોઈ નહીં આપી શકે. તારો દરેક નિર્ણય યોગ્ય જ હતો પણ આજે નહીં.

તેં જ્યારે વૈદેહીને કહ્યું હતું કે એ હોસ્ટેલમાં રહેવા જતી રહે કારણ કે લોકો ખોટી વાતો કરે છે ત્યારે જ હું તને પાછી વાળવાનો હતો પણ મેં વિચાર્યું કે તું જાતે જ તારો નિર્ણય બદલી કાઢશે. જ્યારે તું વૈદેહીને મળવા એની હોસ્ટેલ પર ગઈ હતી ત્યારે પણ હું ત્યાં જ હતો. હું વૈદેહીને મનાવીને ઘરે લાવવા માટે ગયો હતો પણ તેં ત્યારે વૈદેહીને કહ્યું હતું કે જેમ બને એમ સાર્થકથી દૂર રહે કારણ કે તું નહતી ઈચ્છતી કે કોઈ એનાં પર કીચડ ઉછાળે. તેં વૈદેહીને કહ્યું હતું કે એનો અભ્યાસ પૂરો થાય પછી તું એનાં માટે યોગ્ય છોકરો શોધી એનાં લગ્ન કરાવશે. તું જાણે પણ છે આ સાંભળી એ બિચારી પર શું વિતી હશે ?

અરે એની વાત છોડ ગરિમા, તેં એવું પણ નહીં વિચાર્યું કે સાર્થકનું શું થશે ? એ બિચારો તો વૈદેહી સાથેના સોનેરી સપનાં જોતો હતો અને તું એ બંનેનાં સપનાનાં આડે આવી ગઈ. છતાં પણ એ છોકરીએ તારું નામ ક્યાંય લીધું નથી. એણે તો બધાને એમ જ કહ્યું કે એ આ ઘરમાં સારી રીતે વાંચી નથી શકતી. પણ તું તો..."

"તો હું કંઈ એની દુશ્મન નથી રજનીશ. જે દિવસે પેલાં સિરાજે આપણા ઘરમાં એનાં માણસો મોકલ્યા હતાં ત્યારે જો સહેજ પણ ચુક થઈ ગઈ હોત તો આપણે શિખાને ગુમાવી ચૂક્યા હોત. મને ડર લાગવા માંડ્યો અને મેં...."

"અને તેં એને એકલી રહેવા મોકલી દીધી. તને એક પણ વખત એવો વિચાર નહીં આવ્યો કે એનાં પર કોઈ મુસીબત આવશે તો એ એકલી શું કરશે ?" રજનીશભાઈએ પૂછ્યું.

"તો હું બીજું શું કરતી ? મને પણ એની ચિંતા છે અને એટલે જ હું રેગ્યુલર હોસ્ટેલની વોર્ડન સાથે એનાં વિશે વાત કરતી રહું છું. એનાં ખાવા પીવાનું ધ્યાન રાખું છું. જ્યારથી એ હોસ્ટેલમાં રહેવા ગઈ છે મેં ત્યાં શેફ હાયર કર્યો છે. એનો રૂમ બીજા બધા રૂમ કરતાં મોટો અને બધી સુવિધાઓથી સજ્જ છે. અને..."

"આ બધું તેં કર્યું કારણ કે તેં જે કંઈ કર્યું એનાં માટે તું ગિલ્ટ ફીલ કરતી હતી. જ્યારથી વૈદેહી હોસ્ટેલ રહેવા ગઈ છે ત્યારથી તને સતત ચિંતામાં મેં જોઈ છે. તને સતત હોસ્ટેલની મુલાકાત લેતાં મેં જોઈ છે. ગરિમા, જીવન અને મૃત્યુ આપણાં હાથમાં નથી હોતું. એક સમયે એનાં કારણે શિખાનું જીવન જોખમમાં હતું પણ આજે...આજે એ છોકરી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને એની આ હાલત આપણી શિખાને બચાવવા જતાં થઈ છે. તને ખબર છે કે એની સાથે શું થયું હતું ?" રજનીશભાઈએ ગરિમાબેનને બધું જણાવ્યું.

બધી હકીકત જાણ્યા પછી ગરિમાબેન ત્યાં જ ફસડાઈ પડ્યાં.

"હું...હું આ શું કરી બેઠી ? હું સ્વાર્થી બની ગઈ હતી રજનીશ. મને ફક્ત સાર્થક અને શિખા જ દેખાઈ રહ્યાં હતાં. મને...મને માફ કરી દો રજનીશ, મને માફ કરી દો." ગરિમાબેન રડવા લાગ્યા.

રજનીશભાઈએ એમને ઉભા કર્યા અને સોફા પર બેસાડી પાણી આપ્યું.

"રજનીશ, હું સાચું કહું છું. મેં ક્યારેય વૈદેહી માટે ખરાબ નથી વિચાર્યું. હું તો બસ...."

"તારે મને સફાઈ આપવાની જરૂર નથી, ગરિમા. શું હું તને નથી જાણતો ? જે થઈ ગયું એને તો આપણે બદલી નથી શકતાં પણ આજ અને આવતીકાલ તો આપણા હાથમાં છે ગરિમા." રજનીશભાઈએ કહ્યું.

"રજનીશ, ચાલો હોસ્પિટલ જઈએ." ગરિમાબેને કહ્યું અને બંને હોસ્પિટલ જવા નીકળ્યા.

આ તરફ સાર્થક એકીટસે ઓ ટીની તરફ જોઈ રહ્યો હતો. અંદર શું થઈ રહ્યું હતું કોઈને ખબર ન હતી. ડોક્ટરે કહ્યું હતું કે લોહી વધારે વહી જવાને કારણે વૈદેહીની હાલત ક્રિટીકલ છે. કંઈ કહી શકાય એમ નથી. ડોક્ટરની વાત સાંભળી શિખા અને સાર્થક બંને આઘાત પામ્યાં હતાં.

સાર્થકને લાગી રહ્યું હતું કે વૈદેહીને કંઈ થઈ જશે તો એ પણ જીવી નહીં શકે.

"સાર્થક..." ગરિમાબેને સાર્થકનાં ખભે હાથ મૂક્યો.

"મમ્મી..." કહેતાં સાર્થક નાના બાળકની જેમ રડી પડ્યો.

"એને કંઈ નહીં થાય બેટા. ઉપરવાળા પર વિશ્વાસ રાખ." ગરિમાબેને કહ્યું.

"હા બેટા, હજી તો અમારે તમારા બંનેનાં ધામધૂમથી લગ્ન કરવાનાં બાકી છે. વૈદેહીને આપણાં ઘરની વહુ બનાવવાની બાકી છે." રજનીશભાઈએ કહ્યું.

એમનાં શબ્દો સાંભળી સાર્થકને થોડી હિંમત આવી.

થોડીવાર પછી ડોક્ટર ઓટીમાંથી બહાર આવ્યા અને કહ્યું,

"શી ઈઝ આઉટ ઓફ ડેન્જર નાઉ."

એમની વાત સાંભળી સાર્થક અને શિખા એકબીજાને વળગી પડ્યાં. ગરિમાબેને પણ હાથ જોડી ભગવાનનો આભાર માન્યો.

વૈદેહીને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી. પોતાની સામે સાર્થકને જોઈ વૈદેહીની આંખો ભીની થઈ ગઈ. એણે એની નજર ફેરવી લીધી.

"હવે કેમ છે તને ?" શિખાએ એની પાસે બેસીને પૂછ્યું.

વૈદેહીએ માથું હલાવી સારું છે એમ કહ્યું.

"તું બહુ ખરાબ છે વૈદુ. તું ફક્ત તારા વિશે જ વિચારે છે." શિખાએ રડતાં જઈને કહ્યું. એની વાત પર વૈદેહી હસી પડી.

"મિસ વૈદેહી, મારે તમને અમુક સવાલ પૂછવા છે. શું તમે એનાં જવાબ આપી શકશો ?" ઇન્સ્પેક્ટર ચતુર્વેદીએ પૂછ્યું.

વૈદેહીએ હા કહ્યું તેથી એમણે વૈદેહીની આવી હાલત કેવી રીતે થઈ એ જણાવવા કહ્યું. વૈદેહીએ કોલેજમાં જે કંઈ થયું એ બધું જ અક્ષરસઃ ઇન્સ્પેક્ટરને જણાવ્યું.

વૈદેહીની ગવાહી લઈ વિક્રમને જલ્દી જ એરેસ્ટ કરશે એમ કહી ઇન્સ્પેક્ટર જતાં રહ્યાં.

રજનીશભાઈ, શિખા ગરિમાબેન, અપૂર્વ અને સાર્થક વૈદેહીની આસપાસ ઉભા હતાં.

"અરે, પેશન્ટ પાસે આટલા બધા નહીં રહી શકે. કોઈ એક જ વ્યક્તિ અહીંયા રોકાય. બીજા બહાર જાય." એક નર્સે આવીને કહ્યું.

"ગરિમા પહેલાં વૈદેહી સાથે રહેશે. આપણે બધા બહાર જઈએ. થોડીવાર પછી આપણામાંથી કોઈ બીજું આવશે. અને પછી કોઈ ત્રીજું." રજનીશભાઈએ કહ્યું અને બધાં બહાર નીકળ્યા.

બધાનાં બહાર નીકળતા જ ગરિમાબેન વૈદેહી પાસે જઈને બેઠા અને એની સામે હાથ જોડીને માફી માંગી.

"નહીં આંટી, ત...તમે કેમ માફી..." વૈદેહીને બોલવામાં તકલીફ પડી રહી હતી.

"તું કંઈ નહીં બોલ. બસ ખાલી સાંભળ. હું સ્વાર્થી બની ગઈ હતી. મને લાગવા માંડ્યું હતું કે તારા કારણે શિખા અને સાર્થક બંને મુસીબતમાં મુકાઈ જશે. મને માફ કરી દે વૈદેહી."

વૈદેહીએ ધીમે રહી એનો હાથ ઉઠાવ્યો અને ગરિમાબેનનાં હાથ પકડી લીધા. એની આંખોમાં આંસુ આવી ગયા પણ આ આંસુ ખુશીના આંસુ હતાં.

******

અઠવાડિયા પછી વૈદેહીને રજા આપવામાં આવી. એને લેવા માટે ગરિમાબેન અને રજનીશભાઈ આવ્યા. તેઓ વૈદેહીને એમનાં ઘરે લઈ ગયા. વૈદેહીએ મહિનાઓ પછી એ ઘરમાં પગ મૂક્યો હતો.

વૈદેહીને આવેલી જોઈ ઘરનાં બધાં નોકર પણ ખુશ થઈ ગયા. ગરિમાબેને આરતી ઉતારી વૈદેહીનું સ્વાગત કર્યું. વૈદેહીથી વધારે સમય બેસાતું નહતું તેથી ગરિમાબેને શિખાને વૈદેહીને રૂમમાં લઈ જવા કહ્યું. વૈદેહીએ સાર્થક તરફ જોયું જે ફોનમાં વ્યસ્ત હતો. શિખા વૈદેહીને લઈ એનાં રૂમમાં ગઈ.

"વૈદુ, આજથી આપણે એક જ રૂમમાં રહીશું. ભાઈ કહેતાં હતાં કે તને વાંચવામાં કોઈ તકલીફ ન પડવી જોઈએ. આપણે બે સાથે રહીશું તો સાથે વાંચવાની મજા આવશે." શિખાએ કહ્યું.

સાર્થકે પોતાને એનાં રૂમમાંથી કાઢી મૂકી એ વિચારી વૈદેહી દુઃખી થઈ ગઈ પણ એણે હસતાં મોંઢે શિખાની વાત સાંભળી લીધી.

દિવસો વીતવા લાગ્યા. વૈદેહી હવે એકદમ સ્વસ્થ થઈ ગઈ હતી અને એણે કોલેજ પણ જોઈન કરી લીધી હતી. વિક્રમ પકડાઈ ગયો હતો અને એનાં પર કેસ ચાલી રહ્યો હતો. જો કે બધું સાફ હતું અને એમાં પણ એનાં મિત્રોએ ડરનાં માર્યા બધું કબૂલી લીધું હતું. વિક્રમને અટેમ્પ્ટ ટુ મર્ડરનાં લીધે જેલની સજા ફટકારવામાં આવી.

બધું જ બરાબર ચાલતું હતું. વૈદેહીને ફરીથી પરિવાર મળ્યો હતો પણ એની ખુશી અધૂરી હતી કારણ કે સાર્થક એનાથી દુર હતો. એક જ છત નીચે રહેવા છતાં સાર્થકને એ માંડ જોઈ શકતી. કારણ કે સવારે સાર્થક વહેલો જતો રહેતો અને રાતે મોડો આવતો. ક્યારેક ક્યારેક વૈદેહી ચૂપકેથી સાર્થકને જોઈ લેતી અને બધાથી છુપાવીને રડી પણ લેતી હતી.

બીજી તરફ સાર્થક પણ વૈદેહી સાથે વાત કરવા માંગતો હતો પણ પછી એને વૈદેહીની વાત યાદ આવી જતી અને એ પોતાની જાતને મનાવી લેતો હતો.

આમ જ સમય વીતતો ગયો અને ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો. કોલેજમાં બધાં વેલેન્ટાઈન વિક ઉજવી રહ્યાં હતાં. પ્રપોઝ ડેનાં દિવસે અપૂર્વએ શિખાને પ્રપોઝ કર્યું અને શિખાએ સહર્ષ એનું પ્રપોઝલ સ્વીકારી લીધું. બંનેને જોઈ વૈદેહી ખુશ તો થઈ પણ એને સાર્થકની યાદ આવવા લાગી.

એક વર્ષ અગાઉ વેલેન્ટાઈન ડેના દિવસે જ એની મુલાકાત સાર્થક સાથે થઈ હતી એ યાદ આવતાં એનાં આંસુ છલકાઈ ગયા. કોલેજથી ઘરે ગયા પછી એણે પોતાની જાતને બાથરૂમમાં બંધ કરી દીધી અને બધુ દુઃખ આંસુઓ સાથે વહાવી દીધું.

સામે સાર્થક પણ બેચેન હતો. એક વર્ષ પહેલા જેની સાથે એને પહેલી નજરનો પ્રેમ થયો હતો એ આજે એની સામે હોવા છતાં પણ ઘણી દૂર હતી અને એ જ વાત એને અંદરથી તોડી રહી હતી.

એણે નક્કી કર્યું કે થોડા દિવસ એ ક્યાંક બહાર જતો રહેશે અને આ વાત એણે ઘરમાં બધાને કરી. એણે ઘરમાં કહ્યું કે બિઝનેસ માટે એ થોડા દિવસ ક્યાંક જઈ રહ્યો છે. બીજા બધાંને તો કંઈ અજીબ નહીં લાગ્યું પણ વૈદેહી સમજી ગઈ કે સાર્થક શા માટે બહાર જઈ રહ્યો છે ?

વધુ આવતાં ભાગમાં....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED