નણંદવાળી_ગાગર Kiran દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નણંદવાળી_ગાગર

મા અને બાપા દોઢેક મહિનાથી શહેરમાં આવ્યા હતા.. દિકરાને ઘરે દિકરા દિકરીના લગ્ન હતા.. એટલે મહિનો તો કેમ ગયો એની ખબર જ ના રહી.. પણ પ્રસંગને લગતા વહેવાર તેડમેલ , બધું પતી ગયા પછી હવે એને ગામડું સાંભર્યું હતું..

મુકવા જવામાં આજકાલ કરતાં કરતાં બીજા પંદરેક દિવસ ગયા.. ઘરના બધાની મરજી હતી કે હવે એ બેય અહીં જ રહે.. બાપા તો કંઈ બોલતા નહીં પણ આજે બપોરે ખાવા ટાણે માએ ઢીલાશ બતાવી કે " હવે મને સોરવતું નથી.. અમને ગામડે મુકી જાવ..”

એ ગામડું શહેરથી ચાલીસેક કીલોમીટર દુર મુખ્ય રસ્તાથી ઉંડાણમાં હતું.. ખેતી સારી હતી, ભાગમાં દીધેલ હતી.. રહેવાનું મકાન સારું હતું.. શાંત , ધાંધલ ધમાલ વગરનું જીવન જીવેલા માને શહેરમાં ગમતું નહીં.. એટલે કંઈ કામસર આવે તોય જાજું રોકાતા નહીં.. પણ અહીંથી આઠ દશ દિવસે કોઈ ને કોઈ જઈને ખબર અંતર પુછી આવતું, સીધા સામાનની ગોઠવણ કરી આવતું.. અને ખાનગીમાં પાડોશની એક ગરીબ બાઈ સાથે ગોઠવી રાખ્યું હતું કે.. 'બાપા-માનું ધ્યાન રાખવું, એ કંઈ કામ ઉપાડે તો તમારે કરી આપવું.. તમને અમે વળતર આપી દઈશું..’

માએ જવાની હઠ પકડી, છતાં નવી આવેલી શિક્ષિત પૌત્રવધૂ સ્તુતિ રોંઢે દાદી પાસે એકલી ગઈ..

" મા, હવે તો હું આ ઘરની કહેવાઉં ને..? કુટુંબમાં, સમાજમાં મારા વખાણ થાય, એ તમને ગમે.. કે મને અસંસ્કારી કહીને ટીકા કરે એ ગમે..? હવે તમે ગામડે એકલા રહેશો તો લોકો મને ખરાબ ગણશે.. જાજું ભણેલી બધી છોકરીઓ સરખી ના હોય.. મને તો ઘરડા માણસ ગમે.. હું તમને જરાય ઓછું આવવા નહીં દઉં..”

સ્તુતિની વાત.. મા માની ગયા..

એક દિવસ બધા ગામડે ગયા.. ખપ પુરતો સામાન નોખો રાખી, કેટલુંક ગરીબોને મફત આપી દીધું.. થોડુંક નહીં જેવી રકમમાં પાડોશમાં વેંચી નાખ્યું.. પીતળના વાસણ ભંગારમાં દેવા કોથળામાં ભરાતા હતા ત્યારે માએ એક ગાગર કાઢી લઈને સ્તુતિને આપી.. " આ મારે રાખવી છે.. હું તને પછી ક્યારેક આની વાત કરીશ..”

* * *

દાદાએ પોતાની રીતે વૃધ્ધ મંડળી ગોતી લીધી હતી.. સ્તુતિ રોજ રોંઢે માને ઘરથી નજીકના બગીચે લઈ જતી.. બીજી વૃધ્ધ બાઈઓ પાસે બેસાડી, પોતે બગીચા ફરતે બનાવેલી ચાલવાની પટ્ટી પર બે ચક્કર લગાવી, માને ઘરે લાવતી.. માને હવે ધીરે ધીરે ગોઠી ગયું હતું..

એક દિવસ.. બીજી સ્ત્રીઓ નહતી.. મા અને સ્તુતિ બાંકડે બેઠાં હતાં.. એક લાંબા વાળવાળી છોકરી રમતમાં દોડતી દોડતી પાસેથી પસાર થઈ.. સ્તુતિએ કહ્યું..

" મા, આ છોકરીના કેવા લાંબા રુપાળા વાળ છે..”

મા બોલ્યા.. " હા.. પણ એ મારી નણંદ જેવા તો નથી..”

" મા, એ ફઈબા કોણ..? લગ્નમાં આવ્યા હતા..?”

" ના, એ હવે નથી.. લે, તને તે દિવસે આપણે રાખી લીધી એ ગાગરવાળી વાત કરું..

હું પરણીને આવી ત્યારે મારા નાના નણંદ દશેક વરસના હતા.. એ જમાનામાં નણંદને બેન કહેવાતું.. નાના હોય તોય તુંકારો ના વપરાતો..

મારા એ નણંદના વાળ આના કરતાં ય લાંબા હતા.. હું એને બહુ ગમતી.. નિશાળે જવા ચોટલા મારી પાસે જ ગુંથાવે.. હું બે ચોટલાવાળો ઝુલો  વાળી આપતી..

એ આખો દિવસ મારી સાથે જ રહ્યા કરે.. એ વખતે નળ નહોતા.. હું કુવે પાણી ભરવા જતી.. એ પણ સાથે આવે.. સિંચણીયું ઉપાડે.. ક્યારેક નાની ગાગર પરાણે ઉપાડે..

એક દિવસ મારાથી સિંચતાં સિંચતાં ગાગર કુવામાં પડી ગઈ.. અમે બેય ખુબ હસી.. ઠાલો હાંડો લઈ પાછી આવી.. ઘર નજીક આવતાં.. એ દોડીને મારા સાસુ પાસે ગયા..

'બા, ભાભી મને સિંચવા દેતા નથી.. આજ મેં પરાણે સિંચણીયું આંચકી લીધું.. મારાથી ગાગર કુવામાં પડી ગઈ.. બા, ભાભીનો વાંક નથી.. એને કાંઈ ખીજાતા નહીં..’

ઘરમાં બધા હસ્યા.. પુરુષો કુવામાંથી ગાગર કાઢી આવ્યા.. એ છે મારી નણંદવાળી ગાગર..”

સ્તુતિએ પુછ્યું.. " તો મા.. એ ફઈબાનું શું થયું.. એ કેમ હવે નથી..?”

મા બોલ્યા.. " ચોમાસામાં એક દિવસ બળતણ જરાક પલળ્યું હતું.. ચુલામાં ધુમાડો થતો હતો.. એણે કહ્યું કે 'ભાભી, હું ઓરડીમાંથી સુકા છાણા લઈ આવું’.. એ ગયા.. ત્યાંથી એને સરપ કરડ્યો..”

સ્તુતિ થોડીવાર ગુમસુમ બેઠી રહી.. પછી બોલી.. " મા, એ ગાગરને હું ઘસીને ચકચકિત કરી લઈશ.. મને ફુલ ગોઠવવાનું બહુ ગમે છે.. આપણા બેઠકના ઓરડામાં એમાં ફુલ ગોઠવીને રાખીશ..”

" મા.. ચાલો, આજે કોઈ બાઈઓ આવી નથી.. મારેય ચાલવા જવું નથી..”

એમ કહીને એણે માનો હાથ પકડ્યો..