Atut Bandhan - 27 books and stories free download online pdf in Gujarati

અતૂટ બંધન - 27








(સાર્થક ઈન્ડિયા આવી જાય છે અને વૈદેહીને મળવાનો પ્રયાસ કરે છે પણ વૈદેહી એને મળતી નથી. એકવાર એ વૈદેહીની હોસ્ટેલ પહોંચી જાય છે અને એને ત્યાંથી એની સાથે લઈ જાય છે. એ વૈદેહીને પૂછે છે કે એ આ રીતે શા માટે બિહેવ કરે છે ત્યારે વૈદેહી એને જણાવે છે કે એ એના પર બોઝ બનવા નથી માંગતી અને એમ પણ જણાવે છે કે એ એને પ્રેમ નથી કરતી. સાર્થક આ સાંભળી દુઃખી થઈ જાય છે અને વૈદેહીને હોસ્ટેલ પાછો છોડી આવે છે સાથે સાથે વૈદેહીનાં હાથમાં બાંધેલું મંગળસૂત્ર પણ એ લઈ લે છે. હવે આગળ)

સાર્થક ખૂબ જ ગુસ્સામાં હતો. એ ઘરે જઈ સીધો એનાં રૂમમાં જતો રહ્યો. એને વૈદેહી કરતાં વધારે પોતાની જાત પર ગુસ્સો આવતો હતો.

"વૈદેહી પણ મને પ્રેમ કરે છે એવું મેં કેમ સમજી લીધું ? એણે તો ક્યારેય કહ્યું જ નથી. પણ..પણ એની વાતો...એની વાતો તો એ જ દર્શાવતી હતી કે એ મને ચાહે છે. જેટલો પ્રેમ હું એને કરું છું એટલો જ પ્રેમ એ પણ મને કરે છે. તો પછી આજે એણે આવું કેમ કહ્યું ? કેમ વૈદેહી કેમ ?" સાર્થક સાવ તૂટી પડ્યો.

એને જાણે એનું જીવન વ્યર્થ લાગવા માંડ્યું. રાતે ડિનર માટે પણ એ નહીં ગયો. એનું આમ ડિનર કરવા ન આવવું રજનીશભાઈને અજીબ લાગ્યું.

"ગરિમા, સાર્થકે તને કંઈ કહ્યું ? એને શું થયું છે ?" રજનીશભાઈએ પૂછ્યું.

"અરે બાબા, થાકી ગયો હશે. કહેતો હતો કે એને ઊંઘ આવે છે." ગરિમાબેને કહ્યું.

રજનીશભાઈ કંઈ બોલ્યાં નહીં અને એ પણ જમ્યાં વિના ઉભા થઈ ગયા.

"તમે ક્યાં જાવ છો ?" ગરિમાબેને પૂછ્યું.

"મને ભૂખ નથી. તું અને શિખા જમી લો. મને ભૂખ લાગશે ત્યારે જમી લઈશ." આટલું કહી રજનીશભાઈ એમનાં રૂમમાં જતાં રહ્યાં.

ગરિમાબેનને કંઈ સમજાયું નહીં અથવા તો એ સમજવા નહતાં માંગતા. એમણે શિખા તરફ જોયું જે ફોનમાં વ્યસ્ત હતી તો એમણે એને કંઈ પૂછ્યું નહીં અને એ પણ થોડું જમી ઉભા થઈ ગયા. શિખા એમને જતાં જોઈ રહી. એ પણ અડધું ખાવાનું એમ જ મૂકીને ઉભી થઈ ગઈ અને સાર્થકનાં રૂમ પાસે ગઈ.

"ભાઈ...ભાઈ... મારે તમારી સાથે વાત કરવી છે. પ્લીઝ દરવાજો ખોલો." શિખાએ કહ્યું.

"શિખુ, મને ઊંઘ આવે છે. આપણે કાલે વાત કરીશું." સાર્થકે જવાબ આપ્યો.

"નહીં ભાઈ, મારે અત્યારે જ વાત કરવી છે." શિખાએ કહ્યું.

"શિખુ પ્લીઝ, ગો. જે વાત કરવી હોય એ કાલે કરજે. અત્યારે તું જા." સાર્થકે કહ્યું.

શિખા થોડીવાર ત્યાં ઉભી રહી અને પછી એનાં રૂમમાં જતી રહી. એણે અપૂર્વને ફોન કર્યો અને આજનાં દિવસ વિશે કહ્યું.

"શિખા, મેં તને કહ્યું હતું ને કે સાર્થક અને વૈદેહી વચ્ચે કંઈ થયું છે. મેં બંનેને જોયા હતા હાઈવે પર. સાર્થકે ગાડી સાઈડ પર રાખી હતી અને એ વૈદેહી સાથે કંઈક વાત કરી રહ્યો હતો. એમનાં ચહેરા જોઈ લાગતું હતું કે કોઈ સિરિયસ મેટર છે." અપૂર્વએ કહ્યું.

"એ જ પૂછવા માટે હું ભાઈ પાસે ગઈ હતી પણ ભાઈએ કહ્યું કે એમને ઊંઘ આવે છે તો કાલે વાત કરશે. પણ મને ખબર છે કે ભાઈ ઊંઘ્યા નથી. એ જાગતાં જ હશે." શિખાએ કહ્યું.

"હમમ,વૈદેહી સાથે વાત થઈ ?" અપૂર્વએ પૂછ્યું.

"એ પણ મારો કોલ રીસિવ નથી કરી રહી. કેટલાય કોલ કર્યા પણ એકપણ કોલનો જવાબ નથી આપ્યો એણે. અપૂર્વ,મને તો હવે ચિંતા થઈ રહી છે."

"ડોન્ટ વરી શિખા, બધું બરાબર થઈ જશે. આજે ભલે કોલ નથી ઉપાડતી પણ કાલે તો કોલેજ આવશે જ ને ! ત્યારે તું એની સાથે વાત કરી લેજે." અપૂર્વએ કહ્યું.

ત્યાર પછી થોડીવાર વાત કરી બંનેએ ફોન મૂક્યો.

બીજી તરફ વૈદેહીની હાલત પણ રડી રડીને ખરાબ થઈ ગઈ હતી. એનાં જીવનમાં પહેલીવાર કોઈ એવું આવ્યું હતું જે એનાં કરતાં વધુ એની ચિંતા કરતું હતું પણ કદાચ એની કિસ્મત એટલી સારી નહતી. અત્યારે એ હોસ્ટેલની છત પર બેઠેલી હતી. એણે આકાશમાં જોયું અને ફરિયાદના સૂરમાં કહ્યું,

"શા માટે મને આવું જીવન આપ્યું ભગવાન ? ન મા નો પ્રેમ મળ્યો કે ન એની હૂંફ. પિતા માબાપ બંનેની ફરજ નિભાવી રહ્યાં હતાં તો એ પણ તારાથી ન જોવાયું અને એમને પણ મારાથી દૂર કરી દીધાં. વર્ષો પછી જીવનમાં ખુશીઓએ દસ્તક દીધી તો એ પણ તેં મારાથી છીનવી લીધી. આખરે તું ઈચ્છે શું છે મારાથી ? આનાથી તો સારું તું મને મોત આપી દે."

ક્યાંય સુધી એ છત પર બેસી પોતાની કિસ્મત પર રડતી રહી. એને એનું જીવન ભારરૂપ લાગી રહ્યું હતું. એની પાસે એવું કોઈ નહતું જેને એ એનાં દિલની વાત કરી શકે. કોઈ એવું નહતું જેનાં ખભે માથું મૂકી એ રડી શકે. એ પહેલાં પણ એકલી હતી અને આજે પણ એકલી જ રહી.

******

બીજા દિવસે સવારે બધાં ઉઠે એ પહેલાં સાર્થક ઓફિસ જતો રહ્યો. એ કોઈની સામે આવવા નહતો માંગતો કારણ કે એ જાણતો હતો કે એની આંખો જોઈ ઘરમાં બધા સમજી જશે કે એ રાતે રડ્યો છે.

સાર્થકને બ્રેકફાસ્ટ ટેબલ પર ન જોતાં ગરિમાબેન એનાં રૂમમાં ગયા પણ ત્યાં સાર્થક નહતો. એક નોકરે એમને જણાવ્યું કે સાર્થક વહેલો નીકળી ગયો.

"અરે રાતે પણ ડિનર નહીં કર્યું અને અત્યારે પણ કંઈપણ ખાધા વિના જતો રહ્યો. એવું તો શું કામ કરે છે એ ? રજનીશ, હું એનું ટિફિન પેક કરુ છું તમે જાવ ત્યારે લઈ જાજો."

"મને લાગે છે કે એ બીજી કોઈ વાતને લઈને પરેશાન છે. તારે એની સાથે કરવી જોઈએ. એને પૂછવું જોઈએ કે એને શું થયું છે ?" રજનીશભાઈએ કહ્યું.

જવાબમાં ગરિમાબેને ફક્ત ડોકું હલાવ્યું. ક્યાંક ને ક્યાંક ગરિમાબેન સાર્થકની પરેશાનીનું કારણ જાણતાં હતાં. અને તેથી જ તેઓ સાર્થકને કંઈ પુછી નહતાં શકતાં.

"મમ્મી, આજે હું વૈદુ સાથે એની હોસ્ટેલમાં રહેવાની છું તો મારી રાહ નહીં જોતી." શિખાએ કહ્યું.

"હોસ્ટેલમાં ? તો હવે તું બધાં નિર્ણય જાતે કરવા લાગી ? એકવાર પણ મને પૂછ્યું નહીં !" ગરિમાબેન થોડા ગુસ્સે થઈને બોલ્યાં.

"ગરિમા, શિખાએ મને પૂછ્યું હતું અને મેં જ એને જવાની પરમિશન આપી છે. મેં તો વૈદેહીને અહીંયા બોલાવવાની વાત કરી પણ પછી વૈદેહી અહીં આવવા માનશે કે કેમ એવું વિચારી મેં શિખાને ત્યાં જવા કહ્યું." રજનીશભાઈએ કહ્યું.

"ઓકે મમ્મી બાય, બાય પપ્પા" શિખાએ કહ્યું અને જતી રહી.

શિખાએ નક્કી કર્યું હતું કે એ વૈદેહીને આજે બધું જ પૂછીને રહેશે કે આખરે એણે અચાનક ઘર કેમ છોડ્યું અને પછી સાર્થક સાથે એ આમ અજાણ્યા જેવું વર્તન શા માટે કરે છે ?

એ કોલેજ પહોંચી અને સીધી ક્લાસમાં ગઈ પણ હજી સુધી વૈદેહી આવી નહતી. શિખાને નવાઈ લાગી કારણ કે લેક્ચર શરૂ થવાનો સમય થઈ ગયો હતો પણ હજી સુધી વૈદેહી નહતી આવી. શિખાએ વૈદેહીની હોસ્ટેલમાં રહેતી એક છોકરીને વૈદેહી વિશે પૂછ્યું તો એણે જણાવ્યું કે વૈદેહી એનાં રૂમની બહાર નીકળી જ નથી. અને કાલે રાતે પણ એ જમવા માટે નહતી આવી. એની વાત સાંભળી શિખાને વિશ્વાસ થઈ ગયો કે સાર્થક અને વૈદેહી વચ્ચે કંઇક તો એવું થયું છે જે નહતું થવું જોઈતું.

એ તરત જ લેક્ચર છોડી બહાર નીકળી ગઈ અને અપૂર્વને ફોન કર્યો. પણ અપૂર્વએ ફોન નહીં ઉપાડ્યો. એ સમજી ગઈ કે અપૂર્વ લેક્ચરમાં હશે. એણે હોસ્ટેલ જવાનું નક્કી કર્યું અને. એ તરફ પગ ઉપડ્યા જ હતાં કે એણે સામેથી આવતી વૈદેહીને જોઈ જે એની ધૂનમાં ચાલી રહી હતી. શિખાનાં જીવમાં જીવ આવ્યો અને એ દોડીને વૈદેહી પાસે ગઈ અને એને ગળે લગાડી દીધી.

"વૈદુ, ક્યાં હતી તું ? હું ક્યારની તારી રાહ જોઉં છું અને કાલે મારો ફોન કેમ નહીં ઉપાડ્યો ?" શિખાએ પૂછ્યું.

"એ...હું...હું વહેલી ઊંઘી ગઈ હતી એટલે." વૈદેહીએ બીજી તરફ જોઈ કહ્યું.

"વૈદુ, મારી સામે જો તો જરાં." શિખાએ કહ્યું.

"લેક્ચર શરૂ થઈ ગયો હશે. ચાલ મોડું થાય છે." વૈદેહીએ કહ્યું અને ચાલવા લાગી પણ શિખાએ એનો હાથ પકડી લીધો અને એને કોલેજની પાછળ લઈ ગઈ. એણે વૈદેહીનો ચહેરો ઉંચો કર્યો અને પૂછ્યું,

"વૈદુ, તું રડી હતી ? શું થયું છે તને ? કોઈએ તને કંઈ કહ્યું ? ભાઈ સાથે કંઈ થયું ? શું થયું છે ? તેં કહ્યું હતું કે તું ઘરે આવતી રહેશે પણ છેલ્લા સાત આઠ મહિનાથી તું ઘરે નથી આવી. ભાઈ તારી પાસે આવે છે તો તું એમની સાથે સરખી વાત નથી કરતી. ગઈકાલે એવું તો શું થયું હતું તારા અને ભાઈ વચ્ચે કે ભાઈ અપસેટ છે અને તું પણ અપસેટ છે. બોલ ને વૈદુ, શું થયું ?"

"આટલી બધી ચિંતા ક્યારેક મારી પણ કરી લેતી હોય તો ?" આ અવાજ સાંભળી શિખાને ધ્રુજારી છૂટી ગઈ. કારણ કે આ અવાજ વિક્રમનો હતો.

શિખા વૈદેહીની પાછળ ઉભી રહી ગઈ. વિક્રમે એનો હાથ પકડ્યો એને વૈદેહીની પાછળથી ખેંચી લીધી.

"તને શું લાગ્યું કે વિક્રમ બધું ભૂલી ગયો છે ? પણ નહીં, હું તો યોગ્ય સમયની રાહ જોતો હતો." વિક્રમે કહ્યું.

"વિક્રમ હાથ છોડ એનો." વૈદેહીએ શિખાનો હાથ છોડાવી કહ્યું.

"કેમ ? એનો હાથ છોડી તારો હાથ પકડું ?" વિક્રમે કહ્યું અને એની સાથે આવેલા એનાં ફ્રેન્ડ્સ હસવા લાગ્યા. વિક્રમે ફરીથી વૈદેહીનો હાથ પકડી લીધો.

વૈદેહી અને શિખાએ આજુબાજુ જોયું પણ અત્યારે લેક્ચરનો ટાઇમ હોવાથી અને કોલેજનો પાછળનો ભાગ હોવાથી ત્યાં કોઈ નહતું. શિખા એનો હાથ છોડાવવાનો પ્રયાસ કરવા લાગી પણ વિક્રમની પકડ એટલી મજબૂત હતી કે શિખા એનો હાથ પણ નહતી હલાવી શકતી.

વૈદેહીએ વિક્રમને ધક્કો માર્યો. વિક્રમને અંદાજો નહતો કે વૈદેહી એને ધક્કો મારશે તેથી એનું બેલેન્સ ન રહ્યું અને એ પડી ગયો.

"શિખા, ભાગ." વૈદેહીએ કહ્યું અને બંને ત્યાંથી ભાગી પણ વિક્રમ સાથે એનાં બીજા ચારેક મિત્રો પણ હતા તો તેઓ એમનો રસ્તો રોકીને ઉભા રહી ગયા.

"તને સીધી કોઈ વાત સમજાતી નથી ને ? કહ્યું હતું કે તું ફક્ત મારી છે પણ તું...તું બીજા સાથે ફરવા માંડી. જો તું મારી નહીં તો બીજા કોઈની નહીં." વિક્રમે કહ્યું.

વૈદેહીની નજર વિક્રમની હરકતો પર જ હતી. વિક્રમે શિખાનાં વાળ પકડ્યા અને એનાં ફ્રેન્ડની તરફ હાથ લંબાવ્યો. એનાં ફ્રેન્ડે એને એક ધારદાર ખંજર આપ્યું. એ જોઈ વૈદેહી એ તરફ દોડી ગઈ અને શિખાને ધક્કો મારી વચ્ચે આવી ગઈ. વિક્રમે મારેલું ખંજર વૈદેહીનાં પેટમાં ઘૂસી ગયું.

વૈદેહીનાં મુખેથી દર્દભરી ચીસ નીકળી ગઈ.

વધુ આવતાં ભાગમાં....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED