આરોહી અને કવનની મુલાકાત બે અઠવાડિયે ફરી થઈ.ત્યાં સુધી ના કોઈ આરોહીનો મેસેજ હતો ના ફોન.માત્ર જે દિવસે મળવાનું હતું તેના આગલા દિવસે મેસેજ આવ્યો હતો.
જોકે વચ્ચેના દિવસો માં કવન અને વિશ્વાસ હવે પહેલાની જેમ રોજ મળતા હતા.એક બાજુ વિશ્વાસ અને કાવ્યા ની વાર્તા ખૂબ પ્રોગ્રેસ કરી રહી હતી.તે રોજબરોજ કાવ્યા સાથે શું વાતો કરતો હતો તે બધુજ કવનને કહેતો હતો.એમ પણ જો તમે તમારા પ્રથમ પ્રેમની દરેક વાતો તમારા મિત્રને ના કહો તો તમે ખાક પ્રેમ કર્યો કહેવાય.
તે કવનને કહેતો તમે માત્ર કામ પૂરતી વાતો કરો છો, કોઈક વખત એમનેમ પણવાતો કરી લો.
"પણ તે વ્યસ્ત હશે તો?, એમ પણ તેણે કહ્યું હતું કે તેને પરીક્ષા આવે છે."
"તો તે તને કહી દેશે ભાઈ,તું કેમ તેની ચિંતા કરે છે?"
સીધા કે શરમાળ છોકરાની એક ખાસિયત હોય છે કે તે પ્રેમમાં ક્યારેય પહેલ નથી કરતો અને આ બાબત માં પહેલ ના કરવાથી ઘણી બધી વસ્તુ હાથ માંથી છૂટી જાય છે.
"હાય… કવન ઘણા દિવસે મળ્યા." આરોહી એ કવનને કહ્યું
"હા,બે અઠવાડિયા પછી.ગયા અઠવાડિયે તું નહોતી આવી લાયબ્રેરી?"
"ના હું મારી એક મિત્ર સાથે બહાર ગઈ હતી. જો કે મારે જવાની જરાય ઈચ્છા નહોતી,પણ જવું પડ્યું."
"કેમ?,તે તારી મિત્ર છે તારે જવું જોઈએ તેની સાથે."
"તે તેના બોયફ્રેન્ડને મળવા જતી હતી.મને આ બધું ખૂબ બકવાસ લાગે છે. મારે નહોતું જવું તેની સાથે."
"અરે કંઈ વાંધો નહિ તે જઈને સારું જ કર્યું. કદાચ તારી મિત્ર ને તારી જરૂર હશે."
"કવન મદદ તેવી વસ્તુ છે જે મર્યાદામાં માંગવા માં અને કરવામાં આવે તો વધુ ઉત્તમ ગણાય."
કવન હસવા લાગ્યો.
આરોહી એ ફરી બોલવાનું શરૂ કર્યું "અને આ વખતે તો તે છોકરા એ હદ કરી દીધી. મારી સાથે ફ્લર્ટીગ કરી રહ્યો હતો. મદદ પણ યોગ્ય માંગવી જોઈએ."
કવને હવે હસવાનું બંધ કરી દીધું હતું.તે આરોહી ને સાંભળી રહ્યો હતો.
"જો કે મને તેનો ફાયદો થયો, હવે મારી મિત્ર મને કોઈ દિવસ સાથે નહિ લઈ જાય."
"કેમ?"
"કારણકે મેં જાતે કરીને ધીમે ધીમે તે છોકરાને ભાવ આપવાનું શરૂ કર્યું, તેથી મારી મિત્ર હવે સાચેજ ચિંતામાં હશે અને તે મને કોઈ દિવસ સાથે નહીં લઈ જાય. જો કે સૌથી મહત્વની વાત મારે જવું પણ નથી."
આરોહી હસવા લાગી, કવન હસી રહ્યો હતો.આ પ્રથમ અંગત વાત હતી જે આરોહી એ કોઈ સંકોચ રાખ્યા વગર કવન સામે રજુ કરી હતી. તે વાતનો કવનને આનંદ હતો કે આરોહીની લાઈફ વિશે તેને કઈંક નવું જાણવા મળ્યું.
ક્યારેક કામ વગરની વાતો પણ કરવી જોઈએ તેનાથી બીજું તો કંઈ ના થાય પણ સબંધ જરૂર મજબૂત જરૂર બને છે.
"હું મારા કોલેજ નું ભણવાનું પતાવીને લગભગ મારી કોલેજના કોઈ મિત્રને નહિ મળું."
"કેમ?"
"ખબર છે ઈન્ટરનેટ પર કે સોશિયલ મીડિયા પર એવા ખાસા બધા વાક્યો આવે છે જેમ કે કોલેજ ના મિત્રો સર્વ શ્રેષ્ઠ છે.તે તમારી મેમેરી છે.તે જીવન ભર યાદ રહે છે."
"હા, તો…?"
"પણ મને તેવું મારા કોલેજ ના જીવનમાંથી કંઈ મળ્યું નથી અને જોવા જઈએ તો મારી તેમની સાથે કંઈ ખાસ બનતી નથી."
"તું કદાચ પહેલી હશું જેને આ પ્રોબ્લેમ હશે."
"હા, હું અલગ છું ને.." આરોહી હસી રહી હતી.
કઈંક અલગ રહેવામાં કોઈકવાર આપણે તે નથી જોઈ શકતા જે દુનિયા જોઈ શકે છે.
તે દિવસે પણ તે બંને એ લાયબ્રેરી માં જઈને ફરીથી બે સુંદર પુસ્તક લઈ આવ્યા.જો કે આરોહી ને માત્ર એક જ વંચાયું હતું. તેથી તેણે એક લઈને એક રિન્યુ કરાવ્યું હતું.કવન હવે ફરી બીજા અઠવાડિયાની રાહ જોવા લાગ્યો.
કવન ફરી વિચારતો હતો કે પાછા દિવસો એક જેવા વીતવા લાગ્યા બસ ફરક એટલો જ હતો કે પહેલાના દિવસોમાં આરોહી નહોતી અને હવેના દિવસોમાં દર અઠવાડિયે એક દિવસ આરોહીના નામનો હતો.
દુનિયામાં દરેક ના દિવસો રોજ એક જેવાજ જતા હોય છે.ઘણા ખરાના દિવસો બદલાતા પણ હોય છે અને ઘણા લોકો બદલવા માંગતા હોય છે.પણ છતાંય ઘણા લોકોને બદલાયેલા દિવસો ગમે છે અને ઘણાને બદલાયેલા દિવસો નથી ગમતા.
કવન આજકાલ માત્ર રવિવારની રાહ જોતો હતો અને જ્યારે તમે કોઈ વસ્તુની રાહ જોતા હોય ત્યારે તમારી એક પળ એક દિવસ જેવી લાગે છે અને એક દિવસ એક વર્ષ જેવો લાગે છે.
કવન પણ અત્યારે કઈંક આવા સમય માંથી જ પસાર થઈ રહ્યો હતો.
ક્રમશ
આગળની વાર્તા આવતા અંકે....આપને વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવો...આપના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં કે ફેસબુક એકાઉન્ટમાં વાર્તા શેર કરો...વધુ મિત્રો ને વાર્તા વિષે જણાવો.