નમતું પલ્લું ન્યાયનું
"આ ધુળેટી પછી સોદો પાક્કો.." માવજીભાઈ ઘરમાં પ્રવેશતાં જ દીકરા માધવને ઉદ્દેશીને બોલ્યા.
"પણ.. આટલી મોટી રકમ ક્યાંથી કાઢીશું?" માધવે માથું ખંજવાડતા ચિંતાતુર સ્વરે પૂછ્યું.
"થઈ રહેશે બધુંય..તું તારે ચિંતા ન કર..ગામડાનું ખેતર વેચી દઈશું.." માવજીભાઈએ ધરપત આપતા કહ્યું.
બાપ-દીકરાનો સંવાદ સાંભળીને રેવાબેન હાથ લૂછતાં લૂછતાં રસોડામાંથી બહાર આવ્યા. સાડીનો છેડો માથે લઈને કંઈક કહેવા જતા હતા પણ માવજીભાઈએ એમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. એથી થોડા અકળાઈને પાછા કામે વળગ્યા.
શહેરમાં વસતા દીકરા માધવના ઘરે માવજીભાઈ અને રેવાબેન થોડા સમય પહેલા જ રહેવા આવેલા. શહેરમાં માધવે ભાગીદાર સતીશ સાથે મળીને કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરેલું. વખતો વખત જામી ગયેલા ધંધામાંથી થતી અઢળક કમાણી સ્વરૂપે માધવની પત્ની શીલાના બંને હાથ સોનાની બંગડીઓથી જડાઈ ગયેલા. ભાગીદાર સતીશ પર મુકેલો અતિ વિશ્વાસ માધવને ધંધામાં અને અંગત જીવનમાં ખૂબ ભારે પડ્યો. વિશ્વાસઘાતી સતિશે આખો ધંધો અને રૂપાળી શીલાને એકસાથે છટકામાં લઈને માધવને ખાલીખમ કરી નાખ્યો.
પુત્રની અવદશામાં માવજીભાઈ અને રેવાબેન એની પડખે ઉભા રહ્યા. માનસિક સંતુલન ગુમાવી બેઠેલો માધવ રોજ સવાર પડ્યે કન્સ્ટ્રકશન માટે રોડ ટચ આવેલી જમીનના સોદાની વાત કરતો અને માવજીભાઈ 'સોદો થઈ જશે' એવી ખોટી સાંત્વના એને આપતા તેમજ રેવાબેન 'શીલા પિયર ગઈ છે' એવું બહાનું દીકરા આગળ ધરતાં.
સમય જતાં શહેરમાં માવજીભાઈએ નોકરી શોધી લીધી અને રેવાબેને ટિફિન બનાવવાનું શરૂ કર્યું. માતાપિતાના પ્રેમ અને મનોચિકિત્સકની યોગ્ય સારવારથી ધીમે ધીમે માધવની મનોદશા પણ સુધરી. હૃદય પર પડેલો દગાખોરીનો ઊંડો ઘા એ જીરવી ગયો. રાખમાંથી બેઠા થયેલા ફિનિકસ પક્ષીની માફક એ પણ બેઠો થયો. નવી હિંમત કેળવીને ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં એણે ઝંપલાવ્યું. આવડત અને અનુભવના જોરે થોડા વખતમાં એ સફળતાના શિખરે પહોંચ્યો. ગુમાવેલી સમૃદ્ધિ અને જાહોજલાલી બમણી થઈને પાછી આવી.
એક વાર ગાડી લઈને બીજા શહેરમાં કામે નીકળેલા માધવને રસ્તામાં શીલાનો ભેટો થયો. મેલીઘેલી સાડીમાં રસ્તા પર આવતા-જતા લોકોને રોકીને ભીખ માંગતી જોઈને માધવને આશ્ચર્ય થયું. ગાડી એક જગ્યાએ પાર્ક કરીને એણે અસ્થિર મગજની શીલાનો કુતૂહલતાવશ દબાતા પગલે એણે પીછો કર્યો. સાવ ગંદી ઝૂંપડપટ્ટીમાં શીલા એકલી જ રહેતી હોવાનું જણાયું.
સતીશને ઓળખતા કેટલાક લોકોને શીલા અને સતીશ વિશે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બાંધકામમાં વાપરેલા સામાનમાં કરેલી મોટી ગોલમાલને લીધે સતીશે બનાવેલી બિલ્ડીંગ ધરાશયી થઈ ગઈ અને એને પરિણામે ઘણા લોકોના જીવ ગયા. પોલીસે સતીશની ધરપકડ કરી અને એના ગુનાને લીધે એને આજીવન કારાવાસની સજા થઈ.
પોતાની સાથે કરેલ દગાને માધવ ભૂલી નહોતો શક્યો. પણ શીલાની આવી દશા પર એને દયા આવી ગઈ. ઘરે જઈને માધવે એના માતાપિતા સાથે ચર્ચા કરીને શીલાને પાગલખાનામાં ભરતી કરવાનું નક્કી કર્યું.
બીજા દિવસે માતાપિતાને લઈને માધવ શીલાને મળવા એની રોજની ભીખ માંગવાની જગ્યાએ પહોંચ્યો ત્યારે ખબર પડી કે આગલા દિવસે જ રસ્તો ઓળંગવા જતા એક ટ્રકની અડફેટમાં આવી જતા શીલા કાયમ માટે દુનિયાને અલવિદા કહી ગઈ..!
"ફાકિસ્તાન "
સરખેજ થી આગળ બાવળા વટાવો એટલે એક અદભુત દેશ કહો પ્રદેશ કહો ,રાષ્ટ્ર કહો જે કહો એની શરૂઆત થાય છે એ જગ્યા એટલે ફાકિસ્તાન !!! રંગ દે મોરે ગેરુઆ ગીત ને સાર્થક કરતી દીવાલો ,બસસ્ટેન્ડ ,બસ ની સીટો ,બધું ગેરુઆ રંગ ની પિચકારીઓ થી સુશોભિત !!દર ત્રણ દુકાને પાન ની દુકાન અને દર ૩ માણસે એક ફકીર નહીં પણ ફાકિર !!!રસ્તા માં જ્યાં જુઓ ત્યાં હાથ ની હથેળી માં પ્લાસ્ટિક ઘસતા માનવો દ્રષ્ટિગોચર થાય !!એક સિંગાપોર ના પ્રોફેસર એ જયારે આ જોયું ત્યારે એમને પૂછ્યું કે આ લોકો શું કરે છે ?અહીં હજી પણ અગ્નિ આ રીતે સળગાવે છે !!???આ પ્રદેશ માં તમને સળગતા મડદાં સામે લાઈન બન્ધ ફાકી ઘસતા દેખાય !!આ ફાકી એટલે પાન મસાલો ! સોપારી ,તમાકુ ના મિશ્રણ માં ચુના ની નાની કોથળી ની પિચકારી મારી એને ચોટલી વાળી પ્લાસ્ટિક ની કોથળી માં હથેળી માં ઘસવા માં આવે છે ત્યારે ઘસવાવાળા ના મુખ પર પરમસુખ ના ભાવ જોવા મળે છે !!પછી ફાકો મારે એટલે જાણે જીવન નું ચરમસુખ પામ્યા હોય તેમ હરખાય !!એક જમાના માં ૩ રૂપિયા માં મળતી આ વસ્તુ ૧૫ માં મળે છે !!રોજ ની ૫ તો મિનિમમ ખાનારા લોકો ભલે મહિને ૧૦૦૦૦ કમાતા હોય પણ આ ફાકી ન મૂકે !!ફાકિસ્તાન નો શિરસ્તો છે કે બીજા પ્રદેશ ના માણસ ને આ વસ્તુ ધરવા ની જ !!ખાસો કે બાપુ !!ત્યાં છોકરા જન્મે એ ફ્લેક્સિબલ ગલોકું ધરાવતા હોય જેમાં કોલેજ આવતા સુધી માં આ ફાકી વ્યવસ્થિત ગોઠવાઈ જાય !!આ ફાકિસ્તાન નો ફાકિર જયારે બોલે ત્યારે ભૂખરો રસ ઝરે અને મુખ માંથી કૈક એવા લઢણ માં શબ્દો વહે જાણે શબ્દો ને ફાકી નો બન્ધ નડતો હોય !!મહિને ૫૦૦૦ નું બજેટ ફાળવતો આ ફાકિસ્તાની નાગરિક સ્લીપર ભલે તૂટેલા પહેરતો હોય પણ ફાકી બ્રાન્ડેડ દુકાન ની જ ખાય !!અહીં પ્રોફેસર ગલોફાં માં ફાકી ભરાવી નિર્વ્યસન ના પાઠ ભણાવે !!આ ફાકિસ્તાન આમ તો સન્તો શૂરાઓ ની ભૂમિ કહેવાય છે પણ અહીં કેન્સર ના ખાસ કરી મોઢા ના દર્દીઓ પણ બહુ જ છે પણ સોડા ,ગાંઠિયા અને ભજિયાં ની શોખીન પ્રજા આ અદભુત શોખ કે વ્યસન પેઢી દર પેઢી સાચવતી આવી છે છતાં આઈ લવ યુ ફાકિસ્તાન !!