Atut Bandhan - 25 books and stories free download online pdf in Gujarati

અતૂટ બંધન - 25






(વૈદેહી અને શિખા આદિત્ય સાથે પાછા ઘરે ફરે છે. આદિત્ય વૈદેહી સાથે વાત કરવા પ્રયત્નો કરે છે પણ વૈદેહી એની સાથે વધુ વાત નથી કરતી. બીજી તરફ આનંદીબેન ગરિમાબેનને જણાવે છે કે વૈદેહી કરતાં સારી છોકરી સાર્થક માટે મળવી અશક્ય છે તો બંનેનાં લગ્નની વાત કરવી જોઈએ. જે સાંભળી ગરિમાબેન કંઈ જવાબ નથી આપતાં. ઉપરથી આસપાસની મહિલાઓ એમને વૈદેહી વિશે પૂછે છે તેથી તેઓ વધુ પરેશાન થઈ જાય છે. એ કૈંક વિચારી વૈદેહી પાસે જાય છે. હવે આગળ)

શિખા એનાં રૂમમાં બેઠી હતી અને વારંવાર એનાં મોબાઈલ તરફ જોતી હતી. એવું લાગતું હતું કે જાણે એ કોઈનાં કોલની રાહ જોઈ રહી હોય. થોડી મિનિટો આમ જ વિતી ગઈ પછી એનાં ફોનની રીંગ વાગી. શિખાએ તરત જ એ રીસિવ કર્યો અને બોલવાનું શરૂ કરી દીધું.

"કેટલી વાર લાગી તને ? હું ક્યારની તારા ફોનની રાહ જોતી હતી. તારી સાથે વાત કરવા માટે હું ક્યારની બહાનું કાઢી રૂમમાં આવી ગઈ. અને તું છે કે મને છેક હમણાં ફોન કરે છે. ક્યાં રહી ગયો હતો ? તને ખબર છે તારી સાથે વાત કરવા માટે હું કેટલી બેચેન હતી ? હવે કંઈ બોલ તો ખરો !"

"તું બોલવા દે તો બોલું ને !" સામેથી અવાજ આવ્યો.

"સોરી, એકચ્યુલી થોડા દિવસથી તારી સાથે વાત નહતી થઈ તો હું થોડી...તું નથી જાણતો અપૂર્વ કે આટલા દિવસ તારી સાથે વાત કર્યા વિના મેં કઈ રીતે પસાર કર્યા છે ?" શિખાએ કહ્યું.

શિખા જેની સાથે વાત કરી રહી હતી એ બીજું કોઈ નહીં પણ અપૂર્વ હતો. એણે વૈદેહીની મદદ કરી ત્યાર પછી એ સાર્થકનો તો મિત્ર બની જ ગયો હતો પણ સાથે સાથે શિખાનો પણ મિત્ર બન્યો હતો. જ્યારે પણ અપૂર્વ શિખાની સાથે હોતો ત્યારે શિખા સેફ ફીલ કરતી. એને અપૂર્વ સાથે વાત કરવું ગમતું હતું. તો સામે અપૂર્વને પણ શિખા માટે લાગણી હતી પણ એને જણાવી નહતો શકતો.

એકબીજાને મળતાં મળતાં, વાતો વાતોમાં ક્યારે તેઓ એકબીજાની નજીક આવી ગયા એમને પણ ખબર નહીં પડી. એમણે એકબીજાને પોતાના પ્રેમ વિશે જણાવ્યું તો નહતું પણ બંને એકબીજાની લાગણી સમજી ચૂક્યા હતા. બસ બંને તરફ રાહ જોવાઈ રહી હતી તો પ્રપોઝલની. કોણ કોને પ્રપોઝ કરે એની.

"સોરી યાર, હું થોડા કામમાં વ્યસ્ત થઈ ગયો હતો તો સમયનું ભાન જ ન રહ્યું. પણ એનો અર્થ એ નથી કે મેં તને યાદ નથી કરી. હું પણ તને ખૂબ જ મિસ કરતો હતો પણ શું કરું ? હું જ્યાં ગયો હતો ત્યાં જરાય નેટવર્ક નહતું." અપૂર્વએ કહ્યું.

"હમ્મ, તો કેવો રહ્યો કેમ્પ ? ત્યાં તો તમને લોકોને બહુ મજા આવી હશે ને ?" શિખાએ પૂછ્યું.

"હા, બહુ જ મજા આવી. પણ તું મારી સાથે હોત તો વધુ મજા આવતી." અપૂર્વએ કહ્યું

"અચ્છા, એવું કેમ ? તારી સાથે તારા બીજા ફ્રેન્ડ્સ પણ તો હતા જ ને ? એમની સાથે તને મજા નહીં આવી ?" શિખાએ અપૂર્વને ચીડવવા માટે કહ્યું.

"હતા પણ તું એ બધાથી અલગ છે."

"એવું કેમ ?"

"બસ એમ જ." અપૂર્વએ કહ્યું.

આમ જ થોડી વાતો કરી બંને કાલે કોલેજમાં મળશે એમ કહી ફોન મૂકી દીધો.

****

વૈદેહી એનાં રૂમમાં હતી અને કંઇક નોટ્સ લખી રહી હતી. થોડીવાર થઈ ત્યાં સાર્થકનો ફોન આવ્યો. સાર્થકે એને જણાવ્યું કે હવે એ થોડા દિવસમાં જ ઈન્ડિયા આવી રહ્યો છે. હવે વધુ ઓસ્ટ્રેલિયા રહેવાની જરૂર નથી. એની વાત સાંભળી વૈદેહી એકદમ ખુશ થઈ ગઈ. એની આંખોમાં ખુશીના આંસુ છલકાય ગયા.

સાર્થકને હજી પણ એની સાથે વાત કરવી હતી પણ એનાં પર એક કોલ આવ્યો અને એણે વૈદેહી સાથે બીજા દિવસે વાત કરશે એમ કહી ફોન મૂક્યો. વૈદેહી નાચી ઉઠી.

"સાર્થક, જ્યારે તમે આવશો ત્યારે હું તમને...ઓહ ગોડ હું શું કહીશ એમને ? આઈ લવ યુ સાર્થક. હું નથી જાણતી ક્યારે આ થયું પણ હું તમને ચાહવા લાગી છું. એવું થાય છે કે ઉડીને તમારી પાસે આવી જાઉં અને તમને ટાઈટલી હગ કરી કહું કે...." બોલતાં બોલતાં વૈદેહી શરમાઈ ગઈ અને એનાં હાથમાં રહેલી બુકને એનાં ચહેરા પર મૂકી દીધી.

એ જ સમયે એનાં રૂમનાં દરવાજે ટકોરા પડ્યા અને વૈદેહીએ એની લાગણીઓ કંટ્રોલ કરી દરવાજો ખોલ્યો. સામે ગરિમાબેન ઉભા હતાં.

"અરે આંટી તમે ? આવો ને અંદર." વૈદેહીએ હસીને કહ્યું.

"ઊંઘી ગઈ હતી ?" ગરિમાબેને પૂછ્યું.

"ના, નોટ્સ લખી રહી હતી." વૈદેહીએ કહ્યું.

"તું તારી સ્ટડીને લઈને ખૂબ જ સિરિયસ છે નહીં ? તો એનાં માટે મેં કંઇક વિચાર્યું છે. જો તને યોગ્ય લાગે તો તું..."

"તમે કંઈ વિચાર્યું હશે તો એ યોગ્ય જ હશે આંટી." વૈદેહીએ કહ્યું.

"મને આટલું ઇમ્પોર્ટન્સ આપવા માટે thank you. પણ કદાચ મારી વાત સાંભળી તને મારા પર ગુસ્સો આવી શકે છે." ગરિમાબેને કહ્યું અને વૈદેહી તરફ જોયું.

વૈદેહી કંઇક અસમંજસથી ગરિમાબેન તરફ જોઈ રહી હતી. એનું હૃદય બમણી ગતિએ દોડવા લાગ્યું. ગરિમાબેન શું કહેવા જઈ રહ્યાં છે એ સાંભળવા એણે એના હાથમાં પકડેલી બુક ટેબલ પર મૂકી દીધી.

"જો વૈદેહી, હું તારી દુશ્મન નથી. ઘણું વિચાર્યા પછી મેં આ નિર્ણય કર્યો છે. તારા અને સાર્થકનાં લગ્ન કેવા સંજોગોમાં થયા છે એ તો તને ખબર જ છે. તમારાં બંનેનાં લગ્ન થઈ ગયા છે એ વાત આપણાં ઘરનાં લોકો સિવાય બીજા કોઈને નથી ખબર. અને આ યોગ્ય સમય પણ નથી આ વાતને બહાર લાવવાનો. પણ તું અહીંયા રહે છે એ વાત આપણી સોસાઈટીમાં લગભગ બધા જ જાણે છે અને તેઓ કયા કયા પ્રકારની વાતો કરે છે એ કદાચ તને નથી ખબર. આપણે કંઈ લોકોનાં મોંઢે તાળું તો મારવા નહીં જઈ શકીએ ને !" ગરિમાબેન અટક્યાં. તેઓ વૈદેહીને જોવા લાગ્યા. વૈદેહી નીચું માથું રાખી ઉભી હતી. વૈદેહી એમની વાત સાંભળી રહી છે એની ખાતરી થતાં એમણે આગળ બોલવાનું શરૂ કર્યું.

"બધાં પાસાઓ વિશે વિચાર્યા પછી મેં નિર્ણય કર્યો છે કે..... મતલબ હું ઈચ્છું છું કે તું થોડા દિવસ પછી હોસ્ટેલમાં શિફ્ટ થઈ જાય. મેં તારી યુનિવર્સિટી હોસ્ટેલમાં વાત કરી લીધી છે અને તારી ફીસ પણ પે કરી દીધી છે. તું જે રૂમમાં રહેશે એ રૂમ હું જાતે જોઈ આવી છું. તને ત્યાં કોઈ તકલીફ નહીં પડે. અને જ્યારે વેકેશન પડશે ત્યારે તું અહીંયા રહેવા આવી શકે છે. તારી કોલેજ ફી થી માંડીને તારો બધો ખર્ચ હું ઉપાડી લઈશ. તું ખોટું નહીં વિચારતી. હું તો બસ એટલું ઈચ્છું છું કે કોઈ આ પરિવાર પર આંગળી ન ચીંધે."

ગરિમાબેને એમની વાત પૂરી કરી. જાણે મોટા પહાડનો ભાર ઉતરી ગયો હોય એમ એમણે રાહતનો શ્વાસ લીધો. વૈદેહીએ એમને પાણી આપ્યું. ગરિમાબેન એકી શ્વાસે બધું પાણી પી ગયા.

"આટલી વાત માટે તમે પરેશાન હતાં ? તમે ચિંતા નહીં કરો. હું આ પરિવાર પર કોઈને આંગળી ચીંધવાની તક નહીં આપું. અને આપ નિશ્ચિંત રહો. હું કાલે જ મામાના ત્યાં જતી રહીશ." વૈદેહીએ નીચું જોઈ કહ્યું.

"નહીં નહીં, ત્યાં નહીં. એ લોકોનો સ્વભાવ કેવો છે હું જાણું છું. તું હોસ્ટેલમાં વધુ સુરક્ષિત રહેશે." ગરિમાબેને કહ્યું.

"જેવી તમારી ઈચ્છા." વૈદેહીએ કહ્યું.

ગરિમાબેનને રાહત થઈ. એમણે રૂમમાંથી બહાર નીકળવા પગ ઉપાડ્યા ત્યાં જ એમને જાણે કંઈ યાદ આવ્યું હોય એમ પાછા તેઓ વૈદેહી તરફ ફર્યા.

"વૈદેહી, શિખા અને રજનીશ...."

"એની ચિંતા તમે છોડી દો આંટી. હું એમને સમજાવી દઈશ." વૈદેહીએ હસીને કહ્યું.

વૈદેહી પોતાની વાત માની ગઈ અને પાછું હસતાં ચહેરે એ આ ઘરમાંથી જવા તૈયાર થઈ એ વિચારી ગરિમાબેનને શાંતિ થઈ. તેઓ તરત જ રૂમમાંથી નીકળી ગયા. વૈદેહીએ દરવાજો બંધ કર્યો અને અત્યાર સુધી રોકી રાખેલા આંસુ છલકાય પડ્યાં. થોડી મિનિટો પહેલાં ખુશીથી ઝૂમી ઊઠેલી વૈદેહી ઢગલો થઈ ફસડાઈ પડી.

એ રાત માંડ માંડ વિતી. સવારે વહેલી ઉઠી એણે બધાં માટે નાસ્તો બનાવ્યો અને રૂમમાં ગઈ એનો સામાન પેક કરી દીધો. જ્યારે બધાં નાસ્તો કરવા બેઠાં હતાં ત્યારે વૈદેહી બે બેગ લઈને આવી. એને બેગ સાથે જોઈ શિખા અને રજનીશભાઈ એકબીજા તરફ જોવા.

"વૈદુ, આ બેગ લઈને તું ક્યાં જાય છે ?" શિખાએ પૂછ્યું.

"એકચ્યુલી, મેં થોડા દિવસ પહેલાં આપણી યુનિવર્સિટી હોસ્ટેલમાં વાત કરી હતી મારા માટે. એમનો કાલે જ ફોન આવ્યો કે રૂમ ખાલી છે તો હું ત્યાં શિફ્ટ થઈ રહી છું." વૈદેહીએ કહ્યું.

"શું ? હોસ્ટેલમાં ? વૈદુ, તું હોસ્ટેલમાં રહેશે ? પણ કેમ ? તને અહીંયા શું તકલીફ છે ?" શિખા પોતાની જગ્યા પરથી ઉભી થઈ ગઈ.

"હા બેટા, આમ અચાનક તેં આવો નિર્ણય કેમ કર્યો ? કોઈએ તને કંઈ કહ્યું છે ?" રજનીશભાઈએ પૂછ્યું.

"અરે બાબા, એવું કંઈ નથી. મને કોઈએ કંઈ નથી કહ્યું અને મને અહીંયા કોઈ તકલીફ નથી પણ બસ હું હોસ્ટેલમાં રહેવા માંગુ છું. શિખા તને તો ખબર જ છે મારું સપનું શું છે ? અને હું નથી ઈચ્છતી કે એ સપનાની આડે કંઈ પણ આવે. અહીં બધાં સાથે હોય છે તો મારું મન બધાં સાથે બેસી રહેવાનું થાય છે. બધાં સાથે વાતો કરવા સિવાય મને બીજું કંઈ દેખાતું નથી. પ્લીઝ મને હોસ્ટેલમાં જવા દે. હું વેકેશનમાં આવીશ." વૈદેહીએ બને એટલું નોર્મલ રહી કહ્યું.

શિખા કંઈ બોલવા જતી હતી પણ રજનીશભાઈએ એને રોકી અને કહ્યું,

"તને જેમ ઠીક લાગે એમ કર. તારા દરેક નિર્ણયમાં હું તારી સાથે છું. તું હોસ્ટેલમાં રહેવા માંગે છે તો ત્યાં જા પણ ક્યારેય પણ તને એવું લાગે કે તારે અહીં આવવું છે તો તારા માટે આ ઘરનાં દરવાજા હંમેશા માટે ખુલ્લા છે."

"Thank you uncle." વૈદેહીએ કહ્યું અને એમને પગે લાગી એમનાં આશિર્વાદ લીધા.

"ગોડ બ્લેસ યુ." રજનીશભાઈએ વૈદેહીનાં માથે હાથ મૂકીને કહ્યું.

વૈદેહી ગરિમાબેન પાસે ગઈ અને એમને પગે લાગી. એમણે વૈદેહીનાં માથે હાથ મૂક્યો. વૈદેહીએ શિખા તરફ જોયું જે ગુસ્સામાં નાસ્તો કર્યા વિના જ ઘરની બહાર નીકળી ગઈ હતી. વૈદેહીએ જલ્દી જલ્દી એક ડબ્બામાં નાસ્તો ભર્યો અને બેગ લઈને શિખા પાછળ દોડી.

વધુ આવતાં ભાગમાં.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED