કહેવાય છે જીંદગી ને સમજવી અઘરી છે પણ સમજવા કરતા તેને જીવાય તો તે સરળ છે. આપણે તેને સમજી વિચારી જીવવા ના પ્રયત્નો કરતા હોઈએ છીએ પણ ક્યાંક આપણી સમજણ ઓછી પડતી હોય એવું જણાય છે. સાચે જીંદગી ને સમજવી અઘરી છે?!! કદાચ હા..પણ સમજ્યા કરતા નાસમજ બની જીવીએ, અને પરિસ્થિતિ અનુરૂપ જેમ જીંદગી સમજાય એમ સમજી આગળ વધીએ તો કદાચ જીંદગી સમજાય જાય..
જીંદગી ને સમજવા-જીવવાના આ ચક્કરમાં માણસ થાકી જાય છે અને એકાંત માં જીંદગી ની ફરિયાદો ને વાગોળ્યા કરે છે. જીંદગી ને સમજવી વધુ અઘરી ત્યારે બને છે જ્યારે આપણે ખુદ થી જ અજાણ હોઈએ.
મારે જીંદગી ને સમજતાં પહેલા મારા અંતરઆત્મા સાથે ઓળખાણ કરવી પડશે.. મારે મારી જાત માટે અમુક હદો નક્કી કરવી પડશે, અમુક સિદ્ધાંત બનાવવા પડશે, એ હદો અને સિદ્ધાતો મને જીંદગી જીવવા તથા એને સમજવા માટે મદદરૂપ બનશે. અહીં હું કોઈ આદર્શવાદી સિદ્ધાંતોની વાત નથી કરતો. મારા વિચારો મુજબ મારા સિદ્ધાંતો હશે.
આ સિદ્ધાતો બનાવતી વખતે હું બીજાની લાગણી, ભાવનાઓ તથા અપેક્ષા નું ધ્યાન રાખીશ. પણ જ્યાં બીજાની અપેક્ષા જાળવતા ક્યાંક આપણી લાગણી દુભાય છે એવું જણાય તો પરિસ્થિતિ અનુરૂપ સિદ્ધાંતો બદલવા જરૂરી છે કારણ કે વધતી જતી અપેક્ષા દુઃખ આપે છે એ પછી આપણી અપેક્ષા હોય કે બીજાની..
ઘણી વખત જીંદગી સમજતાં સમજતાં ગૂંચવાઇ જવાય છે અને આપણને ખબર નથી પડતી કે આ ગૂંચવાડો શેનો છે અને આનો ઉકેલ શું છે. આનો ઉકેલ દર વખતે મળી જાય તે જરૂરી નથી અથવા તેનો ઉકેલ ગોતવો જરૂરી નથી તેવું મારું માનવું છે. મારા મતે તો જીંદગી ના અમુક સવાલોના જવાબ ન મળવા પણ જરૂરી છે કારણકે જીવનની ઘણી એવી વાતો હોય છે જેની આપણને જાણ ન હોય તો તે વધારે સારું અને તે ક્યાંક જીવવું સરળ પણ બનાવી જાય છે કારણકે જો આ જવાબો જાણી આપણને પસંદ ન આવે તો તે આપણા મનમાં અનેક નવા વિચારો તથા પ્રશ્નો ઉદભવે અને જે આપણું માનસિક સંતુલન જાળવી રાખવામાં અવરોધ ઉભા કરે છે.
'મ' રાશિવાળા મન અને મગજ વચ્ચે નું સંતુલન ખૂબ જ જરૂરી છે કારણકે આ જ માણસને બચાવે છે અને ડૂબાડે છે. સંતુલિત મન અને મગજ એટલે કે તે બંને એક બીજાની સાથે સંમત હોવા જોઈએ.
આપણાં જીવનમાં આવતા દરેક સંબંધો કે જે આપણને ખુશી આપે છે અને જ્યારે તે સંબંધ કોઈક કારણોસર તૂટે ત્યારે આ જ સંબંધ દુઃખને નોતરે છે.
મીઠા સંબંધોમાં ક્યારે ખટાશ આવી જાય છે એની ખબર નથી પડતી જાણે કે આપણે કોઈ સમુદ્ર કિનારે બેસી અને ડૂબતા સૂર્યને નિહાળીએ ત્યારે સૂરજ આથમતો હોય અને આપણી નજર તેના પર હોય છતાં તે ક્યારે આથમી જાય છે એની ખબર નથી રહેતી એ જ રીતે આપનો સંબંધ પણ ક્યાંક આથમી ગયો હોય છે.
શું વ્યક્તિ છૂટું પડે ત્યારે બંને વચ્ચેનો પ્રેમ પણ પૂર્ણ થઈ જતો હશે ખરો..??!!
ના.. સંબંધો માં ભલે ખટાશ આવી જાય પણ દિલના કોઈ એક ખૂણે તે સંબંધ અથવા તે વ્યક્તિ માટે પ્રેમ યથાવત રહે છે. તે સબંધે કે તે વ્યક્તિ એ આપેલા મીઠા પળો પ્રેમ ને જીવંત રાખે છે.
શું પ્રેમને ભૂલી શકાય??
મારા મત મુજબ ના.. જ્યારે આપણાં જીવનમાં કોઈ નવું વ્યક્તિ આવે અને તે વ્યક્તિ તરફથી આપણને બીજા કરતાં વધારે સહાનુભૂતિ મળવા લાગે અને આપણને લાગવા લાગે કે તે વ્યક્તિ આપણી લાગણીને સમજી શકે છે. તે વ્યક્તિનો સથવારો આપણને શીતળતા પ્રદાન કરતો હોય તેવું લાગવા લાગે છે. અને ત્યારે આપણું મન તેના તરફ આપમેળે આકર્ષિત થવા લાગે છે અને કદાચ આપણે ફરી પ્રેમ કરવા લાગીએ છીએ પણ આપણાં દિલમાં પહેલા પ્રેમના અંશ રહી જાય છે જેને ભૂલવા મુશ્કેલ હોય છે.
જીંદગીને સમજવી-સમજાવવી અઘરી છે. જ્યારે કઈ ખબર ના પડે કે શું થઈ રહ્યું છે ત્યારે ભગવાન પર ભરોસો રાખી તમે જે કરી રહ્યા હોવ તે કાર્ય કરતા રહેવું કારણકે આખરે ધાર્યું ધણીનું જ થાય.