અતૂટ બંધન - 23 Snehal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતૂટ બંધન - 23







(વૈદેહીને ખબર નથી હોતી કે શિખાએ સાર્થકને એનાં ફોનમાંથી મેસેજ કર્યા છે. જ્યારે વૈદેહીએ બધાં મેસેજ વાંચે છે ત્યારે એને સાર્થક સાથે વાત કરવાથી પણ ડર લાગે છે પણ જ્યારે સાર્થક એને જણાવે છે કે એ સારી રીતે જાણે છે એ બધાં મેસેજ શિખાએ કર્યા છે ત્યારે વૈદેહીને સારું લાગે છે. પછી એ સાર્થક સાથે ઘણી બધી વાત કરે છે. બીજા દિવસે બંને સખીઓ જીગરભાઈનાં ગામ પહોંચે છે. આનંદીબેન વૈદેહીને પણ એટલા જ પ્રેમથી આવકારે છે જેટલા પ્રેમથી શિખાને આવકારે છે. બધાં રાતે ડિનર કરતાં હોય છે ત્યારે આદિ આવે છે. હવે આગળ)

વૈદેહી અને શિખા આનંદીબેન અને જીગરભાઈ સાથે ડિનર કરતાં કરતાં વાત કરી રહ્યાં હતાં ત્યારે જ એમનાં કાને એક અવાજ પડ્યો. બધાએ એ તરફ જોયું.

પાંચ ફૂટ સાત ઇંચની ઊંચાઈ ધરાવતો લગભગ બાવીસ ત્રેવીસ વર્ષનો યુવક ત્યાં ઊભો હતો. કોલર લેસ ફૂલ સ્લીવની વ્હાઈટ ટીશર્ટ અને લાઈટ બ્લુ જીન્સ, ઘઉંવર્ણો પણ ઘાટીલો ચહેરો અને એનાં પર મનમોહક સ્મિત.

આનંદીબેન અને જીગરભાઈ એને જોઈને ખુશ થઈ ગયા.

"આદિ !" બંને એને જોઈ બોલી પડ્યાં.

"આદિ, તું અત્યારે ? અહીંયા ? તેં કહ્યું નહીં કે તું આવી રહ્યો છે ?" આનંદીબેને અચાનક આદિને અહીંયા જોઈ પૂછ્યું.

"નથી કહ્યું ? અરે મેં સવારે જ ફુઆને ફોન કરીને જણાવ્યું હતું. ફુઆ, તમે ભૂલી ગયા ?" આદિએ કમર પર હાથ મૂકીને જીગરભાઈ તરફ જોઈ પૂછ્યું.

"એએએએ હું ભૂલી ગયો. થોડું કામ હતું તો..." જીગરભાઈએ માથું ખંજવાળતા જઈને કહ્યું.

"હા હા, તમે તમારી ભાણેજ સામે તમારાં ભત્રીજાને થોડી યાદ રાખો." આદિએ શિખા તરફ જોઈ કહ્યું.

"તારામાં યાદ રાખવા જેવું કંઈ હોય તો યાદ રાખે ને ?" શિખાએ કહ્યું અને જમવા લાગી.

"ફુઆ, તમારે તમારી ભાણેજને કંઇક શીખવવું જોઈએ. ઘરે કોઈ આવ્યું હોય ત્યારે એને આવકારવાની જગ્યાએ કેવી ભુખ્ખડની જેમ વળગી રહેલી છે." આદિએ ડાયનિંગ ટેબલ તરફ જતાં કહ્યું.

"એય ભુખ્ખડ કોને કહે છે હાં ? તારી જેટલી તો નથી જ હું." શિખાએ એની જગ્યા પરથી ઉભા થઈ આદિ તરફ આંખો કાઢી કહ્યું.

"હા એ તો ખબર પડે છે કે કોણ કેટલું ખાય છે." આદિએ શિખાને બે હાથ વડે જાડી હોવાનો ઈશારો કર્યો. શિખાએ ઝીણી આંખો કરી અને આદિને ધક્કો માર્યો જેનાં કારણે એ બીજી તરફ બેઠેલી વૈદેહીની ચેર પર પડતાં પડતાં બચ્યો.

"આઈ એમ સો સો..." આદિ વૈદેહી પર પડવા જતો હતો પણ એણે પોતાની જાતને સંભાળી લીધી અને વૈદેહીની માફી માંગવા મોઢું ખોલ્યું પણ એનાં શબ્દો નીકળ્યાં જ નહીં. એ બસ વૈદેહીને જોઈ જ રહ્યો.

આદિ પોતાની ઉપર પડશે એમ સમજી વૈદેહીએ ડરનાં માર્યા એની આંખો બંધ કરી દીધી હતી. એનાં ગાલની લાલી,એનાં ગુલાબની પાંખડી જેવા હોઠ, ગોળો અને ઘાટીલો ચહેરો, પોનીમાં બાંધેલા વાળમાંથી એક લટ જે એનાં ગાલને વારંવાર ચૂમી રહી હતી એ જોઈ આદિ તો જાણે મંત્રમુગ્ધ બની ગયો. વૈદેહીએ ધીમે રહીને એની આંખો ખોલી. આદિ એની એકદમ નજીક હતો. એ હળવેથી ઉભી થઈ અને સાઈડમાં આવી ગઈ.

"હવે તું પડી શકે છે." શિખાએ કહ્યું અને આદિની તંદ્રા તૂટી.

આદિ તરત ઊભો થઈ ગયો અને વૈદેહી તરફ જોયું.

"સ...સોરી...તમને વાગ્યું તો નથી ને ?" આદિએ પૂછ્યું.

"It's ok. મને નથી વાગ્યું." વૈદેહીએ કહ્યું.

"અંઅંઅંઅં...તમે !" આદિ વૈદેહી કોણ છે એ જાણવા માંગતો હતો.

"વૈદેહી, મારી બેસ્ટ ફ્રેન્ડ. પણ જો હાં તું એનાથી તો દૂર જ રહેજે." શિખાએ કહ્યું.

"હું કંઈ તારી ફ્રેન્ડને ખાઈ નહીં જાઉં. જો કે ભૂખ તો મને લાગી જ છે. ફોઈ, શું બનાવ્યું છે ?" આદિએ ડાયનિંગ ટેબલ પર નજર દોડાવી પૂછ્યું.

"ભાઈ આજે તો તારી ફોઈએ બધું એની ફેવરિટ ભાણેજનું મનપસંદ બનાવ્યું છે. તો આજે તો તારે એ જ ખાવું પડશે." જીગરભાઈએ કહ્યું.

"વૈદેહી, બેટા આ મારા ભાઈનો દીકરો છે આદિત્ય. થોડો મજાકિયા સ્વભાવનો છે. તો તું એની વાતનું ખોટું નહીં લગાડતી." આનંદીબેને વૈદેહીને આદિની ઓળખાણ આપી.

"હા, શિખા ઘણીવાર એમના વિશે વાતો કરે છે." વૈદેહીએ કહ્યું.

"કોણ આ ભૂખ્ખડ મારા વિશે વાત કરે છે ?"

"મામી, કહી દો ને આને. ક્યારનો મને ભુખ્ખડ, ભુખ્ખડ કહી રહ્યો છે. જા હવે આવતી રક્ષાબંધન પર હું તને રાખડી જ નહીં બાંધુ." શિખા મોં ચઢાવીને બેસી ગઈ.

"હાશ, મારા પૈસા બચ્યા." આદિએ કહ્યું જે સાંભળી બધાં હસવા લાગ્યા જ્યારે શિખાએ એને એક ધબ્બો માર્યો.

"સોરી યાર. હવે નહીં કહું બસ. ખુશ ?" આદિએ શિખા સામે કાન પકડ્યા અને શિખા ખુશ થઈ ગઈ.

"વૈદેહી બેટા, આદિ ખૂબ જ ટેલેન્ટેડ છોકરો છે. આટલી નાની ઉંમરમાં એનાં પોતાના ત્રણ કેફે છે અને હવે એ પોતાની રેસ્ટોરન્ટ ખોલવાનું વિચારી રહ્યો છે. અને આ બધું એણે પોતાની મહેનતથી કર્યું છે. એણે કોઈની પાસેથી મદદ નથી લીધી." જીગરભાઈએ કહ્યું.

"ખોલવાનું વિચારી નથી રહ્યો ફુઆ પણ બધી તૈયારી પણ થઈ ગઈ છે. જગ્યા મળી ગઈ છે. અપ્રુવલ પણ મળી ગયું છે. બસ થોડા વખતમાં કામ પણ શરૂ થઈ જશે." આદિએ કહ્યું.

"ખરેખર ! ખૂબ ખૂબ અભિનંદન." આનંદીબેને કહ્યું. જીગરભાઈએ પણ એને અભિનંદન પાઠવ્યા.

"Congratulations આદિદેવ." શિખાએ મસ્તીમાં કહ્યું.

"Congratulations આદિત્ય." વૈદેહીએ કહ્યું.

જે સાંભળી આદિત્ય એકદમ ખુશ થઈ ગયો. ત્યાર પછી આમ જ વાતો કરતાં કરતાં બધાએ ડિનર કર્યું.

વૈદેહી અને શિખાએ આનંદીબેનને રસોડું અને વાસણ સાફ કરવામાં મદદ કરી. આનંદીબેને ના કહ્યું છતાંપણ વૈદેહીએ રસોડાની બધી સફાઈ કરી દીધી. એની કામ કરવાની રીતે ફક્ત આનંદીબેનને જ નહીં પણ જીગરભાઈ અને આદિત્યને પણ પ્રભાવિત કર્યા.

રાતે પણ બધાં મોડા સુધી વાતો કરતા રહ્યાં. જો કે સાર્થકનો ફોન આવવાથી વૈદેહી ટેરેસ પર જતી રહી. બહાર ચોકમાં બેસીને ટેરેસ પર વાત કરતી વૈદેહીને જોઈ આદિત્ય જાણે એનામાં ખોવાઈ ગયો. ચંદ્રની ચાંદનીમાં વૈદેહીનું રૂપ વધુ ખીલી ઉઠ્યું હતું.

"ઓ આદિદેવ, ક્યાં ધ્યાન છે તારું ? હું તને કંઈ પુછી રહી છું." શિખાએ આદિને હલાવીને પૂછ્યું.

"હં...હા, મતલબ તારી આ ફ્રેન્ડનો કોઈ બોયફ્રેન્ડ છે કે શું ?"

"એય ખબરદાર જો મારી ફ્રેન્ડ વિશે આવું વિચાર્યું છે તો. પણ તું કેમ આવું પૂછે છે ?" શિખાએ પૂછ્યું.

"નહીં, એ ક્યારની ફોન પર કોઈની સાથે વાત કરી રહી છે અને એનાં ફેસ પર જે સ્માઈલ છે એ જોઈ મને લાગ્યું કે...."

"એય, એનો કોઈ બોયફ્રેન્ડ નથી હાં. અને એમ પણ એ એનાં હસબન્ડ સિવાય બીજા કોઈને લવ નહીં કરે." શિખાએ કહ્યું.

પણ આ સાંભળી આદિત્યને જાણે શૉક લાગ્યો હોય એમ એણે પૂછ્યું,

"મતલબ ? વૈદેહીનાં લગ્ન થઈ ગયા છે ? ક્યારે ? કોની સાથે ?"

"શું ક્યારે ? કોની સાથે ? જ...જ્યારે થવાના હશે ત્યારે થશે. મેં એવું થોડું કહ્યું કે એનાં લગ્ન થઈ ગયા છે. મેં તો એવું કહ્યું કે એ એના હસબન્ડને લવ કરશે. તો જ્યારે એનાં લગ્ન થશે ત્યારની વાત કરું છું હું. પણ એમાં તું કેમ આટલો બધો હાયપર થઈ ગયો ?" શિખાએ પૂછ્યું.

"કંઈ નહીં. એ તો હું એમ વિચારતો હતો કે હજી તો વૈદેહીની સ્ટડી ચાલે છે તો આટલી જલ્દી મેરેજ..." આદિ એ સાંભળી ખુશ થઈ ગયો કે વૈદેહીનાં મેરેજ નથી થયા અને એનો કોઈ બોયફ્રેન્ડ નથી. એણે વાત આગળ ન વધે તેથી શિખાને પૂછ્યું,

"છોડ ને બધું. તું બોલ, આ સાર્થક ક્યાં ગુમ થઈ ગયો છે ? કેટલો સમય થયો હું એને મળ્યો નથી. ભાઈ તો બિઝનેસમાં એક્કો જમાવવા બેઠો લાગે છે."

"હા એ તો છે જ. ભાઈ અમારા બિઝનેસને ખૂબ આગળ લઈ જવા માંગે છે અને તેથી જ ચારેક મહિના માટે તેઓ ઓસ્ટ્રેલિયા ગયા છે. હવે ઇન્ટરનેશનલ લેવલ પર પણ બિઝનેસ શરૂ થાય એવું પપ્પા અને ભાઈનું સપનું છે.." શિખાએ કહ્યું.

આમ જ બીજી બધી વાતો કરી બધાં ઊંઘી ગયા.

બીજા દિવસે વૈદેહી વહેલી ઉઠી ગઈ અને એણે આનંદીબેનને એમનાં કામમાં ઘણી મદદ કરી. આનંદીબેનને વૈદેહીનો સ્વભાવ ખૂબ જ ગમ્યો. કામ પૂરું થયા બાદ જીગરભાઈ શિખા, વૈદેહી અને આદિત્યને ગામમાં ફરવા લઈ ગયા. વૈદેહી તો ગામડાનું વાતાવરણ જોઈ ખૂબ જ ખુશ થઈ ગઈ અને એને આમ ખુશ જોઈ શિખા પણ ખુશ થઈ.

દસ દિવસ તો આમ જ પસાર થઈ ગયા. આ દસ દિવસમાં વૈદેહી ઘરનાં દરેક સભ્યના હૃદયમાં વસી ગઈ. એમાં પણ આદિત્ય તો એની સાથે જીવન જીવવાનાં સુંદર સપનાઓ જોવા લાગ્યો.

તો બીજી તરફ વૈદેહી અને સાર્થક ફોન પર એકબીજા સાથે સારો એવો સમય પસાર કરવા લાગ્યા હતા અને એનાં કારણે તેઓ ભલે સેંકડો માઈલ દૂર હતા છતાંપણ એકબીજાની નજીક હોય એવું તેઓ અનુભવી રહ્યાં હતાં.

પાછા ફરવાના આગલાં દિવસે આનંદીબેને વૈદેહીની પસંદગીની વાનગીઓ બનાવી. જે જોઈ શિખા ખોટી ખોટી નારાજ થઈ ગઈ અને કહ્યું,

"મામી, ઇટ્સ નોટ ફેર. તમે બધો વ્હાલ વૈદુને જ કરો છો. હું તો હવે તમને દેખાતી જ નથી."

"કોણે કહ્યું આવું ? તું તો અમારી લાડકી છે. અત્યાર સુધી મારી બે દીકરી અને બે દીકરા હતાં. પણ હવે ત્રણ દીકરીઓ અને બે દીકરા છે. સૃષ્ટિ અને શિખા પછી હવે વૈદેહી પણ મારી દીકરી બની ગઈ છે. બરાબર ને વૈદેહી ?" આનંદીબેને પૂછ્યું.

"માનો પ્રેમ તો મેં કોઈ દિવસ અનુભવ્યો નથી. મને હંમેશા લાગતું કે ભગવાને મારી પાસેથી મારી માને કેમ લઈ લીધી હશે પણ હવે મને કોઈ ફરિયાદ નથી. કારણ કે આજે મારી પાસે ગરિમાઆંટી અને આનંદીઆંટી એમ બે બે મા છે." વૈદેહીએ કહ્યું.

"તો હવે પછી જ્યારે પણ શિખા અહીંયા આવે ત્યારે તારે પણ આવવાનું છે." જીગરભાઈએ કહ્યું.

"ચોક્કસ ! હવે તો મને તમને મળવા આવવા માટે બસ બહાનું જ શોધવું પડશે." વૈદેહીએ કહ્યું અને બધાં હસી પડ્યા.

શિખા એનાં ઘરે ફોન કરી ગાડી બોલાવવાની હતી પણ આદિત્યએ કહ્યું કે એ બંનેને ડ્રોપ કરી દેશે કારણ કે એને પણ શહેરમાં કામ છે. જો કે મનમાં તો એ વૈદેહી સાથે વાત થઈ જાય એવા ઈરાદા સાથે શહેર જઈ રહ્યો હતો કારણ કે અહીંયા તો જીગરભાઈ અને આનંદીબેન સામે એ વૈદેહી સાથે ફક્ત હાય હેલો જેટલી જ વાતો કરતો. વધુ વાત કરવાની એની હિંમત નહતી થતી.

*******

ગરિમાબેન અઠવાડિયાથી શું કરવું અને શું નહીં એ વિચારી રહ્યાં હતાં પણ એમને કંઈ સૂઝી નહતું રહ્યું. એમને વૈદેહીને આ ઘરમાંથી બહાર તો કાઢવી હતી પણ સાથે સાથે એ નહતા ઈચ્છતા કે વૈદેહી ફરીથી એ જ નર્કમાં જાય જ્યાં એને આજ સુધી ફક્ત દુઃખ જ મળ્યું છે. એ વૈદેહીને નફરત નહતાં કરતાં પણ એમનાં માટે એમનાં પરિવારની સલામતી વધારે મહત્વની હતી અને તેથી જ તેઓ વૈદેહીને એમનાં પરિવારથી દૂર રાખવા માંગતા હતા. એ આવા બધાં વિચારોમાં અટવાયેલા હતા ત્યારે જ આનંદીબેનનો એમનાં પર ફોન આવ્યો.

ફોનની સ્ક્રીન પર નામ જોઈ ગરિમાબેનનાં ચહેરા પર સ્મિત ફરકી ઉઠ્યું. એમણે ફોન ઉપાડ્યો. તેઓ આનંદીબેનને બધી વાત કરવા માંગતા હતા પણ આનંદીબેને ગરિમાબેનને જે જણાવ્યું એ સાંભળી ગરિમાબેન આઘાત પામ્યાં.

વધુ આવતાં ભાગમાં....